ગુજરાતમાં હજી પણ વરસાદની આગાહી, કઈ તારીખથી કયાં પડશે માવઠું?

ગુજરાતમાં હજી પણ વરસાદની આગાહી, કઈ તારીખથી કયાં પડશે માવઠું?

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે જેના કારણે ખેતરમાં ઊભેલા તથા માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલા પાકને નુકસાન થયું છે.

દરમિયાન રાજ્ય સરકારના કૃષિ વિભાગે બદલાયેલા હવામાનને ધ્યાને રાખીને ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરોમાં ઊભેલાં પાકને નુકસાનથી બચાવવા સાવચેતીનાં પગલાં સૂચવતી ઍડવાઇઝરી જાહેર કરી છે.

રાજ્યના ખેડૂતોને કૃષિ પ્રગતિ ઍપ્લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાવચેતી રાખવાની માહિતી પણ આપવામાં આવી રહી છે.

કૃષિ વિભાગે ખેડૂતોને અનુરોધ કર્યો છે કેઃ

કાપણી કરેલો પાક ખેતરમાં ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો.

પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો જેથી વરસાદનું પાણી નીચેથી અંદર ન ઘૂસે.

પાકેલા પાકની સત્વરે લણણી કરી તેને સુરક્ષિત ખસેડવાની કામગીરી કરવી.

ઊભા પાકમાં પાણી ભરાઈ ન રહે તે માટે ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા અગાઉથી કરી લેવી.

વરસાદી વાતાવરણ દરમિયાન પાકને પિયત આપવાનું અથવા જંતુનાશક દવા છાંટવાનું કામ મુલતવી રાખવું.

જીરું, ઇસબગુલ અને વરિયાળી જેવા ભેજથી જલ્દી બગડતા પાકોને પ્રાથમિકતા આપી સલામત સ્થળે ખસેડવા.

APMCમાં ખેડૂતો અને વેપારીઓએ અનાજ અને ખેતપેદાશોને શૅડ નીચે અથવા સુરક્ષિત રીતે ઢાંકીને રાખવાં.

શક્ય હોય તો આ દિવસો દરમિયાન વેચાણ અર્થે ખેત પેદાશો APMC માર્કેટમાં લાવવાનું ટાળવું.

ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત સ્થળે રાખવો.

આ ઉપરાંત કૃષિ વિભાગે જણાવ્યું છે કે વધુ જાણકારી કે માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો.

આ ઉપરાંત ગુજરાત સરકારે સૂચના આપી છે કે ખેડૂતો કિસાન કૉલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર 1800 180 1551 પર પણ સંપર્ક કરી શકાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન