એક સમયે હિંસા, નશીલાં દ્રવ્યોનાં દૂષણોથી ખદબદતી શાળાની વિશ્વમાં શ્રેષ્ઠ બનવા સુધીની સફર

    • લેેખક, રૂટ પિના
    • પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ
  • વાંચવાનો સમય: 7 મિનિટ

2016માં ઇતિહાસના શિક્ષક રેજિસ માર્ક્વેસ પર 'પાર્ક ડોસ સોન્હોસ' નામની સરકારી સ્કૂલ (જેનો અર્થ થાય છે, સપનાંનો બગીચો)ના મુખ્ય શિક્ષક તરીકે કાર્યભાર સંભાળવાનું આમંત્રણ આપતો ફોન આવ્યો, ત્યારે તેમણે પ્રથમ વખત આ શાળાનું નામ સાંભળ્યું હતું.

જોકે, તેમના સિવાય અન્ય લોકો અગાઉ આ શાળા વિશે સાંભળી ચૂક્યા હતા. બ્રાઝિલના સાઓ પાઉલોના દરિયાકાંઠે વસેલા કુબાતાઓમાં આવેલી આ શાળા વિશે અખબારોમાં ઘણું લખાઈ ચૂક્યું હતું.

માર્ક્વેસ યાદ કરે છે, "મેં શાળા વિશે ઑનલાઇન સર્ચ કર્યું. પ્રથમ લેખ એ હતો કે, આ સંસ્થા જ્યાં આવેલી હતી, તે વિસ્તારમાં હિંસા અને અસલામતીનું વર્ચસ્વ હતું. બીજો લેખ શાળામાં થયેલી તોડફોડ અને ચોરી અંગે હતો."

"અને ત્રીજા લેખમાં જણાવાયું હતું કે, એક તહેવાર દરમિયાન ડ્રગ માફિયાઓએ શાળામાં ઘૂસી જઈને ત્યાં તોફાન મચાવ્યું હતું."

માર્ક્વેસને આંચકો લાગ્યો હતો.

તેઓ કહે છે, "મેં વિચાર્યું, હે ભગવાન, શું હું સાચે જ આવી નિશાળમાં જઈશ?"

શ્રેષ્ઠ શાળા બનાવવાનો નિર્ધાર

'પાર્ક ડોસ સોમ્હોસ' શાળાની છબિ એટલી ખરડાયેલી હતી કે, તેને "પાર્ક ડોસ પેસાડેલોસ" એવું ઉપનામ મળ્યું હતું, જેનો અર્થ થાય છે - દુઃસ્વપ્નોનો બગીચો. છતાં, માર્ક્વેસે આ પડકાર ઝીલી લીધો. આશરે એક દાયકા પછી શાળામાં જે સકારાત્મક પરિવર્તન આવ્યું છે, તે કોઈ સુખદ આશ્ચર્યથી કમ નથી.

2025માં શાળાને વિપરીતતાનો સામનો કરવાની શ્રેણીમાં વિશ્વની શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કારનું સંચાલન બ્રિટનસ્થિત ટી4 ઍજ્યુકેશન કરે છે.

આ શાળા જાર્દિમ રિયલમાં આવેલી છે. જાર્દિમ રિયલ એ દક્ષિણ-પૂર્વીય બ્રાઝિલના દરિયાકાંઠાની પર્વતમાળા સેરા ડો મારના અવાર-નવાર ભૂસ્ખલનનો સામનો કરતા વિસ્તારોમાંથી પરિવારોનું પુનર્વસન કરવા માટે 2013માં સ્થાપવામાં આવેલો સમુદાય છે.

સમુદાયનાં બાળકોને શિક્ષણ મળે, તે હેતુથી જ્યારે 2014માં પાર્ક ડોસ સોન્હોસ શાળા શરૂ કરવામાં આવી, ત્યારે આસપાસના વિસ્તારોમાં કોઈ માળખાકીય સુવિધાઓ નહોતી. બસ, એક જંગલ, એક નદી અને ગણ્યાં-ગાંઠ્યાં ઘરો હતાં. ધીમે-ધીમે બહારના લોકો વારંવાર શાળાના મેદાનમાં ગેરકાયદે ઘૂસવા માંડ્યા.

માર્ક્વેસ યાદ કરે છે, "અહીં કોકેઇનની શીશીઓ (નશીલાં દ્રવ્યો), વપરાયેલાં કૉન્ડોમ્સ, ફેંકેલાં કપડાં, ચાદરો, શરાબની બૉટલો અને આવી ચીજો મળવી સામાન્ય હતું. મુખ્ય શિક્ષક તરીકેના મારા બીજા દિવસે મારી ઑફિસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો."

2016ની શરૂઆતમાં માત્ર 116 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો હતો, જે આંકડો શાળાની ક્ષમતા કરતાં ઘણો ઓછો હતો.

"અડધોઅડધ વિદ્યાર્થીઓએ શાળા બદલી આપવા વિનંતી કરી હતી, કારણ કે, હિંસા, હુમલા, તોડફોડના બનાવોને કારણે તેઓ અહીં ભણવા માગતા નહોતા," એમ માર્ક્વેસ કહે છે.

તે પછી તેમણે પોતાના માટે એક મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક આંક્યોઃ આ પ્રદેશની અત્યંત કંગાળ શાળાઓ પૈકી એક આ શાળાને પાંચ વર્ષની અંદર રાજ્યની શ્રેષ્ઠ શાળા બનાવવી.

શાળામાં પરિવર્તન કેવી રીતે શરૂ થયું?

32 વર્ષ સુધી બાળકોને ભણાવનારાં પોર્ટુગીઝ શિક્ષિકા મારિયા ડી લૉર્ડ્સ એમોરિમને શરૂઆતમાં આ યોજનાને લઈને શંકા હતી.

તેઓ કહે છે, "જરા કલ્પના કરી જુઓ, સાઓ પાઉલોનો એક યુવાન વયમાં તેનાથી ઘણા મોટા શિક્ષકોના એવા જૂથ સાથે વાત કરી રહ્યો છે, જે શિક્ષણ ક્ષેત્રે તેના કરતાં ક્યાંયે વધારે અનુભવ ધરાવે છે. અમે તેની સામે જોઈને કહ્યું, 'શું તમે પાગલ છો?'"

પ્રથમ કામ હતું પાયાની સુવિધાઓનું પુનર્નિર્માણ કરવું. દીવાલો, ફ્લોર અને ફર્નિચર. સીમિત ભંડોળને પગલે શાળાએ ખાનગી કંપનીઓ પાસે મદદનો હાથ લંબાવ્યો, 135 પત્રો પાઠવીને આશરે 18,800 ડૉલર (14,000 પાઉન્ડ) ભંડોળ એકઠું કર્યું.

સ્થાનિક સમુદાય સાથેનાં જોડાણો મજબૂત કરવા માટે શાળાના સ્ટાફે યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષાઓ અને જાહેર સેવાની કારકિર્દી માટેના પ્રારંભિક અભ્યાસક્રમો તૈયાર કર્યા. વળી, તેમણે સપ્તાહના અંતે આસપાસના લોકો માટે શાળા ખોલવાનું પણ શરૂ કર્યું.

સ્થાનિક રહેવાસી ઍના ગેબ્રિએલા લિમા શાળાનાં શરૂઆતનાં સંઘર્ષોનાં સાક્ષી રહ્યાં છે. તેમનો સૌથી મોટો પુત્ર શાળાના વિદ્યાર્થીઓના પ્રથમ જૂથમાં સામેલ હતો અને ઍના સ્વયંસેવકોની પ્રથમ ટીમમાં જોડાયાં હતાં.

તેઓ કહે છે, "શાળાને મદદની જરૂર હતી, આથી મેં અન્ય માતાઓને મદદ કરવા જણાવ્યું. અમે શાળાની સફાઈ કરી, રસોડામાં કામ કર્યું અને શિક્ષકોને જરૂર પ્રમાણે સહાય કરી."

લિમા હવે શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને સહાય કરવાનું કામ કરે છે.

શાળાએ તેનો અભ્યાસક્રમ પણ પરંપરાગત વિષયોથી આગળ વિસ્તાર્યો હતો.

આજે તે 23 જુદા-જુદા વર્ગો ચલાવે છે, જેમાં રસોઈ બનાવવાથી લઈને રમતગમત જેવાં ક્ષેત્રોને આવરી લેવાયાં છે. રમતગમતમાં પણ સરકારી શાળાઓમાં ભાગ્યે જ જોવા મળે, તેવી બૅડમિન્ટન અને ફિગર સ્કેટિંગ જેવી રમતોને સ્થાન અપાયું છે.

માર્ક્વેસ કહે છે, "તેની સાથે જ અમે અમારાં વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળી અને ખરા અર્થમાં તેમના પર કેન્દ્રિત હોય, તેવો માનવતાવાદી અભિગમ અપનાવ્યો."

આ પરિવર્તને વિદ્યાર્થીઓ માટે, શાળાના વાતાવરણ સાથેના તેમના જોડાણને તેમજ દિવસભરના સમયપત્રકની જરૂરિયાતોને સંપૂર્ણપણે બદલી નાંખ્યાં છે.

સાત વર્ષથી પાર્ક ડોસ સોન્હોસમાં અભ્યાસ કરી રહેલી 12 વર્ષીય વિદ્યાર્થિની એસ્ટરે જણાવ્યું હતું, "પહેલાં તો મને લાગ્યું કે આ કેવળ એક સામાન્ય વર્ગખંડ જ છે, આથી મને તે ગમતો નહોતો."

"પણ પછી શાળામાં નવા વિષયો આવવા શરૂ થયા અને હવે અહીં ઘણી મજા આવે છે, કારણ કે અમારે વર્ગખંડની અંદર ભરાઈ રહેવું નથી પડતું."

એસ્ટરને શાળાના સમયના અંતે લેવામાં આવતા થિયેટરના વર્ગોમાં વધુ રુચિ છે.

શાળાને આ પ્રેરણા ક્યાંથી મળી?

માર્ક્વેસના મતે, એક અત્યંત પરિવર્તનકારી પહેલ ક્યુબાના મૉડલ શિક્ષણ પરથી પ્રેરિત હતી, જે હતી કે વિદ્યાર્થીઓના ઘરે જઈને તેમના પરિવારોની મુલાકાત લેવી.

'ધ સ્કૂલ કમ્સ ટુ યોર હોમ' તરીકે ઓળખાતો આ કાર્યક્રમ હાજરી કે વર્તનને લગતા પડકારો ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ કરે છે અને તે અંતર્ગત સપ્તાહના અંતમાં તેમના વાલીઓ સાથે મુલાકાતનું આયોજન કરે છે.

શાળાની દીવાલોમાંથી બહાર નીકળીને વિદ્યાર્થીઓની વાસ્તવિકતાઓને સમજવા માટેનો આ એક માર્ગ છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પહોંચતાં પહેલાં પણ મુશ્કેલ સ્થિતિઓનો સામનો કરતા હોય છે.

માર્ક્વેસ સમજાવે છે, "તે વિદ્યાર્થીની સ્થિતિમાં સ્વયંને મૂકવાનો, તેમણે કેવા પડકારોનો સામનો કરવો પડે છે તથા તેમનું કૌટુંબિક જીવન કેવું છે, તે સમજવા માટેનો માર્ગ છે. વિદ્યાર્થીઓની એવી કેટલીક સમસ્યાઓ હોય છે, જે ઘણી વખત શિક્ષકોને દેખાતી નથી હોતી," એમ માર્ક્વેસ સમજાવે છે.

શાળાની પરસાળ પણ વિવિધ વર્ણનો ધરાવે છે. પાર્ક ડોસ સોન્હોસનો દરેક વર્ગખંડનો દરવાજો માનવ હક્કો માટેના વૈશ્વિક સંઘર્ષ સાથે જોડાયેલી ઐતિહાસિક હસ્તીઓનાં ભીંતચિત્રોથી શણગારવામાં આવ્યો છે.

તેમાં મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલ, મલાલા યુસૂફઝઈ, પેપે મુજીકા અને બ્રાઝિલની ખ્યાતનામ પ્રતિભાઓ - મેરિયલ ફ્રાન્કો તથા પાઉલો ફ્રેરેનાં ચિત્રોનો સમાવેશ થાય છે.

આ ચિત્રોને કારણે કેટલાક વિવાદો પણ સર્જાયા છે. એસ્કોલા સેમ પાર્ટિડો (નિષ્પક્ષ શાળા) જેવી ચળવળ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, તેના કારણે રાજકીય ધ્રુવીકરણ ઉદભવે છે. આ ચળવળ શાળાઓમાં "વૈચારિક બ્રેઇનવૉશિંગ"નો અંત લાવવાની તરફેણ કરે છે.

માર્ક્વેસ મક્કમતાથી કહે છે કે, તેઓ ટીકાથી ડરતા નથી અને ભારપૂર્વક જણાવે છે કે શાળા એકતાને, અહિંસાને મહત્ત્વ આપે છે.

"અહિંસા માત્ર બીજો ગાલ ધરવા વિશે નથી. અહિંસા તમારા પર અત્યાચાર ગુજારનારી વ્યવસ્થા સામે સવાલ ઉઠાવવા વિશે છે," એમ માર્ક્વેસ કહે છે.

'વિશ્વમાં શ્રેષ્ઠ'

પાર્ક ડોસ સોન્હોસ શાળા 2025ના વિશ્વની શ્રેષ્ઠ શાળાના પુરસ્કાર માટેની ફાઇનલિસ્ટ બની હોવાના અને પછીથી વિજેતા જાહેર થયાના સમાચાર જ્યારે સપ્ટેમ્બરમાં પ્રસર્યા, ત્યારે શાળાના જિમ્નેશિયમમાં એકઠાં થયેલાં વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.

"તે લાગણીસભર ક્ષણ હતી. લોકોની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. અમે પ્રથમ આવ્યાં છીએ, તે જાણીને હું પણ લાગણીશીલ થઈ ગઈ હતી," એમ એસ્ટર જણાવે છે.

જે પરિવર્તનને કારણે શાળાને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી, તે પરિવર્તન તેનાં શૈક્ષણિક પરિણામોમાં પણ પ્રતિબિંબિત થાય છે. એક દાયકા કરતાં વધુ સમયમાં શાળાની ગુણવત્તા માપતા શિક્ષણ સૂચકાંક પર શાળાનો સ્કોર લગભગ બમણો થઈ ગયો છે - જે શૈક્ષણિક પરિણામોમાં લગભગ 100 ટકા જેટલો સુધારો દર્શાવે છે.

2016માં શાળા બંધ થવાના આરે હતી...

ત્યાંના ઘણા શિક્ષકો માટે સફળતાનો માપદંડ કેટલા લોકોનાં જીવન બદલાયાં અને કેટલા લોકોનાં ભવિષ્યને સાચી દિશા મળી - તેના આધારે નક્કી થાય છે.

આવાં જ એક શિક્ષિકા મારિયા ડી લૉર્ડ્સ કહે છે, "અમારી શાળાએ પ્રગતિ કરી છે. સરકાર અમારી પાસે આંકડા માગે છે, કારણ કે આખરે તો આંકડા જ ધ્યાન પર લેવાતા હોય છે, પણ અમારા માટે મહત્ત્વની બાબત એ છે કે અમારાં વિદ્યાર્થીઓ આજે કેવી સ્થિતિમાં છે, તેમનું પર્ફૉર્મન્સ કેવું છે અને આવતી કાલે તેમનું પર્ફૉર્મન્સ કેવું હશે."

મુખ્ય શિક્ષક સ્વીકારે છે કે, શાળા પરફેક્ટ નથી અને હજુ તેમાં અમુક ક્ષેત્રોમાં સુધારો લાવવાની જરૂર છે, પરંતુ શાળા કઈ સ્થિતિમાં હતી અને ત્યાંથી તેણે કેટલો વિકાસ કર્યો, તે જોતાં ભવિષ્ય આશાસ્પદ જણાઈ રહ્યું છે, તેમજ પાડોશની એક શાળા સાથે વિલિનીકરણ કરવાની યોજનાઓ પણ ચાલી રહી છે.

તેઓ કહે છે, "એક એવી શાળાની કલ્પના કરી જુઓ, જે 2016માં બંધ થવાના આરે હતી, કારણ કે તેમાં વિદ્યાર્થીઓ નહોતાં અને હવે 2026માં 1,200 વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરશે. આ સાચે જ રોમાંચક બાબત છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન