પ્રદીપ જોટંગિયાની નકલી નોટોની માયાજાળ, રાજકોટથી અમદાવાદ વાયા સુરત સુધીની કહાણી

બીબીસી ગુજરાતી રાજકોટથી સુરત આવીને યોગાશ્રમ સ્થાપનાર પ્રદીપ જોટંગિયાએ નકલી નોટોની માયાજાળ કેવી રીતે રચી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાયેલા પ્રદીપ જોટંગિયા (વચ્ચે સફેદ કપડાંમાં) સહિતના આરોપીઓ જેમની પાસેથો કરોડો રૂપિયાની બનાવટી નોટો મળી આવી હતી
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ગુજરાતમાં પોલીસે તાજેતરમાં પોતાને 'યોગગુરુ' ગણાવીને ભવ્ય આશ્રમ ચલાવતા અને તેની આડમાં કથિત રીતે ચલણી નોટો છાપવાનું કામ કરતા પ્રદીપ જોટંગિયા ઉર્ફે 'પ્રદીપ ગુરુજી' નામની વ્યક્તિની ધરપકડ કરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગત બુધવારે કારને આંતરીને ચેકિંગ કરતા તેમાંથી બે કરોડથી વધારે મૂલ્યની 500-500ની બનાવટી ચલણી નોટો મળી આવી હતી. આ મામલામાં 'પ્રદીપ ગુરુજી' સહિત અન્ય છ લોકોની ધરપકડ કરાઈ હતી.

મૂળ રાજકોટના અને સુરત પાસે આશ્રમ ચલાવતા કથિત 'યોગગુરુ' પાસેથી કરોડો રૂપિયાની બનાવટી ચલણી નોટો મળી આવ્યા બાદ આ આખું નેટવર્ક કઈ રીતે રચાયું તેના સવાલ ઊઠી રહ્યા છે.

પોલીસના આરોપ પ્રમાણે રાજકોટથી સુરત આવીને આશ્રમ બનાવનાર પ્રદીપ ઝડપથી કરોડો રૂપિયા કમાવા માગતો હતો અને તેથી પોતાના સાથીદારો સાથે મળીને નકલી નોટો છાપવાનો કારોબાર શરૂ કર્યો હતો. પ્રદીપના સ્વજનોની દલીલ છે કે પ્રદીપને તેના કોઈ હિતશત્રુએ ફસાવ્યો છે.

'યોગગુરુ' અને નકલી નોટો છાપવાનું નેટવર્ક, શું છે મામલો?

બીબીસી ગુજરાતી રાજકોટથી સુરત આવીને યોગાશ્રમ સ્થાપનાર પ્રદીપ જોટંગિયાએ નકલી નોટોની માયાજાળ કેવી રીતે રચી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, પોલીસનો દાવો છે કે તેમને આ વાહનમાંથી નકલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો

આ કેસમાં પોલીસે પકડી પાડેલી કારમાં એક મહિલા અને કેટલાક પુરુષો સવાર હતાં, જેઓ સુરતમાં આશ્રમ ચાલવતા કહેવાતા 'યોગગુરુ' પ્રદીપ જોટંગિયાના અનુયાયી હતાં.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજિયને બીબીસીને કહ્યું કે, "એક કારમાં નકલી નોટો હોવાની બાતમીના આધારે અમે અમરાઈવાડી મેટ્રો સ્ટેશનથી થોડે દૂર આંતરીને તપાસ કરતાં તેમાં સવાર એક મહિલા અને ત્રણ પુરુષો પાસેથી બે કરોડથી વધુની નકલી નોટો મળી હતી."

"કાર પર સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનનું નામ લખેલું હતું. પકડાયેલા લોકોએ પ્રાથમિક પૂછપરછમાં ફાઉન્ડેશનના અનુયાયી હોવાનું અને નકલી નોટ બનાવવા માટે તેમને આશ્રમના સહયોગી મુકેશ ઠુમ્મર મદદ કરતો હોવાનું જણાવ્યું. પોલીસે મુકેશને ત્યાં રેડ પાડી તો ત્યાંથી ચીનથી નોટો છાપવા માટે મગાવેલાં કાગળ અને પ્રિન્ટર મળ્યાં. નકલી નોટ માટેના થ્રેડ પણ મળ્યા."

ડીસીપી રાજિયનના કહેવા મુજબ "આ લોકો ત્રણ મહિનાથી નકલી નોટો છાપતા હતા અને દસ લાખની નકલી નોટો બજારમાં ચલાવી અને પકડાયા નહીં એટલે વધુ નોટ છાપવાનું શરૂ કર્યું."

નકલી નોટો છાપવા ચીનથી સામગ્રી મગાવી

બીબીસી ગુજરાતી રાજકોટથી સુરત આવીને યોગાશ્રમ સ્થાપનાર પ્રદીપ જોટંગિયાએ નકલી નોટોની માયાજાળ કેવી રીતે રચી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, 'યોગગુરુ' હોવાનો દાવો કરનાર પ્રદીપ જોટંગિયા

ડીસીપી રાજિયન કહે છે કે, "આ બધા લોકો નકલી નોટો બનાવ્યા પછી આશ્રમમાં એકઠા થયા અને અમદાવાદ જવા નીકળ્યા હતા. કતારગામની મહિલાને એટલા માટે સાથે રાખી જેથી રસ્તામાં પોલીસ તપાસ થાય તો કોઈ પરિવાર પ્રવાસ કરે છે તેવું લાગે."

પોલીસના જણાવ્યા પ્રમાણે "આરોપીઓએ અમદાવાદ અને અન્ય સ્થળે બે અલગ અલગ એજન્ટ રાખ્યા હતા, તેમને 30 હજારમાં એક લાખ રૂપિયાની નકલી નોટો મળતી હતી. આ લોકો અમદાવાદના એજન્ટને અમરાઈવાડી વિસ્તારમાં નકલી નોટો આપવાના છે એવી માહિતી અમને મળી હતી."

તેમણે કહ્યું કે, અમદાવાદનો એજન્ટ હાલમાં નાસી ગયો છે પણ પોલીસ પીછો કરી રહી છે અને ટૂંક સમયમાં તેને પણ પકડી લેવામાં આવશે. ડીસીપી અજિત રાજિયને કહ્યું કે, આ લોકોના ઇલેક્ટ્રિક ગેજેટમાં ઘણો ડેટા છે અને તેમાં ચીનથી નકલી નોટો માટે કાગળ લાવી આપનાર એજન્ટોનાં નામ પણ છે.

ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારી પીએસઆઇ ડીએમ સોલંકીએ બીબીસી ગુજપાતીને કહ્યું કે, "કારમાંથી અમને મીણિયાના થેલા અને બેગપૅકમાં કાળા પ્લાસ્ટિકમાં બાંધેલી 500ની નોટોનાં બંડલ મળી આવ્યાં હતાં."

પ્રદીપનું બૅકગ્રાઉન્ડ શું છે?

બીબીસી ગુજરાતી રાજકોટથી સુરત આવીને યોગાશ્રમ સ્થાપનાર પ્રદીપ જોટંગિયાએ નકલી નોટોની માયાજાળ કેવી રીતે રચી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, પ્રદીપ જોટંગિયાના આશ્રમનું એક દૃશ્ય

40 વર્ષીય પ્રદીપ જોટંગિયાનો જન્મ સૌરાષ્ટ્રના તરબડી ગામે થયો હતો. ગામના રહેવાસી મહેશ જોટંગિયાએ કહ્યું કે, "પ્રદીપ અને તેના મોટા ભાઈ અમિત અમારા ગામથી થોડે દૂર મેઘાપીપરિયા ગામમાં ભણતા હતા."

"લગભગ 20 વર્ષ અગાઉ બંને ભાઈ રાજકોટ ગયા, જ્યાં પ્રદીપ યોગગુરુ બન્યો અને યોગ ફાઉન્ડેશન બનાવ્યું. ત્યાર બાદ સુરતના હીરાના વેપારીઓ સાથે સંપર્ક થયો અને સુરત નજીક આશ્રમ સ્થાપ્યો. એ બાદ તેને સુરતમાં કોઈ સમસ્યા થઈ અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો એટલી ખબર છે."

કથિત છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી રાજકોટથી સુરત આવીને યોગાશ્રમ સ્થાપનાર પ્રદીપ જોટંગિયાએ નકલી નોટોની માયાજાળ કેવી રીતે રચી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, પ્રદીપ જોટંગિયાનો આશ્રમ જેને તે 'યોગધામ' તરીકે ઓળખાવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોતાને 'યોગગુરુ' ગણાવતા પ્રદીપે ડિસેમ્બર 2018માં કપાસમાં જીવાત મારવાની દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ સમયે તેણે આપઘાતની દુષ્પ્રેરણા માટે દસ સાધકો જવાબદાર હોવાનું એક પત્રમાં લખ્યું હતું, જેમાંથી એક સુરતના વેપારી વલ્લભ ચોથાણી પણ હતા.

બીબીસી સાથેની વાતચીતમાં વલ્લભ ચોથાણીએ કહ્યું કે, "પ્રદીપ રાજકોટથી યોગગુરુ બનીને આવ્યો અને સુરતમાં યોગ શીખવવાનું શરૂ કર્યું, ત્યારે અમે પણ જતા હતા. ધીમે ધીમે યોગ શીખવાવાળાની સંખ્યા વધી એટલે પ્રદીપે કહ્યું કે, વધુ લોકોને યોગનો લાભ મળે તે માટે અહીં આશ્રમ સ્થાપવો જોઈએ."

તેમણે કહ્યું કે, "જોકે, અમને ખબર પડી કે પ્રદીપે દાનમાં મળેલા રૂપિયાથી આશ્રમના નામે નહીં, પણ પોતાના નામે જમીન ખરીદી છે. તેથી અમે દાનમાં આપેલા રૂપિયા પરત માંગ્યા, તો અમને બીભત્સ ગાળો બોલીને મારવાની ધમકી આપી."

ચોથાણીએ ઉમેર્યું કે, "અમે અમારી વાત પર અડગ રહ્યા તેથી તેણે 1 ડિસેમ્બર, 2018ના રોજ આત્મહત્યાનો પ્રયાસ કરીને સુસાઇડ નોટમાં અમારા જેવા દસ લોકોનાં નામ લખી દીધાં. જોકે, અમે બધા નિર્દોષ હોવાને કારણે કોર્ટમાંથી છૂટી ગયા. એ ડૉક્ટરની ડિગ્રી ન હોવા છતાં આશ્રમમાં યોગના નામે અસાધ્ય રોગો દૂર કરવાના નાટક કરી લોકોના જીવન સાથે ચેડા કરીને રૂપિયા પડાવે છે."

પ્રદીપના પરિવારજનો અને પોલીસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી રાજકોટથી સુરત આવીને યોગાશ્રમ સ્થાપનાર પ્રદીપ જોટંગિયાએ નકલી નોટોની માયાજાળ કેવી રીતે રચી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, પ્રદીપ જોટંગિયાના આશ્રમનો એક ઓરડો

પ્રદીપના મોટા ભાઈ અમિત જોટંગિયાનું માનવું છે કે તેમના ભાઈને ફસાવવામાં આવ્યા છે. તેઓ કહે છે, "મારા ભાઈ પાસે યોગગુરુની પદવી છે, તે લોકોની સેવા કરે છે. નકલી નોટો છાપવા જેવાં ખોટાં કામ તે ન કરે. તેની લોકપ્રિયતાના કારણે તેના દુશ્મનોએ તેને ફસાવ્યો છે."

બીજી તરફ એસપી અજિત રાજીયને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પ્રાથમિક તપાસમાં પ્રદીપનો કોઈ ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો નથી પરંતુ રૂપિયાની લેવડદેવડના વિવાદોની વાત આવી છે. આ ઉપરાંત મુકેશ ઠુમ્મર સામે ચેક બાઉન્સના કેસ થયેલા છે."

રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીજે ડોડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પ્રદીપ ધરપકડ પછી અમે રાજકોટમાં તેના ભાઈ અમિતના ઘરની તપાસ કરી હતી. તેમાં જાણવા મળ્યું કે, દોઢ મહિનાથી તે તેના ભાઈને મળવા રાજકોટ નથી આવ્યો."

પ્રદીપ સાથે પકડાયેલા તેના અનુયાયીઓ કોણ છે?

બીબીસી ગુજરાતી રાજકોટથી સુરત આવીને યોગાશ્રમ સ્થાપનાર પ્રદીપ જોટંગિયાએ નકલી નોટોની માયાજાળ કેવી રીતે રચી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, કરોડો રૂપિયાની બનાવટી નોટો બનાવવાના આરોપમાં અડધા ડઝનથી વધુ લોકો પકડાયા છે

2.38 કરોડ રૂપિયાની નકલી નોટો સાથે પકડાયેલા સાત લોકોમાંથી પ્રદીપ જોટંગિયા સુરતના પારડી ગામ પાસે પોતાનો વિશાળ યોગ આશ્રમ ચલાવે છે અને તેમનો દાવો છે કે યોગથી તે અસાધ્ય રોગો મટાડે છે.

તેની સાથે પકડાયેલા લોકોમાં 48 વર્ષીય મુકેશ ઠુમ્મર મૂળ અમરેલીના માવ ઝીંઝવા ગામનો છે અને વર્ષોથી સુરતમાં ધંધો કરે છે.

49 વર્ષીય અશોક માવાણી મૂળ ભાવનગરના ગારિયાધારનો વતની છે, વર્ષોથી સુરતમાં રહીને હીરાની દલાલીનું કામ કરે છે

52 વર્ષીય રમેશ પટેલ મૂળ અમરેલીના શાખપુ ગામનો છે અને વર્ષોથી સુરતમાં મજૂરી કામ કરે છે. બાકીના સમયમાં આશ્રમમાં સેવા આપે છે.

40 વર્ષીય દિવ્યેશ રાણા મૂળ સુરતના અમરોલીનો છે, નોકરી કરે છે તથા ગ્રાફિક ડિઝાઇન અને પ્રિન્ટિંગનો જાણકાર છે.

53 વર્ષીય ભરત કાકડિયા મૂળ અમરેલીના વીરડી ગામનો છે, સુરતમાં હીરા ઘસવાનું કામ કરે છે. તે પણ પ્રદીપના આશ્રમમાં રહે છે અને તેનો અંગત સેવક છે.

આ કેસમાં પકડાયેલાં મહિલા 56 વર્ષનાં છે, તેઓ મૂળ અમરેલીના દેવળીયા ગામનાં છે. હાલમાં સુરતના કતારગામમાં રહે છે, ઘરકામ કરે છે અને પ્રદીપનાં અનુયાયી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન