ટી20 વર્લ્ડકપ જીતવા સાથે ભારતીય ટીમે કયા-કયા ચાર રેકૉર્ડ બનાવ્યા?

ઇમેજ સ્રોત, Reuters
રવિવારે ભારતની ટી20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમે ન્યૂઝીલૅન્ડની ટીમને 96 રને પરાજય આપીને ઇતિહાસ રચ્યો હતો.
મહેમાન ટીમે ટૉસ જીતીને બૉલિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. પીચની તાસિરને જોતા કદાચ તેમનો આ નિર્ણય સાચો હતો, પરંતુ ભારતીય બૅટ્સમૅનોએ રનોનો ઢગલો ખડકી દીધો હતો અને દર્શકોનું મનોરંજન કર્યું હતું.
એ પછી બૉલરોનો વારો હતો. ભારતના ગેંદબાજોએ મૅચમાં છ બૉલ બાકી હતા કે આખી મહેમાન ટીમને પેવોલિયન ભેગી કરી દીધી હતી. જસપ્રીત બુમરાહે ચાર, અક્ષર પટેલે ત્રણ અને હાર્દિક પંડ્યાએ એક વિકેટ લીધી હતી. આ સિવાય અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીને પણ એક-એક સફળતા મળી હતી.
તા. સાતમી ફેબ્રુઆરીએ ટી20 વર્લ્ડકપ શરૂ થયો, ત્યારે આ ટુર્નામેન્ટ સાથે કેટલીક માન્યતાઓ જોડાયેલી હતી અને રેકૉર્ડ હતા. જે ભારતના વર્લ્ડ ચૅમ્પિયન બનવાની સાથે તૂટ્યાં હતાં.
ત્રણ માન્યતા એકસાથે તૂટી

ઇમેજ સ્રોત, Reuters
ટી20 વર્લ્ડકપ શરૂ થયો, ત્યારથી અત્યાર સુધી એક બાબત નોંધપાત્ર હતી. જે દેશએ (અથવા દેશો) વર્લ્ડકપનું આયોજન કર્યું હોય, તેણે ટ્રૉફી જીતી ન હતી.
ગુજરાતના આ સ્ટેડિયમમાં સૂર્યકુમારની સેનાએ ટ્રૉફી જીતીને આ વાતને ખોટી ઠરાવી હતી.
અન્ય એક બાબત એવી હતી કે જે ટીમ ચૅમ્પિયન બની હોય, તે વર્લ્ડકપ ટ્રૉફી જાળવી શકી નથી. એટલું જ નહીં, તે ફાઇનલમાં પણ પહોંચી ન હતી.
ગત ગુરૂવારે ઇંગ્લૅન્ડની ટીમને હરાવીને મૅન-ઇન-બ્લુઝે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે એક માન્યતા તૂટી હતી અને રવિવારે તમામ ક્ષેત્રે 'ચૅમ્પિયન' જેવી રમત દાખવીને વર્લ્ડકપ જીત્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ત્રણ વખત ટક્કર થઈ છે. અને ઇતિહાસ ઉપર નજર કરીએ તો દરેક વખતે ભારતનો પરાજય થયો હતો.
જોકે, રવિવારની મૅચમાં વિજય મેળવીને ભારતે એ રેકૉર્ડ પણ તોડી નાખ્યો હતો. આ સિવાય પણ ફાઇનલ મૅચમાં અનેક માઇલ સ્ટોન નોંધાયા હતા.
ઍક્શનમાં અભિષેક અને પાવરફૂલ પાવરપ્લૅ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટુર્નામેન્ટ દરમિયાન સામાન્ય રીતે આક્રમક શરૂઆત કરનારા સંજુ સૅમસને ફાઇનલ મૅચમાં સંયમ દાખવ્યો હતો. શરૂઆતના ચાર બૉલ ખાલી ગયા હતા. આ દરમિયાન તેમણે મૅટ હૅનરીની લાઇન, લૅન્થ અને સ્વિંગનો કયાસ કાઢ્યો હતો.
એ પછી ઑફ-સ્પીનર ગ્લેન ફિલિપ્સ અને અભિષેક શર્માનો સામનો થયો. ત્યારે અભિષેક ખૂબ જ સાવધાનીપૂર્વક રમ્યા હતા. તેમણે ચાર દડામાં ત્રણ રન જ બનાવ્યા હતા. આમ બે ઓવરમાં ભારતનો સ્કોર માત્ર 12 રન હતો.
જોકે, એ પછી સૅંટનરના નિર્ણયે મૅચની દિશા જ બદલી નાખી હતી. શરૂઆતની બે ઓવરની જેમ સ્પીન બૉલિંગને જાળવી રાખવાના બદલે તેમણે ત્રીજી ઓવર પેસ બૉલર જેકબ ડફીને આપી.
ભારતના બૅટ્સમૅન આ તકની જ રાહ જોઈ રહ્યા હતા. ત્રીજી ઓવરમાં 15 રન અને લૉકી ફર્ગ્યુસનની ચોથી ઓવરમાં ભારતીય બલ્લેબાજોએ 24 રન લીધા હતા.
આમ ચોથી ઓવરના અંતે ભારતનો સ્કોર 50ને પાર કરી ગયો હતો. આવું પહેલી વાત થયું હતું.
બંને ઓપનર બૅટ્સમૅન અહીંથી અટક્યા ન હતા. એ પછી તેમણે લય જાળવી રાખી હતી અને રન આવતા રહ્યા.
એ પછીની મૅટ હૅનરીની ઓવરમાં (ઇનિંગની પાંચમી) 21 રન ઝૂડ્યા. પાવર-પ્લૅની છેલ્લી ઓવર જેકબ ડફીએ ફેંકી હતી. જેમાં શર્મા-સૅમસનની જોડીએ 20 રન લીધા હતા અને તેમો કુલ સ્કોર 92 રન થયો હતો.
2026ના વર્લ્ડકપ દરમિયાન પાવર-પ્લૅમાં ખડકાયેલો આ સર્વોચ્ચ સ્કોર હતો. અભિષેક શર્માએ પાવર-પ્લૅમાં જ પોતાની અડધી સદી (18 બૉલ) ફટકારી દીધી હતી.
સંજુ સૅમસનની 'હૅટ ટ્રિક'

ઇમેજ સ્રોત, Getty Images
સંજુ સૅમસને સુપર-8માં વેસ્ટ ઇન્ડીઝ (અણનમ 97 રન) સામે અને સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ (89 રન) સામે અડધી સદીઓ ફટકારી હતી.
એક તરફ અભિષેક આક્રમક અંદાજમાં રમી રહ્યા હતા, તો બીજી બાજુ સૅમસન પણ તેમના 'ક્લાસિક' શૉટ્સ ફટકારી રહ્યા હતા. ગત બે મૅચની જેમ આમાં પણ નબળો બૉલ દેખાયો કે તેને સીધો હવામાં જ અથવા જમીન ઉપર ગબડતો-ગબડતો બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો હતો.
આમ શર્મા-સૅમસનના 'ક્લાસિક અને ઍગ્રેસિવ' કૉમ્બિનેશનને કારણે ભારતનું સ્કોરબોર્ડ ફરતું રહ્યું હતું.
સૅમસને બૉલની ચાલને સમજીને રમતના વહેણ મુજબ ધીરજપૂર્વક રમત રમી હતી. હરીફ ટીમના કૅપ્ટન મિચેલ સૅંટનરની બૉલિંગ વેધક રહી હતી. તેમને કોઈ વિકેટ તો ન મળી, પરંતુ તેમણે ભારતીય બલ્લેબાજોને કાબૂમાં રાખ્યા હતા.
સૅમસન અને સૅંટનર સતત નવ બૉલમાં (સાતમી અને નવમી ઓવર) સામ-સામે આવ્યા હતા. સૅમસને કોઈ જોખમ લીધું ન હતું અને માત્ર એક ચોગ્ગો ફટકારીને આઠ રન પોતાના તથા ટીમના ખાતામાં ઉમેર્યા હતા.
એ પછી 11મી ઓવરમાં ફરીથી સામ-સામે થયા, ત્યારે ત્રણ બૉલમાં બે રન જ સ્કોર કર્યા. જોકે, ફર્ગ્યુસનની 12મી ઓવરમાં તેમણે સરભર કર્યું. ઓવરની શરૂઆતની બે બૉલમાં છગ્ગા ફટકાર્યા. એ પછી એક રન લીધો. ઓવરનો છેલ્લો બૉલ સૅમસનના ભાગે આવ્યો. ત્યારે ચોગ્ગો મારી દીધો.
12મી ઓવરમાં 24 રન આવ્યા, જેમાંથી 17 રન એકલા સેસને લીધા હતા. રચીન રવિન્દ્રએ 14મી ઓવર ફેંકી હતી. જેના છેલ્લા ત્રણેય બૉલમાં એક પછી એક છગ્ગા ફટકારીને 'હૅટ ટ્રિક' મારી હતી.
સંજુ ટી20 વર્લ્ડકપના ઇતિહાસના ત્રીજા એવા ખેલાડી બન્યા, જેમણે સેમિફાઇનલ તથા ફાઇનલની મૅચમાં અડધી સદી ફટકારી હોય. આ પહેલાં પાકિસ્તાનના શાહિદ આફ્રિદી (2009) અને ભારતના બૅટ્સમૅન વિરાટ કોહલીએ (2014) આ સિદ્ધી મેળવી હતી.
સૅમસન આઉટ થયા, ત્યારે તેમનો વ્યક્તિગત સ્કોર 46 બૉલમાં 89 રનનો હતો. જેમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા માર્યા હતા. ટુર્નામેન્ટ દરમિયાન 321 રન બનાવનારા સંજુ સૅમસન 'પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ' બન્યા હતા.
દુબેનો દબદબો

ઇમેજ સ્રોત, Dibyangshu SARKAR / AFP via Getty Images
અભિષેક અને સૅમસન બાદ ત્રીજા ક્રમાંકે આવેલા ઇશાન કિશને પણ આક્રમક બેટિંગ કરી હતી. જેણે 23 બૉલમાં અડધી સદી ફટકારી દીધી હતી.
15 ઓવરના અંતે ભારતનો સ્કોર એક વિકેટના ભોગે 203 રન હતો. જૅમ્સ (જિમી) નિશમની 16મી ઓવરે ન્યૂઝીલૅન્ડ માટે આશાઓ જગાવી હતી.
જૅમ્સે ઓવરનો પહેલો જ બૉલ ફૂલટૉસ ફેંક્યો હતો. જેમાં સૅમસન આઉટ થયા. પાંચમો બૉલ પણ ફૂલટૉસ હતો, જેમાં ઇશાન કિશનની ઇનિંગનો અંત આવ્યો.
કૅપ્ટન સૂર્યકુમાર યાદવ છેલ્લા બૉલે બેટિંગ કરવા આવ્યા, ત્યારે કોઈ સ્કોર બનાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. આમ જૅમ્સે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ખેરવી હતી.
આગામી ઓવરોમાં આ નુકસાનનો ઘસારો જોવા મળ્યો હતો. 17મી અને 18મી ઓવર દરમિયાન હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ કેટલાક આક્રમક શૉટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં સફળતા નહોતી મળી.
19મી ઓવરમાં હાર્દિક પંડ્યા આઉટ થયા, ત્યારે ભારતની ટીમનો સ્કોર પાંચ વિકેટના ભોગે 231 રન હતો. એટલે ભારત 250 રનના આંકડાને પાર કરશે કે નહીં, તેવો સવાલ ચર્ચાવા લાગ્યો હતો.
કૅપ્ટન મિચેલ સૅંટનરે છેલ્લી ઓવર નિશમને આપી હતી. જેમાં શિવમ દુબેએ તેમની તાકત દેખાડી હતી. ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે તેમણે એક ઓવરમાં 24 રન લીધા.
ઇનિંગ પૂર્ણ થઈ, ત્યારે ટીમનો સ્કોર 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 255 રન હતો. ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં કોઈપણ ટીમે ખડકેલો આ સર્વોચ્ચ સ્કોર છે.
બુમરાહ અને અક્ષરનું આક્રમણ

ઇમેજ સ્રોત, Reuters
ઇંગ્લૅન્ડ સામેની સેમિફાઇનલ મૅચમાં ફિલ્ડિંગ દ્વારા પોતાની હાજરી નોંધાવનારા અક્ષર પટેલે ફાઇનલની મૅચમાં બૉલિંગ દ્વારા પોતાના કાંડાનું કૌવત બતાવ્યું હતું.
સેમિફાઇનલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારા ફિન ઍલનને અક્ષર પટેલે ત્રીજી ઓવરમાં આઉટ કરી દીધા હતા. એલને માત્ર નવ રન બનાવ્યા હતા.
ન્યૂઝીલૅન્ડની ઓપનિંગ જોડી તેની તાકત હતી. આ પાર્ટનરશિપ 31 રનના જુમલે તૂટી હતી. અગાઉથી જ મોટા સ્કોરના મનોવૈજ્ઞાનિક દબાણ હેઠળ રહેલા ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅન ઉપર ભારતના ગેંદબાજોએ પોતાનું દબાણ જાળવી રાખ્યું હતું.
અક્ષરે પાંચમી ઓવરમાં ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યા. એ પછી 13મી ઓવરમાં ડૅરિલ મિચેલને આઉટ કર્યા.
સામે છેડે 'હોમ પીચ' ઉપર બૉલિંગ કરી રહેલા જસપ્રીત બુમરાહે ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓની કનડગત કરી હતી.
ન્યૂઝીલૅન્ડની ઇનિંગની ત્રીજી ઓવરના પહેલા જ દડે તેમણે રચિન રવીન્દ્રને આઉટ કરી દીધા હતા. જેમ ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં 'ધીમો બૉલ' નાખીને એ ટીમના કૅપ્ટન હૅરી બ્રૂકને આઉટ કર્યા હતા. એવી જ રીતે આ મૅચમાં રચિનને આઉટ કર્યા હતા.
પાવરપ્લૅ દરમિયાન જ બુમરાહ અને અક્ષર પટેલે મળીને ત્રણ ખેલાડીઓને આઉટ કરી દીધા હતા.
ડૅથ ઓવર્સ દરમિયાન જસપ્રીત બુમરાહે પોતાના ક્વોટાની છેલ્લી બે ઓવર ફેંકી હતી. જેમાં 'ધીમા યૉર્કર' રમવા જતાં કૅપ્ટન મિચેલ સૅંટનર, જૅમ્સ નિશમ તતા મૅટ હૅનરી આઉટ થયા હતા.
બુમરાહે ચાર ઓવરમાં 15 રન આપીને ચાર ખેલાડીઓને આઉટ કરનારા બુમરાહ 'મૅન ઑફ ધ મૅચ' બન્યા હતા.
ઇંગ્લૅન્ડ સામેની મૅચ પછી 'પ્લેયર ઑફ ધ મૅચ'નો પુરસ્કાર લેતી વખતે સંજુ સૅમસને કહ્યું હતું કે 'આ ખિતાબ બુમરાહને મળવો જોઈએ. તેના કારણે હું ઊભો છું.'
રવિવારે 89 રન ફટકારવા છતાં સૅમસનને 'પ્લેયર ઑફ મૅચ'નો પુરસ્કાર ન મળ્યો, તો પણ તેમને મનથી સંતોષ થયો હશે.
ભારતની ટીમ વર્લ્ડ ચૅમ્પિયન

ઇમેજ સ્રોત, Reuters
પાવરપ્લૅ દરમિયાન ન્યૂઝીલૅન્ડ ઉપર જે દબાણ ઊભું થયું હતું, તેમાંથી મહેમાન ટીમ ઉગરી શકી નહીં.
ન્યૂઝીલૅન્ડના એક પછી એક બૅટ્સમૅન આઉટ થઈ રહ્યા હતા, ત્યારે ટિમ સાઇફર્ટે એક છેડો સાચવી રાખ્યો હતો. ટિમ 52 રન (26 બૉલ) બનાવીને આઉટ થયા હતા.
એમના સિવાય માત્ર ડૅરિલ મિચેલ (11 બૉલ, 17 રન) તથા કૅપ્ટન મિચેલ સૅંટનર (35 બૉલ, 42 રન) જ બે આંકડાનો સ્કોર કરી શક્યા હતા.
છેવટે ન્યૂઝીલૅન્ડની સમગ્ર ટીમ 19 ઓવરમાં 159 રન બનાવીને આઉટ થઈ હતી.
સમગ્ર વર્લ્ડકપ દરમિયાન જે-જે બાબતો માટે ભારતની ટીમની ટીકા થતી હતી, એ તમામ બાબતોમાં ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
અભિષેક શર્મા શરૂઆતમાં જ આઉટ થઈ જતા હતા, જેના કારણે ભારતના પ્રારંભિક બૅટ્સમૅનો ઉપર દબાણ આવી જતું હતું. ત્યારે રવિવારે તેમણે આક્રમક અડધી સદી ફટકારી હતી.
ફિલ્ડિંગને ભારતની સમસ્યા માનવામાં આવતી હતી. ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં અક્ષર પટેલ તો ન્યૂઝીલૅન્ડ સામેના મુકાબલામાં ઇશાન કિશને આ કસર પૂરી કરી હતી.
સરવાળે ભારતની ટીમ ચૅમ્પિયનની જેમ રમી અને વિશ્વકપ જીતી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન











