ગુજરાત : ડ્રાઇવરનું બૅન્ક એકાઉન્ટ ભાડે રાખીને શૅરબજારમાં 550 કરોડનું 'કૌભાંડ' કેવી રીતે આચરવામાં આવ્યું?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 5 મિનિટ
અમદાવાદમાં એક કેબ ડ્રાઈવરનું બૅન્ક એકાઉન્ટ માસિક 25 હજાર રૂપિયાના ભાડે રાખીને તેમાં શૅરબજારના ટ્રેડના કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હોવાનું પોલીસનું જણાવવું છે.
ઓછી જાણીતી કંપનીઓના શૅરમાં 'કૃત્રિમ ઉછાળો' લાવવાના આ 'મની લૉન્ડરિંગ કૌભાંડ'માં એક ગૅંગ સામેલ છે અને તેને પકડવા માટે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ અમદાવાદ પોલીસની મદદ માંગી છે.
અત્યાર સુધીમાં લગભગ પાંચ લોકોનાં નામ આ કૌભાંડમાં બહાર આવ્યાં છે જેમણે એક ડ્રાઈવરના બૅન્ક ખાતાનો ઉપયોગ કરીને તેમાં ગેરકાયદે નાણાં જમા કરાવ્યાં હતાં તથા પછી ઉપાડી લીધાં હતાં. પાંચેય આરોપીઓને પકડવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.
સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ આખલો મામલો ત્યારે ધ્યાનમાં આવ્યો જ્યારે સાવ ઓછી જાણીતી કંપનીઓના શૅરોમાં અસામાન્ય ઉછાળો આવ્યો હતો.
વર્ષ 2025માં મોરે ઑર્ગેનાઇઝર લિમિટેડ, પ્રધિન લિમિટેડ અને કૅક્રાફ્ટોન ડેવલોપર્સ લિમિટેડના શૅરમાં 1,000 ટકા કરતાં વધારે ઉછાળો આવ્યો.
આ ત્રણેય પૅની શૅર હતા જેમાં અસાધારણ હિલચાલ જોવા મળતા શૅરબજારના નિયમનકાર સેબીએ ડિસેમ્બર 2025માં આ કંપનીઓમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો અને કેસની તપાસ ઈડીને સોંપી હતી.
ઈડીની તપાસમાં જાણવા મળ્યું કે આ ત્રણ કંપનીઓના શૅરમાં જે ઉછાળો આવ્યો તેમાં અમદાવાદના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલા રોનક ટ્રેડર્સ, નવરંગપુરાની કમલેશ ટ્રેડિંગ અને મીઠાખળીમાં પ્રદીપ ટ્રેડર નામની પેઢીઓ દ્વારા આ પૅની શૅરોમાં મોટી લે-વેચ થઈ હતી.
ઈડીએ તપાસ પૂરી કરીને આરોપીઓને પકડવા અમદાવાદ મદદ માંગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર હૃદેશકુમારે શૅરબજારમાં 550 કરોડ રૂપિયાના ગોટાળા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 336, 335 અને 340 હેઠળ ખોટા દસ્તાવેજ બનાવવા અને છેતરપિંડીની કલમ 318, 319 હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવાની માંગણી કરી છે.
ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે અમદાવાદના પોલીસ કમિશનરને લેખિતમાં જણાવ્યું છે કે અમદાવાદમાં એક કૅબ કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા પ્રદીપ ઔડના નામે 2024માં બૅન્ક ખાતું ખોલાવવામાં આવ્યું હતું અને તેમાં શૅરબજારના ટ્રેડિંગના કરોડો રૂપિયાની લેવડદેવડ થઈ હતી. આવા બે બીજાં બૅન્ક ખાતામાં પણ રૂપિયા નાખવામાં આવ્યા હતા.
બૅન્ક ખાતાનો ઉપયોગ કરવા 25 હજારનું ભાડું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રદીપ ઓડેએ તપાસ દરમિયાન પોલીસને જણાવ્યું છે કે તેનો પરિચય કિરણ પરમાર નામની વ્યક્તિ સાથે થયો હતો. કિરણે તેને કહ્યું હતું કે ધંધામાં ટૅક્સ બચાવવા માટે તે પોતાના આધાર કાર્ડ, પાનકાર્ડ જેવા ડૉક્યુમેન્ટ્સ આપે તો તેમના નામથી બૅન્ક ખાતું ખોલાવીને તેમાં રૂપિયા જમા કરાવશે.
બૅન્ક ખાતું તેના મિત્રો ઑપરેટ કરવાના હતા જેના માટે તેઓ દર મહિને 25 હજાર રૂપિયા આપશે. આ ઉપરાંત પ્રદીપ જેટલા ચેકમાં સહી કરે તે ચેક દીઠ 400 રૂપિયા મળવાના હતા. આ રીતે કમાણી થશે તેમ વિચારીને પ્રદીપે બૅન્ક ખાતાં ભાડે આપ્યાં હતાં. બીજાં બે બૅન્ક ખાતાં કમલેશ કલાલ અને રોનક ઓડના નામે ખુલ્યાં હતાં.
આ ખાતાંઓમાંથી રૂપિયાની હેરાફેરી કરીને પૅની સ્ટો શૅરના ભાવમાં જંગી ઉછાળો લાવવામાં આવ્યો હતો.
ઈડીની તપાસ પ્રમાણે 2024માં અમદાવાદમાં ખુલેલી ત્રણ ટ્રેડર ફર્મના નામે સોશિયલ મીડિયામાં ટેલિગ્રામ અને વૉટ્સઍપના માધ્યમથી શૅરના ભાવ વિશે ટિપ આપવામાં આવી હતી. ત્યાર પછી શૅરોના ભાવમાં કૃત્રિમ વધારો થયો હતો.
વર્ષ 2024માં આ વિશે નવી મુંબઈ સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ થયા પછી 2025માં બૅંગ્લુરુ ઇસ્ટ ડિવિઝન ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થઈ અને અને અંતે અમદાવાદ સાઇબર ક્રાઈમ તથા ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઈ છે.
શૅરના ભાવમાં અસાધારણ ઉછાળો

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ કથિત કૌભાંડમાં જેમનાં નામ આવ્યાં છે તેમાંથી મૌરે ઑર્ગેનાઇઝર લિમિટેડના શૅરનો ભાવ એક વર્ષમાં 67 પૈસાથી વધીને 10.90 રૂપિયા થયો હતો.
ત્યાર બાદ આ શૅરના વેચાણથી મળેલા રૂપિયાને અલગ અલગ બૅન્ક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે પ્રધિન લિમિટેડનો શૅર એક વર્ષમાં 37 પૈસાથી વધીને 2.38 રૂપિયા થયો હતો. કૅક્રાફ્ટોન ડેવલપરનો શૅર પણ એક વર્ષમાં 122.45 રૂપિયાથી વધીને 1,702.90 થયો હતો.
આ રીતે શૅરના ભાવમાં કૃત્રિમ વધારો કરીને લગભગ 550 કરોડ રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો હતો, પરંતુ જેના બૅન્ક ખાતામાં રૂપિયા જમા થતા હતા તે પ્રદીપ ઓડને તેની જાણ ન હતી.
ઈડીની તપાસ મુજબ કિરણ પરમાર આ ષડયંત્રમાં મુખ્ય સૂત્રધાર છે અને તેમનો મહાદેવ નામનો સાથીદાર તમામ બૅન્ક ખાતાની ચેકબુક જાળવતો હતો તથા ભાડાની ઑફિસનું ભાડું ચૂકવતો હતો.
રવિ નામની વ્યક્તિ બૅન્ક ખાતું ભાડે આપનારના નામે સિમ બનાવતો હતો અને જુગલ તથા જીવરાજ નામના લોકો શૅરના ભાવ ઉછાળવાની કામગીરી પર દેખરેખ રાખતા હતા. આ બૅન્ક ખાતામાંથી ગાંધીધામના એક વેપારી આદિત્ય ઝુલાનાં લગ્નમાં રૂપિયા વપરાયા હોવાનું પણ બહાર આવ્યું છે.
શૅરબજારના નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ સ્ટોક ઍક્સ્ચેન્જના ભૂતપૂર્વ ચૅરમૅન અને ડબ્બા ટ્રેડિંગ તથા પૅની શૅરોમાં થતા ગોટાળા રોકવાનું અભિયાન ચલાવતા હેમંતસિંહ ઝાલા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
તેમણે કહ્યું કે "ઘણા સમયથી લેભાગુ લોકો શૅરબજારમાં રોકાણ વિશે સોશિયલ મીડિયા પર ટિપ્સ આપે છે. તેઓ કૃત્રિમ રીતે શૅરના ભાવ ઊંચકાવે છે અને રૂપિયા જમા કરવા બૅન્ક ખાતાં ભાડે રાખે છે. બૅન્ક ખાતું ભાડે આપનારા લોકો મોટા ભાગે માસિક 10થી 15 હજાર રૂપિયા કમાતા હોય છે. તેથી આવા લોકોના બૅન્ક ખાતાનો ઉપયોગ કરીને બદલામાં મહિને 20થી 25 હજાર ભાડું આપવામાં આવે છે."
હેમંત ઝાલાએ કહ્યું કે "સોશિયલ મીડિયા મારફત કોઈ શૅરની ચર્ચા જગાવાયા પછી તેનો ભાવ વધે ત્યારે આ લોકો શૅર વેચી નાખે છે અને ભાડાના બૅન્ક ખાતામાં રૂપિયા જમા થતા જ તરત તેને ઉપાડી લેવાય છે. આવા લોકો વિશે સેબીને જાણ કરીએ તો બૅન્ક ખાતા જપ્ત થઈ શકે, પરંતુ ત્યાં સુધીમાં આવા લોકો રૂપિયા કાઢીને નીકળી જાય છે અને બૅન્ક ખાતાના માલિક સુધી તપાસ પહોંચે છે. આ દરમિયાન આરોપીઓએ પોતાના જે ફોન નંબર આપ્યા હોય, તેના સિમકાર્ડ પણ નકલી હોય છે."
પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
શૅરબજારમાં કૃત્રિમ ઉછાળા લાવવાના આ કથિત કૌભાંડ વિશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસપી અજિત રાજિયને બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "ઈડીનો પત્ર મળ્યા પછી અમે આરોપીઓ સામે છેતરપિંડી, બીજાનાં ડૉક્યુમેન્ટનો ઉપયોગ કરીને ગુનાઇત કાવતરું કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અમે ઈડીએ આપેલા દસ્તાવેજો અને પુરાવાના આધારે વધુ પુરાવા એકત્ર કરી રહ્યા છીએ. ટૅકનિકલ ઍનાલિસિસ અને હ્યુમન રિસોર્સના આધારે અમે બૅંગ્લુરુ, મુંબઈ અને ગાંધીનગર સીઆઈડી સાથે સંકલન કરીને પાંચ આરોપીઓ કિરણ પરમાર, રવિ, જુગલ, મહાદેવ અને જીવરાજને ટૂંક સમયમાં પકડી પાડીશું."
ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર હૃદેશકુમારે બીબીસી ગુજરાતી સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, "આ કેસની તપાસ ચાલુ છે. અમે ગુજરાત પોલીસને ગુનો નોંધીને કાર્યવાહી કરવા કહ્યું છે, જેમાં ઈડી પણ તપાસમાં સહકાર આપશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












