કામસૂત્ર અને ખજુરાહોના દેશમાં જ સેક્સ અંગે અણગમો કેમ થઈ ગયો?

    • લેેખક, એના ગેબ્રિએલા રોહાસ
    • પદ, બીબીસી મુંડો
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતમાં એક તરફ પ્રેમી યુગલો છે, જેમને જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં, એકબીજાના હાથ પકડવામાં અને ગુલાબની આપલે કરવામાં કંઈ ખોટું નથી દેખાતું. જ્યારે બીજી તરફ આત્યંતિક વિચારધારાવાળા કટ્ટરવાદીઓની "દેખરેખ માટેની ટુકડીઓ" હોય છે, જે આ પ્રકારના વર્તનને નૈતિકતાનો ગંભીર ભંગ ગણે છે અને જે યુગલોને શરમમાં મૂકવા અને પરેશાન કરવા માટે બહાર ફરતા હોય છે.

આ પ્રકારના સ્વઘોષિત રક્ષકોની વાત બહારની વ્યક્તિના ભારત માટેના વિચારથી વિરોધાભાસી જણાય છે; કારણ કે આ એ દેશની છબી છે જે કામસૂત્રનું જન્મસ્થળ છે અને જ્યાં ઉત્કૃષ્ટ કામુક શિલ્પો આવેલાં છે.

ખ્યાત ઇતિહાસકાર મધુ ખન્નાએ બીબીસીને જણાવ્યું કે, "ભારતના વિશ્વદૃશ્યમાં બ્રહ્માંડ બ્રહ્માંડીય ઇચ્છા દ્વારા રચાયું છે, અને જાતીય સંતોષ કે સુખની અભિવ્યક્તિ એ આ પવિત્ર આધારનો ભાગ છે."

આનંદ એ જીવનના હેતુઓ પૈકી એક છે

તેઓ કહે છે કે, ઇન્દ્રિયોનો આનંદ એ કેળવવાની બાબત છે અને માનવજીવનના હેતુઓ અને શ્રેષ્ઠતાનો એક ભાગ છે.

"કામોત્તેજના કોઈ એવી ચીજ નથી જેના કારણે તમારે શરમમાં મુકાવવું પડે, પરંતુ તે તેનાથી ઊલટું છે. ભારતીયો માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે; માત્ર સેક્સ માટે જ નહીં, પરંતુ રસલક્ષી જીવનમાં પણ." એ સંદર્ભમાં, જાતીય સંતોષની અભિવ્યક્તિ ભારતમાં જે રીતે પાંગરી એ બીજી કોઈ સભ્યતા માટે વિચારી પણ શકાય એવું નહોતું.

જાતીય અભિવ્યક્તિનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ 'કામસૂત્ર' ત્રીજી સદીમાં સંકલિત કરાયો હતો, અને તે તેનાથી પણ પ્રાચીન વિચારો અંગે વાત કરે છે. કામસૂત્રના ભાષાંતરકાર સમજાવે છે કે, "સંસ્કૃતમાં 'કામ'નો અર્થ માત્ર સેક્સ નથી થતો, પરંતુ આનંદ અને ઇચ્છા એવો થાય છે." આ પુસ્તક અસ્તિત્વના દરેક પાસામાં આનંદની પ્રાપ્તિ પર કેન્દ્રિત છે.

તેઓ કહે છે, "આ પ્રાપ્તિ એ માનવજીવનના ત્રણ સિદ્ધાંતો પૈકી એક છે. બીજા બે સિદ્ધાંતો- સારપ અને ગુણોની પ્રાપ્તિ (ધર્મ) તથા સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ (અર્થ) છે."

કામસૂત્ર આજે પણ પ્રાસંગિક

કામસૂત્રનાં સાત પ્રકરણો પૈકી માત્ર બીજા નંબરનું પ્રકરણ સેક્સની બાબતો પર વાત કરે છે. તેમણે બીબીસીને જણાવ્યું, "એ ખૂબ જ ચિત્રાત્મક શૈલીમાં છે. શારીરિક સંબંધ બાંધતી વખતે કયાં આસનો અને મુદ્રાઓ અપનાવી શકાય, તે અંગે તેમાં ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરાઈ છે."

"ધ કામાસૂત્રા ફૉર વીમૅન"નાં લેખિકા સંધ્યા મૂલચંદાની કહે છે કે, આ પુસ્તકમાં જણાવાયેલાં કેટલાંક આસનો ખૂબ જ વિચિત્ર હોવા છતાં આ પ્રાચીન ગ્રંથના ઘણા સિદ્ધાંતો હજુ પણ પ્રાસંગિક છે. તેઓ સમજાવે છે, "ઘણી બધી રીતે આ એક મૉડર્ન પુસ્તક છે. જેમ કે, તે મહિલાની ઇચ્છાઓને અને કામુક સંબંધોમાં સ્ત્રીઓ નિયંત્રણ (કંટ્રોલ) લઈ શકે એ વાતને માન્યતા આપે છે."

તેઓ કહે છે કે, "કામસૂત્ર એ યુવાનોને ડેટ પર કેવી રીતે જવું એવું બધું જણાવતા એક પ્રકારના મૅગેઝિન જેવું પુસ્તક છે. તે તેમને કેવું વર્તન કરવું, સ્નાન કરવાની ભલામણ, સ્વચ્છ કપડાં, નખ કાપવા અને સૌથી મહત્ત્વપૂર્ણ- પોતાના પાર્ટનરની વાત કેવી રીતે સાંભળવી અને કેવી રીતે સ્વાર્થી ન બનવું, એ વિશે સમજાવે છે."

મૂલચંદાની ધ્યાન દોરતાં કહે છે કે, આ પુસ્તક એક ખૂબ જ પરિપક્વ અને સહિષ્ણુ સંસ્કૃતિમાં જ અસ્તિત્વમાં આવી શક્યું હોત, જેમાં "જીવનનો તેની તમામ કીર્તિ સાથે ઉત્સવ મનાવાય છે."

કામુક મંદિરો જે સૌથી રૂઢિચુસ્ત લોકોને પણ પ્રોત્સાહિત કરે

કામુકતા અંગેના ભારતના ઇતિહાસમાં ખુલ્લાપણાનું વધુ એક ઉદાહરણ ખજુરાહોનાં મંદિરો છે. ખજુરાહોમાં લાલ રેતાળ પથ્થરમાં કંડારાયેલાં ઉત્કૃષ્ટ શિલ્પો મુલાકાતીઓને આકર્ષે છે.

આ શિલ્પો પૈકી કેટલાંકમાં અપ્સરાઓ સૂચક મુદ્રામાં જોવા મળે છે, જેમ કે- મૅકઅપ કરતાં કે તેમના પગમાંથી કાંટો કાઢતાં. જોકે, બીજાં શિલ્પોમાં યુગલો અને સમૂહોને અદ્ભુત કામુક મુદ્રાઓમાં બતાવાયાં છે. નિષ્ણાતો સમજાવે છે કે, "બીજી સંસ્કૃતિઓના શિલ્પોમાં જેમ યુદ્ધ સંબંધી મુદ્રાઓ જોવા મળે છે, એવી જ રીતે આ શિલ્પોમાં કામુક મુદ્રાઓ જોવા મળે છે."

શિક્ષણવિદો કહે છે કે, લગભગ 300 વર્ષના મુસ્લિમ શાસને ભારતમાં કામુકતાને દબાવી હોવાની માન્યતા ભૂલભરેલી છે. ઇતિહાસકાર ખન્ના કહે છે કે, "એટલું ખુલ્લું ન હોવા છતાં મોઘલ શાસને કલાક્ષેત્રે ઘણું યોગદાન આપ્યું."

મધ્યયુગીન ઇતિહાસના નિષ્ણાત સલીમ કિદવઈ કહે છે, "ઇસ્લામિક સંસ્કૃતિમાં પણ ખુલ્લાપણાના મહાન સમયગાળા થઈ ગયા. મોઘલકાળમાં લખાયેલી ફારસી કવિતાઓમાં પણ કામુકતાના અંશો જોવા મળતા."

બ્રિટિશ રાજ

કિદવઈ કહે છે કે, સેક્સની ઉજવણી કરતા સમાજમાંથી તેને વર્જિત માનતો સમાજ બનવાની પ્રક્રિયા ખૂબ જટિલ છે. "વ્યાપકપણે વાત કરીએ તો, એ બધું 19મી સદીના મધ્ય ભાગમાં બદલાયું. તેનો સંદર્ભબિંદુ 1857નો બળવો હોઈ શકે. ભારતને સીધું બ્રિટિશ તાજના શાસન હેઠળ લાવી દેવાયું હતું, જેણે વિક્ટોરિયન નીતિમત્તાનાં મૂલ્યો અને કાયદાઓ ભારત પર લાદ્યા. "

"રાણી વિક્ટોરિયાના શાસન હેઠળના નિયમો કઠોર અને નૈતિકવાદી હતા, જેમાં પરિવાર અને સ્ત્રી-પુરુષના વર્તન અંગે ચુસ્ત મર્યાદાઓ હતી."

ઇતિહાસકારોએ સમજાવ્યું કે, "ભારતીય સમાજના એક વર્ગે ગુલામી વેઠ્યા બાદ પોતાની સંસ્કૃતિને ફરીથી તપાસવાનું શરૂ કર્યું. બ્રિટિશ શિક્ષણ પામેલા કેટલાક લોકોએ ઠરાવ્યું કે સેક્સમાં લિપ્તતા એ ખોટી બાબત હતી."

ભારતીયોએ તેમની સંસ્કૃતિ અંગે પુનર્વિચાર કર્યો

ખન્ના કહે છે, "સામ્રાજ્યવાદે આપણી ખૂલીને વિચારવાની શક્તિને પ્રભાવિત કરી." મૂલચંદાની નોંધે છે કે, "જ્યારે લોકો વધુ તાર્કિક બનતા ગયા, તેમણે પોતાની પરંપરાઓ અને મિથ (પૌરાણિક કથાઓ) સામે સવાલ ઉઠાવ્યા."

વિદેશી પરિપ્રેક્ષ્ય ઉપરાંત, હિંદુ ધર્મના કેટલાક વધુ રૂઢિચુસ્ત પ્રવાહોમાં પણ સેક્સને વર્જિત ગણવામાં આવે છે. કિદવઈ કહે છે કે, "પરંપરાગત રીતે હિંદુ ધર્મ ખુલ્લો છે, પરંતુ રાજકારણના કેટલાક વર્ગોનો દરેક બાબત પર પોતાનો અલગ મત છે, જેમાં જાતીયતા પણ સામેલ છે."

મૂલચંદાની ધ્યાન દોરતા કહે છે કે, જાતીયતાનો ઉત્સવ મનાવવો એ ભારતીય સંસ્કૃતિનો ભાગ હોવા છતાં, તે હંમેશાંથી ખાનગી રાખવામાં આવે તેવી બાબત રહી છે.

તેઓ કહે છે, "હું એક ખૂબ જ જાતીય વ્યક્તિ હોઈ શકું, પરંતુ મારે તેને જાહેરમાં રજૂ કરવાની જરૂર નથી. જોકે, જાતીય સંતોષ અને સુખની અભિવ્યક્તિ એવી બાબત છે જે છુપાવી ન શકાય. આ લોકોની પ્રકૃતિ છે અને ભારતમાં તે દરેક ક્ષણે અભિવ્યક્ત થાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન