ગુજરાતમાં હવે કઈ જગ્યાએ વરસાદ પડશે, ખેડૂતોએ શું-શું ધ્યાન રાખવું?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ ખેતીવાડી કૃષિ વિભાગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદસ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના બીજા ભાગોમાં ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડ્યો છે.
વાંચવાનો સમય: 3 મિનિટ

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ નોંધાયો છે.

હવે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થશે. કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન નોંધપાત્ર રીતે ઘટશે જ્યારે બાકીના વિસ્તારમાં તાપમાન સામાન્ય રહેશે.

સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં નીચે રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી ઉપર હતું, જ્યારે પ્રદેશના બાકીના ભાગોમાં તાપમાન સામાન્ય હતું.

આ પ્રદેશમાં વલ્લભવિદ્યાનગર ખાતે સૌથી વધુ 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં સૌથી નીચું 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદસ્થિત હવામાન વિભાગના ડેટા પ્રમાણે ગઇકાલે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાયું હતું તે હવે ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી, પંજાબ અને રાજસ્થાન ઉપર સમુદ્રની સપાટીથી સરેરાશ 3.1 કિમીથી 12.6 કિમીની વચ્ચે એક ટ્રફ તરીકે જોવા મળે છે. હરિયાણા પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.

હવે વરસાદ અને ગરમીની કેવી આગાહી છે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ ખેતીવાડી કૃષિ વિભાગ

ઇમેજ સ્રોત, Sachin Pithva

ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રનગરના રણકાંઠાના વિસ્તારમાં પવનના કારણે સોલર પૅનલો તૂટી ગઈ છે.

હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ધીમો વધારો થઈ શકે છે.

લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ દિવસનો ધીમો વધારો આગામી ચાર દિવસમાં જોવા મળી શકે છે. ત્યાર પછી ગુજરાતમાં તાપમાનમાં કોઈ મોટો વધારો થવાના સંકેત નથી.

20 માર્ચથી 21 માર્ચ દરમિયાન ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

ત્યાર બાદ પાંચ દિવસ સુધી ગુજરાતમાં મોટા ભાગે હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 21 માર્ચે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે, જ્યારે લઘુતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે.

ખેડૂતો માટે સરકારની સૂચના

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ ખેતીવાડી કૃષિ વિભાગ

ઇમેજ સ્રોત, Hanif Khokhar

ઇમેજ કૅપ્શન, સૌરાષ્ટ્રમાં ભારે પવનના કારણે ચીકુના પાકને નુકસાન થયું છે

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે જેના કારણે ખેતરમાં ઊભેલા તથા માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલા પાકને નુકસાન થયું છે.

દરમિયાન રાજ્ય સરકારના કૃષિ વિભાગે બદલાયેલા હવામાનને ધ્યાને રાખીને ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરોમાં ઊભેલાં પાકને નુકસાનથી બચાવવા સાવચેતીનાં પગલાં સૂચવતી ઍડવાઇઝરી જાહેર કરી છે.

રાજ્યના ખેડૂતોને કૃષિ પ્રગતિ ઍપ્લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાવચેતી રાખવાની માહિતી પણ આપવામાં આવી રહી છે.

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હવે ક્યા જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ? નવી સિસ્ટમ સર્જાતાં શું થશે?

કૃષિ વિભાગે ખેડૂતોને અનુરોધ કર્યો છે કેઃ

  • કાપણી કરેલો પાક ખેતરમાં ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો.
  • પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો જેથી વરસાદનું પાણી નીચેથી અંદર ન ઘૂસે.
  • પાકેલા પાકની સત્વરે લણણી કરી તેને સુરક્ષિત ખસેડવાની કામગીરી કરવી.
  • ઊભા પાકમાં પાણી ભરાઈ ન રહે તે માટે ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા અગાઉથી કરી લેવી.
  • વરસાદી વાતાવરણ દરમિયાન પાકને પિયત આપવાનું અથવા જંતુનાશક દવા છાંટવાનું કામ મુલતવી રાખવું.
  • જીરું, ઇસબગુલ અને વરિયાળી જેવા ભેજથી જલ્દી બગડતા પાકોને પ્રાથમિકતા આપી સલામત સ્થળે ખસેડવા.
  • APMCમાં ખેડૂતો અને વેપારીઓએ અનાજ અને ખેતપેદાશોને શૅડ નીચે અથવા સુરક્ષિત રીતે ઢાંકીને રાખવાં.
  • શક્ય હોય તો આ દિવસો દરમિયાન વેચાણ અર્થે ખેત પેદાશો APMC માર્કેટમાં લાવવાનું ટાળવું.
  • ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત સ્થળે રાખવો.

આ ઉપરાંત કૃષિ વિભાગે જણાવ્યું છે કે વધુ જાણકારી કે માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો.

આ ઉપરાંત ગુજરાત સરકારે સૂચના આપી છે કે ખેડૂતો કિસાન કૉલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર 1800 180 1551 પર પણ સંપર્ક કરી શકાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન