સુરત : 'ત્રણ દિવસથી એક જ ટાઇમ ખાતા હતા એટલે...', ગૅસ સિલિન્ડર ન મળતાં કારીગરો વતન જવા મજબૂર
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ભારતનાં અનેક શહેરોમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી) માટે લાંબી-લાંબી લાઇનો જોવા મળી રહી છે. કેટલાંક સ્થળોએ જાતે ભોજન બનાવતા વિદ્યાર્થીઓ ચિંતિત છે. કેટલાંક સ્થળોએ વિદ્યાર્થીઓની વીશીની સુવિધા બંધ થઈ ગઈ છે.
એલપીજીનો પુરવઠો ખોરવાઈ જવાને કારણે ભારતનાં અનેક શહેરોમાં રેસ્ટોરાં તથા હોટલો બંધ થઈ રહી હોવાના અહેવાલ છે. કેટલાંક સ્થાનોએ જમવાનું મૅન્યુ બદલી ગયું છે અને જમવા માટે ગરમ ભોજન પીરસવામાં નથી આવતું.
તો કેટલાંક સ્થળોએ બળતણનાં લાકડાં વાપરીને ભોજન રાંધવામાં આવી રહ્યું હોવાના અહેવાલ છે.
નોંધનીય છે કે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમાંકનું એલપીજી વપરાશકર્તા છે. ગત એક દાયકામાં એલપીજી વપરાશમાં 60 ટકા જેટલો ઉછાળો જોવાયો છે.
નાણાકીય વર્ષ 2016માં 19.6 એમએમટીનો (મિલિયન મૅટ્રિક ટન) વપરાશ થતો, જે નાણાકીય વર્ષ 2025 દરમિયાન વધીને 31.3 એમએમટી સુધી પહોંચી ગયો હતો.
તાજેતરના આંકડા મુજબ 33 કરોડ સક્રિય ઘરેલુ એલપીજી વપરાશકર્તા છે, વર્ષ 2015-16 દરમિયાન આ આંકડો 16 કરોડ 60 લાખનો હતો.
આનું એક કારણ 'પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના' (પીએમયુવાય) પણ છે. જેનો હેતુ ઘરેલુ વપરાશમાં એલપીજી વપરાશ વધારવાનો હતો. નાણાકીય વર્ષ 2024- '25 દરમિયાન 10.33 કરોડ પીએમયુવાય કનૅક્શન હતાં.
વપરાશમાં વધારો થવા છતાં ઘર આંગણે ઉત્પાદનમાં વૃદ્ધિ નથી થઈ. ભારત દ્વારા જેટલો એલપીજીનો વપરાશ કરવામાં આવે છે, તેમાંથી માત્ર 41 % ઘરઆંગણે ઉત્પાદિત થાય છે.
નાણાકીય વર્ષ 2018 થી 2025નાં આઠ વર્ષના ગાળા દરમિયાન ભારતમાં એલપીજી ઉત્પાદન 12 એમએમટી ઉપર સ્થિર છે.
વર્ષ 2016 દરમિયાન ભારત તેની કુલ જરૂરિયાતના 54 ટકા જેટલો એલપીજી ગૅસ ઉત્પાદિત કરતું હતું. આ ટકાવારી ઘટીને નાણાકીય વર્ષ 2025 દરમિયાન 41 % આસપાસ આવી ગઈ હતી.
જેના કારણે ભારતે પોતાની એલપીજી જરૂરિયાતને પૂર્ણ કરવા આયાત કરવી પડે છે. પીપીએસીના આંકડા પ્રમાણે, ભારત દ્વારા જેટલો ગૅસ વાપરવામાં આવે છે, તેમાંથી લગભગ 60 ટકા જેટલો આયાત થયેલો હોય છે.
એલપીજી આયાતની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ભારતની કુલ જરૂરિયાતનો લગભગ 85 ટકા ગૅસ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. જે ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ચર્ચામાં છે.
હોર્મુઝની સામુદ્રધુનીએ સાંકળો જળમાર્ગ છે, જેને ઈરાન દ્વારા લગભગ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે લાખો બૅરલ ક્રૂડઑઇલ અટવાઈ ગયું છે.
દેશભરમાં એલપીજી ગૅસ સિલિન્ડરની અછત હોવાની અસર સુરતમાં પણ દેખાઈ રહી છે અને અહીં ગૅસ સિલિન્ડર નહીં મળવાને કારણે પ્રવાસી શ્રમિક શહેર છોડીને અન્યત્ર હિજરત કરવા મજબૂર બન્યા છે.
તેમનું શું કહેવું છે તથા આવું કેમ થઈ રહ્યું છે, જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



