You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સિકાડા: બાળકો માટે કોવિડ-19નો નવો વૅરિઅન્ટ કેટલો જોખમી તથા કેટલો ઝડપભેર ફેલાય છે?
- લેેખક, કેટ બોવી
- પદ, ગ્લોબલ હેલ્થ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- વાંચવાનો સમય: 6 મિનિટ
કોવિડ-19ના ખૂબ જ મ્યૂટેટેડ (વાઇરસનું સ્વરૂપ બદલવું) વાઇરસ 'સિકાડા'એ વિશ્વના 23 દેશોમાં દેખા દીધા છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા તેની ઉપર નજર રાખી રહી છે.
સિકાડાને ઔપચારિક રીતે વૅરિઅન્ટ 'બીએ3.2' તરીકે ઓળખવામાં આવે છે. તેણે અમેરિકા, હૉંગકૉંગ, મોઝામ્બિક તથા બ્રિટનમાં દેખા દીધા છે.
જોકે, આ વૅરિઅન્ટ અન્યો કરતાં વધુ ખતરનાક છે એવું નથી, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે તે બાળકોને મોટા પ્રમાણમાં અસર કરે તેવી શક્યતા છે.
આ નવો વૅરિઅન્ટ શું છે તથા તેના પ્રત્યે કેટલુંક ચિંતિત થવાની જરૂર છે?
સિકાડા વૅરિઅન્ટ કેવો છે?
સિકાડા નામના જંતુના આધારે 'બીએ 3.2' વૅરિઅન્ટને સિકાડા નામ આપવામાં આવ્યું છે.
સિકાડા નામનો આ કીડો લાંબા સમય સુધી સુષુપ્તાવસ્થામાં અંડરગ્રાઉન્ડ રહી શકે છે. આ વૅરિઅન્ટ પણ એવો જ છે, જેણે પહેલી વખત દેખા દીધા પછી લાંબા સમય સુધી સુષુપ્તાવસ્થામાં રહ્યો.
આ વૅરિઅન્ટ સૌ પહેલાં નવેમ્બર-2024માં દક્ષિણ આફ્રિકા ખાતે જોવા મળ્યો હતો, જોકે, સપ્ટેમ્બર-2025 સુધી આ વૅરિઅન્ટના કેસોમાં નોંધપાત્ર ઉછાળો નહોતો જોવા મળ્યો.
એ પછી ગત મહિને અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રૉલ ઍન્ડ પ્રિવેન્શને 25 રાજ્યોમાં તેનો ફેલાવો થયો હોવાની વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું જણાવવામાં આવ્યું હતું કે ચાર મુસાફરોના 'નૅઝલ સ્વૅબ' (નાકમાંથી લેવાયેલા નમૂના), પાંચ દર્દીઓના ક્લિનિકલ સૅમ્પલ તથા 132ના વૅસ્ટ વૉટલ સૅમ્પલમાં તેના નમૂના જોવા મળ્યા હતા.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેની ઉપર નજર રાખવાનું શરૂ કર્યું છે, જેનો મતલબ છે કે તેની ઉપર ધ્યાન આપવાની તાંતી જરૂર છે તથા હાલ તપાસ ચાલી રહી છે કે શું તેના કારણે વૈશ્વિકસ્તરે જનઆરોગ્ય ઉપર જોખમ ઊભું થવાની શક્યતા છે?
શું બાળકો ઉપર જોખમની શક્યતા વધુ છે?
કોવિડ વૅરિઅન્ટના રિસર્ચર રયાન હિસ્નરે ન્યૂયૉર્કમાં નોંધાયેલા કેસોના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.
તેમનું કહેવું છે કે મોટા લોકોની સરખામણીમાં બાળકોને 'બીએ 3.2' વૅરિઅન્ટનો ચેપ લાગવાની આશંકા વધુ છે.
કૅમ્બ્રિજ યુનિવર્સિટી ઑફ થૅરાપ્યૂટિક ઇમ્યૂનૉલૉજી ઍન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝના પ્રોફેસર રવીન્દ્ર ગુપ્તા કહે છે, "કોઈ પિયર (સમકક્ષ) અથવા સહકર્મીએ તેનો રિવ્યૂ નથી કર્યો અથવા પ્રકાશિત નથી કર્યો, પરંતુ એવું લાગે છે કે તેમાં તથ્ય છે."
આવું કેમ થઈ રહ્યું છે? તેના વિશે મતમતાંતર છે. એક તો એ છે કે કોઈપણ ઇમ્યૂન સિસ્ટમ (રોગ સામે લડવાની શરીરની સુરક્ષા પ્રણાલી) માટે સિકાડાને ઓળખવો મુશ્કેલ છે, કારણ કે આવો વૅરિઅન્ટ આપણે અગાઉ નથી જોયો.
ગુપ્તા કહે છે, "બાળકોની ઇમ્યુનિટી મોટા લોકોની સરખામણીમાંં ઓછી હોય છે. તેમના શરીરે અલગ-અલગ પ્રકારના વાઇરસ કે કોવિડનો ચેપ જોયો નથી હોતો."
"એટલે તેમનામાં આ વાઇરસ સામેની પ્રતિરોધક ક્ષમતા ઓછી હોવાની."
મોટા લોકોના શરીરમાં ગ્લૅન્ડ્સ હોય છે, જે વાઇરસ સામે આપણાં શરીરની સુરક્ષા કરવા માટે ઍન્ટિબૉડીનું સર્જન કરે છે.
તે અનેક વર્ષો પછી પરિપક્વ થાય છે અને શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.
તેઓ ઉમેરે છે, "આ પરિપક્વતાની દૃષ્ટિએ જોઈએ તો બાળકોમાં બહુ ઓછા વર્ષ હોય છે."
"એટલે એક હદ સુધી સમજી શકાય છે કે તેઓ વાઇરસ પ્રત્યે શા માટે સંવેદનશીલ હોય છે?"
અન્ય સંશોધનકર્તાઓનું માનવું છે કે સિકાડામાં ખૂબ જ બદલાઈ ચૂકેલું (હાઇલી મ્યૂટેટેડ) પ્રોટીન છે. જેનો કંઈક સંબંધ બાળકોમાં સંક્રમણ સાથે હોય શકે છે.
ગુપ્તા અને તેમની ટીમ આ અંગે વિસ્તૃત અભ્યાસ કરવા માટે બાળકોની સારવારના નમૂના શોધી રહ્યા છે, જેથી કરીને આ વૅરિઅન્ટ બાળકોને શા માટે વધુ અસર કરી રહ્યો છે, તેનું કારણ જાણી શકાય.
સિકાડા વૅરિઅન્ટનાં લક્ષણ શું છે?
વાઇરસનો સિકાડા વૅરિઅન્ટ અન્ય વૅરિઅન્ટની સરખામણીમાં લોકોને વધુ બીમાર કરે છે, તેના માટેના કોઈ પુરાવા નથી.
બ્રિટનમાં યુનિવર્સિટી ઑફ ઇસ્ટ એંગ્લિયા ખાતે મહામારી સંબંધે નિષ્ણાત પ્રોફેસર પૉલ હંટર કહે છે, "એવું કોઈ લક્ષણ નથી, જે તેને સર્વસામાન્ય બનાવતું હોય."
કોવિડ-19માં તાવ, ઉધર, ગળામાં બળતરા, સંકડાશ, થાક, માથાનો દુખાવો, શરીરના અન્ય અંગોમાં દર્દ, શ્વાસ લેવામાં તકલીફ તથા ઝાડા જેવા સર્વસામાન્ય લક્ષણ જોવા મળી શકે છે.
યુકેમાં યુનિવર્સિટી ઑફ રીડિંગ ખાતે વાઇરોલૉજિસ્ટ ઇયાન જૉન્સ જણાવે છે, "કોઈ પણ વૅરિઅન્ટ હોય, વાઇરસ એ જ કોષોને નિશાન બનાવે છે....એટલે તમને જે લક્ષણ જોવા મળે છે, તે મોટાભાગે એક જેવા જ હોય છે."
આ વૅરિઅન્ટ આટલો બધો મ્યૂટેટ કેમ થયો?
દરેક વાઇરસ સમયની સાથે બદલાય છે. વિશેષ કરીને કોવિડ-19 જેવા આરએનએ વાઇરસ ખૂબ જ ઝડપભેર બદલાતા રહે છે.
યુએસ સીડીસીએ 'બીએ 3.2'ને 'ખૂબ જ અલગ' પ્રકારનો વૅરિઅન્ટ જણાવ્યો છે. આનો મતલબ છે કે તે મૂળ ઓમિક્રૉન સ્ટ્રેઇન કરતાં ખૂબ જ અલગ છે.
જૉન્સ કહે છે કે આ મ્યૂટેશન તમારી રોગપ્રતિકારક ક્ષમતા વાઇરસને ઓળખી ન શકે, એવી વર્તણૂક કરી શકે છે. આ સિવાય તે 'અમુક હદે' તમારા શરીર દ્વારા અગાઉથી બનાવવામાં આવેલી કોઈપણ પ્રકારની ઇમ્યુનિટીથી બચવાનો માર્ગ પણ દેખાડી શકે છે.
જૉન્સ કહે છે, "દેખીતી રીતે આ વાઇરસ લોકોના ઍન્ટિબૉડીને થાપ આપીને ધીમે-ધીમે ફેલાઈ રહ્યો છે."
કોઈ વૅક્સિન અસર કરશે?
વાઇરસ તેનું સ્વરૂપ બદલતો રહે છે, એટલે કોવિડની વૅક્સિન આપણને સિકાડા વૅરિઅન્ટથી બચાવવામાં ઓછી અસરકારક સાબિત થાય, એવું બની શકે છે.
જોકે, કેટલાક નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે અગાઉ લીધેલી વૅક્સિન હજુ પણ અમુક હદ સુધી આ વૅરિઅન્ટ સામે પણ સુરક્ષા આપી શકે છે.
જૉન્સ કહે છે, "તમને કોરોનાનો ચેપ લાગી શકે છે, પરંતુ તે હળવો રહેશે."
ડબલ્યૂએચઓના જણાવ્યા પ્રમાણે, હજુ સુધી કુલ વસતિના 67 ટકા લોકોને કોવિડ-19ની રસી આપવામાં આવી છે.
નવા સ્ટ્રેઇન્સથી બચાવ થઈ શકે તે માટે વૅક્સિનના અપડેટેડ 'બુસ્ટર' ડોઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે તથા તે સમગ્ર વિશ્વમાં એક જેવો નથી.
જૉન્સ જણાવે છે કે દવા બનાવનારી કંપનીઓ સિકાડાને ધ્યાનમાં રાખીને વૅક્સિનનો નવો ડોઝ તો જ બનાવશે, જો આ વૅરિઅન્ટથી પ્રભાવિત લોકોની સંખ્યા અને ગંભીરતા ઝડપભેર વધે.
તો શું આપણે ચિંતા કરવાની જરૂર છે?
ઍપિડોમૉલૉજિસ્ટ હંટરનું કહેવું છે કે આપણને કોવિડ-19ના નવા-નવા વૅરિઅન્ટ્સ દેખાતા રહેશે,તથા આ વાતનું આશ્ચર્ય ન થવું જોઈએ.
તેમણે કહ્યું હતું, "જ્યાર સુધી આ પૃથ્વી ઉપર માણસ રહેશે, ત્યાર સુધી આપણને વાઇરસના નવા-નવા વૅરિઅન્ટ જોવા મળશે. મને નથી લાગતું કે SARS-CoV-2 ક્યારેય નાબૂદ થશે."
હંટરનું કહેવું છે કે સિકાડા વૅરિઅન્ટના કેસ વધ્યા છે, એ વાત ખરી, પરંતુ તેનો અર્થ એ નથી કે કોવિડ-19ના કેસ કે મૃત્યુની કુલ સંખ્યા પણ ખૂબ જ વધશે.
હંટરે ઉમેર્યું, "નવા-નવા વૅરિઅન્ટ નિયમિત રીતે સામે આવતા રહેશે, પરંતુ તેના કારણે થનાર મોત કે ગંભીર બીમારીઓમાં ઘટાડો થતો રહેશે."
ડિસેમ્બર-2025માં ડબલ્યૂએચઓએ જણાવ્યું હતું કે સિકાડાને કારણે ગંભીર કેસ, હૉસ્પિટલમાં દાખલ કરે એવી પરિસ્થિતિ અથવા તો તેના કારણે મરણાંકમાં વૃદ્ધિ થાય છે, એવું દર્શાવતો કોઈ ડેટા નથી અને તેના કારણે જાહેર આરોગ્યવ્યવસ્થાને અસર થાય, એવું જોખમ ખૂબ જ ઓછું છે.
જૉન્સ કહે છે, "આપણે ત્યાં જેવી રીતે શર્દીનો ચેપ જોવા મળે છે, એવો જ એક ચેપ કોવિડ-19 બની ગયો છે તથા લોકોએ તેના પ્રત્યે જાગૃતિ કેળવવાની જરૂર છે."
"જો લોકોને લાગે કે તેમને વૅક્સિનથી ફાયદો થશે, તો તેમણે રસી લેવી જોઈએ."
જો 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, ઓછી રોગપ્રતિકારક ક્ષમતાવાળા લોકો તથા લાંબા સમયથી બીમાર હોય એવા લોકોને આ વૅરિઅન્ટનો ચેપ લાગે તેવી શક્યતા છે. તેમને કોવિડ-19નું ઇન્ફેક્શન ગંભીરપણે બીમાર કરી શકે છે.
ગુપ્તા કહે છે, "જો તમારાં બાળકને ફેફસાં સબંધિત બીમારી હોય, હૃદય નબળું હોય અથવા તો રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય, તો તેમને તાત્કાલિક તબીબી સારવાર લેવી જોઈએ."
ગુપ્તા ઉમેરે છે, "મોટાભાગનાં સ્વસ્થ બાળકોના શરીરમાં આ વૅરિઅન્ટ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ નહીં કરે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન