You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ સહિત પાંચ પ્રદેશોમાં ચૂંટણી જાહેર, ગુજરાતના ઉમરેઠમાં ક્યારે પેટાચૂંટણી?
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારસિંહ સહિત ચૂંટણી કમિશનર ડૉ. વિવેક જોશી, ડૉ. સુખબીરસિંહ સંધુ અને ડેપ્યુટી ચૂંટણી કમિશનરોએ પ્રેસ કૉન્ફરન્સ કરીને પાંચ પ્રદેશોની વિધાનસભાની ચૂંટણી અને ગુજરાતની એક બેઠક ઉમરેઠની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી.
જાહેરાત પ્રમાણે આસામ, કેરળ અને પુડુચેરી ખાતે 9 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે.
આ સિવાય તામિલનાડુમાં પણ એક તબક્કામાં જ 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે. જોકે, પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન યોજવાની જાહેરાત કરાઈ છે. 23 એપ્રિલના રોજ વિધાનસભાની 152 બેઠકો પર અને બીજા તબક્કામાં 142 બેઠકો પર 29 એપ્રિલના રોજ મતદાન યોજાશે.
આસામ, કેરળ, પુડુચેરી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામ એક સાથે 4 મેના રોજ જાહેર કરાશે.
ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની સાથોસાથ સાત રાજ્યોમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત પણ કરાઈ છે. જેમાં ગુજરાતમાં આણંદની ઉમરેઠ બેઠક પણ સામેલ છે.
તાજેતરમાં જ ઉમરેઠથી ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ રાયજીભાઈ પરમારનું હૃદયરોગના હુમલામાં મૃત્યુ થવાને કારણે આ બેઠક ખાલી પડી હતી.
આ બેઠક પર 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે. જેનું પરિણામ 4 મેના રોજ આવશે.
પશ્ચિમ બંગાળ
અહીં સૌપ્રથમ વાત કદાચ સૌથી રસપ્રદ મનાતી વિધાનસભાની ચૂંટણીની, એટલે કે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીની.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વિધાનસભા ચૂંટણીથી માંડીને અત્યાર સુધી આ રાજ્યમાં ભાજપ અને શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસનો ગજબ ગજગ્રાહ જોવા મળ્યો છે.
આ વખતે આ સ્પર્ધા તેની ચરમસીમાએ પહોંચવાનું મનાઈ રહ્યું છે.
આ ચૂંટણીમાં રાજ્યના મુદ્દાઓ અંગે વાત કરીએ તો મતદારયાદીમાં ફેરફાર વર્ષ 2026ની ચૂંટણીનું સૌથી વિવાદાસ્પદ પાસું બની ગયું છે.
સ્વતંત્રતા બાદ આ પ્રથમ વખત બની રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં કુલ મતદારોની સંખ્યા ગત ચૂંટણીની સરખામણીએ ઘટી છે.
રાજ્યમાં એસઆઇઆરની પ્રક્રિયા બાદ લગભગ 5.46 લાખ મતદારોના યાદીમાંથી હઠાવી દેવાયાં છે. તેમજ 60.6 લાખ મતદારોનાં નામો અંગે હજુ પણ નિર્ણય થવાનો બાકી છે.
આ વખત પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં શાસન-પ્રશાસન, ભ્રષ્ટાચારના આરોપો અને રાજકીય વિશ્વાસ સાથે સંકળાયેલા મુદ્દા પર જ ચર્ચા થવાની આશા છે.
ભાજપે સત્તાધારી તૃણમૂલ સરકાર પર ભ્રષ્ટાચારના કથિત મામલા ટાંકીને વારંવાર નિશાન સાધ્યાં છે, જેમાં 'શિક્ષક ભરતી કૌભાંડ' અને કથિત કોલસા તસ્કરીનો મામલો સામેલ છે.
જોકે, એસઆઇઆરે આ તમામ મુદ્દાને પાછળ છોડી દીધા છે. એટલે સુધી કે આ મામલો ઠેક સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી ચૂક્યો છે.
આસામ
આ પછી બીજું એક મહત્ત્વપૂર્ણ રાજ્ય છે આસામ. આસામમાં સત્તાધારી પક્ષ ભાજપના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા અવારનવાર પોતાની ટિપ્પણીઓને કારણે ચર્ચામાં રહે છે.
સાથે જ રાજ્યમાં કથિત ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા રહે છે.
હાલ આસામમાં આ ચૂંટણીમાં સરકારની અરુણોદય યોજના હેઠળ 40 લાખ મહિલાઓને 3,600 કરોડ રૂપિયા આપવાની યોજનાની ઘણી ચર્ચા છે.
આસામ સરકારે ગત મંગળવારે આ રકમ અરુણોદય-3 યોજના અંતર્ગત ટ્રાન્સફર કરી હતી, જેમાં દરેક મહિલા લાભાર્થીનાં બૅન્ક ખાતાંમાં સીધા નવ હજાર રૂપિયા નાખવાની વાત કરાઈ હતી.
ચૂંટણીથી ઠીક પહેલાં મહિલા મતદારોને સાધતો આ દાવ સત્તાધારી ભાજપને ફાયદો કરાવી શકે તેવી શક્યતા રાજકીય વિશ્લેષકો પહેલાંથી જ વ્યક્ત કરી ચૂક્યા છે.
આ સિવાય રાજ્યમાં પ્રસિદ્ધ ગાયક ઝુબિન ગર્ગના મૃત્યુનો મામલો પણ એક મોટો ચૂંટણીલક્ષી મુદ્દો બનતો જણાઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનો આ મુદ્દે ગંભીર છે.
ઉપરાંત વિપક્ષ રાજ્યમાં મુખ્ય મંત્રી સરમા અને તેમના પરિવાર પર ભ્રષ્ટાચારના આરોપોને જોરશોરથી ઉઠાવી રહ્યો છે.
તેમજ સીએમ સરમા કૉંગ્રેસના સાંસદ અને સ્થાનિક નેતા ગૌરવ ગોગોઈ જાહેરમાં 'પાકિસ્તાની એજન્ટ' હોવાનો દાવો કરી રહ્યા છે.
2021ની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની વાત કરીએ તો એ ચૂંટણીમાં કુલ 126 બેઠકો પૈકી એકલા ભાજપને 60 બેઠકો મળી હતી, તેમજ એનડીએ ગઠબંધનને કુલ 75 બેઠકો મળી હતી.
કૉંગ્રેસને 29 તો તેના ગઠબંધન યુપીએને 50 બેઠક મળી હતી. જ્યારે એક બેઠક અન્યને ગઈ હતી.
કેરળ
ભારતનાં વિપક્ષશાસિત રાજ્યો પૈકી કેરળનું નામ પણ અવારનવાર ચર્ચામાં આવતું રહે છે, ક્યારેક શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે રાજ્યના પ્રદર્શન માટે તો ક્યારેક કથિત ધાર્મિક વિવાદને પગલે.
પાછલા ઘણા સમયથી ભાજપ કેરળમાં પોતાના પગ જમાવવાની કોશિશ કરી રહ્યો છે. જોકે, પરંપરાગત રીતે કેરળ ડાબેરી અને કૉંગ્રેસનું ગઢ મનાય છે.
તાજેતરમાં જ ભાજપે કેરળમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટનગર તિરુવનંતપુરમ્ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં વિજય હાંસલ કરીને બધાને ચોંકાવી દીધા હતા.
જોકે, આ ચૂંટણી ડાબેરી ગઠબંધન ધ લેફ્ટ ડેમૉક્રૅટિક ફ્રન્ટ એલાયન્સ (એલડીએફ) માટે એક ફટકો સાબિત થઈ હતી.
એલડીએફ માત્ર કોઝિકોડ મ્યુનિસિપલ કૉર્પોરેશન જીતી શક્યું હતું.
જ્યારે કૉંગ્રેસની આગેવાનીવાળા યુનાઇટેડ ડેમૉક્રૅટિક ફ્રન્ટ (યુડીએફ) ચાર કૉર્પોરેશનમાં મેયરપદ જીતવામાં સફળ રહ્યું હતું.
તામિલનાડુ
2021ની વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકેની આગેવાનીવાળા સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સની જીત થઈ હતી. જેમાં કૉંગ્રેસ, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઇન્ડિયા (માર્ક્સવાદી), એમડીએમકે, લિબરેશન ટાઇગર્સ ઑફ તામિલનાડુ, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને કોંગુનાડુ પીપલ્સ નૅશનલ પાર્ટી સામેલ હતી. એ ચૂંટણીમાં ડીએમકે ગઠબંધનને કુલ 234 બેઠકો પૈકી 159 બેઠક મળી હતી, જ્યારે વિપક્ષ એઆઇએડીએમકે ગઠબંધનને 75 બેઠકો જ મળી હતી.
આ ચૂંટણીમાં પણ ગઠબંધનોમાં કોઈ મોટો ફેરફાર નથી કરાયો. જોકે, ડીએમકે ગઠબંધનમાં ડીએમડીકે અને મક્કલ નિધિ મૈયમ પાર્ટી સામેલ જરૂર થઈ છે.
આ ચૂંટણીમાં કૉંગ્રેસને ચૂંટણી લડવા માટે 28 બેઠકો ફાળવવામાં આવી છે, એમડીએમકને ચાર (જે પૈકી ત્રણ પર ડીએમકેના ચિહ્ન પર ચૂંટણી લડાશે.) અને કોંગુનાડુ પીપલ્સ નૅશનલ પાર્ટી અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને બબ્બે બેઠકો ફાળવાઈ છે.
જોકે, આ વખત એઆઇએડીએમકેમાં મોટા ફેરફાર થયા છે. 2021ની ચૂંટણીમાં એઆઇએડીએમકેએ ભાજપ, પીએમકે, તામિલ મનાયા કૉંગ્રેસ સહિતના પક્ષો સાથે ચૂંટણી લડી હતી. જોકે, 2024ની ચૂંટણીમાં ભાજપ અને એઆઇએડીએમકેએ અલગ અલગ ચૂંટણી લડી હતી. પરંતુ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વાર આ બંને પાર્ટીઓ સાથે આવી છે.
આ ઉપરાંત ઍક્ટર વિજયની નવી બનેલી પાર્ટી, તામિલનાડુ વિકટરી પાર્ટી પણ આ ચૂંટણીમાં ઊતરવાની છે. જોકે, હજુ સુધી કોઈ મોટી પાર્ટીએ આ પક્ષ સાથે ગઠબંધન નથી કર્યું.
આ સિવાય પૂર્વ મુખ્ય મંત્રી જયલલિતાનાં મિત્ર શશીકલાએ કહ્યું છે કે તેઓ સ્વયંસેવકોની બનેલી પાર્ટી 'ઑલ ઇન્ડિયા રેવૉલ્યૂશનરી લીડર પીપલ્સ પ્રોગ્રેસ પાર્ટી'માં સામેલ થયાં છે.
પુડુચેરી
ગત વિધાનસભાની ચૂંટણીમાં એનઆર કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ એનડીએ ગઠબંધન અંતર્ગત ચૂંટણી જીતીને સરકાર રચી હતી. એ સમયે ગઠબંધનને 30 બેઠકો પૈકી 16 મળી હતી.
એનઆર કૉંગ્રેસના રંગાસામી મુખ્ય મંત્રી બન્યા હતા. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને દ્રવિડ મુન્નેત્રા કઝગમ (ડીએમકે) વિપક્ષમાં છે.
2026ની ચૂંટણી પહેલાં ફરી એક વાર ગઠબંધન રાજકારણે જોર પકડ્યું છે.
છેલ્લી ચૂંટણીની માફક ભાજપ અને એનઆર કૉંગ્રેસે ગઠબંધન રચીને એક સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે, હજુ સુધી બેઠક વિભાજન અંગે કોઈ જાહેરાત નથી થઈ.
જોકે, બીજી તરફ કૉંગ્રેસ અને ડીએકે વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન