ઈરાન યુદ્ધ ચાલુ હોવા છતાં હોર્મુઝની સામુદ્રધુની પાર કરી રહેલાં આ 100 જહાજોના માલિક કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કેલીન દેવલીન, ટોમ એજિંગ્ટન, યી મા
- પદ, બીબીસી વેરિફાય
- વાંચવાનો સમય: 4 મિનિટ
બીબીસી વેરિફાયની તપાસમાં બહાર આવ્યું છે કે માર્ચ મહિનાની શરૂઆતથી હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં જહાજોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ઈરાની સૈન્યે આ માર્ગ પરથી પસાર થતાં જહાજો પર સમયાંતરે હુમલા કર્યા છે.
બીબીસી વેરિફાય દ્વારા વિવિધ ડેટા સેટના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આ ચોંકાવનારી માહિતી સામે આવી છે.
વિશ્વના સૌથી વ્યસ્ત જળમાર્ગો પૈકીનો એક હોવા છતાં, 28 ફેબ્રુઆરીએ ઈરાન સાથે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ત્યારથી અહીં દૈનિક જહાજોની અવરજવરમાં 95 ટકાનો ઘટાડો નોંધાયો છે. જૉઇન્ટ મેરિટાઇમ ઇન્ફર્મેશન સેન્ટરના આંકડા મુજબ, યુદ્ધ પહેલાં આ રસ્તેથી દરરોજ સરેરાશ 138 જહાજો પસાર થતાં હતાં. આ જહાજો વિશ્વના કુલ ક્રૂડઑઇલ પુરવઠાનો 20 ટકા જથ્થો વહન કરતાં હતાં.
શિપિંગ વિશ્લેષક સંસ્થા 'કેપલર'ના જણાવ્યા અનુસાર, 20 માર્ચ સુધીમાં આ મહિને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી માત્ર 99 જહાજો પસાર થયાં છે, જેની દૈનિક સરેરાશ માત્ર પાંચથી છ જહાજની જ છે. બીબીસી વેરિફાયે આ માર્ગ પરથી પસાર થતાં જહાજો અને તેમની સામેનાં જોખમો પર ઝીણવટભરી નજર નાખી છે.
છ જહાજ ભારત તરફ રવાના

ઇમેજ સ્રોત, AFP via Getty Images
બીબીસીના વિશ્લેષણ મુજબ, તાજેતરમાં આ માર્ગ પરથી પસાર થયેલાં જહાજો પૈકી ત્રીજા ભાગનાં જહાજો કોઈને કોઈ રીતે ઈરાન સાથે સંકળાયેલાં હતાં. આ પૈકી 14 જહાજો ઈરાની ધ્વજ સાથે સફર કરી રહ્યાં હતાં, જ્યારે અન્ય જહાજો યુરોપ કે અમેરિકા દ્વારા માન્યતા પ્રાપ્ત હોવા છતાં ઈરાનના ક્રૂડઑઇલ વેપાર સાથે સંબંધ ધરાવતાં હતાં.
વધારામાં, અન્ય નવ જહાજો ચીન સાથે સંકળાયેલી કંપનીઓનાં હતાં, જ્યારે છ જહાજો ભારત જઈ રહ્યાં હોવાનું જણાયું હતું. વિશ્લેષણમાં એ પણ જાણવા મળ્યું છે કે જે જહાજો ઈરાન સાથે સીધાં સંકળાયેલાં નથી, તેઓ પણ ગ્રીક માલિકીના જહાજો સહિત ઈરાનના બંદરે રોકાણ કરી રહ્યાં છે. હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સફળતાપૂર્વક પસાર થવા માટે જહાજો હવે સામાન્ય કરતાં વધુ લાંબો અને સુરક્ષિત રૂટ પસંદ કરી રહ્યાં છે.
પાકિસ્તાનનો અલગ રસ્તો, પરંતુ કેમ?
15 માર્ચના રોજ આ રૂટ પરથી પસાર થયેલા પાકિસ્તાની ધ્વજવાળા ટેન્કરનો ડેટા ટ્રૅક કરતા માલૂમ પડ્યું કે તે જહાજ સામુદ્રધુનીના મધ્ય ભાગને બદલે ઈરાની કિનારાની એકદમ નજીકથી પસાર થયું હતું.
યુએસ ડિફેન્સ થિંક ટેન્ક 'રેન્ડ કૉર્પોરેશન'ના વરિષ્ઠ સંશોધક બ્રેડલી માર્ટિનના મતે, આ જહાજ કદાચ ઈરાન પાસેથી મળેલી ચોક્કસ સૂચનાઓ મુજબ આગળ વધ્યું હોય તેમ જણાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માર્ટિને ઉમેર્યું કે, જહાજનો આવો રૂટ સૂચવે છે કે કાં તો તે વિસ્તારમાં સમુદ્રી સુરંગો (માઇન્સ) હોઈ શકે છે અથવા ઈરાની સત્તાવાળાઓ જહાજની ઓળખ સરળતાથી કરી શકે તે માટે આ માર્ગ પસંદ કરાયો હશે.
વિંડવર્ડ મેરિટાઇમ ઍનાલિટિક્સના મિશેલ વીસે જણાવ્યું કે, જહાજોને વૈકલ્પિક રસ્તો લેવા મજબૂર કરવા પાછળનો હેતુ તેમને ઈરાની સમુદ્રી સીમામાં લાવી તહેરાનના મેરિટાઇમ નિયમો હેઠળ ચલાવવાનો છે.
તેમણે બીબીસી વેરિફાયને કહ્યું, "મને લાગે છે કે ઈરાન હુમલાની ધમકી અને અંડરવોટર માઇન્સના ડરથી આ રૂટને નિયંત્રિત કરી રહ્યું છે. આ કારણે જહાજો આંતરરાષ્ટ્રીય જળમાર્ગો છોડીને ઈરાની કિનારાની આસપાસ જવા મજબૂર બન્યાં છે."
સેન્ટર ફૉર નેવલ ઍનાલિસિસના માઇકલ કોનેલ પણ આ વાત સાથે સહમત છે. તેઓ કહે છે કે જહાજોએ ઈરાની તંત્ર સાથે કદાચ એવા કરાર કર્યા હશે કે જો તેઓ નિર્ધારિત રસ્તે ચાલશે, તો તેમની સુરક્ષાની ખાતરી અપાશે.
જહાજોને મુખ્ય ધમકીઓ

ઇમેજ સ્રોત, EPA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ યુદ્ધની શરૂઆતથી ઈરાની કિનારાની આસપાસ અત્યાર સુધીમાં 20 મર્ચન્ટ જહાજો પર હુમલા થયા છે, જોકે આ તમામ હુમલા માત્ર હોર્મુઝની સામુદ્રધુનીમાં જ નહોતા થયા. 11 માર્ચના રોજ થાઈલૅન્ડના ધ્વજવાળા કાર્ગો શિપ 'મયૂરી નારી' પર હોર્મુઝની સામુદ્રધુની પસાર કરતી વખતે બે પ્રોજેક્ટાઇલ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
આ જહાજના 23 ક્રૂ મેમ્બર્સમાંથી ત્રણ હજુ પણ ગુમ છે, જેઓ હુમલા સમયે એન્જિન રૂમમાં ફસાયા હોવાની આશંકા છે. જહાજના માલિકે જણાવ્યું કે બચાવી લેવાયેલા કર્મચારીઓ દરિયામાં થયેલા પ્રચંડ ધડાકાથી અત્યંત આઘાતમાં છે.
તે જ દિવસે અન્ય બે જહાજો પણ નિશાન બન્યાં હતાં: ગ્રીક માલિકીનું 'સ્ટાર ગ્વેનેટ' અને અમેરિકન કંપનીનું 'MT સેફ્ટી વિષ્ણુ'.
'MT સેફ્ટી વિષ્ણુ'ના માલિકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "વેપારી જહાજોના માર્ગને યુદ્ધના મેદાનમાં ન ફેરવવો જોઈએ." હુમલા વખતે આ જહાજ ઇરાકના કિનારા પાસે લાંગરેલું હતું અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જહાજ પર સવાર 28 ક્રૂ મેમ્બરોએ સળગતા જહાજમાંથી જીવ બચાવવા સમુદ્રમાં કૂદકો મારવો પડ્યો હતો.
કિંગ્સ કૉલેજ ફ્રીમેન ઍર ઍન્ડ સ્પેસ ઇન્સ્ટિટ્યૂટના અરુણ ડોસને જણાવ્યું કે અત્યારે જહાજો ડ્રોન, મિસાઈલ, ફાસ્ટ ઍટેક બોટ્સ અને ગુપ્ત ટનલો જેવાં વિવિધ જોખમોનો સામનો કરી રહ્યાં છે. તેમણે ઉમેર્યું કે જો પરંપરાગત માઇનસ્વીપર જહાજો પર જ હુમલો થાય, તો દરિયાઈ સુરંગોને શોધીને નિષ્ક્રિય કરવાનું કામ અશક્ય બની જાય છે.
ઈરાનની બાજુએથી હોર્મુઝની ભૂગોળ

ઇમેજ સ્રોત, Gallo Images/Orbital Horizon/Copernicus Sentinel Data 2024
ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીની ભૌગોલિક સ્થિતિનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યું છે. આ જળમાર્ગ માત્ર સાંકડો અને છીછરો જ નથી, પરંતુ તેના કિનારે આવેલા પર્વતો ઈરાનને ઓચિંતા હુમલા કરવાની તક પૂરી પાડે છે.
આના કારણે લક્ષ્ય બનેલા જહાજને વળતો જવાબ આપવા કે બચાવ કરવા માટે ખૂબ જ ઓછો સમય મળે છે.
હુમલા અને ટ્રેકિંગથી બચવા માટે ઘણાં જહાજો તેમની 'ઑટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ' (AIS) એટલે કે ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી રહ્યાં છે. કેપલરના દિમિત્રિસ એમ્પાટઝિડિસે નોંધ્યું કે, "મોટા ભાગનાં જહાજો અત્યંત સાવચેતી અને ડર સાથે આ માર્ગ પસાર કરી રહ્યાં છે."
જહાજો ઓમાનના અખાતમાં પ્રવેશતાની સાથે જ ટ્રેકર બંધ કરી દે છે જેથી નકશા પર તેમનું લોકેશન ન દેખાય, અને જોખમી વિસ્તાર પસાર કર્યાના કલાકો કે દિવસો બાદ તે ફરી ચાલુ કરે છે.
જ્યારે જહાજો પોતાની ઓળખ છુપાવે છે, ત્યારે કેપલર જેવી મૉનિટરિંગ કંપનીઓ માટે તેમને ટ્રેક કરવાનું મુશ્કેલ બને છે. એમ્પાટઝિડિસે ઉમેર્યું કે, "અમારા વિશ્લેષકો સેટેલાઇટ ઇમેજરી અને મૅન્યુઅલ તપાસ દ્વારા આ માહિતીની સત્યતા ચકાસી રહ્યા છે."
(ડેનિયલ પાલુંબો અને જોશુઆ ચીએથમ દ્વારા વધારાનું રિપોર્ટિંગ)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























