રાજકોટ એઇમ્સના MBBS વિદ્યાર્થીના કથિત આપઘાત મામલે પાંચ સહપાઠીઓની ધરપકડ, દોઢ મહિના પહેલાંની ઘટના સાથે શું સંબંધ છે?

રાજકોટ એઇમ્સના એમબીબીએસના વિદ્યાર્થીઓની 15 માર્ચે ધરપકડ બાદ લેવાયેલ તસવીર

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

રાજકોટની ભાગોળે પરા પીપળીયા ગામમાં આવેલા ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ એટલે કે એઇમ્સના એમબીબીએસ કોર્સના વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલ નામના વિદ્યાર્થીએ નજીકમાં આવેલા માધાપર ગામ પાસે રેલવે ટ્રૅક પર કથિત રીતે આત્મહયતા કરી લેતા પોલીસે તેમના પાંચ સહપાઠીઓની ધરપકડ કરી લીધી છે.

રતનકુમાર મેઘવાલ એમબીબીસીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હતા.

ગુજરાત રાજ્યમાં એમબીબએસ એટલે કે બૅચલર ઑફ મેડિસિન બૅચલર ઑફ સર્જરીનો અભ્યાસ કરતા કોઈ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હોય અને તેના માટે એ જ કૉલેજના અન્ય વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી હોય તેવો બે વર્ષની અંદર આ બીજો બનાવ છે.

પોલીસે જણાવ્યું કે 26 વર્ષના રતનકુમાર રાજસ્થાનના જેસલમેર જિલ્લાના ફલસુંડ ગામના વતની હતા અને એક દલિત પરિવારમાંથી આવતા હતા.

પોલીસે આપેલી માહિતી અનુસાર 16મી માર્ચથી તેમના એમબીબીએસ કોર્સના પાંચમાં વર્ષની છેલ્લી લેખિત પરીક્ષા શરૂ થવાની હોવાથી તેઓ રાજસ્થાનથી રાજકોટ આવ્યા હતા. પરંતુ રાજકોટ પહોંચ્યાના થોડાક કલાકો બાદ 14મી માર્ચે સવારના ચારેક વાગ્યે રતનકુમારે કથિત રીતે આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ ચાલુ કરી છે.

રતનકુમારે એક કથિત સુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો છે કે આ વર્ષે જાન્યુઆરીમાં તેમના પાંચ સહપાઠીઓએ ભેગા મળીને હૉસ્ટેલમાં તેમને માર માર્યો હતો અને તેમણે આ બાબતે કૉલેજને ફરિયાદ કરી હતી. પરંતુ કૉલેજે તેમની સામે કોઈ કાર્યવાહી ન કરતા તેઓ અંતિમ પગલું ભરી રહ્યા છે.

બીજી તરફ પોલીસે પાંચેય આરોપીઓની 14 તારીખે જ ધરપકડ કરી લીધી હતી અને 15 તારીખે તેમને એક સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

પોલીસે તેમના રિમાન્ડ ન માગતા અદાલતે પાંચેય આરોપીને જ્યુડિશ્યલ કસ્ટડી એટલે કે જેલમાં મોકલી આપ્યા હતા.

પરંતુ આરોપીના વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું કે પાંચેય આરોપીઓની 16 તારીખથી એમબીબીએસ કોર્સની પાંચમા વર્ષની અંતિમ લેખિત પરીક્ષા શરૂ થઈ રહી છે અને તેમને તે પરીક્ષા આપવા દેવામાં આવે.

વકીલે બીબીસીને જણાવ્યું હતું કે કોર્ટે તે અરજી માન્ય રાખતા આરોપીઓને પોલીસના જાપ્તા સાથે પરીક્ષા આપવાની મંજૂરી આપતા હાલ આ પાંચેય વિદ્યાર્થીઓ પોલીસ જાપ્તા હેઠળ તેમની પરીક્ષા આપવા જઈ રહ્યા છે.

રાજકોટમાં રતનકુમાર સાથે જાન્યુઆરીમાં શું થયું હતું?

રતનકુમાર મેઘવાલ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રતનકુમાર મેઘવાલ

14 માર્ચે રતનકુમારે કથિત રીતે આત્મહત્યા કરી લેતા તેમના પિતા મોહનલાલે રાજકોટ એઇમ્સમાં રતનકુમાર સાથે એમબીબીએસના પાંચમાં વર્ષમાં અભ્યાસ કરતા પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, આયુષ યાદવ, નિર્વિઘન્મ નૂર અને યુવરાજ ચૌધરી સામે એક ફરિયાદ આપી હતી.

તે ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે આ પાંચેય વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભારતીય ન્યાયસંહિતાની કલમ 108 (આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપવી) હેઠળ તેમ જ અનુસૂચિત જાતિ એટલે કે દલિત સમાજની વ્યક્તિને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા બદલ અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.

ફલસુંડમાં ઘડિયાળ રિપેરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 57 વર્ષના મોહનલાલે કથિત રીતે રતનકુમારે લખેલી સુસાઇડનોટને ટાંકીને તેમની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે રાજકોટ એઇમ્સમાં એમબીબીએસનો અભ્યાસ કરતી એક મહિલા વિદ્યાર્થી સાથે રતનકુમારને સંબંધ છે તેવી શંકાના આધારે આ પાંચેય આરોપીઓએ 27 જાન્યુઆરી, 2026ના રોજ શારીરિક અને માનસિક રીતે હેરાન કરતા તેના દીકરાએ આત્મહત્યા કરી લીધી.

રાજકોટ, એઇમ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ એઇમ્સના એમબીબીએસના વિદ્યાર્થીઓની 15 માર્ચે ધરપકડ બાદ લેવાયેલ તસવીર

રાજકોટ શહેર પોલીસના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સેલના મદદનીનિશ પોલીસ કમિશ્નર ચિંતન પટેલ આ કેસની તપાસ કરી રહ્યા છે.

સોમવારે બીબીસી સાથે વાત કરતા ચિંતન પટેલ જણાવ્યું, "રતનકુમાર અને હવે આ કેસમાં જે આરોપી છે તે પાંચ વિદ્યાર્થીઓ મૂળ તો મિત્રો જ હતા. રતનકુમારે સુસાઇડનોટમાં જણાવ્યું છે કે જે મહિલા વિદ્યાર્થી સાથે તેને ઇમોશનલ ઍટેચમેન્ટ(લાગણીનો અનુબંધ) હતું તે જ મહિલા સાથે પછીથી પ્રણવ પાલિવાલને લાગણીના સંબંધ બંધાયા હતા."

"રતનકુમારને એ ગમ્યું નહીં. તેથી, તેણે મહિલા વિદ્યાર્થીનાં માતાપિતાનો સંપર્ક કરી પ્રણવ વિશે ફરિયાદો કરી."

"સુસાઇડનોટમાં જણાવ્યા અનુસાર આ બાબતની જાણ પ્રણવને થઈ જતાં પ્રણવ અને અન્ય વિદ્યાર્થીઓએ તેને 27 જાન્યુઆરી, 2026ના રોજ એઇમ્સની હૉસ્ટેલના રૂમમાં માર માર્યો હતો અને માનસિક ત્રાસ આપ્યો હતો."

પોલીસે જણાવ્યું કે આ ઘટના બાદ રતનકુમાર એઇમ્સ હૉસ્ટેલમાંથી નીકળી ગયા અને આત્મહત્યા કરવાના ઇરાદે પરા પીપળીયા ગામમાં આવેલા રેલવેના પાટા પર આવી ગયા. પરંતુ ત્યાં હાજર લોકોએ તેને બચાવી લીધા.

રાજકોટ એઇમ્સમાં દોઢ મહિના પહેલાં શું ઘટના બની હતી?

રાજકોટ એઇમ્સના ઓપીડી વિભાગની એક તસવીર

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ એઇમ્સના ઓપીડી વિભાગની એક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચિંતન પટેલ જણાવ્યું કે 27 જાન્યુઆરીની ઘટના બાદ રાજકોટ એઇમ્સના મનોચિકિત્સક દ્વારા રતનકુમારને સારવાર આપવામાં આવી હતી.

તેમણે કહ્યું, "14 માર્ચની ઘટના બાદ અમે રાજકોટ એઇમ્સના તે મનોચિકીત્સકનું નિવેદન નોંધ્યું છે અને તેમણે જણાવ્યું છે કે તે વખતે રતનકુમાર માનસિક રીતે સ્થિર ન હતા."

"તેથી, એઇમ્સ દ્વારા રતનકુમારને તેમના પરિવાર સાથે મોકલી દેવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ રાજસ્થાન જ હતા."

"પરંતુ 16 માર્ચે પરીક્ષા શરૂ થતી હોવાથી તેઓ રાજસ્થાનથી રાજકોટ આવ્યા. જો કે એઇમ્સના કૅમ્પસ પર જવાને બદલે તેમણે પાટા પર જ આત્મહત્યા કરી લીધી."

ચિંતન પટેલે ઉમેર્યું કે તપાસમાં પોલીસે અન્ય લોકોનાં પણ નિવેદનો નોંધ્યાં છે.

તેમણે કહ્યું, "આત્મહત્યાના કેસની તપાસના ભાગરૂપે એમ ચિંતનકુમારે તેની સુસાઇડ નોટમાં જે મહિલાની વાત કરી છે તે મહિલાનું નિવેદન નોંધ્યું છે."

"તે ઉપરાંત રાજકોટ એઇમ્સના ત્રણ અન્ય વિદ્યાર્થીઓ તેમ જ પાંચેય આરોપીઓનાં નિવેદનો પણ નોંધ્યાં છે."

"આ બધાં નિવેદનોમાં પણ એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે રતનકુમાર જે-તે સમયે માનસિક રીતે સ્વસ્થ ન હતા."

આ બાબતે બીબીસીએ રતનકુમારના પરિવારનો સંપર્ક કર્યા હતો પરંતુ તેમણે આ બાબતે કોઈ નિવેદન આપવાની ના પાડી દીધી હતી.

રાજકોટ એઇમ્સે કોઈ પગલાં લીધાં?

કથિત સુસાઈડ નોટમાં રતનકુમારે આક્ષેપ કર્યો છે કે તેમના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવા ઉપરાંત આરોપીઓએ અન્ય એક વિદ્યાર્થીને પણ પાકિટ ચોરીની શંકાના આધારે માર માર્યો હતો. તે વિદ્યાર્થીએ પણ આ આરોપીઓ સામે એઇમ્સના વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી પરંતુ એઇમ્સ વહીવટીતંત્રએ આરોપીઓને માત્ર ઠપકો આપીને છોડી મૂક્યા હતા, તેવો દાવો સુસાઈડ નોટમાં કરવામાં આવ્યો છે.

આ બાબતે બીબીસીએ રાજકોટ એઇમ્સના વહીવટી વિભાગના નાયબ નિયામક, લેફટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહનો સંપર્ક કરી તેમની પ્રતિક્રિયા આપવા વિનંતી કરી હતી. પરંતુ તેમના તરફથી તાત્કાલિક કોઈ જવાબ મળ્યો ન હતો. જવાબ મળ્યે તેને આ લેખમાં ઉમેરવામાં આવશે.

રાજકોટમાં મદદનીશ પોલીસ કમિશનર ચિંતન પટેલ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, મદદનીશ પોલીસ કમિશનર ચિંતન પટેલ

જો કે ચિંતન પટેલ જણાવ્યું કે 27 જાન્યુઆરીની ઘટના હવે પોલીસ તપાસનો પણ વિષય છે.

તેમણે કહ્યું, "પ્રાથમિક દૃષ્ટિએ આ રેગિંગ (વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓને અપાતો ત્રાસ)નો બનાવ લાગતો નથી. મહિલા વિદ્યાર્થી સાથે સંબંધ બાબતે મિત્રો વચ્ચે મતભેદ થયા અને કથિત રીતે રતનકુમારને ત્રાસ આપવામાં આવ્યો."

"રતનકુમારે તેની ફરિયાદ એઇમ્સના તંત્રને કરતા રતનકુમારે જેની સામે ફરિયાદ કરી હતી તે વિદ્યાર્થીઓએ પણ વળતી ફરિયાદ કરી અને કહ્યું કે રતનકુમાર તેમને ત્રાસ આપે છે."

મદદનીશ પોલીસ કમિશનરે ઉમેર્યું કે આરોપીઓએ રતનકુમારને 27 જાન્યુઆરીએ માર માર્યો હોય તેવા પુરાવા મળ્યા નથી.

તેમણે કહ્યું, "રતનકુમારને આરોપીઓએ માર માર્યો હોય તેવા પુરાવા હજુ સુધી મળ્યા નથી. તપાસ એવો નિર્દેશ કરે છે કે આરોપીઓને રતનકુમાર સાથે બોલાચાલી થઈ અને રતનકુમારને ધમકી આપી હતી કે તેમના વિરુદ્ધ તેઓ એઇમ્સના વહીવટીતંત્રને ફરિયાદ કરશે."

રતનકુમારે તેમની કથિત સુસાઇડ નોટમાં દાવો કર્યો છે કે આરોપીઓએ તેમના પર ત્રાસ ગુજાર્યો તેમના વીડિયો પણ બનાવ્યા હતા અને જણાવ્યું છે કે જો આરોપીઓના મોબાઇલ ફોન ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી તપાસ કરવામાં આવે તો તેમાંથી તે વીડિયો મળી શકે છે.

તપાસ અધિકારી ચિંતન પટેલે બીબીસીને જણાવ્યું કે પોલીસે આ કેસની તપાસના ભાગરૂપે આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે અને પરીક્ષણ માટે એફએસએલમાં માકલી આપ્યા છે.

તેમણે એમ પણ કહ્યું કે કથિત સુસાઇડ નોટ રતનકુમારે જ લખી છે કે નહીં તેની ખાતરી કરવા માટે તેને પણ એફએસએલમાં મોકલી આપી છે.

અહીં એ નોંઘનીય છે કે નવેમ્બર 2024માં ગુજરાતના પાટણ જિલ્લાના ધારપુર ખાતે એક સરકારી મેડિકલ કૉલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ મેથાણીયા નામના વિદ્યાર્થીનું તે જ કૉલેજમાં સિનિયર વિદ્યાર્થીઓએ કથિત રીતે રેગિંગ એટલે કે અત્યાચાર ગુજારતા મોત થયું હતું.

સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓને કથિત રીતે ત્રણ કલાક સુધી ઊભા રાખી એક પછી એક એમ પોતાનો પરિચય આપવાની ફરજ પાડી હતી. તે દરમિયાન જ સુરેન્દ્રનગર જિલ્લાના વતની તેવા અનિલ મેથાણીયા બેભાન થઈને ઢળી પડ્યા હતા.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર રેગિંગ દરમિયાન અનિલ મેથાણીયા વાઇની બીમારીના હુમલાને કારણે બેભાન થઈ ગયા હતા તથા તેમનું હૃદય અને શ્વસનતંત્ર થંભી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

અન્ય એક અહેવાલ અનુસાર ત્યાર બાદ ધારપુર મેડિકલ કૉલેજની રેગિંગ વિરોધી સમિતિએ તે કૉલેજના 15 વિદ્યાર્થીઓને બે વર્ષ માટે સસપેન્ડ કર્યા હતા અને દરેકને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો.

આરોપીઓના વકીલ શું કહે છે?

રાજકોટ એઇમ્સ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ એઇમ્સ

આરોપીના વકીલ તુષાર ગોકાણીએ સોમવારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે હાલ તેમનું ધ્યાન પાંચેય આરોપી વિદ્યાર્થીઓને જમીન મળી જાય તે બાબત પર છે.

તેમણે કહ્યું, "અમે આ તબક્કે કેસની હકીકતો બાબતે કોઈ ટિપ્પણી કરવા માગતા નથી. પરંતુ ધરપકડ બાદ પોલીસે જયારે 15 માર્ચ, રવિવારે તેમને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે અમે કોર્ટને એક અરજી આપી વિનંતી કરી કે પાંચેયને પરીક્ષા દેવાની છૂટ આપવામાં આવે કારણ કે તમામ એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને છેલ્લી પરીક્ષા જ આપવાની બાકી છે."

"કોર્ટે અમારી અરજી ગ્રાહ્ય રાખી પોલીસ જાપ્તા હેઠળ પરીક્ષા આપવા તેમને મંજૂરી આપી છે અને તે મુજબ તેઓ પરીક્ષા આપી રહ્યા છે."

તુષાર ગોકાણીએ ઉમેર્યું કે આરોપીઓએ જામીન માટે પણ અરજી કરી છે.

તેમણે કહ્યું, "અમે ગયા અઠવાડિયે જ જામીન માગતી અરજીઓ કરી હતી પરંતુ જાહેર રજાઓને કારણે તેની સુનાવણી થઈ શકી ન હતી. અમને આશા છે કે મંગળવારે અમારી જામીન અરજીની સુનાવણી કોર્ટ કરશે."

બીબીસી માટે કેલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન