પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ મોટી જાહેરાત કરી – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 5 મિનિટ

રવિવારે કેન્દ્રીય ચૂંટણીપંચે પાંચ પ્રદેશોમાં ચૂંટણીની જાહેરાત કરી, એ પહેલાં રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પૂજારીઓ તથા મુઅજ્જિનોના માસિક માનદ વેતનમાં વધારાની જાહેરાત કરી હતી.

મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "મને જણાવતાં ખુશી થાય છે કે આપણા પૂજારીઓ તથા મુઅજ્જિનોને આપવામાં આવતા માસિક પગારમાં રૂ. 500નો વધારો કરવામાં આવ્યો છે. હવે તેમને દર મહિને રૂ. બે હજાર મળશે. સાથે જ જે પૂજારીઓ તથા મુઅજ્જિનોએ નિયમ મુજબ અરજી કરી હતી, તેને પણ રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે."

તેમણે વધુમાં લખ્યું, "અમને ગર્વ છે કે અમે એવું વાતાવરણ તૈયાર કરી રહ્યા છીએ, જ્યાં દરેક સમુદાય તથા પરિવારની પરંપરાને મહત્ત્વ અને મજબૂતી મળે છે."

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ તથા પુડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણી માટે તારીખો જાહેર કરી હતી.

પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની આજે થશે જાહેરાત

ચૂંટણી પંચ રવિવારે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે.

આ માટે સાંજે ચાર વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ કૉન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે.

આ રાજ્યોમાં ચૂંટણીપંચ તરફથી વોટરલિસ્ટની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

પશ્ચિમ બંગાળની એસઆઈઆરની પ્રક્રિયા વિવાદિત રહી હતી. તેને લઈને ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર આમને-સામને આવી ગયાં હતાં.

એસાઈઆર સાથે જોડાયેલો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.

પાઇપલાઇન ગૅસ ધરાવતા લોકોને LPG સિલિન્ડર જમા કરાવવા સરકારનો આદેશ

મધ્યપૂર્વની કટોકટીના કારણે દેશમાં એલપીજીની અછત પ્રવર્તે છે ત્યારે સરકારે પાઇપલાઇન ગૅસ કનેક્શન (પીએનજી) ધરાવતા પરિવારોને એલપીજી સિલિન્ડર સરન્ડર કરાવવા જણાવ્યું છે. જેમની પાસે પીએનજી અને એલપીજી બંને ગૅસ ઉપલબ્ધ છે, તેમણે એલપીજી સિલિન્ડર જતું કરવું પડશે.

પેટ્રોલિયમ મંત્રાલયના આદેશમાં જણાવાયું છે કે જેઓ પીએનજી કનેક્શન ધરાવે છે તેઓ પોતાના એલપીજી સિલિન્ડરને રિફિલ નહીં કરાવી શકે તથા નવા કનેક્શન પણ નહીં લઈ શકે. પેટ્રોલિયમ મંત્રાલયનો આ આદેશ 14મી માર્ચે આવ્યો છે.

અત્યાર સુધી ઘણા લોકો ઘરે પાઇપલાઇન ગૅસનું કનેક્શન હોય, છતાં એલપીજી સિલિન્ડર પણ રાખતા હતા જેથી જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરી શકાય. આ સિલિન્ડરને રિફિલ પણ કરાવી શકાતું હતું, પરંતુ હવે સિલિન્ડર ઑઇલ કંપનીને સરેન્ડર કરવા પડશે.

ઈરાન યુદ્ધ : અમેરિકાએ મધ્યપૂર્વના 14 દેશોમાંથી પોતાના નાગરિકોને બહાર નીકળવા કહ્યું

ઈરાન તરફથી મધ્યપૂર્વમાં અમેરિકાનાં ઠેકાણાં પર હુમલો થયા બાદ અમેરિકાએ પોતાના નાગરિકોને આ ક્ષેત્રના 14 દેશો છોડવાની અપીલ કરી છે.

આ પહેલાં બગદાદસ્થિત અમેરિકાના દૂતાવાસ પર મિસાઇલ પડવાની ઘટના બાદ શનિવારે અમેરિકાએ પોતાના નાગરિકોને ઇરાક છોડવાનું કહ્યું હતું.

ચેતવણીમાં અમેરિકાના દૂતાવાસે કહ્યું કે 'નાગરિક તરત જ ઇરાક છોડી દે'.

દૂતાવાસે લખ્યું, "જો અમેરિકાના નાગરિક ઇરાકમાં રહેવાનો નિર્ણય કરી રહ્યા છે, તેમણે ઈરાન સમર્થિત આતંકવાદી મિલિશિયા સમૂદોથી પેદા થઈ રહેલા ગંભીર જોખમને જોતા પોતાના નિર્ણય પર ફેર વિચાર કરે."

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે, અમેરિકાએ શનિવારે કહ્યું કે તેમણે ઓમાનથી નૉન-ઇમર્જન્સી સરકારી કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓના પરિજનોને બહાર નીકળવાનો આદેશ આપ્યો છે.

ઈરાન યુદ્ધ : સ્વિત્ઝર્લૅન્ડે અમેરિકાની સેનાને પોતાની ઍરસ્પેસનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી

સ્વિત્ઝર્લૅન્ડે પોતાના હવાઈ ક્ષેત્રમાંથી અમેરિકાની સેનાને પસાર થવા દેવાની બે અપીલને ફગાવી દીધી છે. સ્વિત્ઝ સરકારે એક નિવેદન જારી કરીને તેની જાણકારી આપી છે. સ્વિત્ઝર્લૅન્ડે આ નિર્ણય ઈરાન યુદ્ધને લઈને લીધો છે.

સ્વિત્ઝ સરકારે પોતાનો આ નિર્ણય દેશના 'નિષ્પક્ષતા કાયદા'નો હવાલો આપીને લીધો છે.

નિવેદનમાં કહેવાયું છે કે "આ કાયદો સંઘર્ષમાં સામેલ પક્ષોને હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની અનુમતિ આપવાથી રોકે છે, જે આ સંઘર્ષ સાથે જોડાયેલા ઉદ્દેશને પૂર્ણ કરતા હોય."

જોકે, સ્વિત્ઝ સરકારે એમ પણ કહ્યું છે કે તેમણે ત્રણ અન્ય પ્રકારની ઉડાનોને પરવાનગી આપી હતી, જેમાં એક ઉડાન જાળવણી માટે હતી અને બે પરિવહન સાથે જોડાયેલી હતી.

હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને ભારત આવી રહેલાં બે જહાજ વિશે ભારત સરકારે શું કહ્યું?

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા પછી મધ્યપૂર્વમાં હોર્મુઝની સામુદ્રધુનીનો રસ્તો બંધ થઈ ગયો હતો. પરંતુ હવે બે ભારતીય જહાજો હોર્મુઝને પાર કરવામાં સફળ રહ્યાં છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શનિવારે આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે ભારત આવી રહેલાં કેટલાંક જહાજો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવામાં સફળ રહ્યાં છે. શિવાલિક અને નંદા દેવી નામનાં બે જહાજ હવે ભારતનાં બંદરો તરફ આગળ વધી રહ્યાં છે.

તેમણે જણાવ્યું કે "આ જહાજોમાં દરેકમાં 46 હજાર મેટ્રિક ટનથી વધારે એલપીજીનો જથ્થો છે. બંનેમાં કુલ મળીને 93 હજાર ટન એલપીજી છે."

રણધીર જયસ્વાલે આ માહિતી આપી ત્યારે પ્રેસ કૉન્ફરન્સમાં વિદેશ મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલય અને શિપિંગ મંત્રાલયના અધિકારીઓ હાજર હતા.

વિદેશ મંત્રાલયના ઍડિશનલ સેક્રેટરી (ગલ્ફ) અસીમ મહાજને જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષમાં પાંચ ભારતીયોના મોત થયાં છે, જ્યારે એક ભારતીયને ઈજા થઈ છે.

રણધીર જયસ્વાલે કહ્યું કે "ભારતનાં ઘણાં જહાજો અખાતના ક્ષેત્રમાં સ્ટેન્ડબાય પર છે અને ભારત પોતાની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રયાસ કરે છે."

ઈરાન સાથે સમજૂતી અને નવા સુપ્રીમ લીડર વિશે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એનબીસી ન્યૂઝને આપેલા એક ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ઈરાન સમજૂતી કરવા માગે છે, પરંતુ તેઓ હજુ આવું કરવા ઇચ્છુક નથી, કારણ કે "હજુ શરતો સારી નથી".

જોકે, શરતો કેવી હશે તેના વિશે તેમણે જણાવવાનો ઇન્કાર કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે સંભવિત સમજૂતીનો એક ભાગ એ હશે કે ઈરાન પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓ છોડી દેવાનો વાયદો કરે.

ટ્રમ્પે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ વિશે પણ સવાલો ઉઠાવ્યા. મોજતબા એ ઈરાનના માર્યા ગયેલા સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના પુત્ર છે.

ટ્રમ્પે કહ્યું કે "હું નથી જાણતો કે તેઓ જીવીત છે કે નહીં. હજુ સુધી કોઈ તેમને જોઈ શક્યું નથી."

ટ્રમ્પે દાવો કર્યો કે ઘણા દેશો હોર્મુઝની સામુદ્રધુનીની સુરક્ષામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. જોકે, તેમણે આ દેશોના નામ જણાવવાનો ઇન્કાર કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન