You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : બે વર્ષમાં 42 કરોડનો દારૂ પકડાયો પણ આંકડો ક્યાંય 'ઓછો' હોવાનું કેમ મનાઈ રહ્યું છે?
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાત તેની દારૂબંધીને લઈને અવારનવાર ચર્ચામાં રહેતું રાજ્ય છે, પરંતુ દારુબંધી કેટલી અસરકારક છે તે એક સવાલ છે.
હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જેમાં કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નોના સરકારે આપેલા જવાબથી ફરી એકવાર દારૂબંધી ચર્ચામાં છે. રાજ્ય સરકારે ગૃહમાં જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં પોલીસે રાજ્યમાંથી કુલ 42 કરોડ રૂપિયાનો દારૂ પકડ્યો છે.
આ સાથે જ વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ અમદાવાદ અને વડોદરામાં દારૂબંધીના કાયદાના અમલીકરણ અને વગર પરમિટ દારૂનું સેવન કરનારાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા હતા.
વડોદરામાં 15 હજાર, અમદાવાદમાં 17 હજાર લોકો સામે કેસ
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ 25 જાન્યુઆરી, 2026ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદ પરની ચેકપોસ્ટ પરથી પકડાયેલા વિદેશી દારૂ, ધરપકડ કરાયેલા આરોપીઓ અને ફરાર આરોપીઓ સામે થયેલી કાર્યવાહી અંગે પૃચ્છા કરી હતી.
સરકારે લેખિત જવાબમાં જણાવ્યું કે:
- છેલ્લાં બે વર્ષમાં સરહદી ચેકપોસ્ટ પરથી અંદાજે 10,49,855 વિદેશી દારૂની બૉટલો (કિંમત આશરે 38.87 કરોડ રૂપિયા) અને 1,59,265 બિયરની બૉટલો (કિંમત આશરે 3.33 કરોડ રૂપિયા) જપ્ત કરવામાં આવી છે.
- આમ, કુલ મળીને 42 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો દારૂ પકડાયો છે.
- આ કેસોના સંદર્ભમાં અત્યાર સુધી 1,018 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે 141 આરોપીઓ હજુ પણ ફરાર છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ સ્ટેશન કક્ષાએ વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે.
લિસ્ટેડ બુટલેગરો સામે પાસાનો ઉપયોગ
વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં વડોદરા અને અમદાવાદ જિલ્લામાં વગર પરમિટે દારૂનું સેવન કરનાર વ્યક્તિઓ સામે કેટલા કેસ કરવામાં આવ્યા છે તેની વિગત પૂછવામાં આવી હતી.
પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31 ડિસેમ્બર, 2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં:
- વડોદરામાં 15,154 અને અમદાવાદમાં 17,311 વ્યક્તિઓ સામે વગર પરમિટે દારૂનું સેવન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યા છે.
- દારૂબંધીના કડક અમલ માટે જે વિસ્તારોમાં વારંવાર પીધેલા લોકો મળી આવે છે ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
- દારૂ પૂરો પાડનાર અને બનાવનાર વિરુધ્ધ અલગથી કેસો કરવામાં આવે છે.
- વારંવાર સંડોવાયેલા આરોપીને 'લિસ્ટેડ બુટલેગર' જાહેર કરી તેમના પર રેડ કરવામાં આવે છે અને જરૂર જણાયે પ્રોહીબિશન કલમ-93, તડીપાર કે 'પાસા' (PASA) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.
દારૂબંધી ગુજરાતમાં કેટલી આવશ્યક?
આ અંગે નશાબંધી ખાતામાં જોઇન્ટ પ્રોહિબિશન કમિશનર રહી ચૂકેલા પૂર્વ ઍડિશનલ ડીજીપી રાજન પ્રિયદર્શી સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજન પ્રિયદર્શીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "ગુજરાતમાં વેચાઈ રહેલા ગેરકાયદેસરના દારૂ સામે 42 કરોડનો આંક નગણ્ય ગણાય."
તેમણે કહ્યું, "ગુજરાતમાં જે પ્રમાણમાં દારૂ ઘૂસે છે તેની સામે આ આંકડો ખૂબ જ સામાન્ય ગણાય. પડોશી રાજ્યો ઉપરાંત પંજાબ અને હરિયાણાથી પણ ગુજરાતમાં દારૂ આવે છે. ખરેખર તો આનાથી ઘણો વધુ જથ્થો પકડાવો જોઈએ."
ગુજરાતમાં મહિલાઓની સલામતીને પણ તેઓ દારૂબંધી સાથે સાંકળે છે.
દારૂબંધીની આવશ્યકતા અંગે તેમણે ઉમેર્યું કે, "દારૂબંધી મહિલા સુરક્ષા માટે અનિવાર્ય છે. જો દારૂબંધી ન હોય તો સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બની જાય. તેનાથી ગુનાખોરી અને અકસ્માતો વધે છે."
કર્મશીલ મનીષી જાની માને છે કે દારૂને કારણે ગરીબ પરિવારો બરબાદ થાય છે અને આ કાયદાને કારણે હિંસા અને અરાજકતા પર થોડું નિયંત્રણ રહે છે.
જોકે, તેઓ કાયદાના અમલીકરણ પર સવાલ ઉઠાવતા કહે છે કે, "અમલીકરણની વ્યવસ્થા પડી ભાંગી હોય તેવું લાગે છે અને સરકારનું દારૂબંધીના અમલને લઈને નિયંત્રણ ઘટી રહયું હોય એવું જણાય છે."
સામાજિક કાર્યકર હિદાયત પરમાર જણાવે છે કે, "ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવી જ જોઈએ, પરંતુ 42 કરોડનો આંકડો શંકા પેદા કરે છે કારણ કે વાસ્તવમાં દારૂનો પ્રવાહ ઘણો મોટો છે. સરહદી વિસ્તારમાંથી માત્ર દારૂ જ નહીં પણ આથી વધારે ડ્રગ્સ પકડાતું હોય છે. આ આંકડો શંકા પેદા કરે છે કેમ કે, આનાથી વધારે દારૂ સમાજમાં આવે છે."
તેમનું માનવું છે કે રાજ્યના સરહદી વિસ્તારોમાંથી આટલો પણ જથ્થો પકડાવવો તે શરમજનક બાબત છે. તેઓ કહે છે કે ગાંધીના ગુજરાતમાં આટલો દારૂ આવતો હોય તે સામાજિક અવ્યવસ્થા ફેલાઈ હોવાનો સંકેત મળે છે.
ગુજરાતના સરહદી વિસ્તારમાં પરકડાયેલા આ દારૂના આંક સામે ઊઠી રહેલા સવાલોનો જવાબ મેળવવા બીબીસી ગુજરાતીએ રાજ્યના ડીજીપી કે. એલ. રાવનો પ્રતિભાવ મેળવવા પ્રયાસ કર્યો હતો.
જોકે, અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી એમનો પ્રતિભાવ મળી શક્યો નથી. પ્રતિભાવ મળતાં અહેવાલમાં ઉમેરો કરવામાં આવશે.
ગુજરાતમાં દારૂના કારણે કરુણાંતિકા
નૅશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (2019-21) (NFHS-5)ના 2022માં પ્રકાશિત આંકડા મુજબ:
ગુજરાતમાં શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં દારૂ પીનારાઓનું પ્રમાણ વધુ છે.
રાજ્યના 33 જિલ્લાઓમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ (18.3% પુરુષો) દારૂ પીનારા લોકો છે. ત્યારબાદ તાપી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરનો ક્રમ આવે છે.
સૌથી ઓછો દારૂ પીનારા લોકો રાજકોટમાં નોંધાયા છે.
નોંધનીય છે કે, જુલાઈ 2022માં બોટાદના રોજિદ ગામમાં થયેલા લઠ્ઠાકાંડમાં 39 લોકોનાં મોત થયાં હતાં.
બોટાદ લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તે વખતે કહ્યું હતું કે, "2021માં 123 કરોડ રૂપિયાથી વધુ કિંમતનાં દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી 1.67 લાખથી વધારે કેસો સાથે 1.67 લાખથી વધુ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા હતા. તે ઉપરાંત 920થી વધારે બુટલેગરોની પાસા અધિનિયમ હેઠળ અટકાયત કરી સઘન કાર્યવાહી કરવામાં આવી હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન