You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાથરસ: બળાત્કારની ઘટના સમયે જ 'મહિલાસુરક્ષા'ની વાત કેમ?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- વાંચવાનો સમય: 6 મિનિટ
ઉત્તરપ્રદેશના હાથરસમાં કથિત બળાત્કાર અને હત્યા મામલે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, તો ગુજરાતના જામનગરમાં થયેલી કથિત બળાત્કારની ઘટનાનો ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે.
ગુજરાતમાં જામનગર સહિત અન્ય ત્રણેક બળાત્કારની ઘટનાઓની પણ મીડિયામાં નોંધ લેવાઈ છે.
દેશભરમાં હાલમાં હાથરસનો મુદ્દો ચર્ચામાં છે અને મહિલાસુરક્ષાની વાતો પણ થઈ રહી છે. તો કેસની પ્રક્રિયા જોતા મુદ્દામાં નવા વળાંક પણ આવી રહ્યા છે.
આવા સમયે મહિલાઓના અધિકાર માટે લડતા લોકોનું કહેવું છે કે આપણે ત્યાં હજુ સુધી મહિલાઓને પૂરેપૂરી સુરક્ષા આપવામાં આવતી નથી એટલે સમયાંતરે આવી ઘટનાઓ ઘટતી રહે છે.
તો નેશનલ ક્રાઇમ રેકર્ડના નવા આંકડાઓ પણ મહિલા અત્યાચાર મામલે ચિંતા ઉપજાવે તેવા છે.
કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય અંતર્ગત કાર્યરત નેશનલ ક્રાઇમ રૅકર્ડ બ્યૂરોના નવા આંકડાઓ અનુસાર, વર્ષ 2019માં ક્રાઇમ અગેઇન્સ્ટ વુમન (મહિલાઓ સામે થતા અત્યાચાર/ગુના)ના કુલ 4 લાખથી વધુ કેસો નોંધાયા હતા. વળી આંકડાઓ અનુસાર મહિલાઓ સામે થતા કુલ ગુનાના પ્રમાણમાં 7.3 ટકાનો વધારો પણ નોંધાયો છે.
તો શું કારણ છે કે મહિલાઓ પરના અત્યાચાર ઘટવાનું નામ નથી લેતા કે તેના માટે શું પરિબળ જવાબદાર છે એ જાણવા અમે મહિલા અધિકાર માટે લડતા કેટલાક નિષ્ણાતોનો મત જાણ્યો.
'સેફ્ટી આપી, પણ સુરક્ષા નહીં'
સરકારી આંકડા પ્રમાણે ગત વર્ષમાં ભારતમાં દરરોજ 10 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહિલાઓ પર અત્યાચાર મામલે ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ હિંસા થાય છે અને તેમાંય છોકરીઓ સામે થતી યૌનહિંસાના કેસમાં પણ ઉત્તરપ્રદેશ સૌથી આગળ છે.
રંજના હરીશ ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગનાં પૂર્વ અધ્યાપક અને અધ્યક્ષ રહી ચૂક્યાં છે અને વિમન્સ ડેવલપમૅન્ટ સેલ ઑફ ગુજરાત યુનિવર્સિટીનાં સ્થાપક-ચેરપર્સન છે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ 'વિશાખા ગાઇડલાઇન'નો ઉલ્લેખ કરીને કહે છે સુપ્રીમ કોર્ટ દ્વારા 1996 વિશાખા ગાઇડલાઇન આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે એ બાબતને ગંભીર રીતે લીધી હતી અને મહિલાની સુરક્ષા માટે સેલ સ્થાપવામાં આવ્યા હતા. એ સમયે આવી 200 જેટલી શાખા આખા ગુજરાતમાં ઊભી કરવામાં આવી હતી.
જોકે તેઓ કહે છે, "આપણે ત્યાં બળાત્કાર અંગેના કાયદા થયા, તે અંગે ઘણાં કામો થયાં, મહિલાઓને સેફ્ટી તો આપી, પણ સિક્યૉરિટી ન આપી. એટલે કે કાયદા તો ઘડ્યા પણ તેની અમલવારી થતી નથી."
"એવું નથી કે મહિલાસુરક્ષા માટેનાં કામો નથી થતાં, નવી ઘણીબધી યોજનાઓ ચાલુ થઈ છે. પેપર પર એવું લાગે કે આપણે સ્ત્રીઓ માટે ઘણું કરી રહ્યા છીએ, પણ વાસ્તવિકતા એ છે કે મહિલાઓ સુરક્ષિત નથી."
તો અર્થશાસ્ત્રી અને મહિલા અધિકાર માટે લડતા નેહા શાહ કહે છે કે નાગરિક સમાજે આ મામલે આગળ આવવું પડે અને સત્તાધીશોને પડકારો ફેંકવો પડે, કેમ કે આ હવે આખા સમાજનો મુદ્દો બની ગયો છે.
હાથરસની ઘટનામાં દિવસેદિવસે નવા વળાંકો આવી રહ્યા છે.
ઉત્તરપ્રદેશની ઘટનામાં પોલીસનો આરોપ છે કે રાજ્યમાં જાતીય અને સાંપ્રદાયિક હિંસા ભડકાવવા અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને બદનામ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય કાવતરું રચવામાં આવ્યું છે.
હાથરસ મામલે કથિત આંતરરાષ્ટ્રીય ષડયંત્રના સંબંધમાં ઉત્તરપ્રદેશ પોલીસે રાજ્યભરમાં ઓછામાં ઓછી 19 એફઆઈઆર નોંધી છે અને મુખ્ય એફઆઈઆરમાં અંદાજે 400 લોકો સામે રાજદ્રોહ, ષડયંત્ર, રાજ્યમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ અને ધાર્મિક નફરતને વધારવા જેવા આરોપ લગાવ્યા છે.
બીબીસી સાથે વાત કરતાં નેહા શાહ કહે છે, "હાલના સત્તાધીશો અને સરકારી તંત્ર માટે સ્ત્રીઓની સુરક્ષાનો મુદ્દો સામાન્ય લાગી રહ્યો છે. તેઓ સભા ગજવવામાં વ્યસ્ત છે. તેમનામાં મહિલાની સુરક્ષા માટે નક્કર કામગીરીનો અભાવ જોવા મળે છે."
"આખી વસ્તુને ઢાંકવા માટે કાવતરાની વાત કરવામાં આવી રહી છે, સરકારને આખી ઘટનામાં ઢાંકપિછોડો કરવો છે એ દેખાઈ રહ્યું છે, તેમાં સ્ત્રીની સુરક્ષાની વાત દેખાતી નથી એવું મારું સ્પષ્ટ માનવું છે."
"મને લાગે છે કે જ્યારે કોઈ બળાત્કારનો કેસ આવે ત્યારે સરકારીતંત્ર સ્ત્રીના ચારિત્ર્યને વચ્ચે લાવવાની વાત કરે ત્યારે આપણે સમજી લેવું જોઈએ કે કે ગંગા કઈ દિશામાં વહી રહી છે."
મહિલા પર અત્યાચાર
નેશનલ ક્રાઇમ રૅકર્ડ બ્યૂરો અનુસાર, આઈપીસી હેઠળ પતિ અથવા સંબંધી દ્વારા અત્યાચાર અને તેની આબરૂ પર હુમલો તથા અપહરણ અને બંધક બનાવવાના કેસોનું પ્રમાણ વધુ છે. જેમાં દેશમાં બળાત્કારના કુલ 32033 કેસ નોંધાયા છે. એટલે કે દરરોજ સરેરાશ 87 બળાત્કાર કેસ નોંધાયા હતા.
વળી પ્રતિ લાખ મહિલાઓ સામે ગુનાનો દર 62.4 રહ્યો જે વર્ષ 2018માં 58.8 હતો.
ગુજરાતમાં બળાત્કારના કેસની વાત કરીએ તો વર્ષ 2019માં રાજ્યમાં બળાત્કારના કુલ 528 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ છેડતીના એક હજારથી વધુ કેસો નોંધાયા હતા.
ગુજરાતમાં મહિલાઓ સામે અત્યાચારના કુલ 8799 કેસ નોંધાયા હતા. સરકારના આંકડા મુજબે ગુજરાતમાં વર્ષ 2016થી વર્ષ 2018 દરમિયાન કુલ 24063 મહિલાઓ લાપતા થયાં હતાં.
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે "આપણે ત્યાં સ્વચ્છતાની વાત કરાય છે, સફાઈની વાત કરાય છે, ગાંધીની વાત કરાય, પણ જે સફાઈ કરે છે એ વાલ્મીકિ સમાજની છોકરીની વાત આવે એટલે જાતજાતની વાર્તા માંડીશું કે આ ષડયંત્ર છે, બે કોમને લડાવવાની વાત છે વગેરે વગેરે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે "આ કાસ્ટનો મુદ્દો છે અને મહિલાની સલામતીનો મુદ્દો છે. પણ આ દલિતોનો મુદ્દો છે અને એમાંય દલિતોમાં પણ છેક છેલ્લે વાલ્મીકિ સમાજનો છે. એટલે અપરક્લાસનાં સંગઠનો પણ અત્યારે ચૂપ છે. એટલે આ જે મૌન છે એ મારી દૃષ્ટિએ ચિંતાજનક છે."
તો મહિલા પરના અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરતાં સ્ત્રીઓના અધિકાર માટે લડતા ફૅમિનિસ્ટ ઝાકિયા સોમણના મતે સમાજે ખરેખર તો માનસિકતા બદલવાની જરૂર છે અને આવા કેસમાં દરેક સમાજે સાથે મળીને આગળ આવવું જોઈએ.
ગૌરાંગ જાનીના કહેવા અનુસાર આ એક સામાજિક મુદ્દો છે અને આવા સમયે દેશવ્યાપી વિરોધ થવો જોઈએ અને સત્તાધારી પક્ષે પણ સ્ટેન્ડ લેવું જોઈએ.
"તમે સીબીઆઈ તપાસ કરો છો એ બધું બરાબર છે, પણ એ સિવાય આ એક દેશની દીકરીનો મુદ્દો છે તો કેમ કોઈ સંગઠનો રસ્તા પર આવીને વિરોધ નથી કરતું."
જાની કહે છે કે "ભારતમાં સંઘ પરિવારની એક પણ સંસ્થા રસ્તા પર આવીને તેનો વિરોધ નથી કરતી. 2012 જે થયું હતું એ આજે નથી થતું. એક એવું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે કે દલિતો પર અત્યાચાર હોય, આદિવાસીઓ પર અત્યાચાર હોય- અમે સત્તામાં છીએ અને વિરોધ નહીં કરીએ અને તેનો બચાવ કરીશું. એટલે સત્તાધારી પક્ષનું આ વલણ મારી દૃષ્ટિએ સામાજિક મુદ્દાઓના ઉકેલ માટે બહુ ચિંતાજનક છે."
તેઓ કહે છે કે "મારી દૃષ્ટિએ ગાંધીના ગયા પછી સામાજિક સુધારણા બંધ થઈ ગઈ છે."
'આપણે હજુ પણ એક પિતૃસત્તાક સમાજ છીએ'
તાજેતરમાં જામનગરમાં પણ એક છોકરી પર ચાર વ્યક્તિએ બળાત્કાર કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ મામલે જામનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 376(D)ની સામૂહિક બળાત્કારની કલમો સહિત પોક્સોની વિવિધ કલમો હેઠળ પોલીસે ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે ગુજરાતમાં કૉંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મોટા ભાગના નેતાઓની અટકાયત કરાઈ હતી.
તો કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ જામનગરની મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં થોડાં વર્ષો પહેલાં પાટણમાં બળાત્કારની ઘટના ઘટી અને રાજ્યભરમાં ભારે હોબાળો થયો હતો. રાજ્યમાં અનેક ઠેકાણે રેલીઓ અને વિરોધપ્રદર્શનો પણ થયાં હતાં.
તો નવેમ્બર 2019માં વડોદરામાં એક સગીરા પર બે શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના ઘટી હતી.
સગીરા અને તેમના મંગેતર શહેરના નવલખી કંપાઉન્ડ પાસે આવેલા જીઈબી ક્વાર્ટર પાસે બેઠાં હતાં ત્યારે આ ઘટના ઘટી હતી.
એ વખતે ઝાડીમાંથી આવેલા આરોપીઓએ મંગેતરને માર મારીને ભગાડી મૂક્યા હતા, પીડિતાને ઝાડીઓમાં ઢસડી ગયા હતા. જ્યાં તેમનાં પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
પોલીસ અનુસાર, મંગેતરને ભગાડી દીધા બાદ આરોપીઓએ સગીરાનું અપહરણ કરી લીધું હતું અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
વર્તમાન સમયની તાસીર દર્શાવતાં ઝાકિયા સોમણ બીબીસીને કહે છે, "આજની 21મી સદીમાં અને ઇન્ટરનેટના યુગમાં પણ આપણે એક પિતૃસત્તાક સમાજ છીએ. એક બહુ કસનસીબીની વાત છે કે આપણે આટલી પ્રગતિ કરી, ટેકનોલૉજી આગળ વધી, જાણકારી માટેનાં ઘણાં સાધનો આવ્યાં, પણ આપણી માનસિકતા એ સ્ત્રીવિરોધી અને પિતૃસત્તાક જ રહી."
તેઓ કહે છે કે મહિલાઓ પ્રત્યે સમાનતાનું જે વલણ હોય એ આપણા સમાજમાં હજુ સુધી ઊભું થયું નથી.
"એક તરફ છોકરીઓ આગળ વધી રહી, ઉચ્ચ શિક્ષણ પણ મેળવી રહી છે, પગભર થઈ રહી છે, એ સમાજને મંજૂર નથી. છોકરીને આજે પણ સમાજમાં એક 'કૉમોડિટી' તરીકે જોવામાં આવે છે. એમાં રાજકારણ, જાતિ એટલે સુધી કે કોમવાદ પણ આવી જાય છે."
"આ એક ક્રિમિનલ કૃત્ય છે, એના પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને તરત ન્યાય મળવો જોઈએ. પણ આપણે ત્યાં એવું થતું નથી."
"આપણે ત્યાં કોની સાથે થયું, જેની સાથે થયું એનું બૅકગ્રાઉન્ડ શું છે, એ કયા પક્ષ તરફની છે, એ બધું જોઈને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્ટેન્ડ લેતા હોય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો