You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૉયફ્રૅન્ડ હોવાનો દાવો કરીને રિસેપ્શનમાંથી હોટલના રૂમની ચાવી લીધી અને પછી મહિલા પર રેપ કર્યો, થઈ ત્રણ વર્ષની સજા
- લેેખક, ઍલેક્સ મીકિન અને ઇથન ગજ
- પદ, દક્ષિણ ઇંગ્લૅન્ડ
- વાંચવાનો સમય: 5 મિનિટ
(ચેતવણીઃ આ સ્ટોરીમાંની કેટલીક માહિતી કેટલાક વાચકોને પરેશાન કરી શકે છે)
રાત્રે પાર્ટી કર્યા પછી હોટલના રૂમમાં એક મહિલા પર બળાત્કાર કરવા બદલ એક પુરુષને સાડા સાત વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવી છે. કાયરન સ્મિથને ફેબ્રુઆરીમાં આ સજા ફટકારવામાં આવી હતી.
જાતીય અત્યાચારની ઘટના ઇંગ્લૅન્ડની ટ્રાવેલોજ કંપનીની હોટલમાં ડિસેમ્બરમાં બની હતી.
પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેઓ તેમના હોટેલ રૂમમાં ઊંઘતાં હતાં ત્યારે તેમના પર જાતીય અત્યાચાર કરવામાં આવ્યો હતો અને હોટલ કંપની ટ્રાવેલોજ તેમનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી હતી.
હોટલના એક કર્મચારીએ એક પુરુષને પીડિતાના હોટલ રૂમ નંબરની માહિતી અને રૂમની ચાવી પણ આપી હતી. તેથી પુરુષ પીડિતાની રૂમમાં પ્રવેશી શક્યો હતો અને તેણે પીડિતા પર બળાત્કાર કર્યો હતો.
આ ઘટનાના આકરા પ્રતિસાદ પછી ટ્રાવેલોજ કંપનીએ તેમની સલામતી નીતિમાં તાજેતરમાં ફેરફાર કર્યો છે. જે વ્યક્તિના નામે રૂમ બુક કરવામાં આવી હોય તેની પરવાનગી સિવાય બીજી કોઈ વ્યક્તિને રૂમની ચાવી નહીં આપવાનો નિર્ણય કંપનીએ કર્યો છે.
કંપનીએ પીડિતાની માફી પણ માંગી છે.
ટ્રાવેલોજના સીઇઓ (ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર) જો બાઇડલે એક નિવેદનમાં જણાવ્યું હતું, "અમારી ભૂલ થઈ છે. અમારે વહેલાં પગલાં લેવાં જોઈતાં હતાં. હું આ બદલ દિલથી માફી માંગું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેવી રીતે બની હતી આ ઘટના?
29 વર્ષીય આરોપીનું નામ કાયરન સ્મિથ છે. તે ઇંગ્લૅન્ડના સરેના સ્ટેઇન્સનો રહેવાસી છે. ડિસેમ્બર 2022ની એક રાતે એ મહિલા જે પાર્ટીમાં હતી તેમાં કાયરન પણ હાજર હતો.
રાતે લગભગ બે વાગ્યે એ મહિલા અન્ય લોકોની સાથે ટ્રાવેલોજની મૅઇડનહૅડ હોટલમાંના પોતાના રૂમમાં ગઈ હતી.
કાયરન સ્મિથ એ રાતે હોટલ રિસેપ્શનમાં ગયો હતો અને હોટલ સ્ટાફને જણાવ્યુ હતું કે તે મહિલાનો બૉયફ્રૅન્ડ છે, જે ખોટી વાત હતી. એ પછી હોટલની મહિલા કર્મચારીએ કાયરનને મહિલાના રૂમની ચાવી આપી હતી.
થૅમ્સ વૅલી પોલીસના જણાવ્યા અનુસાર, રૂમમાં પ્રવેશ્યા પછી કાયરને ઊંઘી રહેલી મહિલા પર પેર કર્યો હતો.
ડઘાઈ ગયેલી મહિલા જાગી ગઈ હતી. તે કાયરન પર બરાડી હતી અને તેને રૂમમાંથી બહાર નીકળી જવા જણાવ્યું હતું. ત્યાર બાદ કાયરન કપડાં પહેરીને નીકળી ગયો હતો. તેણે મહિલાના રૂમની ચાવી રિસેપ્શનમાં આપી હતી અને હોટેલમાંની પોતાની રૂમમાં ચાલ્યો ગયો હતો.
પીડિતાએ બીજા દિવસે સવારે હોટલ સ્ટાફને આ ઘટના બાબતે જણાવ્યું હતું.
હોટલ દ્વારા પીડિતાને 3695 રૂપિયાના રિફંડની ઑફર
બાદમાં ટ્રાવેલોજે એ મહિલાને અપમાનજનક રીતે 30 પાઉન્ડ (લગભગ રૂ. 3695) રિફંડ ઑફર કર્યું હતું. રિફંડ સંબંધી કાર્યવાહી જે રીતે કરવામાં આવી હતી એ બાબતે ટ્રાવેલોજે માફી માંગી છે. ટ્રાવેલોજે જણાવ્યું છે કે તે તેની રૂમ સુરક્ષા નીતિની સમીક્ષા કરી રહી છે.
પીડિત મહિલા હાલ 30 વર્ષની છે અને કાયદાકીય કારણોસર તેનું નામ જાહેર કરવું શક્ય નથી. મહિલાએ જણાવ્યું હતું કે તેઓ કોઈ હોટલમાં એકલાં રહ્યાં હોય એવી તે પહેલી ઘટના હતી.
તેમણે દાવો કર્યો હતો કે કાયરન સ્મિથે તેમનું નામ આપીને હોટલની સુરક્ષા વ્યવસ્થાનું ઉલ્લંઘન કર્યું હોવાનું હોટલના કર્મચારીઓએ તેમને જણાવ્યું હતું. મહિલા કાયરન સ્મિથને ઓળખતી હતી.
પીડિતાએ કહ્યું હતું, "મને લાગે છે કે તેઓ મારું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા છે, પરંતુ મને વધારે હતાશ અને ગુસ્સે કરતી વાત એ છે કે તેમણે તેમની ભૂલની કબૂલાત કરી નથી. પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે દોષનો ટોપલો તેમણે કોઈ અન્ય પર નાખ્યો છે."
પીડિતાએ સવાલ કર્યો હતો, "મેં એકલીએ હોટલમાં ચૅક-ઇન કર્યું હતું અને રૂમનું બુકિંગ ફક્ત મારાં નામે કરવામાં આવ્યું હતું તો હું રૂમમાં ઊંઘતી હતી ત્યારે મારાં રૂમમાં અન્ય કોઈને પણ પ્રવેશ આપવો તમને યોગ્ય લાગે છે?"
"મને જગાડવી જોઈતી હતી અથવા રૂમમાં ફોન કરવો જોઈતો હતો કે કોઈએ રૂમ સુધી આવવું જોઈતું હતું. આ પૈકીનો કોઈ પણ વિકલ્પ રૂમની ચાવી કોઈને આપવા કરતાં વધારે સારો હતો."
"હોટલના રિસેપ્શન પર કોઈ કંઈ પણ કહીને અન્યની રૂમમાં કેવી રીતે પ્રવેશી શકે?" એવો સવાલ કરતાં પીડિતાએ ઉમેર્યું હતું કે "તેણે તેમની સુરક્ષા સંબંધી સવાલોના જવાબ આપ્યા હોવાનું હોટલે કહ્યું હતું."
પીડિતાએ એમ પણ કહ્યું હતું કે "તેની પાસે મારા વિશેની એકમાત્ર માહિતી, મારું નામ હતી."
"હોટલે જણાવ્યું હતું કે કાયરન સ્મિથે તેમને ટૅક્સ્ટ મૅસેજીસ દેખાડ્યા હતા, પરંતુ મારી પાસે તેનો ફોન નંબર જ નથી. તેની પાસે મારો ફોન નંબર ન હતો."
પીડિતાએ ઉમેર્યું હતું કે "રૂમનો દરવાજો બરાબર બંધ થયો હોવાની ખાતરી મેં બે વખત કરી હતી. એ મારી રૂમમા કેવી રીતે ઘૂસી ગયો તેની મને ખબર નથી, કારણ કે હોટલમાં રહેતી વખતે અપેક્ષા મુજબનું બધું જ મેં કર્યું હતું."
ટ્રાવેલોજે તેની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ, એવી માગણી પીડિતા કરી રહી છે. તેમણે કહ્યું હતું, "ઘટનાનાં બે સપ્તાહ પછી હું ગુસ્સે થઈ હતી, કારણ કે પોતાની કોઈ ભૂલ ન હોવાનું તેઓ મને કહેતા હતા."
"રિસેપ્શન ડેસ્ક પર કંઈ પણ કહીને કોઈ વ્યક્તિ અન્યના રૂમમાં પ્રવેશી શકતી હોય તો એ હોટલમાં રહેતા લોકોની સલામતી નથી. તે બિલકુલ યોગ્ય નથી."
હોટલે ભૂલ સ્વીકારી અને માફી માંગી
હોટલ કર્મચારીઓને આ ઘટનાની ફરિયાદ કર્યા પછી હોટલ મૅનેજમૅન્ટે પીડિતાને 30 પાઉન્ડ રિફંડ ઑફર કર્યુ હતું.
પીડિતાએ કહ્યું હતું કે "મને તે ખૂબ જ અપમાનજનક લાગ્યું. તેમણે ઑફર જ ન કરી હોત તો વધારે સારું હતું."
એ પરિસ્થિતિમાં રિફંડ ઑફર કરવું અયોગ્ય હતું, એવું ટ્રાવેલોજે સ્વીકાર્યું હતું.
હોટલની સલામતી વ્યવસ્થામાં કઈ-કઈ બાબતોનો સમાવેશ થાય છે તે બીબીસીને જણાવવાનો ટ્રાવેલોજે ઇન્કાર કર્યો છે. તેમણે માત્ર એટલું જ જણાવ્યું હતું કે હોટલના કર્મચારીઓએ નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યું હતું.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "અમે અમારા મહેમાનોની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીએ છીએ. આ દુઃખદ ઘટના બાબતે સાંભળીને અમે ખૂબ જ ચિંતિત છીએ. અમારી સંવેદના પીડિતાની સાથે છે."
"આ ઘટના સાથે જે રીતે કામ પાર પાડવામાં આવ્યું તે બદલ અમે પીડિતાની માફી માંગીએ છીએ."
"ટ્રાવેલોજ હોટલ ઉદ્યોગના સલામતી સંબંધી માપદંડોનું પાલન કરે છે. 2022માં પ્રસ્તુત ઘટના બની ત્યારે પણ આ ધોરણો અમલમાં હતાં."
"આ ઘટનામાંથી પાઠ ભણવા અને અમારી કાર્યપદ્ધતિમાં સુધારો કરવા માટે અમે અમારી રૂમ સલામતી નીતિઓની સંપૂર્ણ સમીક્ષા કરીશું."
અદાલતે આરોપીને તત્કાળ સજા ફટકારી
તપાસ અધિકારી ડિટૅક્ટિવ કૉન્સ્ટેબલ અર્શિદ અલીએ જણાવ્યું હતું કે કાયરન સ્મિથને કરવામાં આવેલી સજા "આ ગુનાની ગંભીરતા અને આરોપીના ખતરનાક સ્વભાવને પ્રતિબિંબિત કરે છે."
તેમણે કહ્યું હતું કે "તમામ જાતીય હુમલાઓ, ખાસ કરીને મહિલાઓ સામેના ગુનાઓ પ્રત્યે થૅમ્સ વૅલી પોલીસ ખૂબ જ ગંભીર છે."
તેમણે ઉમેર્યું હતું કે "જાતીય હિંસાના ગુનેગારોની ધરપકડ, ઓળખ અને કાર્યવાહીને અગ્રતા આપવાનું અમે ચાલુ રાખીશું."
કાયરન સ્મિથ સામે ગયા વર્ષે નવેમ્બરમાં રીડિંગ ક્રાઉન કોર્ટમાં ચાર દિવસ કેસ ચાલ્યો હતો. અદાલતે તેને રેપ અને જાતીય અપરાધ કરવાના ઇરાદા સાથેના ગેરકાયદે પ્રવેશ માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન