You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૃષ્ટિ રૈયાણી હત્યાકેસમાં ફાંસી : એકતરફી પ્રેમીએ જ્યારે 34 ઘા મારીને સગીરાની હત્યા કરી નાખી
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
રાજકોટના જેતપુરના જેતલસરનાં સગીરા સૃષ્ટિ રૈયાણીની હત્યાના કેસમાં જેતપુર સેશન્સ કોર્ટે દોષિત જયેશ સરવૈયાને ફાંસીની સજા કરવામાં આવી છે. નોંધનીય છે કે 16 માર્ચ 2021ના રોજ દોષિત જયેશ સરવૈયાએ સૃષ્ટિની 34 વખત છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. દોષિત જયેશ સરવૈયાએ એકતરફી પ્રેમમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.
દીકરીની હત્યાના દોષિતને ફાંસીની સજા મળતાં કોર્ટ બહાર સૃષ્ટિનાં માતા શીતલબહેન રૈયાણી ભાવુક થઈ ગયાં હતાં.
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, "મારી દીકરીને ન્યાય મળ્યો છે હું બધાનો આભાર માનું છું, મારી એક જ માગ હતી કે એને ફાંસી મળે અને દીકરીના આત્માને શાંતિ મળે."
તેમજ મૃતક દીકરીના પિતા કિશોરભાઈ રૈયાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કોર્ટ બહાર હાજર રહેલા પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "મારી દીકરીની હત્યા બાદ અમે આ સજાની જ માગણી કરી હતી. હું તમામ મીડિયાકર્મીઓનો આભાર માનવા માગું છું. આ સજા યોગ્ય છે. જ્યારે બનાવ બન્યો ત્યારે મને અને મારા પરિવારને
આપેલા સહકાર બદલ હું જેતલસરના સમસ્ત ગ્રામજનોનો આભાર માનવા માગું છું."
બે વર્ષ પહેલાં ઘટેલી આ નૃશંસ હત્યાની વિગતો અહીં રજૂ કરાઈ રહી છે.
ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાની નજીક આવેલું નાનકડું ગામ જેતલસર એ વખતે ભારે ચર્ચામાં હતું. ગામમાં ધોળે દિવસે કરાયેલી હત્યાનો મામલો એ વખતે ભારે ચગ્યો હતો. કથિત રીતે એક તરફી પ્રેમીએ આ હત્યા કરી હોવાનું જણાવાયું હતું.
દોષિતે 16 વર્ષની સગીરાને ચાકુના 34 ઘા મારીને હત્યા કરી હતી અને ઘટનાને પગલે ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પીડિતાને ન્યાય અપાવવા ગામમાં કૅન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાટીદારોની વસતી ધરાવતા આ ગામનો સીધો સંપર્ક જેતપુર, રાજકોટ અને ઉપલેટા સહિત સૌરાષ્ટ્રનાં સંખ્યાબંધ ગામોના પાટીદારો સાથે છે.
નાના એવા આ ગામમાં ખેતી ઉપરાંત બારી-બારણાની બારસાખ બનાવવાનું કામ કરાય છે. જેને પગલે સૌરાષ્ટ્રના નાના-મોટા વેપારીઓ અને બિલ્ડરો પણ ગામના સીધા સંપર્કમાં છે. જેને લીધે આ ઘટના પર સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો.
ઘટનાની વાત કરવામાં આવે તો 16 વર્ષનાં મૃતક ભણવામાં હોશિયાર હતાં અને દસમા ધોરણમાં સારા ગુણ આવતાં પરિવારે તેમને ભણવા માટે જેતપુરની ગર્લ્સ હાઇસ્કૂલમાં મુક્યાં હતાં.
મૃતકનાં મોટા ભાઈ સાવન રૈયાણીએ એ વખતે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું, "મારા કાકા કિશોરભાઈ ફોઈની વાડીમાં ખેતીકામ કરતા હતા. એમણે અમારા ગામના દરબાર સમુદાયનાં શીતલબહેન સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. મૃતક સૃષ્ટિ એમની મોટી દીકરી અને હર્ષ નાનો દીકરો. મારાં કાકીના દૂરના સગામાં જયેશ સરવૈયા નામનો છોકરો હતો, એ મારા કાકાને ત્યાં આવતો. મૃતક એને મામા કહીને બોલાવતી હતી. સૃષ્ટિ જ્યારે બસમાં બેસીને સ્કૂલે જાય ત્યારે એ એને પરેશાન કરવા માટે બસમાં જતો. બસની અંદર એની જ સીટની બાજુમાં બેસી જતો અને અશ્લીલ વાતો પણ કરતો."
"એના ડરને લીધે મૃતક કંઈ બોલતી નહીં પણ જ્યારે એ જયેશની હેરાનગતિથી કંટાળી ગઈ ત્યારે તેણે ઘરે આવીને મારા કાકા કિશોરભાઈને ફરિયાદ કરી હતી. "
'છોકરો શેરી સુધી પહોંચતાં જ બેભાન થઈ ગયો'
મૃતકના પિતા કિશોરભાઈએ જણાવ્યું હતું, "મેં શીતલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં અને શીતલનો એ ભાઈ હતો. એણે ભૂતકાળમાં ગામમાં એક વાળંદ પર છરીના ઘા કર્યા હતા, જેના કારણે એના પિતા ગિરધરભાઈએ એને ઘરમાંથી કાઢી મુક્યો હતો. મારી પત્નીનો એ દૂરનો સગો થતો હોવાથી મને દયા આવી અને જયેશ સરવૈયાને મેં સીધી લાઇન પર લાવવા સમજાવ્યો અને અમારી વાડીએ કામ પર રાખ્યો."
"આ માટે હું એને પૈસા પણ આપતો હતો. જયેશ જરૂર પડે ત્યારે કડિયાકામ પણ કરતો હતો. અમને લાગ્યું કે એ ધીમેધીમે સુધરી રહ્યો છે એટલે એને ઘણી વખત પૈસા પણ વાપરવા આપતો. પત્નીનો દૂરનો સગો હોવાથી ઘરે એની અવરજવર પણ રહેતી અને ક્યારેક ઘરે જમતો પણ હતો. મારાં બંને બાળકો એને મામા કહેતાં એટલે અમને એ વાતની કલ્પના પણ નહોતી કે એ અમારા ઘર પર જ નજર બગાડશે."
કિશોરભાઈ વધુમાં કહે છે, "એ મારી સાથે સીધી રીતે વર્તતો હતો પણ દીકરી સ્કૂલે જાય તો એનો પીછો કરતો. જયેશ સરવૈયાની હરકતોથી કંટાળીને એક દિવસ એણે મને ફરિયાદ કરી હતી. મેં જયેશના પિતા ગિરધરભાઈના ઘરે જઈને જયેશનાં આવાં અપલખણોની વાત કરી તો એમણે નફ્ફટાઇથી કહ્યું કે, તમે આશરો આપ્યો છે તો તમે ભોગવો."
"એ બાદ અમે એનો ઘરે પ્રવેશ બંધ કરાવી દીધો. કામ બંધ થતાં એ કડિયાકામ કરવા માંડ્યો પણ એણે પીછો ન છોડ્યો."
કિશોરભાઈએ ઉમેર્યું હતું, "16મી તારીખે હું અને મારી પત્ની ખેતરે ગયાં હતાં, તે સમયે બપોરે દીકરી અને મારો નાનો દીકરો હર્ષ ઘરે એકલાં હતાં. અમારે મોડું થાય એમ હતું એટલે અમે બંને બાળકોને કહ્યું કે તમે ઘરની ડેલી અંદરથી બંધ કરીને જમીને સુઈ જજો."
"એ લોકોએ ડેલી બંધ કરી દીધી. બંને ભાઈબહેન જમવાનું શરૂ કરે તે પહેલાં અચાનક અમારા ઘરની ડેલીનો દરવાજો જોરથી ખટખટાવાયો પણ મારી દીકરીએ દરવાજો ના ખોલ્યો. પછી બહાર દરવાજો ખટખટાવનાર જયેશને અમારા ઘરની તમામ બાબતો ખબર હતી એટલે એ વંડી કૂદીને ઘરમાં ઘુસ્યો."
"મારી દીકરીનો હાથ પકડી એણે કહ્યું કે, મારા પિતાને ફરિયાદ કેમ કરી? હવે તો હું તારી સાથે જ લગ્ન કરીશ. આ દરમિયાન મારો નાનો દીકરો હર્ષ એની બહેનને બચાવવા વચ્ચે પડ્યો તો, એનાં શરીર અને માથા પર ચાકુના ઘા માર્યા. ભાઈને બચાવવા મરણિયો પ્રયાસ કરનારી બહેને ઘરની ડેલીનો દરવાજો ખોલી નાના ભાઈને ભગાડી દીધો. લોહી નીતરતી હાલતે મારો છોકરો માંડ શેરી સુધી પહોંચ્યો અને બેભાન થઈ ગયો."
"મારી દીકરી પણ દોડીને બહાર નીકળીને ભાગવા જતી હતી પણ એક તરફી પ્રેમમાં પાગલ જયેશે એને પકડીને પીઠ, છાતી અને શરીરના અન્ય ભાગોમાં આડેધડ છરીના 34 ઘા ઝીંકી દીધા. મારી દીકરી ત્યાં જ મોતને ઘાટ ઊતરી ગઈ.એની બૂમોને કારણે અમારી શેરીના લોકો દોડી આવ્યા અને જયેશ ત્યાંથી નાસી છુટ્યો. પછી અમે વાડીએથી દોડતા ઘરે આવ્યા."
હત્યા બાદની સ્થિતિ કેવી હતી?
દોષિત ન પકડાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આ ઘટનામાં એ વખતે આખું ગામ પીડિત પરવાર સાથે ઊભું રહ્યું હતું. રેલીઓ યોજાઈ હી અને કૅન્ડલ માર્ચ પણ નીકળી હતી.
મૃતકના પિતરાઈ સાવન રૈયાણીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "ગામના યુવાન છોકરાઓએ પહેલીવાર આવી નિર્મમ હત્યા જોઈ હતી. આ છોકરો ગામમાં પહેલાંથી માથાભારે જ હતો. ગામની તમામ જ્ઞાતિઓના લોકોએ કૅન્ડલ માર્ચ કાઢી અને બંધ પાળ્યો હતો. ગામના લોકોની એકતા અને સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી અમારી અપીલ જોઈને પોલીસે સક્રિય થઈને એની તાત્કાલિક ધરપકડ કરી હતી."
રૈયાણીએ કહ્યું હતું, "માત્ર જેતલસર જ નહીં, આજુબાજુનાં તમામ ગામના લોકો અમારી સાથે જોડાયા હતા. છ દિવસ બાદ સરકાર પણ દબાણ આવ્યું હતું અને મંત્રી જયેશ રાદડિયા (એ વખતના)એ કડક હાથે કામગીરી કરવા ગાંધીનગરમાં દબાણ કર્યું હતું."
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ આ પરિવારની મુલાકાત લઈને કેસ ફાસ્ટટ્રૅક કોર્ટમાં ચલાવવા અને ઝડપી તપાસની ખાતરી આપી હતી.
કેસની ગંભીરતાને ધ્યાને લેતાં રાજકોટના રેન્જ આઈજી સંદીપસિંહે ખુદ આખો મામલો હાથમાં લીધો હતો. આ ઘટના બાદ જયેશ સરવૈયાનો પરિવાર ગામ છોડીને જતો રહ્યો હોવાનું રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો