You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાનો ઈરાન સાથેના યુદ્ધનો અંત લાવવાનો વિચાર, પરંતુ ટ્રમ્પે કઈ શરતો મૂકી - ન્યૂઝ અપડેટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ અંગે ફરી એક મોટો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે તેઓ ઈરાન સામેનું યુદ્ધ બહુ ઝડપથી ખતમ કરવાનો વિચાર કરે છે.
બીજી તરફ એવા પણ અહેવાલો છે કે અમેરિકા ઈરાનની ભૂમિ પર સેના ઉતારવાનો વિચાર કરે છે.
યુદ્ધ ખતમ કરવા અંગેની પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે "અમે ઈરાનના આતંકી શાસનના સંદર્ભમાં મધ્યપૂર્વમાં અમારા જંગી સૈન્ય અભિયાનને ધીમે ધીમે સમાપ્ત કરવાનો વિચાર કરીએ છીએ. કારણ કે અમે અમારાં લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાની દિશામાં ઘણા નજીક છીએ."
જોકે, ઈરાન યુદ્ધ ખતમ કરવા અંગે તેમણે એક બીજી વાત પણ કરી. તેમણે હોર્મુઝની સામુદ્રધુનીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેની નિગરાની અને સુરક્ષાની જવાબદારી એવા દેશોએ ઉઠાવવી જોઈએ, જેઓ તેનો ઉપયોગ કરે છે.
એક અનુમાન પ્રમાણે દુનિયાનું લગભગ 20 ટકા ઑઇલ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે.
ટ્રમ્પે કહ્યું કે, "જો અમને કહેવામાં આવશે તો અમે આ દેશોને હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષાને લગતા તેમના પ્રયાસોમાં મદદ કરીશું, પરંતુ ઈરાનનો ખતરો સમાપ્ત થયા પછી તેની જરૂરિયાત ન પડવી જોઈએ. મહત્ત્વની વાત એ છે કે આ દેશો માટે એક સરળ સૈન્ય અભિયાન હશે."
અમે સહયોગીઓને સુરક્ષા આપી છે, ટ્રમ્પનો દાવો
ટ્રમ્પે ઈરાન સામેના યુદ્ધમાં અત્યાર સુધીની સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે દાવો કર્યો કે ઈરાનની મિસાઇલ ક્ષમતાને સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવી છે અને ઈરાનના મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ બેઝને તબાહ કરી દેવાયો છે. સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયારો બનાવવાની નજીક પહોંચી ન શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત ટ્રમ્પે કહ્યું કે મધ્યપૂર્વમાં અમેરિકાએ પોતાના સહયોગીઓ- ઇઝરાયલ, સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, બહેરિન, કુવૈત અને અન્ય દેશોને ઉચ્ચ કક્ષાની સુરક્ષા આપી છે.
બીબીસીના સંવાદદાતા ઍન્થની જર્ચર મુજબ વૉશિંગ્ટનથી પામ બીચ વચ્ચે ઍરફોર્સ વનની ઉડાન દરમિયાન પત્રકારોને ટ્રમ્પની ટ્રુથ સોશિયલ પરની પોસ્ટનાં પ્રિન્ટઆઉટ અપાયાં હતાં. તેમાં તેમણે ઈરાનમાં અમેરિકન સૈન્ય અભિયાનને "ધીમે ધીમે ખતમ કરવાની" વાત કરી હતી.
રાષ્ટ્રપતિ આ રીતે સોશિયલ મીડિયાના સંદેશનો પ્રચાર કરે છે.
તેમણે ગયા વર્ષે ઑક્ટોબરમાં પણ આવું જ કર્યું હતું જ્યારે અમે સાઉથ કોરિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક કર્યા પછી અમેરિકા પરત આવી રહ્યા હતા.
આજનો ઈરાનને લગતો સંદેશ બહુ સમજી વિચારીને તૈયાર થયો હોય તેમ લાગે છે, જેમાં ઈરાન યુદ્ધમાં અમેરિકાનાં સૈન્ય હેતુઓની યાદી આપવામાં આવી છે.
વિદેશમંત્રી માર્કૉ રુબિયો સાથે ફ્લૉરિડા જઇ રહેલા ટ્રમ્પે પોતાના શબ્દોને બહુ સાવધાનીપૂર્વક પસંદ કર્યા હોય તેમ લાગે છે.
જોકે, તેમણે અમેરિકા હોર્મુઝની સામુદ્રધુનીનું રક્ષણ નહીં કરે, તેવી વાત કહી જે તેમના સહયોગીઓને કદાચ પસંદ નહીં પડે.
હોર્મુઝ વિશે ટ્રમ્પે શું કહ્યું?
આ સમગ્ર સંઘર્ષ દરમિયાન હોર્મુઝની સામુદ્રધુની એ રાષ્ટ્રપતિ માટે સતત ધ્યાનનું કેન્દ્ર રહ્યું છે. તેમણે તેને ફરીથી જહાજો માટે ખોલવા મોટાં પગલાં લેવાનો વાયદો કર્યો છે. સાથે સાથે તેમણે નાટોના સહયોગીઓએ કથિત સમર્થન ન આપ્યું તેની ટીકા પણ કરી છે.
ત્રીજી માર્ચે ઈરાને આ મહત્ત્વના સમુદ્રીમાર્ગેથી પસાર થતાં કોઈ પણ જહાજને 'આગ લગાવી દેવાની' ધમકી આપી હતી, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે "જરૂર પડશે તો અમેરિકન નેવી ટૅન્કરોને ઍસ્કૉર્ટ કરવાનું શરૂ કરશે."
10 માર્ચે તેમણે ચેતવણી આપી કે "ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાં ઑઇલની આવજા રોકવા માટે કંઈ પણ કરશે, તો અમેરિકા તેના પર અગાઉ કરતાં વીસ ગણો આકરો પ્રહાર કરશે."
જોકે, તેમણે એ પણ કહ્યું કે આ સાંકડા સમુદ્રી રસ્તાને ખોલવામાં સહયોગી દેશોની ભાગીદારી જરૂરી છે.
14 માર્ચે તેમણે કહ્યું કે "ઘણા દેશો, ખાસ કરીને જેઓ અસરગ્રસ્ત છે, તેમણે પોતાનાં યુદ્ધજહાજો મોકલવાં જોઈએ."
18 માર્ચે ટ્રમ્પે સવાલ ઉઠાવ્યો હતો કે જો અમેરિકા ઈરાની શાસનને "ખતમ" કરી નાખે, તો હોર્મુઝની સામુદ્રધુનીનું શું થશે અને તેમણે સૂચવ્યું કે "જે દેશો તેનો ઉપયોગ કરતા હોય, તેઓ જ તેની જવાબદારી ઉઠાવે."
અગાઉ તેમણે નાટો રાષ્ટ્રોની ટીકા કરતા કહ્યું કે "તેઓ ઑઇલના ઊંચા ભાવની ફરિયાદ તો કરે છે, પરંતુ હોર્મુઝની સામુદ્રધુનીને ખોલવા જેવા આસાન સૈન્ય કદમ ઉઠાવવામાં મદદ કરવા નથી માંગતા."
ભૂમિદળ ઉતારવાની તૈયારી - રિપોર્ટ
એક બાજુ ટ્રમ્પ ઈરાનમાં સૈન્ય કાર્યવાહી ઝડપથી ખતમ કરવાનો દાવો કરે છે ત્યારે બીબીસીના અમેરિકન સહયોગી સીબીએસના રિપોર્ટ પ્રમાણે અમેરિકાના સૈન્ય અધિકારીઓ ઈરાનમાં જમીન પર સૈનિકો ઉતારવાની સંભાવના વિચારી રહ્યા છે.
આ માહિતી એવા અધિકારીઓને ટાંકીને આપવામાં આવી છે, જેઓ આ ચર્ચાની જાણકારી ધરાવે છે.
રિપોર્ટ પ્રમાણે પૅન્ટાગોનના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રકારનાં પગલાંની યોજના બનાવવા ખાસ અનુરોધ કરી રહ્યા છે.
સીબીએસ મુજબ યોજનામાં એ વાતની પણ ચર્ચા સામેલ છે કે અમેરિકાના સૈનિકો ઈરાનમાં તહેનાત થાય તો, ઈરાનના સૈનિકોને પકડવાની સ્થિતિને કેવી રીતે સંભાળવી.
શુક્રવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા ઈરાન વિરુદ્ધ પોતાના અભિયાનને 'ધીમે ધીમે ખતમ કરવા' વિચારે છે. તેનાથી અગાઉ તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ યુદ્ધવિરામ નથી ઇચ્છતા.
આનાથી અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે તેઓ "ક્યાંય પણ" જમીન પર સૈનિકો મોકલવાની યોજના નથી બનાવી રહ્યા. તેમણે ઉમેર્યું કે "જો મેં આવું કર્યું હોત તો મેં ચોક્કસ તમને જણાવ્યું ન હોત."
શુક્રવારે કથિત સૈનિકોની તહેનાતીના અહેવાલ પર અમેરિકન સંરક્ષણ મંત્રાલયે બીબીસીના કોઈ સવાલનો જવાબ આપ્યો ન હતો.
મધ્યપૂર્વમાં અમેરિકન સૈન્ય કાર્યવાહીની જવાબદારી સંભાળનાર યુએસ સેન્ટ્રલ કમાન્ડ પણ સંભવિત સૈનિકોની તહેનાતી વિશે કોઈ અટકળો કરવાનો ઇન્કાર કરી ચૂક્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન