ઉમરેઠ પેટાચૂંટણીમાં ચતુષ્કોણીય જંગની સંભાવના, બેઠકનું રાજકીય ગણિત શું છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 4 મિનિટ

થોડા દિવસ પહેલાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું હતું. ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણીપંચે આ વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરી દીધી છે.

આગામી 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન થશે અને 4 મેના રોજ પરિણામ જાહેર થશે.

મધ્ય ગુજરાતમાં આવેલી ઉમરેઠની બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપનો કબજો રહ્યો છે.

ઐતિહાસિક રીતે આ બેઠક પર ભાજપ અને કૉંગ્રેસ સિવાય એનસીપી પાસે પણ રહી ચૂકી છે. વધુમાં, આ વખતે આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીજંગમાં ઝંપલાવવાના મૂડમાં હોવાથી ચતુષ્કોણીય જંગ થવાની સંભાવના છે.

રાજ્યમાં મજબૂત બહુમતીથી સત્તામાં રહેલા ભાજપ માટે પોતાનો દબદબો ટકાવી રાખવા માટે આ પેટાચૂંટણીમાં જીતવું અનિવાર્ય છે, જ્યારે સામે પક્ષે વિપક્ષો પણ પોતાને સાબિત કરવા પૂરતો પ્રયત્ન કરશે એવું પ્રતીત થઈ રહ્યું છે. થોડા સમયમાં અહીં નવી બનેલી મ્યુનિસિપલ કૉર્પોરેશનની પણ ચૂંટણી થવાની છે.

મતદારોનું વલણ વધુ સ્પષ્ટ થશે

ઉમરેઠની બેઠક પર યોજાનારી પેટાચૂંટણી અંગે રાજકીય પંડિતોનું માનવું છે કે આ બેઠક પરની પેટાચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે મહત્ત્વની સાબિત થશે.

હજુ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો નથી અને વહીવટદારોની નિમણૂક થઈ ચૂકી છે. એવામાં એ પહેલાં મતદારોનો મિજાજ પારખવાની વધુ એક તક મળશે.

છેલ્લે વીસાવદર અને કડીની બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં ભાજપને માત્ર કડી બેઠક પર જીત મળી હતી અને વીસાવદરમાં આમ આદમી પાર્ટીએ બાજી મારી હતી.

જાણીતા રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "આ બેઠકની પેટાચૂંટણીમાં હાર કે જીતથી ભાજપને સીધો ફર્ક પડવાનો નથી, પરંતુ આ તેના માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે."

"વધુમાં ઉમરેઠને અડીને આવેલા આણંદ અને નડિયાદને સરકારે મ્યુનિસિપલ કૉર્પોરેશન જાહેર કર્યા છે. ઉમરેઠની બેઠકમાં આવતાં કેટલાક ગામડાં નવા બનેલાં બે મ્યુનિસિપલ કૉર્પોરેશનની હેઠળ આવશે."

"એ સિવાય નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ અને બુલેટ ટ્રેનના પ્રોજેકટના કારણે આ વિસ્તારમાં જમીનના ભાવ પણ વધ્યા છે અને એક ફીલગુડ ફૅક્ટર ઊભું થયું છે."

તેમનું કહેવું છે કે આ સાથે પાટીદાર અને ઓબીસી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે અને એ કઈ તરફ જાય છે એ પણ જોવું રહ્યું.

તેઓ કહે છે, "અહીં પટેલ અને ઓબીસી મતદારો સિવાય ખેડાવળ બ્રાહ્મણ અને વૈષ્ણવોનું પણ પ્રભુત્વ છે અને કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના પરિવારનું પણ જોર છે."

તો વરિષ્ઠ પત્રકાર પ્રફુલ ત્રિવેદીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "ઉમરેઠની બેઠક 2022ની ચૂંટણી પછી એક અથવા બીજા કારણસર વિવાદમાં રહી છે."

"2023માં થયેલા ઉંઢેલાકાંડમાં ધારાસભ્ય ગોવિંદ પરમારનું નામ ઊછળ્યું હતું. એ સિવાય લોકલ નાઇટ મૅચમાં ચિખોદ્રામાં થયેલી કોમી હિંસામાં પણ ગોવિંદ પરમારના ભાણેજ અને અન્ય સગાંનાં નામ ઊછળ્યાં હતાં. તેના કારણે લઘુમતી સમાજમાં રોષની લાગણી છે."

તેઓ કહે છે કે, "આ પેટાચૂંટણીમાં ઍન્ટી-ઇન્કમબન્સી એક ફૅક્ટર છે કે નહીં એ પણ નક્કી થશે. જોકે, આ બેઠક પર લઘુમતી સમુદાય નિર્ણાયક મતદાતા નથી."

"પરંતુ પટેલોનો ઝુકાવ એક તરફી હોય અને બાજ ખેડાવળ બ્રાહ્મણ, વૈષ્ણવો અને મુસ્લિમ મતદારોનું કૉમ્બિનેશન નવાં રાજકીય પરિમાણો ઊભાં કરી શકે એમ છે."

"આ વિસ્તારમાં મોટા ભાગના જમીનમાલિકો પટેલ અને ઓબીસી છે. એવામાં નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ પણ આ ચૂંટણીમાં અસર કરી શકે તેમ છે."

રાજકીય પક્ષોનું શું કહેવું છે?

ભાજપના પ્રવક્તા અનિલ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "હજુ સુધી ઉમેદવાર કોણ ઊભા રાખવા એ નક્કી થયું નથી, પરંતુ આ વિસ્તારમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું છે."

"ટ્રેન પ્રોજેક્ટ અને મ્યુનિસિપલ કૉર્પોરેશન બનવાથી લોકોને વિકાસનો લાભ મળ્યો છે. ભાજપ ચૂંટણી માટે તૈયાર જ હોય છે અને અમે વ્યૂહાત્મક રીતે અમારો ઉમેદવાર ઉતારીશું."

કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કહ્યું હતું કે, "ઉમરેઠની ચૂંટણી કૉંગ્રેસ પક્ષ લડશે. આ વિસ્તાર કૉંગ્રેસનો ગઢ રહ્યો છે અને કૉંગ્રેસ તેનો જૂનો ગઢ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે."

આમ આદમી પાર્ટીના પ્રવક્તા હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે તેમના માટે પણ આ પેટાચૂંટણી લિટમસ ટેસ્ટ સમાન છે.

તેમણે કહ્યું હતું કે, "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે મોટાપાયે ઉમેદવાર ઊભા રાખવાના છીએ ત્યારે આ ચૂંટણી અમારા માટે નિર્ણાયક સાબિત થશે. જેથી કરીને આવનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ઘડી શકાય."

આ બેઠક પરથી એનસીપી તરફથી ધારાસભ્ય રહી ચૂકેલા જયંત પટેલ બોસ્કીએ પણ કહ્યું છે કે તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડશે. તેમણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેની જાહેરાત પણ કરી દીધી છે.

તેમણે કહ્યું હતું કે, "2017માં ત્રિપાંખિયો જંગ થયો ત્યારે ભાજપ માત્ર એક ટકા મતથી જીત્યો હતો. 2022ની ચૂંટણીમાં કેટલીક બાબતોમાં અમારી ખામી રહી ગઈ હતી. આ બેઠક એનસીપીનો ગઢ છે."

ઉમરેઠ બેઠક પર કોનો કબ્જો રહ્યો છે?

ઉમરેઠની આ બેઠક પર મોટે ભાગે કૉંગ્રેસનો દબદબો રહ્યો છે.

1972માં કૉંગ્રેસના ઉદેસિંહ વડોદિયા જીત્યા એ પછી અહીં ખંભોળજા પરિવારનો દબદબો રહ્યો હતો.

1975 અને 1980માં કૉંગ્રેસની ટિકિટ પર હરિહર ખંભોળજા અને 1985માં કુસુમબહેન ખંભોળજા જીત્યાં હતાં.

1990માં આ બેઠક પર જનતા દળના સુભાષ શેલતની જીત થઈ હતી. જોકે, પછીની બે ચૂંટણીઓમાં સુભાષ શેલત કૉંગ્રેસ તરફથી લડ્યા હતા અને 1995 અને 1998માં તેમણે જીત મેળવી હતી.

2002માં પહેલી વાર ભાજપે આ બેઠક પર જીત મેળવી હતી અને તેના ઉમેદવાર વિષ્ણુભાઈ પટેલ જીત્યા હતા.

2007માં ફરી આ બેઠક કૉંગ્રેસ પાસે ગઈ હતી અને લાલસિંહ વડોદિયાએ જીત મેળવી હતી.

2012માં એનસીપીના જયંત પટેલ બોસ્કીએ આ બેઠક પર જીત મેળવી હતી. તો 2017 અને 2022માં આ બેઠક ભાજપે જીત્યો હતો અને બે ટર્મથી ભાજપના ગોવિંદ પરમાર ધારાસભ્ય હતા.

2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગોવિંદ પરમારે આ બેઠક પરથી 26717 મતે જીત મેળવી હતી. કૉંગ્રેસે ગઠબંધન હેઠળ અહીં 2022માં ચૂંટણી લડી નહોતી અને એનસીપીના જયંત પટેલ બોસ્કી બીજા નંબરે રહ્યા હતા.

ભાજપના ગોવિંદ પરમારને કુલ 95639 મત તથા એનસીપીના જયંત પટેલ બોસ્કીને 68922 મત મળ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન