બ્રશ કરતી વખતે લોહી નીકળવું, સોજો થવો અને મોંની દુર્ગંધ 'મામૂલી' લક્ષણ છે કે પછી ગંભીર બીમારીની શરૂઆત?

    • લેેખક, ઓમકાર કરમ્બેલકર
    • પદ, બીબીસી ન્યૂઝ મરાઠી પ્રોડ્યુસર
  • વાંચવાનો સમય: 8 મિનિટ

શું તમે રોજ બ્રશ કરો, ત્યારે થોડું લોહી નીકળે છે? શું તમારા પેઢામાં સોજો રહે છે, મોંમાંથી દુર્ગંધ આવે છે? મોંના આરોગ્યનાં આ મામૂલી જણાતાં લક્ષણો વાસ્તવમાં ગંભીર બિમારીની શરૂઆત હોઈ શકે છે.

આપણે ઘણી વખત 'પછી જોવાઈ જશે', એમ કહીને મોંના આરોગ્યની અવગણના કરી દઈએ છીએ, પણ તે ઉપેક્ષા પેઢાંની બિમારી, જડબાના હાડકાનું ક્ષરણ, સતત સંક્રમણ કે મુખના કેન્સર જેવી બિમારીઓ નોતરી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, મોંમાં થતો સાધારણ ફેરફાર પણ શરીરમાં મોટી બિમારીનો સંકેત આપી શકે છે અને જો સમયસર તેની ઓળખ કરી લેવામાં આવે, તો જટિલ મુશ્કેલીઓથી બચી શકાય છે.

આ લેખમાં આપણે ચેતવણીરૂપ આવા 'સૂક્ષ્મ' સંકેતો વિશે તથા મુખની નિયમિત તપાસથી જીવન કેવી રીતે બચાવી શકાય, તેની વિગતવાર જાણકારી મેળવીશું.

મોંના આરોગ્ય માટે આપણે ઘણી વખત 'કંઈક સમસ્યા સર્જાય, તો જ ડોક્ટર પાસે જવું' - એવી સરળ ફોર્મ્યૂલા અપનાવતાં હોઈએ છીએ. તે સમસ્યા પહેલી નજરે ભલે સામાન્ય જણાતી હોય, પણ ઝડપથી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

સાદો સોજો, અમુક વખત બળતરા થવી, બ્રશ કરતી વખતે થોડું લોહી નીકળવું અને મુખની દુર્ગંધ જેવાં લક્ષણોને ઘણાં લોકો મામૂલી સમજી બેસતા હોય છે.

પરંતુ, નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ જ સંકેતો પેઢાંના રોગ, સંક્રમણો કે મુખના કેન્સરની શરૂઆત જેવી સમસ્યાઓની ઓળખ કરવામાં મદદરૂપ બની શકે છે.

જોકે, ઘણાં લોકો તે પ્રારંભિક સંકેતોને સામાન્ય ગણી લઈને તેમની ઉપેક્ષા કરતા હોય છે. તેનો અર્થ એ કે, સારવારનો ખરો સમય પસાર થઈ જાય છે અને તે પછી દાંત હલવા, હાડકું ક્ષીણ થવું, સતત દુખાવો થવો, વગેરે જેવી તકલીફો થાય છે કે પછી મોટી સર્જરીની આવશ્યકતા ઊભી થાય છે.

ડોક્ટરો હંમેશા કહે છે કે, નિયમિત ચેક-અપ કરાવીને અને જરા અમથા ફેરફાર પ્રત્યે પણ સાવચેતી દાખવીને આ જટિલતાઓને દૂર રાખી શકાય છે. તેમ છતાં, લોકો આ બાબતને ગંભીરતાથી નથી લેતા.

આ જાણકારી થકી આપણે આવા છૂપા સંકેતો વિશે માહિતી મેળવી શકીશું. જો આ છૂપા સંકેતોની ઓળખ થઈ જાય, તો ઘણી બિમારીઓને અટકાવી શકાય છે અથવા તો તે ગંભીર બને, તે પહેલાં જ તેને નિવારી શકાય છે.

અહીં આપણે જાણીશું કે, મોંના કથળતા સ્વાસ્થ્યના સંકેતો કયા છે, તેમને પિછાણવા શું કામ જરૂરી છે અને તે અંગે સમયસર નિર્ણય લેવો શા માટે જરૂરી છે?

મોંનું આરોગ્ય એટલે શું?

મોંના આરોગ્યનો અર્થ માત્ર દાંતની સ્વચ્છતા નથી. તેમાં પેઢાં, દાંત, લાળ, જીભ, હોઠ, અંદરની ત્વચા, ચાવવાની આદત, જડબાંના આરોગ્ય સહિતના સમગ્ર મુખ તથા મોંથી શરૂ થતી પાચનની પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના મત પ્રમાણે, મોંના આરોગ્યનો અર્થ છેઃ મોંનાં તમામ અંગો બોલવા, ખાવા, હસવા અને સામાજિક જીવનમાં સહભાગી થવા માટે પર્પાય્ત તંદુરસ્તી ધરાવતા હોય.

મોં આપણા શરીરનો સૌથી 'ખુલ્લો' ભાગ છે.

તે ખોરાક, પીણાં, સૂક્ષ્મજીવો અને બહારના પ્રદૂષણના સતત સંપર્કમાં રહે છે, આથી તેમાં થતો નાનો અમથો ફેરફાર પણ આરોગ્યની વિકટ સ્થિતિનો સંકેત આપી શકે છે.

ઉદાહરણ તરીકે, ઉપરછલ્લી રીતે સાદો જણાતો સોજો વિટામિન ડી કે બી-કોમ્પ્લેક્સની ખામીનો સંકેત હોઈ શકે છે.

વારંવારનું સંક્રમણ ડાયાબિટીસ સાથે સાંકળી શકાય છે, જ્યારે મોં સતત સૂકું રહેતું હોય, તો તે ચોક્કસ દવાઓ કે હોર્મોનમાં થતા ફેરફારોની આડઅસર હોઈ શકે છે.

મોંના આરોગ્ય અને શરીરના અન્ય ભાગો વચ્ચેનો સંબંધ ઘણો મહત્ત્વનો છે. પેઢાંના રોગોથી હૃદય રોગનું જોખમ વધી શકે છે, જ્યારે સતત થતાં સંક્રમણો રોગપ્રતિકારક તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. આથી, મોંનું આરોગ્ય સમગ્ર શરીરના સ્વાસ્થ્યનું પ્રતિબિંબ ગણાય છે.

અમે નિષ્ણાતોને સવાલ કર્યો હતો કે, શરીર મુખના આરોગ્ય અંગેના કયા સંકેતો આપતું હોય છે અને તે સંકેતોનો પિછાણવા શા માટે અગત્યનું છે?

ડૉક્ટર મંદાર દેશપાંડે મુંબઈ સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના હૅડ ઍન્ડ નેક ઑન્કોલૉજી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છે.

બીબીસી મરાઠીના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું, "મોંના આરોગ્યની ઘણી-ખરી સમસ્યાઓ શરૂ-શરૂમાં સામાન્ય લાગતી હોય છે. દર્દીઓ દાંતની કાળી થઈ ગયેલી કિનારીઓ, બ્રશ કરતી વખતે થોડું લોહી વહેવું કે પછી હળવી સંવેદનશીલતાને 'સામાન્ય' ગણીને નજરઅંદાજ કરી દેતા હોય છે, પણ વાસ્તવમાં તે ફેરફારના પ્રાથમિક સંકેતો હોય છે."

મારા અનુભવ પ્રમાણે, જો દાંતનો સડો કે પેઢાંમાં હળવા સોજાની સમયસર જાણ થઈ જાય, તો હાડકાંનું નુકસાન, દાંત હલવાની સ્થિતિને કે પછી મોટી સર્જરીની સ્થિતિને અટકાવી શકાય છે.

મોંના કૅન્સરની શરૂઆત પણ સામાન્ય સફેદ કે લાલ ધબ્બાથી થતી હોય છે. પણ સમસ્યા એ છે કે, જ્યાં સુધી દુખાવો ન થાય, ત્યાં સુધી લોકો દાંતના ડૉક્ટર પાસે જતા નથી.

"મારો અનુભવ છે કે, વહેલું નિદાન થઈ જવાથી સારવાર સહેલી થઈ જાય છે અને પરિણામો પણ બહેતર રહેતાં હોય છે."

"આથી જ, મોંના કોઈપણ ફેરફારોને બે સપ્તાહ કરતાં વધુ સમય સુધી અવગણવા જોખમી નીવડી શકે છે."

મોંના સ્વાસ્થ્યના કયા સંકેતો ભવિષ્યમાં જોખમી બની શકે છે, તે વિશે અમે પૂણેની એપોલો હૉસ્પિટલનાં ડૉક્ટર વિદિતા પોવાલે પાસેથી માહિતી મેળવી હતી.

ડૉક્ટર વિદિતા પૂણેની એપોલો હૉસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ સર્જીકલ ઑન્કોલૉજીસ્ટ તથા હેડ ઍન્ડ નેક કૅન્સર સ્પેશ્યાલિસ્ટ છે.

તેઓ કહે છે, "પેઢાંની બીમારી અત્યંત સૂક્ષ્મ રીતે શરૂ થાય છે. દર્દીઓ ઘણી વખત બ્રશ કરતી વખતે લોહી નીકળવું, સોજો આવવો, આછી બળતરા થવી કે દાંતની આસપાસ પ્લૅક-ટાર્ટરના જમાવ જેવાં લક્ષણો પર ધ્યાન આપતા નથી. "

અમુક વખત દાંત થોડા હલવા લાગે છે, જેનો અર્થ એ છે કે, સહાયક માળખું પ્રભાવિત થઈ રહ્યું છે. વળી, મોંમાં થતા નાના ચાંદા અને કૅન્સરની શરૂઆત વચ્ચેનો ભેદ પારખવો પણ જરૂરી છે.

સાધારણ 'ઍપ્થસ' અલ્સર (ચાંદું) પીડાદાયક હોય છે અને એક કે બે અઠવાડિયાંમાં મટી જાય છે, પણ કૅન્સર સંબંધિત ઘા ઘણી વખત પીડારહિત હોય છે, બે-ત્રણ સપ્તાહ કરતાં લાંબો સમય રહે છે અને તેની કિનારી ખરબચડી હોઈ શકે છે."

"સફેદ-લાલ ધબ્બા, લ્યૂકોપ્લાકિયા કે એરિથ્રોપ્લાકિયા જેવા ફેરફારો જોવા મળે, તે સાથે જ સ્પેશ્યાલિસ્ટ પાસે તપાસ કરાવવી જરૂરી બની રહે છે."

"જો આ પ્રારંભિક લક્ષણોની સમયસર જાણ થઈ જાય, તો બિમારીનું જોખમ ઘણું ઘટાડી શકાય છે."

લક્ષણોની અવગણના કેમ ન કરવી જોઈએ

અત્યાર સુધીમાં તમે નોંધ્યું હશે કે, લોકો દાંત, પેઢા તેમજ મોંની અંદરનાં અંગોને નજરઅંદાજ કરતા હોય છે અને તેમાં થતા ફેરફારોને ગંભીરતાથી લેતા નથી.

પણ આ આદત ઘણી નવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. મોંની સમસ્યાઓને ન પિછાણવી, તેમની ઉપેક્ષા કરવી કે પછી લક્ષણો ન પારખવાથી મોંની બીમારીઓ થઈ શકે છે.

ડૉક્ટર વિદિતા પોવાલે પણ આવો જ મત પ્રગટ કરે છે.

તેઓ કહે છે, "શરૂઆતના ગાળામાં મોંને લગતી તમામ સમસ્યાઓ પીડારહિત હોય છે અને તે જ મોટી મુસીબત છે. ઘણા દર્દીઓ લક્ષણો હળવાં જણાતાં હોવાને કારણે ડૉક્ટર પાસે નથી જતા."

"કેટલીક વખત લોકો ડરના કારણે, ખર્ચની ચિંતાથી પ્રેરાઈને અને અમુક વખત સમસ્યા ગંભીર ન હોવાની ગેરમાન્યતાથી પ્રેરાઈને ડૉક્ટર પાસે જવાનું ટાળે છે.'"

પરંતુ, વાસ્તવમાં દાંતનાં મૂળમાં સોજો વધે છે, પ્લૅક અને ટાર્ટર ઊંડે-ઊંડે એકઠાં થાય છે અને હાડકાં ક્ષીણ થવાનું શરૂ થાય છે.

મોંની નિયમિતપણે તપાસ કરાવવાથી પેઢામાં સડાથી લઈને નાના-નાના ફેરફારો, લક્ષણ વિનાની હાડકાની ક્ષીણતા કે કૅન્સર પૂર્વેની સ્થિતિ સુદ્ધાંની સમયસર જાણકારી મળી શકે છે.

"વર્ષે એક વખત ચેક-અપ કરાવવાથી પણ ઘણી ગંભીર સ્થિતિનું જોખમ અડધું થઈ શકે છે."

તેઓ ઉમેરે છે, "મોડા નિદાનને કારણે ઉદ્ભવતી જટિલતાઓ ઘણી જ ગંભીર હોય છે. તેના કારણે દાંત કાઢવો પડે, ગંભીર સંક્રમણ થાય, જડબાંનું હાડકું કાઢવું પડે અથવા ત્રીજા કે ચોથા સ્ટેજના ઓરલ કૅન્સર જેવું સંકટ સર્જાઈ શકે છે."

"લોકો સમસયર ચેક-અપ કરાવે, તો આ પૈકીની મોટાભાગની સમસ્યાઓ સહેલાઈથી નિવારી શકાઈ હોત."

"મોંમાં થતા સૂક્ષ્મ ફેરફારો અન્ય બીમારીઓનો સંકેત પણ હોઈ શકે છે. જેમાં વિટામિનની ઊણપ, એનિમિયા, ડાયાબિટીસ અથવા તો ચાંદું, બળતરા થવી કે પછી વારંવાર સંક્રમણ થવાની ઑટોઇમ્યૂન બીમારીઓનો સમાવેશ થાય છે."

આવી સ્થિતિમાં મોંની યોગ્ય સ્વચ્છતા જાળવવી જરૂરી બની રહે છે, જેમકે, દિવસમાં બે વાર બ્રશ કરવું, ફ્લોસિંગ, જીભ સાફ કરવી, ખાંડનું ઓછું સેવન કરવું તેમજ તમાકુથી દૂર રહેવાથી બીમારીની ગતિ ધીમી પડી શકે છે.

"મોંમાં થતા નાના ફેરફારોની અવગણના કરશો નહીં. હું એ સ્પષ્ટ કરવા માગું છું કે, જો તમે તે ફેરફારોને સમયસર પારખી લો છો, તો તમે તમારા દાંત બચાવવાની સાથે-સાથે ઘણી જીવલેણ બીમારીઓને પણ ખાળી શકો છો."

જો મોંને લગતી સમસ્યાઓની સારવાર કરવામાં ન આવે કે પછી તેના નિદાનમાં વિલંબ થાય, તો કેવી મુશ્કેલી પડી શકે છે?

આ સવાલ અમે ડૉક્ટર મંદાર દેશપાંડેને પૂછ્યો હતો. તેમણે કહ્યું કે, કોઈ પણ લક્ષણને અવગણવું ન જોઈએ.

તેમણે કહ્યું હતું, "મોડું નિદાન ભારતમાં સૌથી મોટી અને સૌથી સામાન્ય સમસ્યા છે. અમારી પાસે આવતા 60 ટકા કરતાં વધુ દર્દીઓની બીમારી ઘણી આગળ વધી ચૂકી હોય છે."

"તે પાછળનું મુખ્ય કારણ એ છે કે, તેઓ તે લક્ષણોને મામૂલી સમજે છે."

વૃદ્ધ દર્દીઓ વર્ષો સુધી જૂનાં, ઢીલાં ચોકઠાં પહેરે છે.

લાંબા સમય સુધીના આ મ્યૂકોસલ ટ્રૉમાથી નિશાન પડતાં હોય છે અને અમુક વખત તે પૂર્વ-કેન્સર ફેરફારોનું કારણ પણ બને છે.

"આથી, ન રૂઝાઈ રહેલા મોંના ચાંદા, સફેદ કે લાલ ધબ્બા કે પછી વારંવારના સોજાને હળવાશથી ન લેવાં જોઈએ."

તેઓ આગળ કહે છે, "હું દૃઢપણે માનું છું કે, જો નિયમિતપણે મોંની તપાસ કરાવવામાં આવે અને થોડી સતર્કતા દાખવવામાં આવે, તો કૅન્સરના ઘણા જટિલ કેસોને ટાળી શકાય છે."

"મુખનું આરોગ્ય કેવળ દાંત પૂરતું સીમિત નથી, તે સમગ્ર શરીરને લગતા સંકેતો આપતું દર્પણ છે."

"મારું માનવું છે કે, તે સંકેતો પર સમયસર ધ્યાન આપવાથી જીવ બચાવી શકાય છે."

મોંની તપાસ શા માટે જરૂરી છે?

જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરનાં કન્સલ્ટન્ટ ઓરલ ઍન્ડ મેક્સિલોફેશિયલ સર્જન ડૉક્ટર રાધિકા રામાસ્વામી કહે છે કે, મુખની તંદુરસ્તી જાળવી રાખવા માટે મોંની તપાસ જરૂરી છે.

બીબીસી મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "દાંતની ઘણી સમસ્યાઓમાં પ્રારંભિક તબક્કામાં કોઈ ધ્યાન આપવા લાયક લક્ષણો જોવા મળતાં નથી."

"દાંતમાં પ્રારંભિક સડાથી લઈને પેઢામાં હળવો સોજો અને લોહી નીકળવા સુધીની ઘણી બિમારીઓ ધીમે-ધીમે વધતી હોય છે."

નિયમિત ચેક-અપ કરાવવાથી આ બીમારીઓની સમયસર જાણકારી મેળવી શકાય છે અને સરળ સારવાર થકી તેને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે.

"આ પ્રકારની તપાસ કયો દાંત પ્રભાવિત થયો છે, તે નક્કી કરવામાં ઉપયોગી બની રહે છે."

"અમુક વખત કોઈ લક્ષણો નથી દેખાતાં, દુખાવો પણ નથી થતો, પરંતુ તેનાથી સંક્રમણ, દુખાવો કે નજીકના દાંતમાં સમસ્યા સર્જાઈ શકે છે. તપાસથી તેની સારવાર શક્ય છે."

એ જ રીતે, તપાસના આધારે જે મહત્ત્વની બાબત જાણી શકાય છે, તે છેઃ દાંત ન હોવા. તેનાથી જાણ થાય છે કે, દાંત નથી અથવા તો જગ્યા ખાલી છે.

જો એક જગ્યાએ દાંત ન હોય, તો ચાવવામાં કે બોલવામાં તકલીફ પડે છે. વળી, તેનાથી બાજુના દાંતને પણ અસર થાય છે.

"જો તપાસ દરમિયાન તે બાબત ધ્યાનમાં આવે, તો યોગ્ય સમયે વૈકલ્પિક ગોઠવણ કરીને સ્થિતિમાં સુધારો કરી શકાય છે તથા દાંતોનું યોગ્ય સંતુલન બનાવી શકાય છે."

"આથી, દર છ મહિને મોંની તપાસ કરાવવી આવશ્યક છે."

હૈદરાબાદ સ્થિત કેર હૉસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઑફ જનરલ મેડિસિનના સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટર રાહુલ અગરવાલના જણાવ્યા મુજબ, દાંતના આરોગ્યને ગંભીરતાથી લેવું જોઈએ.

તેઓ કહે છે, "રોજ અમારી પાસે પેઢાંમાં ભારે સોજા, ઢીલા દાંત કે જડબાંનું હાડકું ક્ષીણ થવાની સમસ્યા ધરાવતા દર્દીઓ આવે છે."

"તેમની બીમારી ઘણી વધી ગઈ હોય છે. એવું લાગે છે કે, સમયસરના સરળ ચેક-અપથી તેમની પીડા નિવારી શકાઈ હોત."

આગળ તેઓ કહે છે, "પ્રારંભિક તબક્કામાં લોકો લોહી નીકળવું, ખંજવાળ આવવી, દુર્ગંધ જેવી ઘણી સમસ્યાઓ પર ધ્યાન આપતા નથી."

"તે સમય દરમિયાન તેમની સમસ્યા અંદરને અંદર ચૂપચાપ વધી રહી હોય છે."

શરીરના અન્ય ભાગોની બીમારીઓની મોં પર પડતી અસર પણ એટલી જ ગંભીર હોય છે.

અનિયંત્રિત ડાયાબિટીસથી પેઢાંનું સંક્રમણ વધવાની શક્યતા રહે છે, ઘા રૂઝાતાં વાર લાગે છે અને પેઢાંની બિમારીનું જોખમ વધી જાય છે.

"વિટામિન-બી અને સીની ઊણપથી મોંમાં જીભ ઉપર ચાંદા પડે છે, તેટલો ભાગ લાલ થઈ જાય છે અને લોહી પણ નીકળે છે."

વધુમાં તેઓ જણાવે છે, "પાન, સોપારી, જરદો, પાન-મસાલા, સિગરેટ, કાર્બોનેટેડ પીણાં, અશુદ્ધ પાણી તેમજ યોગ્ય પોષક તત્ત્વોનો અભાવ - આ તમામની મોંના આરોગ્ય પર અવળી અસર પડતી હોય છે."

"જીઈઆરડી તથા બ્રુક્સિઝમ જેવી બિમારીઓ પણ દાંતને પ્રભાવિત કરે છે. તેથી, ડેન્ટલ ચેક-અપ કરાવવું હિતાવહ છે."

જો તમે તમારી જીવનશૈલીમાં કોઈ નોંધપાત્ર બદલાવ લાવવા માગતા હો, તો આહાર બદલો અથવા વ્યાયામ શરૂ કરો. આ માટે ડૉક્ટર અને યોગ્ય ટ્રેનરની મદદ લેવી જરૂરી છે.

તમે તમારા શરીર અને લક્ષણોની ડૉક્ટર પાસે યોગ્ય તપાસ કરાવો અને તેમની સલાહના આધારે જીવનશૈલીમાં ફેરફારો કરો, તે શ્રેષ્ઠ માર્ગ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન