ઈરાન યુદ્ધ ઉપર વર્ષ 2003માં સદ્દામ હુસૈન વિરુદ્ધના જંગનો ઓછાયો, શું જૂની ભૂલોનું પુનરાવર્તન થઈ રહ્યું છે?

    • લેેખક, ગૉર્ડન કોરેરા
    • પદ, સુરક્ષા વિશ્લેષક
  • વાંચવાનો સમય: 12 મિનિટ

9 એપ્રિલ, 2003ના રોજ ઇરાકની રાજધાની બગદાદની મધ્યે આવેલી સદ્દામ હુસૈનની પ્રતિમાને તોડી પાડવામાં આવી. તેના પાયામાં લાગેલી ધાતુની તકતીને ઉખેડી નાખવામાં આવી. આરસપહાણના જે ચોતરા ઉપર પ્રતિમા હતી, તેને હથોડાથી તોડી નાખવામાં આવ્યો.

શરૂઆતમાં ઇરાકના નાગરિકોએ આ પ્રતિમાને પાડવાનો પ્રયાસ કર્યો. તેઓ પ્રતિમા ઉપર ચઢી ગયા અને તેના ગળામાં ગાળિયો નાખીને પછાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને તોડવામાં નિષ્ફળ રહ્યા.

છેવટે આ વિશાલ પ્રતિમાને પાડવા માટે અમેરિકાના સૈનિકોએ બખ્તરબંધ ગાડીનો ઉપયોગ કર્યો. આ ક્ષણ ઇરાકમાં સત્તાપરિવર્તનનાં પ્રતીકરૂપ હતી.

20 દિવસ અગાઉ અમેરિકા તથા સહયોગી દેશોની સેનાઓએ ઇરાક ઉપર પોતાના હુમલાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ભારે બૉમ્બમારો કર્યો હતો. દરમિયાન ઇરાકના તત્કાલીન રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનની હત્યા માટે ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પ્રતિમા ભંજનનાં ત્રણ અઠવાડિયાં બાદ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબલ્યૂ. બુશ કૅલિફૉર્નિયાના તટ ખાતે લાંગરેલા અમેરિકાના વિમાનવાહક જહાજ ઉપર પહોંચ્યા હતા.

જ્યાં તેઓ 'મિશન અકમ્પ્લિસ્ડ' (અભિયાન પૂર્ણ થયું) બૅનરની નીચે ઊભા હતા. વાસ્તવમાં એ મિશન અધૂરું હતું.

હવે, એ યુદ્ધનો ઓછાયો હાલના ઈરાન સંઘર્ષ ઉપર પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ઇરાકનું યુદ્ધ એવું યુદ્ધ હતું કે જેણે ઊંડા ઘાવ છોડ્યા હતા. કારણ કે એ પછી ઘટનાઓનો એવો ક્રમ શરૂ થયો, જેનું કોઈએ અનુમાન નહોતું કર્યું.

આ યુદ્ધે વિનાશ અને મૃત્યુ સ્વરૂપે ઉઝરડાં છોડ્યાં. કેટલાંક અનુમાનો પ્રમાણે, વર્ષ 2003થી 2011 દરમિયાન યુદ્ધને કારણે ઇરાકમાં ચાર લાખ 61 હજાર લોકોનાં મૃત્યુ થયાં તથા અમેરિકાએ આ યુદ્ધ માટે ત્રણ ટ્રિલિયન ડૉલરનો ખર્ચો કરવો પડ્યો.

યુદ્ધને કારણે મધ્યપૂર્વ એશિયામાં નવી પરિસ્થિતિએ આકાર લીધો. આજે, અમેરિકાએ આ વિસ્તારમાં ફરી એવું યુદ્ધ શરૂ કર્યું છે કે જેને કેટલાક લોકો 'વૉર ઑફ ચૉઇસ' એટલે કે મરજીથી શરૂ કરાયેલું યુદ્ધ જણાવી રહ્યા છે.

આ વખતે ઇરાકના પાડોશી દેશ ઈરાનની સામે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. આ બંને યુદ્ધની વચ્ચે કેટલીક સમાનતા છે, તો કેટલાક તફાવત પણ છે. જે આપણને જણાવે છે કે ત્યારથી લઈને અત્યારસુધીમાં વિશ્વ કેટલું બદલાઈ ગયું છે તથા ઇરાક યુદ્ધની નિષ્ફળતાનું પુનરાવર્તન અટકાવી શકાય કે નહીં.

યુદ્ધનો હેતુ શું છે?

અમેરિકા માટે ઇરાક ઉપર હુમલો કરવા પાછળ કેટલાક હેતુ હતા, જે એકબીજા સાથે સંકળાયેલા હતા. જેમાંથી અમુક હેતુઓનો તે સમયે સાર્વજનિક રીતે સ્વીકાર કરવામાં નહોતો આવ્યો.

જોકે, આ યુદ્ધના મૂળમાં સત્તાપરિવર્તનની ઇચ્છા હતી. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબલ્યૂ. બુશની આજુબાજુના લોકોને લાગતું હતું કે વર્ષ 1991નાં ખાડી યુદ્ધ દરમિયાન કામ અધૂરું રહી ગયું હતું.

એ યુદ્ધ દરમિયાન સદ્દામ હુસૈનને કુવૈતમાંથી હાંકી કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ તેઓ સત્તા ઉપર બહાલ રહ્યા હતા.

રાષ્ટ્રપતિ બુશ માટે આ બાબત વધુ પડતી વ્યક્તિગત રહી હશે, કારણ કે તેમના પિતા જ્યૉર્જ એચ. ડબલ્યૂ. બુશે વર્ષ 1991ના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. એ પછી સદ્દામ હુસૈને તેમને મારવા માટેનું કાવતરું ઘડ્યું હતું.

બીજી બાજુ, કેટલાક લોકોનું કહેવું હતું કે માનવાધિકારને આધાર બનાવીને સત્તાપરિવર્તન કરવાનો નિર્ણય યોગ્ય હતો.

આવું માનનારા લોકો સદ્દામ હુસૈનને સત્તા ઉપરથી હઠાવવા માંગતા હતા, કારણ કે તેમને લાગતું હતું કે સદ્દામ હુસૈને પોતાના જ લોકો ઉપર ભારે હિંસા આચરી હતી. તેમનું કહેવું હતું કે સદ્દામ હુસૈને વર્ષ 1980ના દાયકામાં કૂર્દ લોકો વિરુદ્ધ રસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

1990ના દાયકાથી ટોની બ્લેયર સરકારના નેતૃત્વમાં બ્રિટને આ પ્રકારની કાર્યવાહીનું સમર્થન કર્યું હતું. બ્રિટને કોસોસોવામાં લોહિયાળ સંઘર્ષને અટકાવવા માટે બાલ્કન ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી હતી.

અમેરિકાની ગણતરી ખોરવાઈ ગઈ

ઇરાકની બહાર રહેતા લોકો સદ્દામ હુસૈનના વહીવટને નફરત કરતા હતા અને તેઓ પોતાના દેશના ભવિષ્ય માટે એક તક ઇચ્છતા હતા.

આ સિવાય કેટલાક "નવ રૂઢિવાદીઓ" પણ હતા, જેઓ મધ્યપૂર્વ એશિયાને નવો આકાર આપવા માંગતા હતા. તેઓ આ વિસ્તારમાં લોકશાહી લાવવા માંગતા હતા તથા અમેરિકા સાથે વેર રાખનારા સરમુખત્યારોને હઠાવવા માંગતા હતા.

કેટલાકે કહ્યું હતું કે પહેલાં બગદાદ પછી તેહરાન. એ વાત આપણને યાદ અપાવે છે કે કેટલા સમયથી ઈરાન ઍજન્ડા ઉપર હતું.

તા. 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકા ઉપર હુમલા થયા, જેમાં બે હજાર 977 લોકો મૃત્યુ પામ્યાં. એ પછી અમેરિકામાં કટ્ટરવાદી લોકોએ અમેરિકાના 'ડેટરન્ટ પાવર'ને બહાલ કરવાની માંગણી કરી, જેથી કરીને દુનિયાને દેખાડી શકાય કે અમેરિકા શું કરી શકે છે.

અલકાયદાના 9/11ના અમેરિકા ઉપરના હુમલાએ અમેરિકા તથા તેના સહયોગી દેશો ઉપર આ પ્રકારના હુમલાથી થનારા વિનાશ સંદર્ભની ગણતરીને વિખેરી નાખી.

આ હુમલામાં ઇરાકની કોઈ ભૂમિકા ન હતી, તો પણ ટૂંક સમયમાં તે અમેરિકાના ઍજન્ડામાં ટોચ ઉપર આવી ગયું હતું.

વર્ષ 2001માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના પતન પછી અમેરિકાનો વિશ્વાસ વધી ગયો હતો, તેને લાગતું હતું કે તે આમ કરી શકે છે.

ઇરાક યુદ્ધ માટે લોકોનું સમર્થન મેળવાયું

9/11ના હુમલાના અમુક મહિનાઓની અંદર જ અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો હતો. જોકે, ઇરાકયુદ્ધનો હેતુ અન્ય બાબત આસપાસ કેન્દ્રિત હતો.

જેમાં ઇરાકની કથિત રીતે સામૂહિક વિનાશનાં હથિયાર બનાવવાની ક્ષમતા, પરમાણુ, રસાયણિક તથા જૈવિક હથિયાર વિકસાવવાની યોજના તથા તેની મિસાઇલ ક્ષમતાઓની વૃદ્ધિનો મુદ્દો હતો.

ઇરાક ઉપર સૈન્ય કાર્યવાહી માટે અમેરિકા તથા બ્રિટનના નાગરિકોનું સમર્થન મેળવવા માટે આ હથિયારોથી કેવું જોખમ ઊભું થઈ શકે, તે વાત ભારપૂર્વક જણાવવામાં આવી.

બીજી બાજુ, આંતરરાષ્ટ્રીય સ્તરે ઇરાકે પોતાનાં હથિયારો વિશે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનું પાલન નહીં કરીને યુદ્ધને કાયદેસરતા આપવા માટે એક બહાનું આપી દીધું.

અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઇએના (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી) તત્કાલીન ઇરાક ઑપરેશન્સ ગ્રૂપના વડા લુઇસ રુએડાએ પછી જણાવ્યું હતું કે ખરેખર તો ઇરાકનાં હથિયાર ખરું કારણ ન હતાં.

લુઇસે કહ્યું હતું, "જો સદ્દામ હુસૈન પાસે રબર બૅન્ડ તથા પેપર ક્લિપ હોત, તો પણ અમે ઇરાક ઉપર હુમલો કર્યો હોત. અમે કહ્યું હોત કે, 'ઓહ, તે તમારી આંખો ખેંચી કાઢશે, ચાલો, તેને હઠાવી દઈએ.'"

ઈરાન ઉપર શા માટે હુમલો થયો?

ઈરાન ઉપરના હાલના હુમલા દ્વારા એક કાંકરે અનેક પંખી મારવાની જટિલ ગણતરી હોય, એમ લાગે છે.

ઈરાનની સેનાને નબળી પડાવી, સામૂહિક હથિયારો વિકસાવતા અટકાવવું તથા શાસનની હિંસા વેઠનારા ઈરાનના સામાન્ય લોકોનું સમર્થન મેળવવું.

ટ્રમ્પ સરકાર સાથે જોડાયેલા લરોકોએ આ બધાં કારણો ગણાવ્યાં છે.

તા. સાતમી ઑક્ટોબર, 2023ના રોજ હમાસે ઇઝરાયલ ઉપર જે હુમલા કર્યા, તેણે ઈરાન સાથે શું કરવું, તેના વિશેની અમેરિકાની વિચારસરણીને બદલી હતી, કારણ કે ઇઝરાયલની જોખમ લેવાની ગણતરી બદલાઈ ગઈ હતી.

ઇઝરાયલે ઈરાન તથા તેના પ્રૉક્સી સમૂહો ઉપર નિશાન સાધવાનું શરૂ કરી દીધું હતું. ઇઝરાયલની આ કાર્યવાહીએ અમેરિકા માટે માર્ગ મોકળો કરી આપ્યો હતો.

ઈરાન સામે શા માટે કાર્યવાહી કરવામાં આવી, તેના વિશેની વિરોધાભાસી ઇચ્છાઓ સાર્વજનિક થઈ, આમ છતાં તેને ઉકેલવા માટે ખાસ કોઈ પ્રયાસ કરવામાં નથી આવ્યા.

ખરેખર, તો ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અનેક વખત ઈરાન વિશે વિરોધાભાસી ઇચ્છાઓની વચ્ચે ડગમગતા જણાયા છે.

જોકે, કોણે કોઈ વાત કયા દિવસે કરી, તેના ઉપર પણ તેનો આધાર રહ્યો છે.

ઇરાક અને ઈરાન યુદ્ધ

આ વખતે અમેરિકાની જનતાને 'યુદ્ધ વેચવા'નો પ્રયાસ કરવામાં નથી આવ્યો.

ઇરાક યુદ્ધ સમયે આ પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલી હતી. ઈરાન ઉપર હુમલો કરતાં પહેલાં યુએન મારફતે આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવા માટે પણ કોઈ પ્રયાસ કરવામાં નથી આવ્યો.

વર્ષ 2003માં કયો દેશ સૈન્યકાર્યવાહીનું સમર્થન કરશે, તેના વિશે અનંત ચર્ચાઓ થઈ હતી. જોકે, આ વખતે યુદ્ધ વિશે નિર્ણય લેનારાઓને યુએન તથા આંતરરાષ્ટ્રીય કાયદા અપ્રાસંગિક જણાયા છે.

આ વખતે અલગ જ દુનિયા જણાય આવે છે. હાલના વિશ્વમાં જૂની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ધ્વસ્ત થયેલી જણાય છે. જેમાં એક અસ્થિર રાષ્ટ્રપતિને અલગ-અલગ લક્ષ્યાંકોને પામવા માટેની કાર્યવાહીને તર્કસંગત હેતુ આપવાની કોઈ જરૂરિયાત જણાતી નથી.

બ્રિટન તથા સાથી દેશોની ભૂમિકા

વર્ષ 2003માં અમેરિકા પોતાના સાથી દેશો વિશેષ કરીને બ્રિટનની સાથે યુદ્ધમાં ઊતર્યું હતું. બ્રિટનના વડા પ્રધાન ટોની બ્લૅયર યુદ્ધ સમયે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બુશની પડખે ઊભા હતા.

વર્ષ 2002માં ઉનાળા દરમિયાન બ્લૅયરે એક પ્રાઇવેટ નોટ લખી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે "ભલે કંઈ પણ થાય" તેઓ અમેરિકાના નેતા સાથે રહેશે. તેમની આ નોટ વિશે ખૂબ જ ચર્ચા થઈ હતી.

ઇરાક ઉપર આક્રમણની 20મી વરસીએ તેમણે મને ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું, "હું જ્યારે વડા પ્રધાન હતો, ત્યારે મારે સૌ પહેલાં કોને ફોન કરવાનો છે, એ વાતે કોઈ અવઢવ ન હતી, ચાહે રાષ્ટ્રપતિપદે ક્લિન્ટન હોય કે બુશ."

જોકે, બ્લૅયરની પ્રતિબદ્ધતા અંગે તેમના નિકટના વર્તુળના કેટલાક લોકો સાવધ હતા. તેમના તત્કાલીન વિદેશ મંત્રી જૅક સ્ટ્રૉએ કહ્યું હતું કે 'વ્હૉટએવર નોટ' સારો વિચાર ન હતો.

કેટલાક આલોચકોનું કહેવું છે કે આના બદલામાં તેઓ કેટલો પ્રભાવ ઊભો કરવામાં સફળ રહ્યા? બ્લૅયરે ઇરાક ઉપર હુમલો કરતા પહેલાં યુએનની મંજૂરી લેવાનો માર્ગ અપનાવવા માટે અમેરિકાને તૈયાર કર્યું.

જોકે, અમેરિકા દ્વારા આના માટે અધૂરા મનથી પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેના કારણે તે પ્રયાસ નિષ્ફળ સાબિત થયા. જોકે, જ્યારે પીછેહઠ કરવાની તક આપવામાં આવી, ત્યારે બ્લૅયરે કહ્યું હતું કે તેઓ યુદ્ધમાં વિશ્વાસ રાખે છે અને તેમણે પીછેહઠ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

બ્લૅયરે વર્ષ 2003માં કહ્યું હતું, "આ એ સ્થાન છે કે જ્યાં તમારે એ સમયે વડા પ્રધાન તરીકે નિર્ણય લેવાના હોય છે. તેઓ મને બહાર નીકળવા માટે માર્ગ કરી આપવા તૈયાર હતા, કારણ કે તેમને રાજકીય દૃષ્ટિએ મારી કપરી પરિસ્થિતિ ઉપર અફસોસ થઈ રહ્યો હતો, પરંતુ....તેના કારણે સંબંધો ઉપર અસર થઈ હોત."

અને ખરેખર તો તેમના માટે રાજકીય કિંમત ખૂબ જ ભારે રહી હતી, કારણ કે જે મહાવિનાશકારી હથિયારોને આગળ કરીને તેમણે કાર્યવાહી કરી હતી, તેમનું અસ્તિત્વ જ ન હતું.

આને કારણે ન કેવળ ટોની બ્લૅયરને નુકસાન થયું, પરંતુ લોકોને જે કંઈ કહેવામાં આવતું હતું, તેના ઉપરથી પણ જનતાનો વિશ્વાસ ઊઠી ગયો.

જૅક સ્ટ્રૉએ કહ્યું, "આને કારણે જાહેરજીવનમાં લોકોએ રાજનેતાઓ ઉપર વિશ્વાસ કરવાનું ઘટાડી દીધું તથા મને એ વાતમાં કોઈ શંકા નથી."

ઈરાન યુદ્ધમાં બ્રિટન અને અમેરિકા વચ્ચેના સંબંધો

રાષ્ટ્રપતિ ઓબામાએ ભવિષ્યમાં આ પ્રકારની (સૈન્ય) દખલમાં સામેલ નહીં થવાના ઇરાદા વ્યક્ત કર્યા હતા અને સત્તાના સૂત્રો સંભાળ્યા. આશ્ચર્યજનક વાત તો એ છે કે ટ્રમ્પ પણ એવું જ ઇચ્છતા હતા.

આ વખતે અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કરવા માટે બ્રિટન કે અન્ય સહયોગીઓના બદલે ઇઝરાયલ સાથે મળીને કામ કર્યું. બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે અમેરિકા સાથે અંતર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

ઈરાન ઉપર હુમલા થયા, ત્યારે શરૂઆતમાં સ્ટાર્મરે બ્રિટનનાં સૈન્ય ઠેકાણાંનો ઉપયોગ કરવા દેવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, એ પછી સ્ટાર્મરે "સંરક્ષણાત્મક" હેતુસર બ્રિટનના સૈન્યમથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.

લેબર પાર્ટીને ઇરાક યુદ્ધની યાદો તાજી થઈ હશે, કદાચ એટલે જ લેબર પાર્ટીએ આવો નિર્ણય લીધો છે, જોકે, તેનાથી સ્ટાર્મર ઉપર ટ્રમ્પનો ખરેખર કેટલો પ્રભાવ છે, તેના વિશે પણ આપણને જાણ થાય છે.

એક સવાલ એ પણ ઊભો થાય છે કે અમેરિકા અને બ્રિટન એકબીજાંથી કેટલાં દૂર થઈ રહ્યાં છે. જોકે, સુરક્ષા તથા ગુપ્તચર તંત્રમાં કામ કરનારા અધિકારીઓનું કહેવું છે કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં નિકટતા જળવાયેલી છે.

ભૂતકાળમાં પણ બ્રિટનના વડા પ્રધાનોએ અમેરિકાના યુદ્ધોથી અંતર જાળવ્યું હોય, એવું બન્યું છે. દાખલા તરીકે વિયેતનામ યુદ્ધ સમયે હેરાલ્ડ વિલ્સન, જોકે આ વખતે પરિસ્થિતિ અલગ હોય એમ લાગે છે.

ઈરાન યુદ્ધમાં હવે શું?

અમેરિકાના નેતાઓ હાલના સંઘર્ષને ઇરાક કરતાં અલગ દેખાડવા માટે સખત મહેનત કરી રહ્યા છે, જે દેખાડે છે કે ઇરાક યુદ્ધની કેટલી ઊંડી અસર છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હૅગસેથ આ વખતે સ્પષ્ટપણે કહી ચૂક્યા છે કે ઇરાક કરતાં ઈરાન અલગ છે અને આ સંઘર્ષ "લાંબા યુદ્ધ"માં નહીં પરિણામે.

આ વખતની એક મહત્ત્વપૂર્ણ બાબત એ પણ છે કે અમેરિકા સત્તાપરિવર્તનની વાત તો કરે છે, પરંતુ તેણે હજુ સુધી આમ કરવા માટે ધરાતલ ઉપર પોતાના સૈનિકોને તહેનાત નથી કર્યા.

વર્ષ 2003માં ઇરાક યુદ્ધ સમયે અમેરિકાએ લગભગ દોઢ લાખ સૈનિકોને તહેનાત કર્યા હતા. આ વખતે ઇરાકની જેમ સેનાને તહેનાત કરવાની પ્રતિબદ્ધતા નહીં દેખાડવાની ઇચ્છા સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

આને કારણે અમેરિકા પાસે જે વિકલ્પો વધ્યા છે, તે પણ ખૂબ જ મર્યાદિત થઈ ગયા છે. જોકે, ધરાતલ ઉપર કોઈ બળવાખોર સંગઠન સાથે ગઠબંધન કર્યા વગર માત્ર હવાઇહુમલા દ્વારા સત્તાપરિવર્તન કરવું ખૂબ જ કપરું છે.

ઈરાનની સરકાર સામે લડવા માટે કૂર્દોને હથિયાર આપવાની ચર્ચા ચાલી રહી છે. વર્ષ 2003માં કૂર્દોએ ઇરાક સામે ભૂમિકા ભજવી હતી, પરંતુ એ સમયે તેમની સાથે અમેરિકા તથા તેના સાથીદળોની ખૂબ જ મોટી સેના હતી.

ઇરાક અને ઈરાન યુદ્ધની સમાનતા

વર્ષ 2003માં પ્રારંભિક વિજય બાદ લાંબા અને ખેંચાયેલા 'કબજા'નો ગાળો આવ્યો, કારણ કે બળવાખોરી અને ગૃહયુદ્ધ ઇરાકને નાગચૂડમાં લઈ લીધું હતું.

અમેરિકા ફરીથી એ જ પરિસ્થિતિમાં ફસાવા નથી માંગતું, જોકે, પ્રતિબદ્ધતા વગર વ્યાપક લક્ષ્યાંકોને પાર પાડવાં મુશ્કેલ જણાય છે.

ઇરાક અને ઈરાનમાં એક મુખ્ય સમાનતા જોવા મળે છે. બંને મોરચે ભાવિ યોજના ઘડાયેલી ન હતી અને તેનો અભાવ સ્પષ્ટપણે વર્તાય છે. ખરેખર ધ્યેય શું છે, તેના સંબંધે પણ ભ્રમની સ્થિતિ પ્રવર્તે છે.

વર્ષ 2003માં ઇરાકના ભવિષ્ય વિશે અલગ-અલગ દૃષ્ટિકોણ હતા, જેનો ક્યારેય ઉકેલ ન આવ્યો. સૈન્યકાર્યવાહી પૂર્ણ થયા પછી શું કરવાનું છે, તેના વિશે કોઈ નક્કર યોજના ન હતી.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બૉલ્ટને બે દાયકા બાદ કહ્યું હતું, "ઇરાકના લોકો માટે નવી સરકાર બનાવવાના પ્રયાસોમાં ભૂલ થઈ હતી. આપણે ઇરાકીઓને કહેવું જોઈતું હતું : 'અભિનંદન – તમારી સરકાર બનાવો. શુભેચ્છાઓ.'"

જોકે, તેનાથી મધ્યપૂર્વ એશિયામાં લોકશાહી સ્થાપિત કરવા માંગતા લોકો સાથે અન્યાય થયો હોત, જેઓ સૌ પહેલાં ઇરાકમાં લોકશાહી લાવવા માંગતા હતા.

ઇરાકમાં યુદ્ધ પછી જે પરિસ્થિતિ હતી, તેના કરતાં હાલમાં અત્યારે સારી સ્થિતિ છે તથા અનેક લોકો સદ્દામ હુસૈનના શાસનના પતનથી રાજી થયા છે.

જોકે, કેટલાક લોકોના દાવા પ્રમાણે, મધ્યપૂર્વ એશિયામાં લોકશાહીની સ્થાપના નથી થઈ.

આથી વિપરિત ઇરાક ઉપરના આક્રમણ પછી જે મોટા વિજેતા બન્યા, તેમાં ઈરાન પણ સામેલ હતું, કારણ કે તેના મુખ્ય હરીફ સદ્દામ હુસૈનને હઠાવી દેવામાં આવ્યા હતા.

યુદ્ધ પછીનાં વર્ષો દરમિયાન ઇરાકની અંદર પોતાની પેઠ વધારવાની તક ઈરાનને મળી. એટલુંજ નહીં, તેના કારણે બ્રિટન તથા પશ્ચિમી દેશોમાં આતંકવાદનું જોખમ અગાઉ કરતાં વધી ગયું.

યુદ્ધોમાં મોટા ભાગેલોકોએ જેવી આશા રાખી હોય અથવા ઇચ્છતા હોય, તેવાં પરિણામ નથી આવતાં.

ઈરાન યુદ્ધમાં કોઈ સુસંગત યોજના નહીં

વીડિયો જુઓ

ઇરાક તથા ઈરાન બંને ખૂબ જ અલગ દેશ છે, છતાં તેમાંથી શું કોઈ બોધપાઠ લઈ શકાય એમ છે?

ઈરાનમાં અમેરિકા શું ઇચ્છે છે અથવા તેના ભવિષ્ય માટે શું રૂપરેખા છે, તેના વિશે બહુ થોડા સંકેત હજુ સુધી મળ્યા છે.

આ વખતે હંગામી વ્યવસ્થાએ ગણતરીપૂર્વકની વ્યૂહરચના હોય એમ લાગે છે, કારણ કે તેના કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે અલગ-અલગ વિકલ્પ તૈયાર રહે છે. જેના દ્વારા ટ્રમ્પ પોતાને માટે ઈરાનમાં "મિશન અકમ્પ્લિસ્ડ"ની વાત કરી શકે છે.

ટ્રમ્પ એમ કહી શકે છે કે ઈરાનની મિસાઇલ તથા નૌસૈનિક ક્ષમતાને ઘટાડવાનું પૂરતું હતું અને સત્તાપરિવર્તન ઈરાનના લોકોએ જ કરવાનું હતું. જોકે, ટ્રમ્પ પોતે પણ અનેક વખત સત્તાપરિવર્તનની વાત કરી ચૂક્યા છે.

જો ખંડિત, પરંતુ ઘાયલ ઈરાની વહીવટીતંત્ર સત્તા ઉપર રહેશે, તો તે વર્ષ 1991ના ખાડીયુદ્ધ જેવું જ પરિણામ હશે, જેમાં સદ્દામ હુસૈનને કુવૈતમાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા, પરંતુ તે બગદાદમાં સત્તા ઉપર હતા.

આને કારણે પછીના વર્ષો દરમિયાન તણાવ રહ્યો અને છૂટોછવાયો બૉમ્બમારો થયો. સામૂહિક વિનાશના હથિયારોનું જોખમ તોળાતું રહ્યું રહ્યું અને છેવટે વર્ષ 2003માં યુદ્ધ ચાલુ થઈ ગયું.

ઇરાક યુદ્ધનો એક બોધપાઠ એ પણ છે કે કે યુદ્ધમાં કોઈ દેશને નુકસાન પહોંચાડવું એ યુદ્ધ પછી તેનાં નિર્માણ કરતાં વધુ સહેલું કામ છે.

ઈરાનમાં ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. હાલના યુદ્ધમાં બ્રિટન તથા આ યુદ્ધમાં અમેરિકાનો સાથ આપનારા ખાડી દેશો વિચારવા માટે મજબૂર બની ગયા છે કે તેઓ ખરેખર કેટલા સલામત છે?

યુદ્ધ શરૂ કરનારાઓ માટેનાં રાજકીય પરિણામ, વિશેષ કરીને રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે અનપેક્ષિત હોય શકે છે, કારણ કે યુદ્ધને કારણે આર્થિક ઘટાડો થઈ શકે છે.

આ યુદ્ધનો એક પદાર્થપાઠ કદાચ એ પણ હોય શકે છે કે સૈન્ય કાર્યવાહી શરૂ કરતી વેળાએ નમ્રતાપૂર્વક કામ લઈ શકાય છે.

યુદ્ધ સ્વાભાવિકપણે જ અનિશ્ચિત હોય છે. તેનાં પરિણામો અને તેના પડઘા દાયકાઓ સુધી સંભળાતા રહે છે.

ફોટો ક્રૅડિટ- Anadolu Agency / Gamma- Rapho via Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન