You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈંધણની આયાત ઘટાડતી સંપૂર્ણ સ્વદેશ DME ટેક્નૉલૉજી વિકસાવ્યાનો NCLનો દાવો, શું લાભ થઈ શકે?
- લેેખક, પ્રાચી કુલકર્ણી
- પદ, બીબીસી માટે
- વાંચવાનો સમય: 6 મિનિટ
યુદ્ધની LPG ની ઉપલબ્ધતા પર અસર ભારત સુધી પહોંચી.
યુદ્ધની આગ ભારત સુધી પહોંચી છે અને તેની અસર લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી-રાંધણ ગૅસ)ની ઉપલબ્ધતા પર થઈ છે.
ઘણી જગ્યાએ ભોજનગૃહો બંધ થઈ ગયાં છે. રેસ્ટોરાંનાં મૅન્યૂ બદલાઈ ગયાં છે. ચા અને કૉફી મળવાનું મુશ્કેલ બની ગયું છે. તેનું મુખ્ય કારણ એલપીજી પરની આપણી નિર્ભરતા છે.
સંશોધકોનો દાવો છે કે પુણેસ્થિત નૅશનલ કેમિકલ લૅબોરેટરી (એનસીએલ)ના વૈજ્ઞાનિકોએ એક એવી ટૅક્નૉલૉજી વિકસાવી છે જે આપણી આ નિર્ભરતાને અમુક હદ સુધી ઘટાડશે અને દેશના હજારો કરોડ બચાવશે.
એનસીએલે સંપૂર્ણપણે સ્વદેશી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને 'ડાઇમિથાઇલ ઈથર' (ડીએમઈ) નામનું શુદ્ધ ઈંધણ બનાવી લીધું છે.
ડાઇમિથાઇલ ઈથરને એલપીજી સાથે કેટલીક હદ સુધી ભેળવી શકાય છે. હાલમાં ભારતમાં એલપીજીમાં આઠ ટકા સુધી ડાઇમિથાઇલ ઈથર ભેળવી શકાય છે અને તેનો આ મિશ્રણનો ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય છે. સંશોધકોનું માનવું છે કે જો આ સંશોધન ઔદ્યોગિક સ્તરે શક્ય બને તો ભારતે ઓછું ઈંધણ આયાત કરવું પડે, જેથી વિદેશમાં જતું ભારતનું નાણું બચી શકે.
20 વર્ષના સંશોધન કાર્ય બાદ સંપૂર્ણ સ્વદેશી ડાઇમિથાઇલ ઈથર વિકસિત કરવામાં સફળતા સાંપડી છે. વૈજ્ઞાનિકોએ ડાઇમિથાઇલ ઈથરને એલપીજી સાથે ભેળવવાની પ્રક્રિયા પણ વિકસાવી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ભારતીય ટૅક્નૉલૉજી, કાચો માલ અને પ્રક્રિયાઓ થકી બનાવી શકાય છે.
એએનઆઇ સાથે વાત કરતાં પુણેની નૅશનલ કેમિકલ લૅબોરેટરીના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. તિરુમલૈસ્વામી રાજાએ કહ્યું કે, આ ટૅક્નૉલૉજી બીજા દેશોમાં પણ ઉપલબ્ધ છે, પરંતુ ભારતમાં એ હજુ સુધી ઉપલબ્ધ નહોતી. આ ટૅક્નૉલૉજી સંપૂર્ણપણે સ્વદેશી પ્રક્રિયા અને કાચા માલનો ઉપયોગ કરીને વિકસાવાઈ છે અને તેની પેટન્ટ પણ લેવાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. રાજાએ કહ્યું હવે વૈજ્ઞાનિકો આનો ઔદ્યોગિક સ્તરે કેવી રીતે કરવું એ અંગે વિચારી રહ્યા છે. ડૉ. રાજાએ પોતાનો મત વ્યક્ત કરતાં એવું પણ કહ્યું કે શું આ ઈંધણ ભવિષ્યમાં એલપીજીના વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય કે કેમ એ અંગે પણ સંશોદન થવું જોઈએ.
આ ઈંધણ ખરેખર શું છે?
ડીએમઈ એક કૃત્રિમ ઈંધણ છે. આ ઈંધણ એક રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. એનસીએલ ખાતે ડાઇમિથાઇલ ઈથરનો એલપીજી સાથે કેવી રીતે ઉપયોગ કરવો એ અંગે સંશોધન થયું હતું.
એનસીએલના સાયન્ટિફિક ડિરેક્ટર ડૉ. આશિષ લેલે અને ડૉ. તિરુમલૈસ્વામી રાજા છેલ્લાં 20 વર્ષથી આ માટે સંશોધન કરી રહ્યા છે.
આ ઈંધણ વિશે વાત કરતાં ડૉ. તિરુમલૈસ્વામી રાજાએ કહ્યું હતું, "અમે ડાયરેક્ટ ડીએમઈ અને ઇનડાયરેક્ટ ડીએમઈ બન્નેનાં ઉત્પાદનના પ્રયાસ કરી રહ્યા છીએ. એ માટે ઉત્પ્રેરક મહત્ત્વપૂર્ણ હતું."
"એ ઉત્પ્રેરક ભારતમાં ઉપલબ્ધ ઘટકોના આધારે બનાવવામાં આવ્યું હતું. ચાર પ્રકારના વિવિધ ઉત્પ્રેરક બનાવવામાં આવ્યાં હતાં અને અંતે આ ઉત્પ્રેરક બનાવવામાં આવ્યું હતું."
ડૉ. આશિષ લેલેએ કહ્યું હતું, "અમારો પ્રયાસ એક એવું ઉત્પ્રેરક બનાવવાનો હતો, જે ડીએમઈના ઉત્પાદનમાં 100 ટકા મદદરૂપ થાય. આ માટે જરૂરી બધાં ઘટકો ભારતમાં ઉપલબ્ધ છે. કશું આયાત કરવાની જરૂર નથી. આ ઉત્પ્રેરક 10 બાર પ્રેશરનો સામનો કરી શકે એવી રીતે બનાવવામાં આવ્યું છે. તે એટલું મજબૂત છે."
કૃત્રિમ ઈંધણ બનાવવાની આ પ્રક્રિયા ખરેખર શું છે?
ડૉ. આશિષ લેલેના જણાવ્યા અનુસાર, તેની રાસાયણિક પ્રક્રિયા સમજવી અત્યંત સરળ છે. તેમાં મિથેનોલના બે અણુઓને એકસાથે લાવવા અને પછી તેમાંથી પાણીના અણુને દૂર કરવાનો સમાવેશ થાય છે. એ પછી જે બાકી રહે છે તે ડીએમઈ હોય છે.
જોકે, આ પ્રક્રિયા કરવી અત્યંત જટિલ છે.
ડૉ. આશિષ લેલેએ કહ્યું હતું, "આ માટે પહેલાં મિથેનોલ અને એક ઉત્પ્રેરક ઉમેરવામાં આવે છે. પછી એક પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાંથી ડીએમઈ ઉત્પન્ન થાય છે."
"મૂળ સવાલ એ છે કે નાના પાયે જે કરવામાં આવ્યું હતું તે મોટા પાયે કરવામાં આવશે તો કામ કરશે કે નહીં. આ માટે અલગ અલગ માત્રામાં ડીએમઈ તૈયાર કરવામાં આવ્યું હતું."
"એ પ્રયોગ સફળ થયા પછી તે મોટી માત્રામાં ઉત્પન્ન કરી શકાય કે કેમ તે અંગે વિચારણા શરૂ થઈ હતી."
સ્વચ્છ ઈંધણ
ડીએમઈ તેના વર્તમાન સ્વરૂપમાં એટલું સ્વચ્છ છે કે જો તમે તેને ગૅસમાં ઉમેરો અને તેને સળગાવો તો પણ જ્યોત દેખાતી નથી. ડીએમઈ નાઇટ્રોજન ઑક્સાઇડ (NOx), સલ્ફર ઑક્સાઇડ (SOx) અને સૂક્ષ્મ કણોના ઉત્સર્જનને ઘણું ઘટાડે છે.
વધુમાં તેની થર્મલ કાર્યક્ષમતા પરંપરાગત ઈંધણ જેટલી જ સારી છે, જે તેને એક અસરકારક વિકલ્પ બનાવે છે. આ ઈંધણનો ઉપયોગ પર્યાવરણને અનુકૂળ પણ છે.
ડૉ. આશિષ લેલેએ કહ્યું હતું, "સામાન્ય રીતે આપણે ઘરમાં જે એલપીજી ગૅસનો ઉપયોગ કરીએ છીએ તેમાં કાર્બન જમા થાય છે."
"તે કાર્બનને સાફ કરવો પડે છે, પરંતુ ડીએમઈમાં આવું કશું થતું નથી. તે ખૂબ જ સ્વચ્છ રીતે, એટલી હદે સારી રીતે બળે છે કે તેની જ્વાળાઓ પણ દેખાતી નથી."
એનસીએલએ વિકસાવેલી આ ટેક્નૉલૉજી સંપૂર્ણપણે સ્વદેશી છે. આ માટે વપરાતું ઉત્પ્રેરક કિફાયતી પણ છે.
ડૉ. તિરુમલૈસ્વામી રાજાએ માત્ર ઉત્પ્રેરક માટે જ પ્રયોગો કર્યા નથી. તેમણે રિઍક્ટર પણ બનાવ્યું છે. આ ટેક્નૉલૉજી અનોખી બની ગઈ છે.
વર્તમાન પ્લાન્ટમાં બારથી તેર કિલો ડીએમઈનું ઉત્પાદન થઈ રહ્યું છે. રોજ 2500 કિલો ઈંધણ ઉત્પન્ન કરવા માટે હાલ એક પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.
એલપીજી સિલિન્ડર્સમાં ઉપયોગ અને ઉપલબ્ધતા
ડીએમઈનું ઉત્પાદન હાલ ઓછી માત્રામાં થઈ રહ્યું છે, પરંતુ વિજ્ઞાનીઓ માને છે કે તે એલપીજી પરની નિર્ભરતાના સંદર્ભમાં એક મોટો આધાર બની શકે છે.
એનસીએલ ખાતે હાલ વિકસાવવામાં આવી રહેલા પ્રોટોટાઇપ 100 ટકા એલપીજી અથવા ડીએમઈ પર ચાલી શકે છે. તેનું પરીક્ષણ એલપીજી ઇક્વિપમેન્ટ રિસર્ચ સેન્ટર, બૅંગ્લુરુ ખાતે કરવામાં આવ્યું છે.
આ ટૅક્નૉલૉજી દ્વારા ડીએમઈ માત્ર 10 બારના દબાણે ઉત્પન્ન કરી શકાય છે અને તેને સીધો એલપીજી સિલિન્ડરમાં ભરી શકાય છે.
ડૉ. આશિષ લેલેએ કહ્યું હતું, "એલપીજી લિક્વિફાઇડ હોય છે, તેમ ડીએમઈ પણ લિક્વિફાઇડ હોય છે."
"ડીએમઈ 7 બાર પર લિક્વિફાઇ થાય છે અને તેને એલપીજી સાથે સંપૂર્ણપણે મિશ્રિત કરી શકાય છે."
"એલપીજી સાથે આઠ ટકા ડીએમઈ ભેળવીને હાલ પ્રયોગો કરવામાં આવ્યા છે."
"આઠ ટકા ડીએમઈ એલપીજીમાં ભેળવવામાં આવે તો તેનો ઉપયોગ ગૅસ અને સિલિન્ડર્સમાં થઈ શકે છે.
"એલપીજીના કુલ વપરાશના આઠ ટકા ગણીએ તો પણ તેની આયાતના વૉલ્યૂમ પર મોટી અસર થશે. આપણે આઠ ટકાથી શરૂઆત કરી શકીએ અને પછી તેને 20 ટકા સુધી વધારી શકીએ."
ભારતમાં 2024માં 21 મિલિયન ટન એલપીજીની આયાત કરવામાં આવી હતી. તેમાં માત્ર આઠ ટકા ડીએમઈ ભેળવવામાં આવે તો દર વર્ષે લગભગ રૂ. 9,500 કરોડનું વિદેશી હુંડિયામણ બચાવી શકાય.
વિજ્ઞાનીઓ નોંધે છે કે 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના' હેઠળ 10.5 કરોડ ગૅસ કનેક્શન માટે આઠ ટકા ડીએમઈનો ઉપયોગ કરવામાં આવે તો દરરોજ 1,300 ટન ડીએમઈનું ઉત્પાદન કરવું પડે. તેને એલપીજી સાથે ભેળવીને વાપરવાનું હોવાથી અલગથી ગૅસનો સ્ટવ કે સિલિન્ડરની જરૂર પડતી નથી.
અનેક દેશોમાં ડીએમઈ તૈયાર કરવામાં આવે છે, પરંતુ તે પર્યાવરણને અનુકૂળ હોવાથી તેનો ઉપયોગ ડિઓડોરન્ટ્સ અથવા અન્ય રીતે કરવામાં આવે છે. અલબત, એ ટૅક્નૉલૉજી કોઈને આપવામાં આવી ન હતી.
હવે ભારતીય બનાવટનું ઉત્પ્રેરક તથા ડીએમઈ તૈયાર કરવામાં આવ્યો છે. તેનો પ્રોજેક્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે.
એન્જિનિયરિંગ પાર્ટનર સાથે મળીને છથી નવ મહિનામાં દરરોજ 2.5 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતો એક ઔદ્યોગિક પ્રદર્શન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી એનસીએલ હાલ કરી રહ્યું છે.
આ પ્રોજેક્ટને પગલે દરરોજ 500-1000ની ક્ષમતાનો કૉમર્શિયલ પ્રોજેક્ટ સ્થાપવાનો માર્ગ મોકળો થશે.
શું આ ઈંધણ LPGનો પૂર્ણ વિકલ્પ બની શકે?
ઉદ્દીપકના સંશોધન માટે કુલ પાંચ પેટન્ટ મેળવવામાં આવી છે. ડૉ. રાજા કહે છે કે આ પ્રક્રિયા માટે પણ પેટન્ટ લેવાઈ છે.
એએનઆઇ સાથેની વાતચીતમાં રાજાએ કહ્યું, "શરૂઆતથી જ, અમે આ સંશોધન પર એક વાત મગજમાં રાખીને કામ કર્યું હતું કે તેનો વધુ ને વધુ લોકો લાભ કઈ રીતે લઈ શકે, તેનો ઔદ્યોગિક સ્તરે ઉપયોગ કેવી રીતે કરી શકાય. ધરતીના પેટાળમાં ઊર્જા ભંડાર સીમિત છે. તેથી આ પ્રક્રિયા ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે."
"આ બદલાવ માટે સરકારની પરવાનગીની જરૂર પડે. તેના સ્ટોરેજ, ઈંધણની વહેંચણી, વગેરે સેવાઓ સરકાર જ પૂરી પાડી શકે. સરકારે આના માટે સહકાર આપવાની તૈયારી બતાવી છે."
એલપીજીની સરખામણીમાં ડીએમઈ ભેળવાયેલું ઈંધણ કેટલા રૂપિયામાં પડશે? આ સવાલના જવાબમાં ડૉ. રાજાએ કહ્યું બંનેની કિમત સમાન રહેશે. પરંતુ અહીં મહત્ત્વપૂર્ણ એ છે કે એ ખૂબ શુદ્ધ ઈંધણ છે અને તેની કાર્યક્ષમતા વધુ છે. પ્રદૂષણ ઓછું છે અને કાળાશ ઓછી પેદા થાય છે.
ભવિષ્યમાં ડીએમઈ સાથે ભેળવેલું ઈંધણ એલપીજીનો સંપૂર્ણ વિકલ્પ બની શકે કે કેમ? એના જવાબમાં ડૉ. રાજાએ કહ્યું કે એવું શક્ય છે, પરંતુ 100 ટકા સુધી ડીએમઈના જ વપરાશ અંગે સંશોધન નથી થયું. કેટલાંક સ્થળોએ ઔદ્યોગિક વપરાશ માટે આવું થયું છે. તેમણે કહ્યું કે આવું કરવા માટે રેગ્યુલેટર્સની પરવાનગી જોઈએ અને એ અંગે વધુ ઔપચારિક સંશોધન કરવાની જરૂર છે.
ડૉ. રાજાએ કહ્યું કે જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે મળીને કામ કરવા અંગેની વાતચીત ચાલુ છે. અમે આ કામને ઔદ્યોગિક સ્તરે લઈ જવા માટે તૈયાર છીએ.
જોકે, આ ભાગીદારી માટે કેટલો ખર્ચ થશે, તેના માટે કેટલા રોકાણની જરૂર પડશે અને કેટલા માનવ શ્રમની જરૂર પડશે એ અંગે તેમના ઇન્ટરવ્યૂમાં કોઈ જવાબ નહોતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન