You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL: શું ધોની આ સિઝન રમશે, તેમની નિવૃત્તિ પર ફરી કેમ ચર્ચા થઈ રહી છે?
- લેેખક, પ્રદીપ કૃષ્ણા
- પદ, બીબીસી
- વાંચવાનો સમય: 8 મિનિટ
"હમણાં નિવૃત્ત થશો નહીં. તમે પહેલાં કહ્યું હતું તેમ 'બિલકુલ નહીં' એવું કહેતા રહેજો. હું ઇચ્છું છું કે તમે 60 વર્ષની વય સુધી રમતા રહો."
દક્ષિણના અભિનેતા શિવકાર્તિકેયને રવિવાર, 22 માર્ચે ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્ઝ દ્વારા આયોજિત એક ખાસ કાર્યક્રમમાં મહેન્દ્રસિંહ ધોનીને આ વાત કહી હતી.
ધોનીએ સ્મિત કરતાં કહ્યું હતુ, "હું પ્રયાસ કરીશ."
ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 19મી સિઝનમાં રમવાના છે અને હાલ 45 વર્ષની વયના છે.
તેઓ આઇપીએલની અત્યાર સુધીની તમામ સિઝનમાં રમ્યા છે.
જોકે, તેઓ છેલ્લે આંતરરાષ્ટ્રીય મૅચ સાડા છ વર્ષ પહેલાં રમ્યા હતા અને ઈજાઓ સામે ઝઝૂમતા હોવા છતાં આઇપીએલ સતત રમતા રહ્યા છે.
દરેક સિઝન પહેલાં સવાલ કરવામાં આવે છે કે તેઓ આ સિઝનમાં પણ રમશે? સિઝન શરૂ થયા બાદ એવો સવાલ કરવામાં આવે છે કે આ તેમની છેલ્લી સિઝન હશે?
તેમના અનેક પ્રશંસકો શિવકાર્તિકેયનની માફક વિચારે છે. તેઓ એ ધોનીને રમતા જોવા ઇચ્છે છે, જે ભારતીય ક્રિકેટનો સૌથી મહત્ત્વપૂર્ણ ચહેરો અને લાખો પ્રશંસકોના આદર્શ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ, એક એવો વર્ગ પણ છે, જે માને છે કે ધોની હવે પહેલાંની જેમ સારું પ્રદર્શન કરી શકતા નથી અને તેની અસર ટીમ પર પડી રહી છે.
ધોનીના સંન્યાસ પછી છેલ્લી કેટલીક સિઝનથી "ધોનીનું યોગદાન શું છે?" એવો સવાલ સતત ચર્ચાનો વિષય બની રહ્યો છે.
2020થી ધોનીની બૅટિંગમાં બહુ નબળી પડી છે. 2023 પછી તેઓ છેલ્લી બે-ત્રણ ઓવર્સમાં જ બૅટિંગ કરવા ઊતર્યા છે.
2020થી 2025 સુધીની છ સિઝનમાં ધોની 72 વખત બૅટિંગ કરવા ઊતર્યા હતા અને તેમણે કુલ 742 બૉલનો સામનો કર્યો હતો. પ્રતિ મૅચ તેઓ સરેરાશ લગભગ દસ બૉલ રમ્યા છે.
ચેન્નઈ સુપરકિંગ્ઝે પાછલી સિઝનમાં ભલે બહુ સંઘર્ષ કરવો પડ્યો હોય, પરંતુ ધોનીએ કેટલીક મૅચોમાં નવમા ખેલાડી તરીકે બૅટિંગ કરી હતી.
તેની પ્રશંસકો અને નિષ્ણાતો બંનેએ ટીકા કરી હતી. કેટલાક લોકોની દલીલ એવી હતી કે ધોનીને પહેલાં બૅટિંગ કરવાની તક મળવી જોઈએ, જ્યારે કેટલાકનું કહેવું હતું કે ધોનીની પણ એક મર્યાદા છે.
આ પરિસ્થિતિમાં નવી સિઝન શરૂ થવાની છે ત્યારે, ધોની તેમાં રમશે કે કેમ અને તેમનું યોગદાન શું હશે તેનું વિશ્લેષણ કરીએ.
ધોની પ્લેઇંગ ઇલેવનમાં હશે? પ્રભાવશાળી ખેલાડી સાબિત થશે?
ધોની આગળના ક્રમે બૅટિંગ કરશે કે કેમ એ બાબતે અનેક લોકોને શંકા છે.
કેટલાકનું કહેવું છે કે તેમને વધુ મૅચ રમવાની તક નહીં મળે. કેટલાકનું કહેવું છે કે ધોનીએ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે જ રમવું જોઈએ.
કેટલાક એવું પણ માને છે કે ધોનીની ફિટનેસને ધ્યાનમાં લેતાં તેમનો ઉપયોગ માત્ર ઇમ્પેક્ટ પ્લેયર તરીકે જ કરી શકાય.
તેમની દલીલ એવી છે કે ધોની 20 ઓવર વિકેટકીપિંગ નહીં કરે તો તેમના શરીર પરનું પ્રેશર ઓછું થશે.
આ સીઝનમાં સંજુ સેમસન એક બહેતર વિકેટકીપર તરીકે ઉપલબ્ધ થતાં આ સવાલ વધારે મજબૂત બની ગયા છે.
બીબીસી તમિળ સાથે વાત કરતાં ચેન્નઈ સુપર કિંગ્ઝના ભૂતપૂર્વ ખેલાડી વિદ્યુત શિવરામકૃષ્ણને કહ્યું હતું, "ધોની જરૂર રમશે, પરંતુ તેઓ તમામ મૅચ રમશે એ હું ખાતરીપૂર્વક કહી શકું તેમ નથી. સેમસન પણ ટીમમાં છે."
"તેથી એ વિકેટકીપિંગ પણ કરી શકે છે. ધોનીનો એક વિકેટકીપર તરીકે ઉપયોગ કરવામાં આવશે કે એક પ્રભાવશાળી ખેલાડી તરીકે એ આપણે જોવાનું રહેશે."
વિદ્યુતે કહ્યું હતું, "એક વાત નક્કી છે કે ધોની રમશે જરૂર. અહીંના સીએસકે હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં ટ્રેનિંગ કૅમ્પ પહેલાં ધોનીએ રાંચીમાં જોરદાર ટ્રેનિંગ કરી હતી."
"તેમણે ગંભીરતાપૂર્વક કોચિંગ લીધું હતું. તેઓ રમવાના ન હોય તો આ રીતે ટ્રેનિંગ કરવાની કોઈ જરૂર નથી. તેથી તેઓ આ સિઝનમાં જરૂર રમશે."
ધોની એક ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમી શકે કે કેમ, એવો સવાલ દક્ષિણ આફ્રિકા અને સીએસકેના ભૂતપૂર્વ ખેલાડી કાફ ડુ પ્લેસિસને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ધોનીએ આવું ન કરવું જોઈએ.
ઈએસપીએન ક્રિકઇન્ફો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, "હું માનું છું કે એમએસ ધોની ક્રિકેટ રમે ત્યાં સુધી તેમનું ક્રિકેટ વિષયક જ્ઞાન મેદાનમાં ફિલ્ડીંગ કરતી વેળાએ દેખાવું જોઈએ. બસ એટલું જ."
એ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય ખેલાડી અભિનવ મુકુંદ પણ આ વિચાર સાથે સહમત થયા હતા.
ધોનીની સાથે અને તેમની વિરુદ્ધ રમેલા અનેક ખેલાડીઓ પણ આવો અભિપ્રાય સતત વ્યક્ત કરતા રહ્યા છે.
તેમણે ધોનીના નેતૃત્વના ગુણ, તેમના સાતત્ય અને તેમના નિર્ણયની રમત પર થતી અસર વિશે સતત વાત કરી છે. મોટાભાગના લોકોનું માનવું છે કે આ જ ધોનીની સૌથી મોટી તાકાત છે.
ડુ પ્લેસિસ અને મુકુંદ જેવા ખેલાડીઓનું કહેવું છે કે ધોનીની આ ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.
અલબત, સીએસકેના એક અન્ય ભૂતપૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પાનું મંતવ્ય થોડું અલગ છે.
જિયો હૉટસ્ટાર પરના એક કાર્યક્રમમાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે ટીમના મેનેજમેન્ટમાં ધોનીની ભૂમિકા ન્યૂનતમ હશે.
રોબિન ઉથપ્પાએ કહ્યું હતું, "ધોની આ વખતે ટીમ લયથી થોડા અલગ રીતે રમી રહ્યા હોય એવું મને લાગે છે. 2026ની આઈપીએલ પીળી જર્સીમાં કદાચ તેમનું છેલ્લું વર્ષ હશે."
"પોતાની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે એ જાણીને તેઓ ટીમને ધીમે ધીમે પોતાની પકડમાંથી મુક્ત કરવા ઇચ્છે છે. મને લાગે છે કે તેઓ એવું જ કરશે."
"આપણને ઋતુરાજ ગાયકવાડની અસલી કૅપ્ટનશિપ જોવાની તક મળશે."
આપણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ધોનીનું આ જ સ્વરૂપ નિહાળ્યું છે.
ઋતુરાજ કૅપ્ટન હતા ત્યારે ધોની ઓવર્સની વચ્ચે વધારે વાત કરતા ન હતા.
તેઓ નિર્ણયમાં દખલ કરતા ન હતા. ત્યાં સુધી કે બૉલર્સ રિવ્યૂની અનુમતિ માંગતા હતા ત્યારે પણ ધોની ઋતુરાજ ભણી ઇશારો કરતા હતા.
ધોનીએ પહેલાં બૅટિંગ કરવા આવવું જોઈએ
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન એબી ડી વિલિયર્સને જિયો સ્ટારના એક કાર્યક્રમમાં સવાલ કરવામાં આવ્યો હતો કે ધોનીએ કયા ક્રમે બૅટિંગ કરવી જોઈએ?
તેના જવાબમાં ડી વિલિયર્સે કહ્યું હતું, "ધોનીની બૅટિંગનો કેટલો પ્રભાવ હોય છે તે આપણે જાણીએ છીએ, પરંતુ કૅપ્ટન ન હોવાને કારણે તેઓ નીચલા ક્રમે બૅટિંગ કરે છે ત્યારે હું કહીશ કે તેઓ સ્પેસ લઈ રહ્યા છે."
"એકહાથે ટ્રૉફી જીતી શકાતી નથી. આખી ટીમે એ માટે મહેનત કરવી પડે છે."
"મને લાગે છે કે ધોનીની જગ્યા લેવા માટે ઋતુરાજ અને સંજુ સેમસન યોગ્ય ખેલાડીઓ છે."
તેઓ માને છે કે ધોની રમે તો તેમણે આગળના ક્રમે બૅટિંગ કરવી જોઈએ.
આ મંતવ્યમાં સૂર પુરાવતાં ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને સીએસકેના ખેલાડી પુજારાએ કહ્યું હતું, "ધોનીને આઠમા કે નવમા નંબરે બૅટિંગ કરાવવા સાથે હું સહમત નથી."
ધોનીના યોગદાન બાબતે ક્રિકઇન્ફો પર વાત કરતાં કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ કહ્યું હતું, "પાછલાં કેટલાંક વર્ષોમાં ધોનીને અનેક ઇન્જરી થઈ છે. તેથી હવે તેઓ માત્ર 10-15 બૉલ જ રમતા બૅટ્સમૅન બની ગયા છે."
"ધોની સામે તમામ પ્રકારના બૅટ્સમૅન આવતા હતા, કારણ કે તેઓ એવું કરવામાં સક્ષમ હતા. પાછલી સિઝનના અંતમાં તેમની વિકેટ કીપિંગમાં પણ સમસ્યાઓ સર્જાઈ હતી."
તેમણે ઉમેર્યું હતું, "સર્જરી પછી હવે ધોની વિશે એક વાત નક્કી છે કે તે સંપૂર્ણપણે ફિટ અને સજ્જ થઈને વાપસી કરશે, પરંતુ બૅટિંગમાં તેમનું યોગદાન શું હશે?"
"તેઓ આ ટીમમાં માત્ર 10 બૉલ રમનારા બૅટ્સમૅન તો ન હોઈ શકે. તેમણે છઠ્ઠા બૅટ્સમૅન તરીકે મેદાનમાં ઊતરવું જોઈએ."
"વધુમાં વધુ સાતમા બૅટ્સમૅન તરીકે તેમણે આવવું જોઈએ અને ઇનિંગ્ઝના ઉત્તરાર્ધને સંભાળવો જોઈએ."
એ સિવાય ધોનીનું પ્રદર્શન સારું નહીં હોય તો અનેક સવાલ ઊઠશે.
હર્ષા ભોગલેએ કહ્યું હતું, "ધોનીના સંન્યાસ બાબતે દર વર્ષે સવાલ ઊઠતા રહ્યા છે. આ તેમની છેલ્લી સિઝન હોઈ શકે છે."
"તેમણે કોઈ પણ પરિસ્થિતિમાં બૅટ વડે સારું પ્રદર્શન કરવું પડશે. અન્યથા એવો સવાલ ઊઠશે કે આ ટીમમાં ધોનીની ભૂમિકા શું છે?"
ધોની આગળના ક્રમે બૅટિંગ કરે તેવી શક્યતા છે?
ઓછા બૉલ રમવા પડે એટલા માટે જ ધોની છેલ્લી કેટલીક ઓવર્સમાં ફીલ્ડિંગ નહીં કરે.
એ સિવાય તેઓ યોગ્ય બૉલર્સનો સામનો કરવા ઇચ્છે છે.
ધોની માને છે કે પ્રતિસ્પર્ધી ટીમ ડેથ ઓવર્સમાં ફાસ્ટ બૉલર્સ સામે બૅટિંગ કરતી હોય છે ત્યારે તેઓ તેનો લાભ લઈને ઇનિંગ્ઝને સારી રીતે ખતમ કરી શકે છે.
અનેક ટીમો અનેક ખેલાડીઓ સાથે આ ટેકનિકનો ઉપયોગ કરે છે.
દાખલા તરીકે, સુપર કિંગ્ઝ પ્રતિસ્પર્ધી ટીમ દ્વારા સ્પિનર્સના ઉપયોગનો લાભ લેવા માટે શિવમ દુબેને બૅટિંગ કરવા મોકલે છે.
સતત વિકેટ પડવા છતાં રાજસ્થાન રૉયલ્સ ચોક્કસ ઓવર્સ પછી ફિનિશર બૅટ્સમૅનને ઉતારતી રહી છે.
રવિચંદ્રન અશ્વિનને અનેક મૅચોમાં પહેલાં જ બૉલિંગ આપવામાં આવી હતી તેનું કારણ આ છે.
ધોનીના કિસ્સામાં પણ કંઈક આવો જ પ્લાન છે.
સામાન્ય રીતે ડેથ ઓવર્સમાં ફાસ્ટ બૉલર્સ બૉલિંગ કરતા હોય છે. આંકડાઓ દર્શાવે છે કે ધોનીએ સ્પિન બૉલર્સની સરખામણીએ ફાસ્ટ બૉલર્સનો સામનો વધારે સારી રીતે કર્યો છે.
2023 અને 2024માં આવું થયું હતું. આ બન્ને સિઝનમાં ધોનીએ અનુક્રમે 182.46 અને 220.55ના સ્ટ્રાઇક રેટ સાથે બૅટિંગ કરી હતી.
જોકે, સતત ડેવલપ થઈ રહેલી આઈપીએલ સીરિઝમાં પાછલી સિઝનમાં પ્રતિસ્પર્ધીઓએ ધોની માટે એક જવાબી યોજના બનાવી હતી.
પ્રતિસ્પર્ધી કૅપ્ટનોએ પરંપરાથી વિપરીત છેલ્લા તબક્કા માટે સ્પિનર્સની કેટલીક ઓવર્સ બચાવી રાખી હતી.
શિવમ દુબે સામે ફાસ્ટ બૉલર્સનો ઉપયોગ એક સારો વિકલ્પ હતો.
તેથી અનેક ટીમોએ મિડલ ઓવર્સમાં ફાસ્ટ બૉલર્સ પાસે વધારે બૉલિંગ કરાવવાનો અને ડેથ ઓવર્સમાં સ્પિનર્સનો ઉપયોગ કરવાનો સાહસિક નિર્ણય કર્યો હતો. એ ધોની અને સીએસકે બન્ને માટે નુકસાનકારક સાબિત થયું હતું.
2025ની સિઝનમાં આવાં અનેક ઉદાહરણ જોવા મળ્યાં હતાં.
સીએસકેને આરસીબી સામેની મૅચમાં જીતવા માટે ત્રણ ઓવરમાં 35 રનની જરૂર હતી. રજત પાટીદારે સાહસિક નિર્ણય લઈને 18મી ઓવર સુયશ શર્માને આપી હતી.
રવિન્દ્ર જાડેજા અને ધોની સાથે મળીને તે ઓવરમાં માત્ર છ રન બનાવી શક્યા હતા. અંતે સીએસકે બે રને હારી ગઈ હતી.
ચેપોકમાં રમાયેલી મૅચમાં શ્રેયસ ઐયરે યુજવેન્દ્ર ચહલને 19મી ઓવર આપી હતી.
ધોનીએ પહેલા બૉલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ બીજા જ બૉલ પર આઉટ થઈ ગયા હતા. એ ઓવરમાં સીએસકેએ કુલ ચાર વિકેટ ગુમાવી હતી.
દિલ્હીમાં રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં ધોની 14મી ઓવરમાં બૅટિંગ કરવા ઊતર્યા હતા.
રાજસ્થાન રૉયલ્સના તત્કાલીન કૅપ્ટન સંજુ સેમસને સ્પિનર હસરંગા અને રિયાન પરાગ પાસે ત્રણ ઓવર (15થી 17) બૉલિંગ કરાવી હતી.
ધોની એ ત્રણ ઓવરમાં 10 બૉલમાં માત્ર 11 રન કરી શક્યા હતા. જોકે, એ પરિસ્થિતિમાં વિકેટ પડતી રોકવાનું મહત્ત્વપૂર્ણ હતું, પરંતુ એ ઓવર્સમાં તેમણે સ્ટ્રાઇક રોટેટ કરવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો.
અહીં ડી વિલિયર્સ અને પુજારા જેવા ખેલાડીઓની વાતો પર ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ થઈ જાય છે.
ધોની પહેલાં બૅટિંગ કરવા આવશે તો તેમને રોકવા માટે પ્રતિસ્પર્ધી ટીમો સ્પિનર્સના ઉપયોગના પ્રયાસ કરશે.
ધોની સ્ટ્રાઇક રોટેટ કરવાના પ્રયાસ કરશે તો પણ તેમના ઘૂંટણે તેમનો સાથ આપવો પડશે. આ ધોની અને સીએસકે બન્ને માટે વધારાનું પ્રેશર હશે.
'માર્ગદર્શક ધોની'
કેટલાક ખેલાડીઓ માને છે કે ધોની પાછલા ક્રમે બૅટિંગ કરે તે જ યોગ્ય છે. ધોનીની ભૂમિકા બૅટિંગ કરતાં "માર્ગદર્શક" તરીકેની વધારે હશે.
બીબીસી તમિળ સાથે વાત કરતાં વિદ્યુતે કહ્યું હતું, "એક ખેલાડી તરીકે ધોનીનું યોગદાન મેદાનની અંદર અને મેદાનની બહાર બહુ મોટું હશે. તેમની વય 45 વર્ષની હોવા છતાં તેઓ 10 બૉલમાં ત્રણ સિક્સર ફટકારે છે."
"તેમની પાસેથી વધારે શું આશા રાખી શકાય? તેઓ તેમની સમજદારીથી મેદાન પર મોટો પ્રભાવ પાથરશે. મેદાન પર તેમનો આ પ્રભાવ જ પૂરતો છે."
મેદાન બહાર ધોનીના યોગદાનની વાત કરતાં વિદ્યુતે કહ્યું હતું, "આ વખતે ધોનીનો પ્રભાવ મેદાન પર ઓછો અને મેદાનની બહાર વધારે હશે, એવું મને લાગે છે."
"પ્રશાંત વીર, કાર્તિક શર્મા અને આયુષ મ્હાત્રે જેવા યુવા ખેલાડીઓને ધોની સાથે રમવાથી બહુ મદદ મળશે. તેઓ ધોની પાસેથી ઘણું શીખી શકે."
ધોનીના દૃષ્ટિકોણ અને તેમના પ્રભાવ વિશે વાત કરતાં વિદ્યુતે કહ્યું હતું, "મને ધોનીની કૅપ્ટનશિપમાં આઈપીએલમાં રમવાની તક મળી છે."
"તેમની માફક ક્રિકેટને સમજતો અને ભવિષ્યવાણી કરતો બીજો કોઈ ખેલાડી નથી. તેઓ બહુ બોલતા નથી, પરંતુ એ બોલે છે ત્યારે તેનું બહુ મહત્ત્વ હોય છે."
"તેથી મને લાગે છે કે એક માર્ગદર્શક તરીકે ધોનીનો આ ટીમ પર ગાઢ પ્રભાવ રહેશે."
તેમણે ઉમેર્યું હતું, "ખેલાડીઓ પ્રેશર અનુભવે તેવી શક્યતા છે. સીએસકે છેલ્લી બે સિઝનમાં પ્લેઑફ સુધી પહોંચી શકી નથી."
"આવું અગાઉ ક્યારેય થયું નથી. તેથી પ્રશંસકોની અપેક્ષા વધારે હશે. આ પરિસ્થિતિમાં ધોની બહુ મદદગાર સાબિત થશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન