You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્યપૂર્વમાં જીપીએસ સિસ્ટમને ગોથે ચડાવતું અદૃશ્ય હથિયાર યુદ્ધમાં કેવી રીતે વપરાઈ રહ્યું છે?
- લેેખક, ક્રિસ બારાનિયુક
- પદ, ટૅક્નૉલૉજી રિપોર્ટર
- વાંચવાનો સમય: 6 મિનિટ
સેંકડો જહાજો એક ખોટા ઠેકાણે ભેગાં થયાં છે.
મેરીટાઇમ એઆઇ કંપની વિન્ડવોર્ટનાં સિનિયર મરીન ઇન્ટેલિજન્સ ઍનાલિસ્ટ મિશેલ વીઝ બોકમેન ઈરાન, યુનાઇટેડ આરબ અમીરાત અને કતારના સમુદ્ર પરનાં વ્યાવસાયિક જહાજોનું લાઇવ લોકેશન ચેક કરી રહ્યાં હતાં, ત્યારે તેમના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યો, "હે ભગવાન!"
હોર્મુઝની ખાડી અને તેની આસપાસના વિસ્તારોનો નકશો જોઈને તેઓ કહે છે, "અત્યાર સુધીમાં હું 35 જુદાં-જુદાં ક્લસ્ટર ગણી ચૂકી છું."
તેઓ જે ક્લસ્ટર્સની વાત કરી રહ્યાં છે, તે નકશા પર બનેલી અજીબ ગોળાકૃતિઓ છે અને તેમાંથી દરેક આઇકોન અસલી જહાજ દર્શાવે છે.
પણ જહાજ કદીયે આટલાં નજીક, આટલા પરફેક્ટ ગોળ આકારમાં એકઠાં થતાં નથી. કે ન તો તેઓ જમીન ઉપર તરી શકતાં, પણ અમુક ક્લસ્ટર્સ જમીન ઉપર જ દેખાઈ રહ્યાં છે. તેનો અર્થ એ કે તેમના જીપીએસ કો-ઑર્ડિનેટ્સમાં ગરબડ થઈ છે, જેના કારણે તેમનું ખરું લોકેશન અસ્પષ્ટ થઈ ગયું છે.
યુદ્ધો કેવળ બુલેટ્સ અને બૉમ્બથી નથી લડાતાં. યુદ્ધમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝની મદદ પણ લેવાય છે. નરી આંખે ન જોઈ શકાતું જીપીએસ જૅમિંગ મોટા પાયે ગરબડ સર્જી શકે છે, કૉમ્યુનિકેશન ખોરવી શકે છે અને તેનાથી જીવલેણ દુર્ઘટના પણ ઘટી શકે છે.
જીપીએસ જૅમિંગ એટલે જીપીએસ સિગ્નલોમાં ઈરાદાપૂર્વક ઊભો કરાયેલો વિક્ષેપ, જેમાં અસલ જીપીએસ સિગ્નલને દબાવી દેવા માટે શક્તિશાળી રેડિયો સિગ્નલ મોકલવામાં આવે છે. તેના કારણે મોબાઇલ ફોન, જહાજો, ડ્રોન કે પછી વિમાનો તેમનાં લોકેશન ખોટાં બતાવે છે કે પછી તેમનું લોકેશન જ મળતું નથી.
યુદ્ધ કે સુરક્ષાની સ્થિતિમાં દુશ્મનને મૂંઝવવા માટે અથવા તો જે તે વિસ્તારનું લોકેશન છુપાવવા માટે તેનો ઉપયોગ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'જહાજ નજીકમાં ક્યાં છે, તે ખબર જ ન પડે તો?'
તાજેતરનાં વર્ષોમાં યુરોપનાં ઘણાં વિમાનો જીપીએસ જૅમિંગનો ભોગ બન્યાં છે, જેમાં યુરોપિયન કમિશનના પ્રમુખને લઈ જનારા પ્લેનનો પણ સમાવેશ થાય છે. વળી, યુક્રેન યુદ્ધમાં તો તે રોજની વાત થઈ ગઈ છે. હવે, મધ્યપૂર્વમાં સંઘર્ષ વધ્યો છે, તે સાથે ઇલેક્ટ્રોનિક વૉરફેર વધુ પ્રદેશોમાં ફેલાઈ રહ્યું છે.
અત્યારે હોર્મુઝની ખાડીની આસપાસ જહાજો જે અડચણોનો સામનો કરી રહ્યાં છે, તે પહેલી વાર નથી ઉદ્ભવી. જીપીએસ જૅમિંગની જહાજોની ઑટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ્સ (એઆઇએસ) પર વિપરિત અસર પડતી હોવાનું અગાઉ બોકમેને નોંધ્યું હતું.
ગયા વર્ષે આ પ્રદેશમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ ચાલેલા યુદ્ધમાં પણ આમ જ બન્યું હતું.
અને બાલ્ટિક સમુદ્રમાં પણ ઇલેક્ટ્રોનિક દખલગીરીને લીધે જહાજોના નેવિગેશનમાં સમસ્યા સર્જાઈ હતી, પણ બોકમેન કહે છે, "આ વખતે વાત ઘણી આગળ વધી ગઈ છે."
"દરિયાઈ નેવિગેશન અને સલામતી પરના આ જોખમને ઓછું ન આંકી શકાય."
પાકિસ્તાનની નૅશનલ હાઇડ્રોગ્રાફિક ઑફિસે પણ આ પ્રકારની દખલગીરી પ્રદેશમાં વહાણવટાને પ્રભાવિત કરી રહી હોવાની ચેતવણી જારી કરી છે.
જહાજો એકમેકથી બચવા માટે પણ આંશિક રીતે એઆઇએસનો ઉપયોગ કરતાં હોય છે. સેંકડો હજાર ઑઇલ લઈ જઈ રહેલા 300 મીટર લાંબા ટૅન્કરને વળવામાં કે થોભવામાં ઘણો લાંબો સમય લાગતો હોય છે - અને જહાજ તેનો રસ્તો બદલે, ત્યાં સુધીમાં તે ઘણાં કિલોમીટર આગળ નીકળી ગયું હોઈ શકે છે.
જો તમે એ ન જાણતા હોવ, કે નજીકનાં જહાજો ક્યાં છે, તો ખાસ કરીને રાતના સમયે કે પછી ઓછી દૃશ્યમાનની સ્થિતિમાં ટકરાવાનું સંકટ વધી જાય છે.
યુનિવર્સિટી ઑફ સરેના ઍલન વૂડવર્ડ કહે છે, "તે જ ખરી મુશ્કેલી છે. મુદ્દો એ નથી કે, તમને ખબર છે કે તમે ક્યાં જઈ રહ્યા છો - બલકે મુદ્દો એ છે કે, તમે એ નથી જાણતા કે, બીજા બધા ક્યાં જઈ રહ્યા છે."
જૅમિંગની તાકાત અને તેનું સ્તર આશ્ચર્યજનક
જૅમિંગ પાછળ કોણ છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ લશ્કરી વિશ્લેષકોને આ વિક્ષેપ પાછળ ઈરાનનો હાથ હોવાની આશંકા છે. ઈરાન હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાના પ્રયત્ન કરનારા કોઈ પણ જહાજ ઉપર હુમલો કરવાની ધમકી પણ આપી ચૂક્યું છે.
થિન્ક ટૅન્ક રૉયલ યુનાઇટેડ સર્વિસિઝના ઍસોસિએટ ફેલો થૉમસ વિધિંગ્ટને જણાવ્યું હતું કે, ઈરાન દ્વારા વપરાતી ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (જીએનએસએસ) અથવા તો જીપીએસ જૅમિંગ ઉપકરણ સ્થાનિક સ્તરે વિકસાવવામાં આવી હોવાની કે પછી રશિયા અને ચીન પાસેથી મળેલાં ઉપકરણોમાંથી તૈયાર કરવામાં આવી હોવાની શક્યતા છે.
સાથે જ તેમણે સૂચવ્યું હતું કે, આ પ્રદેશનાં અમેરિકન લશ્કરી દળો તેમના બેઝ, કર્મચારીઓ અને જહાજોને ડ્રોન તથા જીએનએસએસ-ગાઇડેડ શસ્ત્રો સામે રક્ષણ પૂરું પાડવા માટે જૅમિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરતાં હોય, તે પણ સંભવ છે.
અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ વૉરે બીબીસીને જણાવ્યું હતું, "સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે તે પ્રદેશની ચોક્કસ ક્ષમતાઓની સ્થિતિ વિશે કોઈ ટિપ્પણી કરીશું નહીં."
શોન ગોર્મન યુક્રેન સહિતના ઘણા દેશોમાં જીપીએસ જૅમિંગનું વિશ્લેષણ કરનારી ટૅક કંપની ઝેફર.એક્સવાયઝેડ (Zephr.xyz)ના સહ-સ્થાપક છે. જીપીએસ જૅમિંગ ક્યારે થઈ રહ્યું છે, તે જાણવામાં વિમાનનો ડેટા ઘણી વખત ઉપયોગી નીવડતો હોય છે, પણ ઈરાનનું હવાઈ ક્ષેત્ર હવે બંધ હોવાથી ગોર્મને અન્ય સ્રોતો તરફ નજર દોડાવવી પડી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે ઈરાનમાં જૅમિંગનો પતો લગાવવા માટે સેટેલાઇટના રડાર ડેટાનો ઉપયોગ કર્યો છે.
બીબીસીએ આ ડેટાની સ્વતંત્રપણે ખરાઈ કરી નથી, પણ ગોર્મન જણાવે છે કે, જૅમિંગ ઉપકરણો રડાર સિગ્નલ્સમાં અમુક નિશાન છોડી જતાં હોય છે, જે દેશભરમાં જીપીએસ જૅમિંગની ઘટનાઓની જાણકારી મેળવવામાં મદદરૂપ બની શકે છે.
2024માં તેમણે અને તેમના સહકર્મીઓએ યુક્રેનમાં જીપીએસ જૅમિંગનો અભ્યાસ કરવા માટે સ્માર્ટફોન્સ લગાવેલાં કેટલાંક ડ્રોન્સ ઉડાડ્યાં હતાં. ડ્રોન ઊડ્યાં અને સ્માર્ટફોન્સે જીપીએસની માહિતી રેકૉર્ડ કરી લીધી તેમજ તેમણે જે પણ વિક્ષેપ શોધ્યો, તે નકશા પર જોઈ શકાતો હતો.
તેમણે કહ્યું હતું, "અમે તે તમામ ફોન્સમાંથી જીએનએસએસ માપ જોઈ રહ્યા હતા. તેનાથી જામરનાં ચોક્કસ લોકેશનનો હિસાબ લગાવીને તેની જાણકારી મેળવી શકાતી હતી."
"જૅમિંગની તાકાત અને તેનું સ્તર જોઈને હું અવાચક થઈ ગયો હતો," એમ ગોર્મને જણાવ્યું હતું.
જીપીએસ જૅમિંગથી બચવા માટે ઘણી તકનીકો છે. સમસ્યા ઘટાડવા માટેની એક પદ્ધતિ જૅમિંગ કે વિક્ષેપને ઑટોમેટિકલી ઓળખીને બીજી બિન-પ્રભાવિત ફ્રિક્વન્સી પર શિફ્ટ થઈ જવાની છે.
"હે ભગવાન, અમે પાગલ હતા"
સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની રેથિયોન લૅન્ડશીલ્ડ નામનું ઉપકરણ બનાવે છે. કંપની કહે છે કે, તેની "એન્ટિ-જૅમ એન્ટીના સિસ્ટમ" કારથી માંડીને વિમાન સુધીનાં વિભિન્ન પ્રકારનાં વાહનોમાં લગાવી શકાય છે અને તે જૅમિંગને નાથવા માટે ઘણી ચૅનલોનો ઉપયોગ કરે છે.
રેથિયોન યુકેના એન્જિનિયરિંગ ડિરેક્ટર ઍલેક્સ રોઝ-પાર્ફિટ કહે છે, "હાલમાં અમારાં એન્ટિ-જૅમિંગ ઉત્પાદનોની માગ તથા ઉત્પાદન ક્ષમતા, બંનેમાં સારી એવી વૃદ્ધિ નોંધાઈ છે."
અન્ય કંપનીઓએ જીપીએસની ઊણપોને ધ્યાનમાં રાખીને કામ કરતી નેવિગેશન ટૅક્નૉલૉજી વિકસાવી છે. ઑસ્ટ્રેલિયાસ્થિત કંપની ઍડવાન્સ્ડ નેવિગેશને જાઇરોસ્કોપ અને એક્સેલરોમીટરના રીડિંગ પરથી વાહનનું લોકેશન નક્કી કરતી સિસ્ટમ વિકસાવી છે. આ એ જ સેન્સર્સ છે, જેનાથી સ્માર્ટફોનને ખબર પડે છે કે, તેને એક તરફ વાળવામાં આવ્યો છે.
ઍડવાન્સ્ડ નેવિગેશનના સહ-સ્થાપક તથા ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ શો કહે છે કે, જ્યારે જીપીએસ ઉપલબ્ધ ન હોય કે વિશ્વાસપાત્ર ન હોય, તેવી સ્થિતિમાં તેમની કંપનીની ટૅક્નૉલૉજી કોઈનું ભૌગોલિક લોકેશન જાણવા માટે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે.
તેમાં વ્યક્તિના લોકેશનની ઓપ્ટિકલ ઇમેજરીને સેટેલાઇટ તસવીરો સાથે મિલાવવાનો કે પછી માથા ઉપર દેખાતા તારાઓની સ્થિતિના કમ્પ્યુટર આધારિત વિશ્લેષણનો સમાવેશ થઈ શકે છે.
"ઇમેજ પ્રોસેસિંગ અત્યંત ઍડવાન્સ્ડ છે. સ્ટાર-મેપિંગ જેવાં કાર્યો ઘણાં ઓછાં ખર્ચાળ છે," એમ શોએ જણાવ્યું હતું.
જોકે, તેમણે ઉમેર્યું હતું, "તે અત્યંત ચોકસાઈપૂર્ણ નથી હોતું. આથી જ, લોકેશન અને સ્થિતિના વિવિધ પ્રકારના વિશ્લેષણનો એકસાથે ઉપયોગ કરવો પડી શકે છે.
સારી સુરક્ષા વિના જીપીએસ તેના હાલના સ્વરૂપમાં અસુરક્ષિત રહેશે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, જીપીએસ આધારિત સિસ્ટમ્સ જે સિગ્નલ્સ પર આધાર રાખે છે, તે સિગ્નલ્સ ઘણા કમજોર હોય છે, આથી તેમને જૅમ કરવા સહેલાં હોય છે. એ પણ નોંધવું જોઈએ કે, સૈન્યો પાસે "એમ-કોડ" જીપીએસ હોય છે— તે ટૅક્નૉલૉજીની પ્રમાણિત અને એન્ક્રિપ્ટેડ આવૃત્તિ છે. વળી, જૅમિંગ સામેની તેની પ્રતિરોધક ક્ષમતા ઘણી મજબૂત હોય છે.
રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર નેવિગેશનના ડિરેક્ટર રેમ્ઝી ફેરાગર જણાવે છે કે, ઈરાનના દરિયાકાંઠે થઈ રહેલા જીપીએસ જૅમિંગને કારણે દરિયાઈ દુર્ઘટનાઓ થવાનું સંકટ વધી જાય છે. તેમની ધારણા અનુસાર, જૅમિંગમાં સતત થઈ રહેલો વધારો આખરે વધુ સુરક્ષિત વિકલ્પો તરફ દોરી જશે, બરાબર એ જ રીતે, જે રીતે એક સમયે ઓપન અને તમામ લોકો માટે ઉપલબ્ધ વાઈ-ફાઈ નેટવર્ક્સ સમય વીતવા સાથે આજે પાસવર્ડથી સુરક્ષિત નેટવર્ક્સમાં રૂપાંતરિત થઈ ગયાં છે.
તેઓ કહે છે, "જલદી જ આપણે પાછળ ફરીને આ સમય તરફ નજર કરીશું, જ્યારે આપણે ખુલ્લા જીએનએસએસ સિગ્નલોનો ઉપયોગ કરી રહ્યા હતા. તે સમયે આપણે વિચારીશું, 'હે ભગવાન, અમે પાગલ હતા, તે કોઈ સમજદારીભર્યું પગલું નહોતું'."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન