ઈરાન યુદ્ધને લીધે ગુજરાતમાં ખેડૂતો કેમ ચિંતામાં પડ્યા, શું પેટ્રોલ-ડીઝલનું સંકટ સર્જાશે?

28 ફેબ્રુઆરીએ ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર સંયુક્ત હવાઈ હુમલો કર્યો અને 11 માર્ચ એટલે કે બારમા દિવસે પણ યુદ્ધ ચાલુ રહેતા ગુજરાતના ખેડૂતોમાં અજંપો દેખાઈ રહ્યો છે.

ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં એક પ્રકારની નાકાબંધી કરી અને પરિણામે ઇરાક, કુવૈત, બહેરીન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાન જેવા ખાડી દેશોનાં બંદરોએથી જહાજો ક્રૂડઑઇલ (કાચું ખનીજ તેલ) અને લિક્વિફાઇડ નેચરલ ગૅસ (એલએનજી) ઈરાનના અખાતની બહાર નીકળી શકતા નથી.

ખેડૂતો કહે છે કે ચોમાસા માટે જમીનોને ખેડીને તૈયાર કરવાની સિઝન થોડા જ દિવસોમાં શરૂ થશે અને તેમને ચિંતા છે કે તેમની પાસે ડીઝલ નહીં હોય તો જમીનો સમયસર તૈયાર કરી શકાશે નહીં.

બીજી તરફ ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ અને પેટ્રોલપંપ સંચાલકો દાવો કરી રહ્યા છે કે હાલ ડીઝલ અને પેટ્રોલની કોઈ ઘટ નથી. પેટ્રોલપંપ સંચાલકો કહે છે કે ખેડૂતોએ ડીઝલ ખરીદવા પેટ્રોલપંપ પર અચાનક એક સાથે લાઇનો લગાવતા ડીઝલનો હાજર સ્ટોક ખૂટી જતા થોડી વાર વેચાણ ઠપ્પ થયું હતું, પરંતુ સોમવારથી સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.

ઈરાનમાં યુદ્ધથી ગુજરાતના ખેડૂતોને કેમ ચિંતા છે?

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સાવરકુંડલામાં રહેતા ખેડૂત લાલાભાઈ બુહા 10 વીઘા જમીન ધરાવે છે અને ત્રણ ટ્રેક્ટર રાખે છે. પોતાની જમીનમાં ખેતી કરવા ઉપરાંત તેઓ બીજાની જમીનમાં ભાડેથી ટ્રેક્ટર દ્વારા હળ અને રાંપ હાંકવા, વાવણી કરી દેવી તેમજ લણેલાં પાકોને થ્રેશરમાં નાખી ચોખ્ખા કરી આપે છે.

બીબીસી સાથે મંગળવારે વાત કરતા તેમણે કહ્યું કે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે ડીઝલ નહીં મળે તેવા ડરથી શનિવારે તેઓ પણ તેમનાં ત્રણેય ટ્રેક્ટર અને એક બૅરલ (પીપડું) લઈને સાવરકુંડલાના નેસડી રોડ પર આવેલા એક પેટ્રોલપંપે દોડી ગયા હતા.

તેમણે કહ્યું "હું પહેલાં બાઇક લઈને નેસડી રોડ પરના એક પેટ્રોલપંપે પૂછવા ગયો કે ડીઝલ છે? તેમણે મને હા પડી. તેથી હું ટ્રેક્ટર અને બૅરલ લઈને ગયો, ત્યાં પેટ્રોલપંપવાળાએ મને કહ્યું કે હવે ડીઝલ ખૂટી ગયું છે. મેં કહ્યું કે પાંચ જ મિનિટમાં ખૂટી ગયું? મેં ઘણી માથાકૂટ કરી પણ તેમણે મને ડીઝલ આપ્યું નહીં. તેથી મને ચિંતા થઈ."

લાલાભાઈએ ઉમેર્યું, "20 દિવસથી હું સાવ ઘરે બેઠો છું. ઘઉંની મોસમ પૂરી થશે એટલે જમીન ખેડવાના કામ ચાલુ થશે. કોઈ આપણને ફોન કરીને ખેડ કરવા માટે બોલાવે અને આપણી પાસે ડીઝલ ન હોય તો જવાબ શું આપવો? તેથી મને થયું કે પાણી પહેલાં પાળ બાંધી લઈએ અને ડીઝલ લઈ લઈએ."

લાલાભાઈએ વધારે વાત કરતા કહ્યું કે નેસડી રોડ પરના પેટ્રોલપંપ પર ડીઝલ ન મળ્યું એટલે તેઓ તાબડતોબ તેમના ટ્રેક્ટર લઈને મહુવા રોડ પર આવેલી અન્ય એક કંપનીના પેટ્રોલપંપ પર ગયા.

તેમણે કહ્યું, "એ પેટ્રોલપંપવાળાએ મને કહ્યું કે જેટલું જોઈએ તેટલું ડીઝલ છે. તેથી, મેં મારા ત્રણેય ટ્રેક્ટરની ટાંકીઓ ફુલ કરાવી લીધી અને 250 લિટરનું એક બૅરલ ભરાવી લીધું. એકસાથે મેં 41,000 રૂપિયાનું ડીઝલ ખરીદી લીધું."

સાવરકુંડલા તાલુકા જેવાં જ દૃશ્યો અમરેલીના ધારી તાલુકા તેમજ રાજ્યના કેટલાય અન્ય જિલ્લાઓમાં જોવા મળ્યા હતા.

લાલાભાઈએ ઉમેર્યું કે ડીઝલનો ભાવ અત્યારે 90 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ ચાલી રહ્યો છે અને તેમના ટ્રેકટરની ટાંકીમાં 50થી 55 લિટર ડીઝલ સમાય છે.

તેમણે કહ્યું, "જમીન ખેડાણ કરવા માટે ટ્રેક્ટર પ્રતિ કલાક અંદાજે ચાર લિટર ડીઝલ બાળે છે. અમે ખેડૂતો પાસેથી કલાકના 800 રૂપિયા ભાડું લઈએ છીએ, પરંતુ ખેડૂતોને તેમની પેદાશોના મળતા બજાર ભાવમાં આ વર્ષે કોઈ મોટો ઉછાળો નથી અને અમારા વિસ્તારમાં આ વર્ષે શિયાળામાં વાવેલી ડુંગળીના ઉતારા (ઉત્પાદકતા) પણ બહુ ઓછા છે. તેથી, જો ડીઝલના ભાવ વધે તે મુજબ હું પણ કલાકના ભાડામાં વધારો કરું તો મને ખેડૂતો કામ ન આપે."

ગુજરાતમાં ખેતીનું યાંત્રિકીકરણ કેટલા અંશે થઈ ગયું છે?

ખેડૂતોની ચિંતાનું કારણ જણાવતા રાજ્ય સરકારની એગ્રિકલચર ટૅક્નૉલૉજી મૅનેજમૅન્ટ એજન્સી (આત્મા)ના ભાવનગર જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટર જેએન પરમારે બીબીસીને જણાવ્યું, "ગુજરાતમાં ખેતી હવે મોટે ભાગે યંત્રોથી જ થાય છે. ગામદીઠ માંડ એક કે બે ટકા ખેડૂતો પાસે જ બળદ રહ્યા છે. બાકીના બધા ખેડૂતો ટ્રેક્ટર કે અન્ય યંત્રોથી ખેતીના કામ કરતા થયા છે. તેના માટે તેમને ડીઝલ જોઈએ."

આત્મા પ્રોજેક્ટનો ઉદ્દેશ ખેતકાર્યોનાં યાંત્રિકીકરણનું વ્યવસ્થાપન કરવાનું છે. આ એજન્સી ખેતીમાં વપરાતાં યંત્રો અને ઓજાર માટે ખેડૂતોને સબસિડી પણ આપે છે.

પરમારે કહ્યું, "ગુજરાતમાં ધીમે ધીમે લોકોમાં શૈક્ષણિક, સામાજિક અને આર્થિક પરિવર્તન આવ્યાં છે. તેથી, છેલ્લાં પચ્ચીસ-ત્રીસ વર્ષથી ખેતીનું યાંત્રિકીકરણ ધીમે ધીમે વધ્યું છે. હવે ખેતી લગભગ યાંત્રિક થઈ ગઈ છે. રાજ્ય સરકાર પણ છેલ્લાં ત્રીસ વર્ષથી ખેડૂતોને ખેતીનાં યંત્રો માટે સબસિડી આપી રહી છે."

ભારતમાં દરરોજ કેટલાં લિટર ડીઝલ-પેટ્રોલ વપરાય છે?

ભારત સરકારના પેટ્રોલિયમ પ્લાનિંગ ઍન્ડ ઍનાલિસીસ સેલ (પીપીએસી)ના આંકડા અનુસાર એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026ના 11 મહિના દરમિયન દેશમાં કુલ 3.88 કરોડ મેટ્રિક ટન પેટ્રોલ વપરાયું હતું. એક મેટ્રિક ટન એટલે કે 1000 કિલો. એક હજાર લિટર પાણીનું વજન એક ટન થાય, પરંતુ પેટ્રોલની ઘનતા પાણી કરતાં ઓછી હોવાથી વજનમાં તે હલકું હોય છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની ઍનર્જી સ્ટેટિસ્ટિક્સ યરબુક એટલે કે ઊર્જા આંકડાની વાર્ષિક પોથી અનુસાર એક મેટ્રિક ટન પેટ્રોલમાં સરેરાશ 1351 લિટર પેટ્રોલ હોય છે.

એ હિસાબે 3.88 કરોડ મેટ્રિક ટન=આશરે 52.43 અબજ લિટર પેટ્રોલ. આ આંકડા અનુસાર પ્રતિ માસ પેટ્રોલનો વપરાશ આશરે 477 કરોડ લિટર અને દૈનિક વપરાશ લગભગ 16 કરોડ લિટર થાય.

પીપીએસીના આંકડા અનુસાર વાહનોમાં બળતણ તરીકે વપરાતા હાઈસ્પીડ ડીઝલનો વપરાશ એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026ના 11 મહિના દરમિયાન લગભગ 8.60 કરોડ મેટ્રિક ટન રહ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની પોથી અનુસાર એક મેટ્રિક ટન ડીઝલમાં સરેરાશ 1149 લિટર ડીઝલ હોય છે. એ હિસાબે ભારતમાં છેલ્લા 11 મહિનામાં 98.81 અબજ લિટર ડીઝલ વપરાયું હતું. તેથી, ડીઝલનો માસિક વપરાશ આશરે 8.98 અબજ લિટર અને દૈનિક વપરાશ આશરે લગભગ ૩૦ કરોડ લિટર રહ્યો હતો.

આમ, ભારતમાં દૈનિક ધોરણે આશરે 16 કરોડ લિટર પેટ્રોલ અને 30 કરોડ લિટર ડીઝલ વપરાય છે.

તો શું ગુજરાતમાં ડીઝલ-પેટ્રોલની તંગી છે?

સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ચચાણા ગામે આવેલા પેટ્રોલપંપો પર ગયા અઠવાડિયે ખેડૂતોએ ડીઝલ લેવા લાઇનો લગાવતા થોડી વાર માટે ડીઝલ ખૂટી ગયું હતું, તેમ એક પેટ્રોલપંપના મૅનેજર ઋષિગિરિ ગોસ્વામીએ જણાવ્યું.

બીબીસી સાથે મંગળવારે વાત કરતા ઋષિગિરીએ કહ્યું, "સામાન્ય રીતે અમારે દરરોજ 1500થી 2000 લિટર ડીઝલનું વેચાણ થતું હતું, પરંતુ ખેડૂતો એક સાથે ડીઝલ લેવા ધસી આવતા વેચાણ 6000થી 7000 લિટર જેટલું થઈ ગયું. આથી અમારા પેટ્રોલપંપ પર ડીઝલ ખૂટી ગયું. જોકે અમદાવાદ નજીક આવેલા બારેજા ડેપો પરથી અમે ડીઝલનું ટૅન્કર મંગાવ્યું. અમારો પેટ્રોલપંપ લગભગ બે કલાક માટે જ ડ્રાય (સૂકો) રહ્યો. બે-ત્રણ દિવસ વેચાણ વધુ રહ્યું, પરંતુ સોમવારથી કોઈ લાઇનો જોવા મળી નથી અને ખેડૂતોને જેટલું ડીઝલ જોઈએ તેટલું ઉપલબ્ધ છે."

ચચાણાના અન્ય એક પેટ્રોલપંપના માલિક તેવા રવિરાજસિંહ જાડેજાએ બીબીસીને જણાવ્યું, "ખેડૂતો ડરી ગયા અને વિચારવા લાગ્યા કે યુદ્ધ થયું છે તેથી ડીઝલ મળતું બંધ થઈ જશે, પરંતુ એવું કશું નથી. ઇન્ડિયન ઑઇલનો ડેપો અમદાવાદ નજીક બારેજામાં છે તેથી અમે ટૅન્કર (ટાંકા)નો ઑર્ડર આપીએ તો અમુક કલાકમાં ટેન્કર આવી જાય છે. ઉપરાંત કંડલામાં પણ ઇન્ડિયન ઑઇલનો એક ડેપો છે અને દેવભૂમિ દ્વારકાના વાડીનાર ખાતે આવેલા નયારા ઍનર્જીની રિફાઇનરીએથી પણ પેટ્રોલ-ડીઝલ મળી રહે છે. પરંતુ આ બંને જગ્યાએથી ટૅન્કરને સુરેન્દ્રનગર પહોંચતા વધારે સમય લાગે છે. તેમ છતા કંપનીઓ બીજા દિવસે તો ટૅન્કર પહોંચાડી જ દે છે."

ગુજરાતમાં ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને નયારા ઍનર્જી લિમિટેડ—આ ત્રણ ઑઇલ કંપનીઓની રિફાઇનરીઓ આવેલી છે. રિફાઇનરીમાં ક્રૂડઑઇલને નિષ્યંદનની પદ્ધતિથી શુદ્ધ કરી તેમાંથી પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, કેરોસીન, ઍર ટર્બાઇન ફ્યૂઅલ (એટીએફ) તરીકે ઓળખાતાં વિમાનોનાં ઈંધણ, રસોડામાં વપરાતા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી) એટલે કે પ્રવાહીમાં રૂપાંતરિત કરેલા કુદરતી વાયુ, રાસાયણિક ખાતર બનાવવામાં વપરાતા સલ્ફર જેવાં રસાયણો તેમજ ડામર વગેરે છૂટાં પાડવામાં આવે.

આ ત્રણ કંપનીઓમાંથી એક કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું , "અમારી રિફાઇનરીમાં દર ત્રણ વર્ષે લેવાતું મેન્ટેનન્સ શટડાઉન (મશીનરીની જાળવણી માટે કારખાનાને બંધ કરવાનો સમયગાળો) ચાલી રહ્યું છે, પરંતુ અમે અમારા પેટ્રોલપંપોને રાબેતા મુજબ જ પેટ્રોલ-ડીઝલ મોકલી રહ્યા છીએ. પેટ્રોલપંપો ખાતે ટૂંકા ગાળા માટે વેચાણમાં વધારો થયો હોઈ શકે, પરંતુ ટૅન્કરમાં પેટ્રોલ-ડીઝલમાં ભરવા માટે અમારે જે સમય લાગે છે તેને અમે ઘટાડી શકતા નથી."

ઈરાન યુદ્ધથી ભારતમાં કેમ ચિંતા છે?

કેન્દ્ર સરકારની એક અખબારી યાદી અનુસાર ભારત દરરોજ સરેરાશ 56 લાખ બૅરલ ક્રૂડઑઇલ વાપરે છે. એક બૅરલમાં સરેરાશ 159 લિટર ક્રૂડ સમાય છે. એ હિસાબે ભારત દૈનિક ધોરણે આશરે 89 કરોડ લિટર ક્રૂડઑઇલ વાપરે છે, પરંતુ તેમાંથી લગભગ 90 ટકા જેટલું વિદેશોમાંથી આયાત કરાય છે. ભારતને કાચું ખનીજ તેલ પૂરું પાડતા દેશોમાં ખાડી દેશો ઉપરાંત રશિયા, અમેરિકા વગેરે મુખ્ય છે.

ઈરાનના અખાતના દક્ષિણ અને પશ્ચિમ કિનારે આવેલા ખાડી દેશો વિશ્વમાં ક્રૂડઑઇલના મોટા ઉત્પાદક દેશો છે અને ઑઇલ ટૅન્કર કહેવાતાં જહાજોમાં ભરીને ક્રૂડઑઇલ તેમજ શુદ્ધ કરેલાં પેટ્રોલ-ડીઝલ વગેરે દુનિયામાં નિકાસ કરે છે. આ જહાજોએ ઈરાનના અખાતમાંથી બહાર નીકળવા માટે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવું પડે છે.

એક અહેવાલ અનુસારદુનિયામાં દરરોજ 10 કરોડ બૅરલ ક્રૂડઑઇલની નિકાસ થાય છે. તેમાંથી 20 ટકા એટલે કે બે કરોડ બૅરલ ક્રૂડઑઇલ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે.

ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ભારતમાં દૈનિક ધોરણે આયાત કરાતા અંદાજે 55 લાખ બૅરલ ક્રૂડઑઇલમાંથી તાજેતરમાં અડધોઅડધ ઑઇલ આ સામુદ્રધુનીમાંથી પસાર થતું.

ઈરાને જાહેરાત કરી છે કે તે અમેરિકા, ઇઝરાયલ કે તેમના મિત્રદેશોનાં જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા નહીં દે અને જો તેમનું કોઈ જહાજ પસાર થવાનો પ્રયત્ન કરશે તો તેના પર હુમલો કરશે.

ઈરાને નાકાબંધી કરતા કિંમતો પર શું અસર પડી છે?

હોર્મુઝની સામુદ્રધુની ઈરાનના અખાતનું ગળું છે. આ સમુદ્રધુનીમાં દરિયાની પહોળાઈ માંડ 50 કિલોમીટર છે. હોર્મુઝની સામુદ્રધુની ઓળંગ્યા બાદ જહાજો ઓમાનના અખાતમાં આવે છે અને ઓમનનો અખાત પસાર કર્યા બાદ અરબ સાગર વાટે થઈ દુનિયાનાં વિવિધ બંદરો તરફ જઈ શકે છે. આ સામુદ્રધુની સિવાય ઈરાનના અખાતમાં પહોંચવાનો અન્ય કોઈ રસ્તો નથી.

ઈરાનની હુમલાની ધમકી બાદ ઑઇલ ટૅન્કરો આ સાંકડા રસ્તામાંથી પસાર થવાનું જોખમ ન ખેડવાનું પસંદ કરતા ત્યાંથી આવતું કાચું ખનીજ તેલ લગભગ અટકી ગયું છે. તેની સીધી અસર કિંમતો પર પડી છે.

યુદ્ધ ચાલુ થયું તે પહેલાં ક્રૂડઑઇલના ભાવ 68થી 70 ડૉલર એટલે કે અંદાજે 6200થી 6400 રૂપિયા પ્રતિ બૅરલ હતો, પરંતુ હોર્મુઝની સામુદ્રધુનીમાં નાકાબંધી થતા અને અમુક ઑઇલ ટૅન્કરો પર હુમલા થતા ભાવો વધવા મંડ્યા હતા અને 9 માર્ચના રોજ ભાવ 120 ડૉલર એટલે કે 10,900 રૂપિયાની સપાટી કુદાવી ગયા હતા. જોકે મંગળવારે અને બુધવારે ભાવો નીચે આવતા 88 ડૉલર આજુબાજુ રહ્યા હતા.

ભારત સરકાર શું કહે છે?

યુદ્ધ ચાલુ થયા બાદ અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદવા પર મુકેલ પ્રતિબંધોમાંથી ભારતને 30 દિવસ માટે મુક્તિ આપી છે. તેના કારણે રશિયાનું 14.5 કરોડ બૅરલ કાચું ખનીજ તેલ ભારત આવી શકે છે.

સરકારી સૂત્રોને ટાંકીને ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું છે કે ભારત પાસે બે મહિના સુધી ચાલે તેટલો કાચા તેલ અને શુદ્ધ કરેલા ઈંધણનો જથ્થો છે.

ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ વિભાગના મંત્રી હરદીપસિંહ પુરીએ 8 માર્ચે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું, "હોર્મુઝની સમુદ્રધુનીના રૂટ સિવાયના રસ્તાઓથી ઊર્જાની આયાત મોટા પાયે થઈ રહી છે. આપણા નાગરિકોની ઊર્જાની જરૂરિયાતોને સારી રીતે પૂર્ણ કરાઈ રહી છે. ભારત એક આરામદાયક સ્થિતિમાં છે. આ બાબતે ચિંતા કે અટકળોને કોઈ અવકાશ નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન