You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હોળી પર ઝઘડા બાદ હિંસામાં યુવાનનું મૃત્યુ અને આરોપીઓના ઘર બુલડોઝર કાર્યવાહી, દિલ્દીના ઉત્તમનગરમાં શું થયું હતું?
- લેેખક, શુભાંગી મિશ્રા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 7 મિનિટ
દિલ્હીના ઉત્તમનગર વિસ્તારમાં હોળીના દિવસે હિંસા અને એક યુવકના મૃત્યુના છ દિવસ બાદ પણ તણાવ સ્પષ્ટ અનુભવી શકાય છે. વિસ્તારમાં પોલીસની કડક નાકાબંધી છે.
એક હિંસાની ઘટનામાં 26 વર્ષના તરુણ ગંભીરપણે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. બાદમાં હૉસ્પિટલમાં ઇલાજ દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું. તેમનો પરિવાર ગમગીન અને ગુસ્સે ભરાયેલો છે.
તેમની હત્યાના આરોપીઓ પૈકી એકના ઘરે દિલ્હી મહાનગરપાલિકા (એમસીડી), પશ્ચિમ ઝોને બુલડોઝર ફેરવી દીધું અને તેનો અમુક ભાગ તોડી પાડ્યો.
એમસીડીના એક અધિકારી પ્રમાણે, ઘરના એ ભાગ દબાણ કરીને બનાવાયા હતા.
બીજી તરફ, વિસ્તારના જેજે કૉલોની બજારમાં સન્નાટો છવાયેલો છે અને લોકોને લાગી રહ્યું છે કે આ વખત ઈદની ઉજવણી નહીં થઈ શકે.
આ સંપૂર્ણ ઘટનાને લોકો સાંપ્રદાયિક મનાઈ રહી છે તો કેટલાક જૂની અદાવત.
પોલીસે 7 માર્ચના રોજ એક નિવેદનમાં કહ્યું હતું કે આ બે પાડોશીઓ વચ્ચેનો ઝઘડો છે. આને કંઈક અલગ રંગ આપવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગાડનારા પર કડક કાર્યવાહી કરાશે.
બીબીસીની ટીમે સોમવારે આ વિસ્તારની મુલાકાત લીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિસ્તાર ત્રણ સેક્ટરમાં વહેંચાયેલો છે. અહીં લગભગ 20 હજાર ઘર છે. જુદા-જુદા ધર્મોના લોકો વર્ષોથી એક સાથે રહે છે.
હિંસા બાદ હાલ આ વિસ્તારમાં લગભગ 450 સુરક્ષાકર્મી તહેનાત છે. ગલીઓમાં પીળા રંગના બૅરિકેડ લાગેલા છે, જેથી એક ગલીમાંથી બીજી ગલીમાં જવાનો રસ્તો મુશ્કેલ છે.
દ્વારકાના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) કુશલપાલસિંહએ બીબીસીને જણાવ્યું કે વિસ્તારમાં 150 કરતાં વધુ બૅરિકેડ લાગેલાં છે.
તરુણના પરિવારજનોએ શું કહ્યું?
જેજે કૉલોનીની સાંકડી ગલીઓમાં તરુણનું ચાર માળનું મકાન છે. જે માંડ 50 વારમાં ફેલાયેલી છે. તરુણ પોતાના કાકા અને ભાઈબહેનો સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા.
આ ગલીમાં લગભગ 45 મકાન છે. જે પૈકી લગભગ અડધાં મુસ્લિમ અને અડધાં હિંદુનાં છે. હિંદુઓ મોટા ભાગે દલિત છે.
ડીસીપી કુશલપાલસિંહ પ્રમાણે, હોળીના દિવસે તરુણના પરિવાર અને તેમના પાડોશીઓ વચ્ચે રાત્રે લગભગ સાડા દસ વાગ્યે કથિતપણે ઝઘડાની શરૂઆત થઈ હતી, એક બાળકીએ બાલકનીમાંથી પાણીનો ફુગ્ગો ફેંકતાં આ ઝઘડો શરૂ થયો. જે એક મુસ્લિમ મહિલાને જઈને વાગ્યો. તેમના પ્રમાણે, એ બાદ મહિલાએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું.
તરુણના પરિવારજનોનો દાવો છે કે તેમની બૂમાબૂમ સાંભળીને મહિલાના પરિવારજનો સ્થળ પર આવી ગયા અને તેમણે કથિતપણે હુમલો કરી દીધો. એ દરમિયાન તરુણ પોતાની બાઇક મારફતે ત્યાં પહોંચ્યા.
પરિવારજનોનો આરોપ છે કે એ બાદ તેમના પર હુમલો કરાયો.
બીબીસી સાથે વાત કરતા તેમના પિતા મમરાજે જણાવ્યું કે ગંભીરપણે ઘાયલ તરુણને એક સ્કૂટર મારફતે નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા. ત્યાં 5 માર્ચના રોજ (હોળીના બીજા દિવસે) તેમનું મૃત્યુ નીપજ્યું.
ડીસીપી કુશલપાલસિંહે જણાવ્યું કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટથી ખબર પડી કે તરુણના શરીર પર ઘણી જગ્યાએ ઈજા હતી. એના કારણે જ તરુણનું મૃત્યુ નીપજ્યું.
એ બાદથી ઘટનાના વિરોધમાં ઘણાં સંગઠનો સતત વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે.
પોલીસનું શું કહેવું છે?
ડીસીપી પ્રમાણે, આ મામલામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (હત્યા), 3(5) (સામાન્ય ઇરાદા સાથે કરાયેલ સામૂહિક અપરાધ) અને એસસી/એસટી ઍક્ટ અને પોક્સોની કલમો અંતર્ગત કેસ દાખલ કરાયો છે.
તરુણના પરિવારના વકી સુમીતકુમારે બીબીસીને જણાવ્યું કે 22 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.
બીબીસીએ આ ફરિયાદ વાંચી છે. તેમાં એવો પણ આરોપ છે કે પરિવારજનો વિરુદ્ધ સાથે જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કરાયો અને તેમના ઘરની સગીર બાળકીને યૌન હિંસાની ધમકીઓ અપાઈ છે.
ડીસીપી કુશલપાલસિંહનું કહેવું છે કે આ પરિવાર એકબીજાને ઘણાં વર્ષોથી ઓળખતા હતા.
જોકે, તરુણના પિતા મમરાજે આ વાતનો ઇનકાર કર્યો. આટલું જ નહીં, તેમણે કહ્યું કે તેમની એ પરિવાર સાથે કોઈ જૂની અદાવત નથી.
અમે જોયું કે તરુણના ઘરે શોક પ્રસરેલો છે. મમરાજે જણાવ્યું કે તરુણ ઇન્ટિરિયર ડિઝાઇનનો કોર્સ કરી રહ્યા હતા.
તેઓ જણાવે છે કે, "એ મને કહેતો, પાપા, હું એક દિવસ મોટો માણસ બનીશ. ખૂબ પૈસા કમાઈશ અને તમારી સેવા કરીશ. મારો દીકરો ખૂબ સારો હતો, એ મારી વૃદ્ધાવસ્થાનો આશરો હતો."
એ દિવસે મારઝૂડમાં પરિવારના અન્ય પણ ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મમરાજની એક આંખ પર ઊંડો કાળો ઘા પણ જોવા મળ્યો. તેમના કાકા રમેશનો હાથ ભાંગી ગયો અને માથા પર આઠ ટાંકા આવ્યા છે. તેમની માના માથા અને ચહેરા પર પણ ઈજા થઈ છે.
આ મામલામાં અત્યાર સુધી 16 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તેમાં બે સગીર પણ છે.
પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે, તેમાં ઉમરદીન (49), જુમ્માદીન (36), કમરુદ્દીન (36), મુશ્તાક (46), મુઝફ્ફર (25), તાહિર (18), ઇમરાન ઉર્ફે બંટી (38), સાયરા ઉર્ફે કાલી (40), શરીફન (50), સલમા (36), સુહેલ (21), સમીર (20), ફિરોઝ (22) અને ઇસ્માઇલ (50) સામેલ છે.
ડીસીપી કુશલપાલસિંહે બીબીસીને જણાવ્યું કે સગીરોને 'જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ' સમક્ષ રજૂ કરી ચૂક્યા છે. તેમજ અન્ય આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે.
તેમણે જણાવ્યું કે પોલીસ વિસ્તારના સીસીટીવીની પણ તપાસ કરી છે. તેમની પાસે ઝઘડાનો એક નાનકડો પાંચ સેકંડનો વીડિયો પણ છે. તેમાં કેટલાક લોકો લાકડીઓ સાથે ઊભેલા દેખાઈ રહ્યા છે.
તેમના પ્રમાણે, આ વીડિયોની તપાસ ચાલી રહી છે.
બુલડોઝર વડે મકાન તોડવામાં આવ્યું
વાદળી યુનિફૉર્મમાં સજ્જ રૅપિડ ઍક્શન ફોર્સ (આરએફ) જવાન ઘટનાવાળી ગલીમાં પહેરો ભરી રહ્યા છે. બંને તરફ બૅરિકેડ લાગેલાં છે અને અવરજવર પર પ્રતિબંધ છે.
આ મામલાના આરોપીઓના ઘરે તાળાં લટકી રહ્યાં છે.
એ પૈકી એક આરોપીના ત્રણ માળના મકાનનો એક ભાગ એમસીડીએ 8 માર્ચના રોજ બુલડોઝર વડે તોડી પાડ્યો છે. એમસીડીનો દાવો છે કે ઘરનો એ ભાગ દબાણ કરીને બનાવાયું હતું. મકાનની ઈંટો રસ્તા પર વિખેરાયેલી જોવા મળી.
આ મકાન વૉર્ડ-107, વિકાસપુરી કૉર્પોરેટર અસીવાલની હાજરીમાં તોડવામાં આવ્યું હતું. તેમનું કહેવું છે કે, "આરોપીઓને આવો પાઠ ભણાવવો જરૂરી હતું."
બીબીસીને તેમણે કહ્યું, "અમે માત્ર ગેરકાયદેસર દબાણ દૂર કર્યું છે. અમે આ કાર્યવાહી વિસ્તારમાં વધતા આક્રોશને શાંત કરવા માટે કરી છે."
એમસીડીના એક સિનિયર ઑફિસરે નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું કે કાર્યવાહીનો હેતુ એક વહેળા પરથી દબાણ દૂર કરવાનું હતું. એ પ્રમાણે, "બિનઆધિકારિક માળખાને તોડી પાડતા પહેલાં નોટિસ આપવાની હોય છે, દબાણ હઠાવવા માટે નહીં."
અમને જાણવા મળ્યું કે આ ઘર, મોહલ્લાનાં અન્ય ઘરોથી અલગ નહોતું દેખાઈ રહ્યું. જોકે, તોડફોડ માત્ર એ જ ઘરમાં કરાઈ.
ડીસીપી કુશલપાલસિંહનું કહેવું છે કે આ કાર્યવાહીની જાણકારી તેમને એમસીડી પાસેથી 8 માર્ચની સવારે મળી અને તેમણે માત્ર એમસીડીનો સહયોગ કર્યો.
આ પહેલાં પણ બીજાં રાજ્યોમાં કોઈ ગુનાના આરોપીઓનાં ઘર તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ થઈ ચૂક્યો છે. વિપક્ષ અને માનવાધિકાર સંગઠન તેની કઠોર ટીકા કરતાં રહ્યાં છે.
પીટીઆઇ પ્રમાણે, 6 માર્ચના રોજ આ ઘર પર પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો અને કેટલાંક વાહનોમાં આગચંપી પણ કરી હતી.
ડીસીપી કુશલપાલસિંહે કહ્યું છે કે આગચંપીના મામલાની તપાસ ચાલી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરાશે. જોકે, પોલીસ હજુ સુધી પ્રદર્શનકારીઓને ઓળખી નથી શકી અને ના આ મામલામાં કોઈ એફઆઇઆર દાખલ થઈ છે.
આ દરમિયાન, દિલ્હી હાઇકોર્ટે એક અરજીની સુનાવણી કરતા બુધવાર સવાર સુધી કોઈ પણ પ્રકારની તોડફોડની કાર્યવાહી સામે રોક લાદી દીધી હતી.
આરોપીના પરિવારનાં મહિલાનો દાવો
બીજી તરફ, આ ઘટના બાદ આરોપીઓના સંબંધીઓ મોહલ્લામાં હાજર નથી.
આ દરમિયાન, આ મામલામાં એક આરોપી સાયરાનાં ભત્રીજી સામે આવ્યાં. તેમણે દિલ્હીમાં 10 માર્ચના રોજ એક પ્રેસ કૉન્ફરન્સ યોજી. જોકે, તેમણે પોતાની ઓળખ છતી ન કરી.
તેમણે પોતાના સંબંધીઓ પર લાગેલા આરોપોને ખારિજ કરતા તેમને ખોટા ગણાવ્યા. તેમણે ઘટનાનું અલગ જ વિવરણ આપતાં દાવો કર્યો કે સાયરા ઉપર કોઈ બાળકીએ નહીં, પરંતુ એક 20 વર્ષના યુવકે ગંદા પાણીનો ફુગ્ગો ફેંક્યો હતો.
તેમનો આરોપ છે કે એ બાદ તેમની સાથે ગેરવર્તન કરાયું.
તેમણે રડતાં રડતાં કહ્યું, "એ બાદ મારા ઘરના પુરુષો બહાર આવ્યા અને ગલીમાં મારામારી શરૂ થઈ ગઈ. જ્યારે બંને ઘરના વડીલો સમાધાનની વાત કરી રહ્યા હતા, ત્યારે જ તરુણ અમુક છોકરા સાથે હૉકી સ્ટિક અને સળિયો લઈને ત્યાં આવી પહોંચ્યો."
તેમનો આરોપ છે કે, "એ લોકોએ મારા પરિવારજનોના માથા પર વાર કર્યો."
આ મહિલાનો એવો પણ દાવો છે કે તરુણના માથા પર તેમના ઘરના લોકોની લાકડી વડે ઈજા નથી થઈ. તેમનો દાવો છે કે, "તરુણ ઘરે અમુક છોકરા સાથે નશાગ્રસ્ત હાલતમાં આવ્યો હતો. તેમની જ લાકડી તેના માથે લાગી અને એ બેહોશ થઈને ઢળી પડ્યો."
તેમણે એવું પણ કહ્યું કે આ મારઝૂડમાં તેમના પરિવારજનોને પણ ઈજા થઈ છે.
પ્રેસ કૉન્ફરન્સમાં આ મહિલાએ કહ્યું, "ઘર પર બુલડોઝર ફેરવવું એ કેવો ન્યાય છે? અમારો બધો સામાન, અમારા દસ્તાવેજો, અમારી રોકડ, જ્વેલરી... બધું સળગાવી દીધું. અમને ઘરવિહોણા કરી મૂક્યા."
વિસ્તારમાં ઈદ કેવી રીતે ઊજવાશે?
ત્યાંના પ્રમુખ જેજે કૉલોની બજારના દુકાનદારોએ જણાવ્યું કે સામાન્યપણે રમજાન દરમિયાન આ વિસ્તારમાં ઝાકઝમાળ હોય છે. ઇફ્તાર બાદ જબરદસ્ત રોનક રહેતી. પરંતુ આ વર્ષે બધું સૂમસામ છે.
બજાર રોશનીની ઝાલર અને રંગીન કાગળોથી સુશોભિત છે. દરેક જગ્યાએ 'રમજાન મુબારક'ના બોર્ડ પણ લાગેલાં છે, પરંતુ દુકાનોનાં શટર બંધ છે.
અહીંના માર્કેટ ઍસોસિયેશનના અધ્યક્ષ અઝહર કહે છે કે રમજાન મહિનો ખરાબ કરાઈ રહ્યો છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે આરોપ કર્યો, "અહીં લોકો રોજ આવીને નારાબાજી કરે છે અને ઉશ્કેરવાની કોશિશ કરે છે. કોઈ ઝઘડો ન થાય અને વાત આગળ ન વધે એ બાબત ધ્યાને રાખીને જ બધી દુકાનો બંધ છે."
બીબીસીની ટીમે જોયું કે ઉત્તમનગર પોલીસ સ્ટેશન સામે નાનાં નાનાં પ્રદર્શન ચાલી રહ્યાં છે. ત્યાં જાતભાતના નારા લાગી રહ્યા છે.
ત્યાંના મુસ્લિમ ઍસોસિયેશનના અધ્યક્ષ ખાલિદ અલીનો દાવો છે કે, "આ પ્રદર્શનકારી ઉશ્કેરણીજનક વાતો કરે છે અને તેમને કોઈ રોકતું નથી. અમે સુરક્ષાનાં કારણોસર દુકાનો બંધ રાખી છે અને ઘરના યુવાનોને ઘરમાં રહેવા જણાવ્યું છે. અમે કોઈને બહાર નથી આવવા દઈ રહ્યા."
તેમના પ્રમાણે, પરસ્પરની અદાવતના મામલાને સાંપ્રદાયિક સ્વરૂપ અપાઈ રહ્યું છે.
આ સમુદાયના ઘણા અન્ય લોકોનું કહેવું છે કે તેમના મનમાં ડર પેસી ગયો છે અને એવું લાગી રહ્યું છે કે આ વર્ષે ઈદ નહીં ઊજવાય.
ખાલિદ અલીએ કહ્યું, "હવે અમારી પાસે ઈદ મનાવવા પૂરતાય પૈસા નથી. દુકાનો બંધ થવાને કારણે કોઈ કમાણી નથી થઈ અને ના હવે કોઈનું મન છે."
"જો ઈદગાહમાં પરવાનગી મળી તો ત્યાં નમાજ પઢશું,નહીંતર અમારી નાની મસ્જિદોમાં જ નમાજ પઢવી પડશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન