વડા પ્રધાન મોદીનો ઇઝરાયલ પ્રવાસ વિવાદોમાં કેમ ઘેરાયો, બહિષ્કારની ધમકી કોણે આપી?

વાંચવાનો સમય: 4 મિનિટ

વડા પ્રધાન મોદી આજથી ઇઝરાયલના પ્રવાસે છે, પરંતુ એ પહેલાં ઇઝરાયલનો વિપક્ષ સંસદમાં મોદીના ભાષણનો બહિષ્કાર કરવાની યોજના બનાવી રહ્યો છે.

હકીકતમાં આ ત્યાંના સ્થાનિક રાજકારણમાં વિવાદોને કારણે થઈ રહ્યું છે.

ઇઝરાયલના મીડિયાનો દાવો છે કે નરેન્દ્ર મોદી આ પ્રવાસમાં ત્યાંની સંસદને પણ સંબોધિત કરશે.

ઇઝરાયલની ન્યૂઝ વેબસાઇટ 'હારેત્ઝે' તેના અહેવાલમાં લખ્યું છે કે, "કેનેસ્સેટ(ઇઝરાયલની સંસદ) સ્પીકરે વિશેષ સત્રમાં સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ આઇઝૅક અમિતને આમંત્રિત કર્યા નથી. આ નિર્ણયને લઈને ટકરાવ શરૂ છે, જ્યારે તેમને પરંપરા અનુસાર બોલાવવામાં આવતા હોય છે."

ઇઝરાયલના પબ્લિક બ્રૉડકાસ્ટર 'કાન' અનુસાર, નેસ્સેટ સ્પીકર અમીર ઓહાનાએ કહ્યું હતું કે મોદી અડધી ખાલી સંસદને સંબોધિત નહીં કરે અને બહિષ્કાર કરનારા વિપક્ષી સાંસદોની બેઠકો ભરવા માટે પૂર્વ સાંસદોને આમંત્રિત કરવાની યોજના છે.

ન્યાયિક પ્રાધિકરણના એક પ્રવક્તાએ સોમવારે 'ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયલ'ને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ આઇઝૅક અમિતને હજુ સુધી નિમંત્રણ મળ્યું નથી.

નિમંત્રણ ન મોકલાયું હોવાની પુષ્ટિ નેસ્સેટના સ્પીકર અમીર ઓહાનાના એક પ્રવક્તાએ પણ કરી છે જેમણે સ્થાપિત પ્રોટોકૉલ અનુસાર નિમંત્રણ ન મોકલાયું હોવા વિશે કહ્યું છે કે આ કોઈ નવી વાત નથી.

ઇઝરાયલના વિપક્ષના નેતા અને પૂર્વ વડા પ્રધાન યેર લાપિડે 23 ફેબ્રુઆરીએ ઍક્સ પર લખ્યું હતું કે, "હું વડા પ્રધાન નેતન્યાહૂને આગ્રહ કરું છું કે તેઓ સંસદના સ્પીકરને નિર્દેશ આપે કે તેઓ સુપ્રીમ કોર્ટના અધ્યક્ષનો બહિષ્કાર ન કરે અને ભારતના વડા પ્રધાન મોદીના સન્માનમાં આયોજિત ઔપચારિક સત્રમાં વિપક્ષને ભાગ લેવા દે. અમે સત્રમાં સામેલ થવા માગીએ છીએ, વડા પ્રધાન નેતન્યાહૂએ સંસદના સ્પીકર અમીર ઓહાનાને આદેશ આપવો જોઈએ કે તેઓ અમને સત્રમાં ભાગ લેવાની અનુમતિ આપે."

બહિષ્કારની ધમકી પર વિવાદ

હારેત્ઝ લખે છે કે સુપ્રીમ કોર્ટના પ્રમુખ આઇઝેક અમિતને આમંત્રણ ન આપવાનો નિર્ણય નેતન્યાહૂ સરકારના એ પ્રયાસનો ભાગ છે જેમાં સુપ્રીમ કોર્ટના પ્રમુખ અને એટર્ની જનરલ ગાલી બહારવ-મીરાના અધિકારને પડકારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સાથે જ ન્યાયતંત્રની સત્તાઓમાં ફેરફાર કરવા માટે કાયદો રજૂ કરવાનો છે.

યેર લાપિડે ગત અઠવાડિયે પ્રસ્તાવિત બહિષ્કારની જાહેરાત કરતાં કહ્યું હતું કે, "જસ્ટિસ અમિતનો બહિષ્કાર એ વિપક્ષનો પણ બહિષ્કાર છે અને તે અમને સત્રમાં હાજરી આપવા દેશે નહીં."

ગુરુવારે નેસ્સેટમાં બોલતા તેમણે કહ્યું હતું કે વિપક્ષ દોઢ અબજ લોકોના દેશના નેતાને અડધા ખાલી નેસેટ સમક્ષ ઊભા રાખીને ભારતને શરમજનક બનાવવા માંગતો નથી. લાપિડે એ પણ દાવો કર્યો હતો કે તેમના આ નિર્ણયથી ભારતનો દૂતાવાસ ગભરાટમાં છે.

ઓહાનાએ 18 ફેબ્રુઆરીએ લેપિડની ધમકીને રાજકીય ટકરાવમાં અનુચિત હથિયાર ગણાવ્યું હતું.

ઓહાનાએ લાપિડને અપીલ કરી હતી કે તેઓ વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ શક્તિઓમાંથી એક સાથેના ઇઝરાયલના આંતરરાષ્ટ્રીય સંબંધોને નુકસાન ન પહોંચાડે.

તેમણે ઍક્સ પર લખ્યું હતું કૈ, "લાપિડે ભારતીય દૂતાવાસ સાથેની તેમની આગામી વાતચીતમાં સમજાવવું જોઈએ કે તેમણે રાષ્ટ્રપતિ ઝેવિયર મિલી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના સન્માનમાં યોજાયેલા ખાસ સત્રોનો બહિષ્કાર કેમ ન કર્યો. તેમાં પણ જસ્ટિસ અમિતને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પરંતુ હવે તેઓ ભારતના વડા પ્રધાનનો બહિષ્કાર કરવા માંગે છે,"

મોદીની આ બીજી ઇઝરાયલ મુલાકાત છે. ગત મહિને વિરોધ પક્ષોએ અમિતને આમંત્રણ ન આપવાના ઓહાનાના નિર્ણયનો વિરોધ કરીને, નેસેટની સ્થાપના વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા ખાસ સત્રને પણ અવગણ્યું હતું.

સુપ્રીમ કોર્ટના પ્રમુખનો બહિષ્કાર

જાન્યુઆરી, 2025 માં અમિત કોર્ટના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી, ન્યાય મંત્રી યારિવ લેવિને તેમની સત્તાને માન્યતા આપવાનો ઇન્કાર કર્યો હતો અને ત્યારબાદ તેમને મળવાનો, કોર્ટના વડા તરીકે સંબોધવાનો અથવા કાયદા દ્વારા જરૂરી હોય તે રીતે રાજ્ય ગેઝેટમાં તેમની નિમણૂક પ્રકાશિત કરવાનો ઇન્કાર કર્યો હતો.

સરકારના કેટલાક અન્ય સભ્યોએ પણ આ વલણને ટેકો આપ્યો હતો, અને ડાયસ્પોરા મામલાઓના મંત્રી અમીહાઈ ચિકલીએ, કૉમ્યુનિકેશન મિનિસ્ટર શ્લોમો કારહી સાથે મળીને, સરકારને અનેક પ્રસંગોએ જાહેરમાં અપીલ કરી હતી કે તેઓ મહત્ત્વપૂર્ણ કોર્ટના આદેશો અને નિર્ણયોનું પાલન ન કરે.

આ બહિષ્કારના પરિણામે અમિતને ઘણા નેસેટ કાર્યક્રમોમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા જેમાં તેમને પરંપરાગત રીતે આમંત્રિત કરવામાં આવે છે, જેમ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય વિશ્વ નેતાઓનાં ભાષણો.

ગયા વર્ષે ઑક્ટોબરમાં નેસેટના 2025ના શિયાળુ સત્રની શરૂઆત દરમિયાન, સ્પીકર અમીર ઓહાનાએ અમિતને મુખ્ય ન્યાયાધીશને બદલે ફક્ત ન્યાયાધીશ તરીકે સંબોધિત કર્યા હતા, જેનો રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે વાંધો ઉઠાવ્યો હતો.

બે અઠવાડિયા પહેલાં પણ અમિતને આમંત્રણ આપવાનો ઇન્કાર કરવાના વિરોધમાં વિપક્ષે નેસેટના 77મા વર્ષગાંઠ સત્રનો બહિષ્કાર કર્યો હતો. લાપિડ એકમાત્ર વિપક્ષી સભ્ય હતા જેમણે સભાને સંબોધિત કરી હતી, જેમાં નેતન્યાહૂ દ્વારા કોર્ટના પ્રમુખ સાથે કરવામાં આવેલા વર્તનની ટીકા કરવામાં આવી હતી.

મોદીની બીજી મુલાકાત

નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ટ્રમ્પની નીતિઓને કારણે ભારત અનેક મોરચે વિવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે.

હારેત્ઝે એક અહેવાલમાં લખ્યું છે કે, "મોદી અને નેતન્યાહૂએ ટ્રમ્પ 2.0 ના યુગમાં અનુકૂલન સાધવાની તેમની ક્ષમતા દર્શાવી છે, જેમાં કૂટનીતિ વ્યક્તિગત બની ગઈ છે અને શાસન મંત્ર "હું જ સ્ટેટ છું" બની ગયો છે. પુતિન રશિયા છે, શી જ ચીન છે, બીબી ઇઝરાયલ છે અને મોદી જ ભારત છે. દરેકે પોતાના દેશને અમેરિકાના અનિવાર્ય સાથી તરીકે પણ સ્થાપિત કર્યો છે - લશ્કરી, તકનીકી અને ભૂ-રાજકીય, બધી રીતે."

હારેત્ઝે લખ્યું, "છતાં પણ આ સમાનતાઓ સાથે ઊંડા તફાવતો પણ છે - ફક્ત તેમના ઐતિહાસિક, રાજકીય અને સાંસ્કૃતિક સંદર્ભોમાં જ નહીં, પરંતુ તેઓ તેમની શક્તિ કેવી રીતે જાળવી રાખે છે અને વિસ્તૃત કરે છે તેમાં પણ ઘણું અંતર છે. ઘણા નિષ્ણાતોની મદદથી, હારેત્ઝે તે મુલાકાત પછી મોદીના ઉદય અને કાર્યકાળનો અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સમજવાનો પ્રયાસ કર્યો કે એક વડા પ્રધાન કે જેમણે તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન દેશમાં ક્યારેય એક પણ પરંપરાગત પ્રેસ કૉન્ફરન્સ યોજી નથી તે રાજકીય રીતે આટલા મહત્ત્વપૂર્ણ કેવી રીતે બની ગયા."

'કાર્નેગી ઍન્ડોમેન્ટ ફૉર ઇન્ટરનૅશનલ પીસ'માં સિનિયર ફેલો અને સાઉથ એશિયા પ્રોગ્રામના ડાયરેક્ટર મિલન વૈષ્ણવે કહ્યું, "મોદી એક પેઢીમાં એક જ વાર જોવા મળતી રાજકીય પ્રતિભા છે. તેઓ બરાક ઓબામાની વક્તૃત્વ કુશળતાને બિલ ક્લિન્ટન જેવી રાજકીય સમજ સાથે જોડે છે. સામાન્ય રીતે રાજનેતાઓમાં તેમાંથી એક જ ગુણ હોય છે, બંનેમાં મહારત હોવી એ દુર્લભ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન