You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
98 સીસીટીવી અને 2574 ફોન નંબર તપાસ્યા બાદ વિદ્યાર્થિનીના રેપ અને મર્ડરનો આરોપી આવી રીતે ઝડપાયો
(નોંધ : વાચકોને કેટલીક વિગતો વિચલિત કરી શકે છે.)
જિલ્લા પોલીસ અધીક્ષક મદને પ્રેસ કૉન્ફરન્સમાં આપેલી માહિતી મુજબ તામિલનાડુના થૂથકુડી ખાતે 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાથે રેપ કરી અને તેમની હત્યા કરી દેવાની ઘટના ઘટી હતી.
આ ગુનાનો આરોપી સીસીટીવી ફૂટેજ જેવા વૈજ્ઞાનિક પુરાવાની મદદથી ઝડપાઈ ગયો હતો.
મદને કહ્યું કે વિદ્યાર્થિની પર રેપ કરીને તેમની હત્યા કરી દેવાઈ હતી.
તેમણે કહ્યું કે વિદ્યાર્થિનીનાં માતાપિતાએ 10 માર્ચના રોજ 12મા ધોરણમાં ભણતી પોતાની દીકરીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
માતાપિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેમનાં દીકરી નજીકના જંગલમાં પોતાનું કામ કરવા માટે ગયાં હતાં અને પાછાં ફર્યાં નહોતાં.
જોકે, વિદ્યાર્થિનીના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યું હતું કે પોલીસે શરૂઆતના તબક્કામાં ફરિયાદ દાખલ નહોતી કરી.
તેમણે કહ્યું કે અન્ય ગામલોકો સાથે જંગલમાં શોધખોળ હાથ ધર્યા બાદ પણ તેમની દીકરી મળી આવી નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘટનાના બીજા દિવસે એટલે કે 11 માર્ચે ગામલોકોએ આરોપ કર્યો કે જ્યારે પરિવારના એક સભ્યને જંગલ વિસ્તારમાં દીકરીનો મૃતદેહ મળ્યો ત્યારે પોલીસ ગુનાના સ્થળે પહોંચી હતી.
આરોપીની ધરપકડમાં થયેલા વિલંબને પગલે ગામલોકો દ્વારા ઘણાં પ્રદર્શનો કરાયાં હતાં.
આ અંગે થૂથકુડી જિલ્લા પોલીસે કહ્યું કે આ વિદ્યાર્થિનીની હત્યાના કેસમાં ધર્મમુનિશ્વરન નામક એક આરોપીની ધરપકડ કરાઈ છે.
જિલ્લા એસપી મદને પ્રેસ કૉન્ફરન્સમાં આખરે પોલીસ આરોપી સુધી કેવી રીતે પહોંચી એ અંગે વાત કરી.
તેમણે કહ્યું, "અમે આ કેસ માટે દસ સ્પેશિયલ ટીમો બનાવી હતી. જેમાં કુલ 150 લોકો હતા, આ ટીમોમાં ચાર ડીવાયએસપી અને છ પોલીસ ઇન્સ્પેક્ટર સામેલ હતા."
એસપી મદને કહ્યું, "અમે વૈજ્ઞાનિક ઢબે આ તપાસ કરી. સ્થળ પરથી ફિંગરપ્રિન્ટ અને ફોરેન્સિક નિષ્ણાતોએ પુરાવા એકત્રિત કર્યા અને પોતાના અહેવાલ સબમિટ કર્યા. અમે ઘણા ઍંગલથી તપાસ કરી. સ્થળ પર કોઈ સીસીટીવી ન હોવા છતાં, અમે એ વિસ્તારની આસપાસના સીસીટીવી ફૂટેજ જોયા."
"અમે આ કેસ માટે 98 સીસીટીવી ફૂટેજ જોયા, અમે ઘટનાના સ્થળે એ દિવસે ચાલુ હોય એવા 2574 મોબાઇલ નંબરોની તપાસ કરી. અમે આ તપાસ માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની યાદી તૈયાર કરી અને તપાસ માટે સ્પેશિયલ ટીમો બનાવી."
'અમે તેને સજા અપાવીને જંપીશું'
મદને કહ્યું, "આ કેસની તપાસમાં, અમે ગુનાહિત ઇતિહાસ ધરાવતી 461 વ્યક્તિની પૂછપરછ કરી. અમે તેમણે આપેલી માહિતીની ડિજિટલ પુરાવા થકી ચકાસણી કરી. તપાસ બાદ, અમે એક વ્યક્તિની ધરપકડ કરી."
મદને કહ્યું, "અમે ઘટનાસ્થળેથી પ્રાપ્ત થયેલા મજબૂત પુરાવા, મોબાઇલ કૉલ્સ અને સીસીટીવી ફૂટેજ આધારે એ વ્યક્તિની ઓળખ કરી. અમે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી અને તેની ધરપકડ કરી."
એસપીએ કહ્યું કે ધરપકડ કરાઈ એ વ્યક્તિ પર પહેલાં જ ઘણા કેસો છે.
તેમણે કહ્યું, "અમે જલદી જ ચાર્જશીટ દાખલ કરીશું. અમે તેને વધુમાં વધુ સજા થાય એ સુનિશ્ચિત કરીશું. આ સિવાય આ ગુનામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની તપાસ પણ ચાલુ છે."
જ્યારે રિપોર્ટરોએ પૂછ્યું, "શું વિદ્યાર્થિની પર રેપ થયો હતો?"
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "રેપ બાદ તેની હત્યા કરી દેવાઈ હતી. અમે જરૂરી પુરાવા એકત્રિત કરીને મોકલી આપ્યા છે. આ કેસની તપાસ હજુ ચાલુ હોઈ, અમે વધુ માહિતી ન આપી શકીએ."
જ્યારે પુછાયું કે, "આરોપીને પકડવામાં નવ દિવસ કેમ લાગ્યા?" તેમણે કહ્યું, "અમે ગામલોકો દ્વારા કહેવાઈ રહેલી વાત સાચી છે કે કેમ એ જાણવા માટે અલગ તપાસ કરી રહ્યા હતા."
એસપી મદને કહ્યું કે ગામોમાં આવનારા દિવસોમાં વધુ સીસીટીવી કૅમેરા ઇન્સ્ટૉલ કરાશે અને પોલીસ સર્વેલન્સમાં પણ વધારો કરાશે.
પોલીસે કહ્યું કે આરોપીની ધરપકડ બાદ મૃતકનાં માતાપિતાએ મૃતદેહ સ્વીકારી લીધો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન