જર્મની ઊંચા પગારે કામ કરવા ભારતીયોને કેમ બોલાવી રહ્યું છે?

    • લેેખક, ટિમ મૅનસેલ
    • પદ, બિઝનેસ રિપોર્ટર
  • વાંચવાનો સમય: 5 મિનિટ

જર્મની અત્યારે કુશળ વર્કરોની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. પાકટ વયના લોકો નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે તેમની જગ્યા ભરવા માટે પૂરતી સંખ્યામાં યુવાનો નથી. આ સમસ્યાના ઉકેલરૂપે જર્મની હવે ભારતમાંથી વર્કરો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

હેન્ડ્રિક વૉન અનગર્ન-સ્ટર્નબર્ગ નામની વ્યક્તિને ફેબ્રુઆરી 2021માં ભારતમાંથી એક ઇમેઇલ મળ્યો હતો. સાર આવો હતો: "કામ શીખવામાં રસ ધરાવતા અઢળક યુવાનો અમારી પાસે છે, શું તમે તેમને તક આપશો?"

વૉન અનગર્ન-સ્ટર્નબર્ગ ઇંટ બનાવનારા, સુથાર, કસાઈ અને બૅકર્સનું તથા આ વર્કરોને રોજગાર આપનારી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરનારા વ્યાપારી સંગઠન - 'ફ્રિબર્ગ ચૅમ્બર ઑફ સ્કીલ્ડ ક્રાફ્ટ્સ' માટે કામ કરતા હતા.

તેમને તે ઇમેઇલ એકદમ યોગ્ય સમયે મળ્યો હતો. "ઘણા નોકરીદાતાઓ કામદારોની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આથી જ અમે તેમને તક આપવાનું નક્કી કર્યું," એમ તેમણે જણાવ્યું હતું.

માંસની દુકાનોમાં...

સૌપ્રથમ, તેમણે સ્થાનિક ખાટકી સંઘના પ્રમુખને ફોન કર્યો. તે સમયે સમગ્ર જર્મનીમાં તે ક્ષેત્ર અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહ્યું હતું. આ ઉદ્યોગને ભારે ફટકો પડ્યો હતો. આ પ્રકારના નાના વ્યવસાયોની સંખ્યા 2002માં 19,000 હતી, તે 2021માં ઘટીને માત્ર 11,000 થઈ ગઈ હતી. યુવાનો આ કામ કરવા માટે તૈયાર નહોતા.

સંઘના પ્રમુખ જોઆચિમ લેડરરે જણાવ્યું હતું, "આ ખૂબ જ કપરું કામ છે. આથી જ છેલ્લાં 25 વર્ષથી યુવાનો આ વ્યવસાય અપનાવી રહ્યા નથી અને તેઓ અન્ય નોકરીઓ તરફ વળી રહ્યા છે."

હેન્ડ્રિકને ઇમેઇલ મોકલનારી ભારતીય કંપની 'મૅજિક બિલિયને' તે સમયે 13 લોકોની પસંદગી કરીને 2022માં તેમને જર્મની મોકલ્યા. તે લોકો સ્વિસ સરહદ પર આવેલાં નાનાં શહેરોમાં આ કામની તાલીમ લેવા આવ્યા હતા.

ભારતથી આવનારા 13 લોકોમાં 21 વર્ષનાં અનાકા મરિયમ શાજી પણ હતાં. સાથે આવેલા અન્ય લોકોની માફક તેઓ પણ પ્રથમ વખત ભારતની બહાર આવ્યાં હતાં.

તેમણે કહ્યું હતું, "હું દુનિયા જોવા માગતી હતી. હું મારું જીવન બદલવા માંગતી હતી. હું એક બહેતર સ્થળે જવા માગતી હતી." અનાકા વેલ એમ હાઇન શહેરમાં લેડરર માટે કામ કરવા આવ્યાં હતાં.

ત્રણ વર્ષમાં સ્થિતિ ઘણી બદલાઈ ચૂકી છે. હવે, 'મૅજિક બિલિયન'નાં અદિતી બેનરજી સાથે ભાગીદારીમાં વૉન અનગર્ન-સ્ટર્નબર્ગે તેમની પોતાની કંપની 'ઇન્ડિયા વર્ક્સ'ની સ્થાપના કરી છે. જર્મનીમાં વધુને વધુ ભારતીયોને લાવવામાં આવી રહ્યા છે. જર્મનીમાં કસાઈની દુકાનોમાં કામ કરનારા ભારતીયોની સંખ્યા 13થી વધીને 200 થઈ ગઈ છે.

વસતિસંકટ અને ભારતની તક

જર્મની વસતિવિષયક સંકટનો સામનો કરી રહ્યું છે. 'બર્ટેલ્સમૅન ફાઉન્ડેશન' થિન્ક ટૅન્ક દ્વારા 2024માં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, જર્મનીને તેનું અર્થતંત્ર સુચારુ રીતે ચલાવવા માટે દર વર્ષે 2,88,000 વિદેશી વર્કરોની જરૂર છે.

જો તેમ ન થાય, તો 2040 સુધીમાં શ્રમબળ 10 ટકા સુધી ઘટી જવાની શક્યતા તેમાં વ્યક્ત કરવામાં આવી હતી.

બીજી તરફ, બીજા વિશ્વયુદ્ધના અંત પછીના સમયગાળામાં જન્મેલી પેઢી હવે નિવૃત્તિની નજીક પહોંચી છે. નીચા જન્મદરને કારણે જર્મનીમાં યુવાનોની સંખ્યા ઘટી ગઈ છે, ત્યારે બીજી તરફ ભારતમાં યુવાનોની સંખ્યા કરોડોમાં છે.

અદિતી બેનરજીએ કહ્યું હતું કે, ભારતમાં 25 વર્ષ કરતાં ઓછી વયના 60 કરોડ લોકો વસે છે. "દર વર્ષે 1 કરોડ 20 લાખ લોકો કાર્યબળમાં પ્રવેશ કરી રહ્યા છે. આથી જ, કામ કરવા માટે ઘણા લોકો ઉપલબ્ધ છે."

'ઇન્ડિયા વર્ક્સ' આ વર્ષે ઍપ્રેન્ટિસશિપ હેઠળ 775 લોકોને જર્મની પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. હવે ભારતીયો માત્ર ખાટકીની દુકાનોમાં કામ નથી કરતાં, બલ્કે તેઓ માર્ગનું બાંધકામ કરનાર, મિકેનિક, મિસ્ત્રી અને બૅકર તરીકે પણ કામ કરે છે.

2022માં ભારત અને જર્મની વચ્ચે થયેલા 'માઇગ્રેશન ઍન્ડ મોબિલિટી પાર્ટનરશિપ ઍગ્રીમેન્ટ'ને કારણે ભારતીય કામદારો માટે કામના કારણોસર જર્મનીનો પ્રવાસ ખેડવો સરળ બન્યો છે.

2024માં જર્મનીએ જાહેરાત કરી હતી કે, તે ભારતીયો માટે વર્ક વિઝાનો ક્વૉટા દર વર્ષે 20,000થી વધારીને 90,000 કરી દેશે. 2015માં જર્મનીમાં ભારતીય વર્કરોની સંખ્યા 23,000 હતી, તે 2024 સુધીમાં વધીને 1 લાખ 36 હજાર થઈ જવાની અપેક્ષા છે.

'ભારતમાં નોકરી નહોતી મળતી'

'ઇન્ડિયા વર્ક્સ' મારફત જર્મની ગયેલા તમામ ભારતીયો ત્યાં મળતા ઊંચા પગાર અને બહેતર જીવનધોરણથી ખુશ છે. જેમકે, 20 વર્ષના દિલ્હીના રહેવાસી ઇશુ ગારિયા તેમના પરિવારને આર્થિક મદદ કરવા માટે હવે જર્મનીમાં બૅકરના ઍપ્રેન્ટિસ તરીકે કામ કરે છે.

ઇશુએ કહ્યું હતું, "હું પહેલાં મારી ડિગ્રી પૂરી કરવા માગતો હતો અને કૉમ્પ્યુટરને લગતી કોઈ જોબ કરવા માગતો હતો. પણ મારે અભ્યાસ પાછળ આટલો ખર્ચો કરીને ઓછા વેતનની નોકરી નહોતી કરવી. આથી હું જર્મની આવ્યો. અહીં અમને ઊંચો પગાર મળે છે, તેના કારણે હું મારા પરિવારને નાણાકીય મદદ કરી શકું છું."

એ જ રીતે, 25 વર્ષના અજયકુમાર ચંદાપાકા 'સ્પેડિશન ડોલ્ડ' નામની એક પરિવહન કંપની માટે કામ કરવા ગયા છે. તેઓ મિકેનિકલ એંજિનિયરિંગમાં સ્નાતક ડિગ્રી ધરાવે છે. અજયકુમાર જણાવે છે, "મને ભારતમાં નોકરી નહોતી મળતી, તે ઘણું મુશ્કેલ હતું. આથી મને લાગ્યું કે, જર્મનીમાં ઍપ્રેન્ટિસશિપ કરવી એ સારો વિકલ્પ છે."

'ભારતીયો ન હોત તો મારા વ્યવસાયને તાળાં લાગી ગયાં હોત'

લેડરરને ત્યાં હવે સાત ભારતીયો કામ કરે છે અને તેઓ કહે છે કે, તેમનો વ્યવસાય તે ભારતીયો પર જ નિર્ભર છે.

તેમણે જણાવ્યું, "35 વર્ષ પહેલાં જ્યારે મેં આ વ્યવસાય શરૂ કર્યો, ત્યારે અહીંના 10 કિલોમીટરના વિસ્તારમાં આવી માત્ર આઠ દુકાનો હતી. હવે હું એકલો જ બચ્યો છું. જો ભારતીયો ન હોત, તો મારો વ્યવસાય આજે ક્યારનોય બંધ થઈ ગયો હોત."

વેલ એમ હાઇન શહેરનાં મેયર ડાયના સ્ટોકર હવે ભારતથી કિન્ડરગાર્ટનનાં શિક્ષકોની ભરતી પણ કરી રહ્યાં છે. જર્મનીની કન્ઝર્વેટિવ ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક યુનિયન પાર્ટીનાં સભ્ય ડાયનાએ જણાવ્યું હતું, "અમે સમગ્ર જર્મનીમાંથી શિક્ષકોની શોધ કરી, પણ અહીં શિક્ષકો મળવાનું ઘણું મુશ્કેલ છે."

તેમણે એ સ્પષ્ટ કર્યું હતું કે, જર્મનીના વિકાસનો એકમાત્ર માર્ગ વિદેશીઓને સ્વીકારવામાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન