You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : સીદી સમાજની આ છોકરીએ ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે રોશન કર્યું?
સામાન્ય ભારતીયો જેવા તેમની આંખો અને ચહેરા નથી. આ છે જૂનાગઢમાં રહેતા આફ્રિકી મૂળના ભારતીય - સીદી સમાજના લોકો. જે સદીઓથી સમાજના સામાન્ય વર્ગથી દૂર રાખવામાં આવ્યા છે.
તેમનું સામાન્ય ભારતીયોની જેમ ન દેખાવું જ તેમના માટે અસમાનતાનું કારણ બની ગયું અને તેઓ દબાતા ગયા. પણ હવે તેમાંથી કેટલાક લોકોએ સ્પૉર્ટ્સના માધ્યમથી પોતાની બંધિયાળ દુનિયાની દીવાલો પાડી દીધી છે.
ગુજરાતનાં શાહીન દરજાદા જૂડો ચૅમ્પિયન છે. સપ્ટેમ્બર 2025માં તેમણે પોતાના સમુદાય અને દેશ માટે ઇતિહાસ રચી દીધો.
ઇન્ડોનેશિયામાં થયેલી એશિયન જુનિયર જૂડો ચૅમ્પિયનશિપ માટે 57 કિલો વર્ગમાં તે ગોલ્ડ મૅડલ જિતનારાં પહેલા ભારતીય બની ગયાં અને પેરુમાં યોજાનારી વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે ક્વૉલિફાય કરી લીધું.
જૂડોના માધ્યમથી શાહીન અમદાવાદની આ આધુનિક અને પ્રોફેશનલ ઍકેડૅમી સુધી પહોંચી શક્યાં. તેમના ગામમાં છોકરીઓનું જીવન ઘણું સાદું હોય છે.
સીદી સમુદાયમાં મોટા ભાગના લોકોને સદીઓ પહેલાં ગુલામ તરીકે ભારત લાવવામાં આવ્યા હતા. અંદાજે દોઢસો વર્ષ પહેલાં ગુલામીપ્રથા ખતમ થઈ ગઈ, પણ સીદી સમુદાય વિરુદ્ધ ભેદભાવ યથાવત્ રહ્યો.
તેમના તરફ સમાજના વલણમાં પરિવર્તન લાવવા અને તેમના ઉત્થાન માટે અનેક સરકારી યોજનાઓ લાવવા છતાં કર્ણાટકમાં કેટલાક વિસ્તારોમાં રહેતા અને અહીં ગુજરાતના ગીર સોમનાથમાં વસેલા અંદાજે 20 હજાર સીદી અલગ અલગ જ રહ્યા.
મોટા ભાગની સિદી છોકરીઓને સામાન્ય વ્યવસ્થાથી જ કામ ચલાવવું પડી રહ્યું છે. જેમ કે રમતના મેદાનની જગ્યાએ આ બંધ પડેલી મિલનું મેદાન છે. પણ હવે સ્પૉર્ટ્સના ક્ષેત્રમાં કામ કરી રહેલા ઍક્ટિવિસ્ટ અને સ્પૉર્ટ્સની સરકારી યોજનાઓના આધારે શાહીન જેવી છોકરીઓ બહાર નીકળી રહી છે.
પેરુની જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈને શાહીન પોતાના સમુદાયને દુનિયાની નજરમાં તો લાવી છે, પણ શરૂઆતના રાઉન્ડમાં જ તે બહાર થઈ જાય છે. આમ છતાં જ્યારે તે ઘરે પહોંચે છે તો તેમનું હીરોની જેમ સ્વાગત થાય છે.
શાહીનનું નવું ઘર હવે સીદી શેરીની સૌથી ઊંચી ઇમારત છે. તેમનાં માતા કહે છે કે ઘર બનાવવા માટે શાહીને જીતેલા પુરસ્કારની રકમનું પણ મોટું યોગદાન છે.
શાહીન જાણે છે કે સ્પૉર્ટ્સમાં મેડલ્સ અને ટ્રૉફીનું શું મહત્ત્વ છે, પરંતુ તેઓ અંગત સફળતા માટે જ નથી ભાગી રહ્યાં. શાહીનની સફર હવે શરૂ થઈ છે. ધીરે ધીરે તે પોતાના નાનકડા સમુદાયમાં મોટું પરિવર્તન લાવવા માગે છે.
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY) ઇવેન્ટ આ વર્ષે ફરીથી આવી રહી છે. જે ભારતનાં મહિલા સ્પૉર્ટ્સ ખેલાડીઓની વૈશ્વિક સિદ્ધિઓને બિરદાવે છે.
આ ઇવેન્ટને BBC Gujarati ના તમામ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર 16 ફેબ્રુઆરી, 2026ના રોજ નિહાળી શકશો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન