You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
500 કરોડના ડ્રગ્સનો કેસ : અમદાવાદનો કૅમિસ્ટ આંતરરાષ્ટ્રીય ડ્રગ સપ્લાયર કેવી રીતે બન્યો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
આજથી 12 કે 13 વર્ષો પહેલાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી રોજ સવારે ટિફિન લઈને છત્રાલ કેમિકલ ફૅક્ટરીમાં નોકરી કરવા માટે બસની લાઈનમાં ઊભો રહેનાર માણસ અચાનક મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જઈને કરોડપતિ કઈ રીતે થઈ જાય? જી હા આવું જ બન્યું છે. કેમિસ્ટ્રીમાં એમ.એસસી. થયેલા જીતેશ હીનહોરિયાના કિસ્સામાં.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ઔરંગાબાદથી પકડવામાં આવેલા રૂપિયા 500 કરોડના ડ્રગ્સના કેસના આરોપી જીતેશ હીનહોરિયા જે રીતે દવાઓ બનાવવા ઓઠા હેઠળ ડ્રગ્સ બનાવતો હતો તે જોઈને પોલીસ અધિકારીઓને પણ આશ્ચર્ય થયું હતું.
એટલું જ નહીં પોલીસને જુદા જુદા ડ્રગ પેડલર પાસેથી મળેલા અમેરિકાના એક જ નંબર પર શંકા ન ગઈ હોત તો આટલા મોટા સ્તરે ડ્રગ્સ બનાવવાનું રૅકેટ પકડાયું ન હોત, તેટલી સફાઈથી આ નેટવર્ક કામ કરી રહ્યું હતું.
‘અમેરિકાના નંબર પરથી કડી મળી’
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ અમેરિકાના એક ફોન નંબર પરથી ભારતમાંથી ડ્રગ્સ મંગાવાતું હોવાની તપાસ કરી રહી હતી ત્યારે જીતેશની છત્રાલ કેમિકલ ફૅક્ટરીમાં નોકરીથી શરૂ કરીને ઔરંગાબાદમાં ડ્રગ્સની ફૅક્ટરીના માલિક બનવા સુધી વાતો બહાર આવતા ખુદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમે છેલ્લા છ મહિનામાં મોટી માત્રા સાથે ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સ પેડલરની તપાસ શરૂ કરી. સમગ્ર ગુજરાતનો ડેટા ભેગો કર્યો. આ ડ્રગ્સના પેડલરના ફોન નંબરોનું ટેક્નિકલ એનાલિસિસ ચાલુ કર્યું.”
“જે મોટા ડ્રગ્સ પેડલર હતા એમના સંપર્કો જોતા એક અમેરિકાનો નંબર અમારા હાથે લાગ્યો. એ નંબરની સાથે રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઔરંગાબાદના નંબર સાથે કડી મળતી હતી. ઔરંગાબાદના ફોન નંબર પરથી કોડવર્ડમાં વોટ્સઍપ મૅસેજ આવેલા હતા. મોટાભાગે સામાન્ય લાગતા મૅસેજમાં કેટલાક શબ્દો અને સમય સરખા હતા.”
“અમેરિકાનો જે નંબર હતો એમાં આવેલા એક સરખા મૅસેજના શબ્દો પર ધ્યાન આપ્યું તો, એ કોઈ કૉડવર્ડ હોય એ સ્પષ્ટ સમજાતું હતું એટલે એ શબ્દ પાછળ ઘણી મહેનત કરી. એને અમે ડિકૉડ કર્યો તો, એ કૉડવર્ડનો મતલબ કેટામાઇન ડ્રગ્સ થતો હતો. એટલે અમારી શંકા વધુ પ્રબળ થઈ. કારણ કે કેટામાઇન ડ્રગ્સ ભારતમાં વપરાતું નથી. એ પરદેશમાં યુરોપના દેશોમાં અને અમેરિકામાં વધુ વપરાય છે.
“એટલે અમે ઔરંગાબાદના ફોન નંબરનું વધુ ઝીણવટથી એનાલિસિસ કર્યું. ધીમે ધીમે કૉડવર્ડ ઉકેલાતા જતા હતા. મેફેડ્રિન માટે એક માણસના નામનો ઉપયોગ થતો હતો, જે સામાન્ય વ્યક્તિનું નામ હતું. પણ એક માણસ ગુજરાતમાં અલગ અલગ સમયે એક જ દિવસમાં અલગ અલગ જગ્યા એ પહોંચશે એવા મૅસેજ જુદા જુદા ડ્રગ્સ પેડલરના ફોનમાં હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“એટલે કે એક માણસ ઔરંગાબાદથી એક દિવસે અમદાવાદ, સુરત અને રાજસ્થાન સળંગ પ્રવાસ કરે એ શક્ય જ નહોતું. કેટલાકમાં એક જ સમયે એક માણસ ગુજરાતના ત્રણ શહેરોમાં પહોંચશે એવો મૅસેજ અલગ અલગ શહેરના ડ્રગ્સ પેડલર પાસે હતો. દર વખતે ઔરંગાબાદથી માણસ વારંવાર ગુજરાત શા માટે આવે? આ દિશામાં તપાસ કરી તો, ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કે, એ ઔરંગાબાદથી આવતી ખાનગી ટ્રાવેલર્સ કંપનીની બસનો ગુજરાત પહોંચવાનો સમય હતો.”
‘ઔરંગાબાદમાં વૈભવી જીવન જીવતો’
માંડલિક કહે છે કે, “આ ચિત્ર સ્પષ્ટ થયું એટલે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદથી ઔરંગાબાદ પહોંચી. અમારી ટીમે 25 દિવસ સુધી ઔરંગાબાદમાં ધામા નાખ્યા. અમારી પાસે જે નંબર હતો એનું સર્વેલન્સ કર્યું એટલે એ નંબર જીતેશનો હતો. પછી અમારી ટીમે જીતેશ પર નજર રાખી. તે ઔરંગાબાદના પુના-ઔરંગાબાદ હાઇવે પરના પોશ વિસ્તાર ગોલવાડીમાં આવેલા ત્રણ માળના ફ્લૉરેન્ઝા વીલામાં રહેતો હતો.”
“24 કલાક સિક્યૉરિટીવાળા હાઈ-પ્રોફાઈલ વીલામાં તપાસ કરવા જવું મુશ્કેલ હતું. એ જ્યાં રહેતો હતો ત્યાંથી એની વાલુંજ એમઆઈડીસીમાં આવેલી એક ગીતા કેમિકલ્સ નામની ફૅક્ટરી માત્ર 6 કિલોમોટર દૂર છે. એની બીજી ફૅક્ટરી મહાલક્ષ્મી કેમિકલ્સ ત્યાંથી 43 કિલોમીટર દૂર આવેલી છે. પણ જે પૈઠણ એમઆઈડીસીમાં છે, ત્યાં એ ઓછી હાજરી આપતો હતો.”
પોલીસ અધિકારી માંડલિક કહે છે કે, “એ મહાલક્ષ્મી કેમિકલ ફૅક્ટરીમાં ઓછો સમય જતો હતો. પણ એ જયારે જતો ત્યારે એ દિવસે કેમિકલના ઘણાં બધાં પાર્સલ ત્યાં આવતાં હતાં. અમારી ટીમે જીતેશ હીનહોરિયાની વધુ તપાસ કરી તો, ખબર પડી કે એ મૂળ ગુજરાતથી 2016માં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવ્યો હતો. અહીં આવ્યા પછી એ પૈસાદાર બન્યો હતો. ગુજરાતમાં અમે તપાસ કરી તો, જીતેશ સુરતમાં કેમિકલ ફૅક્ટરીમાં કામ કરતો હતો. એ પહેલાં દસ વર્ષ છત્રાલ જીઆઈડીસીમાં કેમિકલ ફૅક્ટરીમાં કામ કરતો હતો અને ચાંદખેડામાં રહેતો હતો.”
અમદાવાદમાં ગતિવિધિ કેવી હતી?
બીબીસીએ છત્રાલમાં જીતેશ જે ફૅક્ટરીમાં કામ કરતો હતો ત્યાં તપાસ કરી તો જાણવા મળ્યું કે તે ચાંદખેડામાં ગાયત્રીનગર વિસ્તારમાં ભાડે રહેતો હતો.
અલબત્ત 2013 સુધી ચાંદખેડામાં રહેલા જીતેશને ખાસ કોઈ ઓળખતું નથી પણ એના એક જૂના પાડોશી અલ્પેશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “જીતેશ હીનહોરિયાનાં લગ્ન મનીષાબહેન સાથે થયાં હતાં. એ પહેલાં એ અહીંથી ટિફિન લઈને રોજ છત્રાલ ફૅક્ટરીએ જતો હતો. સવારથી સાંજ કામમાં રહેતો જીતેશ બહુ કોઈની સાથે ભળતો નહતો. પણ એની પત્ની મનીષા અહીં મહિલા મંડળ ચલાવતાં હતાં અને સોસાયટીનાં મહિલાઓનાં સંપર્કમાં રહેતાં હતાં.”
“નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં એ અમારી સાથે મળતો હતો. મધ્યમવર્ગના આ વિસ્તારમાંથી લોકો ધીમેધીમે મકાન વેચીને બીજે રહેવા ગયા છે. લગભગ 2013માં જીતેશને સારી નોકરી મળતાં એ અમદાવાદ છોડીને સુરત ચાલ્યા ગયા હતા. ત્યારબાદ એમનો કોઈ સંપર્ક થયો નથી.”
“અમે સોસાયટીના જૂના લોકોએ એક વાર રિ-યુનિયન કરવાનું નક્કી કર્યું ત્યારે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જીતેશનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પણ એમને કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો આપ્યો એટલે સંપર્ક થયો નહોતો.”
ઔરંગાબાદમાં કઈ રીતે માલામાલ થઈ ગયો?
જીતેશે સુરતમાં ત્રણ વર્ષ રહીને અંકલેશ્વર સુધી કન્સલ્ટન્ટ તરીકે કેમિકલ ફૅક્ટરીમાં કામ કર્યું. સુરતમાં તે વરાછા વિસ્તારમાં રહેતો હતો.
વરાછામાં જીતેશનાં પત્ની મનિષાબહેનનાં મિત્ર જયશ્રીબહેન સાથે બીબીસીએ વાત કરી.
તેમણએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું, “અમારે જીતેશભાઈનાં પત્ની મનિષાબહેન સાથે સંપર્ક હતો. એમને બે બાળકો છે પણ નાના દીકરાને એના પિતા સાથે વધુ સારું બનતું હતું. મનિષાબહેન ફેશનેબલ હતા. એ લોકો સુરતથી ઔરંગાબાદ ગયા પછી એમનો સંપર્ક તૂટી ગયો છે. ક્યારેક સોશિયલ મીડિયા પર અમે મળીયે, પરંતુ પતિ-પત્ની ઔરંગાબાદ ગયા પછી સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ નથી. એક વાર મનિષાબહેનનો ફોન આવ્યો હતો ત્યારે એમણે વૈભવી બંગલો લીધો હતો અને બે મોંઘી કાર લીધી હોવાની વાત થઈ હતી.”
જીતેશ હીનહોરિયાની સાથે એક સમયમાં કામ કરતા અને હાલ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક કંપનીમાં કામ કરતા શીતળ કોળીએ બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, “અમે છત્રાલમાં કેમિકલ ફૅક્ટરીમાં કામ કરતા હતા ત્યારે મહિનાના આખરમાં જીતેશ પાસે પૈસા ખૂટી જતા હતા. એક કંપનીમાં લાંબો સમય કામ કરવા છતાં એને પગાર વધુ નહીં મળતાં એ સુરત ગયો હતો અને સુરતની કંપનીમાં કામ કરતા કરતા એ અંકલેશ્વરની કેમિકલ કંપનીઓમાં દવા બનાવવાના કામ માટે કન્સલ્ટન્ટનું કામ કરતો હતો.”
“એ પછી એ ઔરંગાબાદમાં 2016માં આવ્યો અને એને ભાગીદાર સાથે ફૅક્ટરી નાખી. પછી પૈસાદાર થઈ ગયો. એટલે પછી એણે જૂના મિત્રોનો સંપર્ક છોડી દીધો હતો. પણ અમને કલ્પના નહોતી કે જીતેશ જેવો હોશિયાર માણસ આવા ડ્રગ્સના ધંધામાં હશે.”
કઈ રીતે ડ્રગ્સ બનાવાતું અને મોકલાતું?
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક કહે છે કે, “અમે 25 દિવસ રેકી કરી ત્યારે ખબર પડી કે એ ખાનગી ટ્રાવેલર્સ કંપનીની બસમાં નિયમિત સમયે પાર્સલ મોકલે છે. સામાન્ય શિરસ્તો એવો છે કે, ખાનગી ટ્રાવેલ્સ કંપનીમાં ઇન્ડસ્ટ્રિયલ એરિયામાંથી પાર્સલ આવે તો કોઈ ચેક કરતુ નથી. લગભગ વેપારીઓનો સામાન હોય એટલે તપાસ થતી નથી. અમારી ખાનગી તપાસમાં નવાઈની વાત એ હતી કે ફાર્માસ્યુટીકલનું મોટું કામ ગુજરાતમાં છે તો, આ વ્યક્તિ ફાર્માસ્યુટિકલની દવાઓ કેમ ગુજરાત મોકલે છે?”
“એની ફૅક્ટરી પર રેઇડ કરતા પહેલાં એની વધુ તપાસ માટે અમે અમદાવાદ ડાયરેક્ટર ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ [ડી .આર.આઈ.]ની મદદ લીધી અને સૌપ્રથમ ડીઆરઆઈ સાથે જોઈન્ટ ઑપરેશન કરી અમે પૈઠણમાં એની મહાલક્ષ્મી કેમિકલ્સ કંપની પર દરોડો પાડ્યો, ત્યાં ડ્રગ્સ બનાવવા માટેનું કેમિકલ વગર બિલે બજારમાંથી ખરિદતો હોવાનું જણાયું.”
“ફૅક્ટરીના પાછળના ભાગમાં એ કેમિકલનું સાઇકોટ્રોપિક કેમિકલ ખરીદીને એ મેફેડ્રોન ડ્રગ્સ બનાવતો અને કેટામાઇન ડ્રગ્સ બનાવતો હતો. બહારથી આ મહાલક્ષ્મી કેમિકલ કંપની દવાઓ બનાવતી હોય એમ લાગે પણ એના પાછળના ભાગમાં એણે ડ્રગ્સ બનાવવાનું અલગ મશીન રાખ્યું હતું.”
“એ દવા બનાવવાની આડમાં એ ડ્રગ્સ બનાવતો હતો. એને માત્ર ગુજરાત જ નહીં દિલ્હી, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાનમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. વિદેશમાં એ ઍર પાર્સલ થી ડ્રગ્સ સપ્લાય કરતો હતો. નાની ફૅક્ટરીઓમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરી અહીં પણ ડ્રગ્સ બનાવી શકાય એ માટે 2022માં એણે ધર્મ ફાર્માસ્યુટિકલ નામની એક કન્સલ્ટિંગ કંપની ખોલી હતી.”
“અને એના પાર્ટનર તરીકે સંદીપ કુમાવત હતો. આ ડ્રગ્સ બનાવવાનું કામ અલગ અલગ જગ્યાએથી કરવા માટે એણે ધર્મ ફાર્માસ્યુટીકલ નામની કન્સલ્ટિંગ એજન્સી પણ શરૂ કરી હતી.”
ડ્રગ્સના આ રેકેટને પકડવા બદલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કામગીરીને બિરદાવતા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની કાર્યવાહી ચાલુ જ રહેશે. મહારાષ્ટ્રમાં ડીઆરઆઈને સાથે રાખી જે સંયુક્ત ઑપરેશન કરી ડ્રગ્સનો મોટો જથ્થો અને ડ્રગ્સ બનાવનારને પકડવાની કામગીરીને ધ્યાનમાં રાખી પોલીસનું આત્મવિશ્વાસ વધે એ માટે ક્રાઇમ બ્રાન્ચને 50 લાખ રૂપિયાનું સ્પેશિયલ ફંડ પણ આપવામાં આવશે.”