You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હવે કયા જિલ્લામાં વરસાદ પડશે, તાપમાનમાં કેટલો ઘટાડો થશે?
હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે.
ગુજરાતમાં આ વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી થયો. કિનારાવર્તી સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતા નીચે ગયું છે જ્યારે સાઉથ ગુજરાતમાં તાપમાન સહેજ નીચે ઊતર્યું છે. સૌરાષ્ટ્રના કિનારા સિવાયના ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાયું છે.
રાજકોટમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે ગુજરાતમાં સૌથી વધુ હતું, જ્યારે મહુવામાં 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જે આખા રાજ્યમાં સૌથી નીચું હતું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે
હાલમાં રાજસ્થાનમાં સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે.
આ ઉપરાંત સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાયું છે.
આગામી સાત દિવસમાં ગુજરાત, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં મહત્તમ તાપમાન ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. જ્યારે આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે અને ત્યાર પછી લઘુતમ તાપમાન વધવાની આગાહી છે.
હવે કયા જિલ્લામાં વરસાદ પડશે?
18મી માર્ચે ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, તાપી, વલસાડ સહિતના અમુક જિલ્લામાં હળવો વરસાદ નોંધાયો છે. 18મી માર્ચની રાતે રાજ્યના ઘણા વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, ધૂળની ડમરી ઊડી હતી.
હવે 19મી માર્ચે પણ પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડવાની આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે.
આ દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે જ્યારે લઘુતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં 19મીની સવારે ઝડપી પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી અને તાપમાનમાં ઘટાડો થયો હતો.
રાજ્યના કેટલાક ભાગોમાં પવનના કારણે શેડને નુકસાન પહોંચવાના અને હૉર્ડિંગ પડી ગયાના અહેવાલ છે.
વાવ-થરાદ જિલ્લામાં ઝડપી પવન ફૂંકાયો છે, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લામાં પણ આકાશ વાદળોથી છવાઈ ગયું હતું.
20 માર્ચ પછી સમગ્ર ગુજરાતમાં હવામાન ચોખ્ખું રહેવાની આગાહી છે.
ભારતના અન્ય ભાગોમાં વરસાદ
હવામાનની હાલની સિસ્ટમમાં ઉત્તર ભારતમાં પણ વરસાદ પડી રહ્યો છે જેના કારણે તાપમાનમાં રાહત મળી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારત અને બીજા કેટલાક ભાગોમાં 14 માર્ચથી છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ છે. હજુ 23મી માર્ચથી પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે જેની અસર 27 માર્ચ સુધી જોવા મળશે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે 14 માર્ચે શ્રીનગરમાં મહત્તમ તાપમાન 19.4 ડિગ્રી સેલ્સિયસ હતું જે 18મી માર્ચે ઘટીને 11 ડિગ્રી સેલ્સિયસ પર આવી ગયું હતું. હિમાચલ પ્રદેશમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે.
દિલ્હીમાં 11 માર્ચે મહત્તમ 36.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતા 8.4 ડિગ્રી વધુ હતું.
પરંતુ 15 માર્ચે મહત્તમ તાપમાન ઘટીને 30.1 ડિગ્રી સેલ્સિયસ હતું જે 20 માર્ચે ઘટીને 27 ડિગ્રી રહેવાની આગાહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન