દાહોદમાં મધમાખીઓના હુમલામાં એકનું મોત : ગુજરાતની સૌથી ગુસ્સાવાળી મધમાખી કઈ છે?

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 6 મિનિટ

મધમાખીના ડંખ અત્યંત પીડાદાયક હોય છે તે સૌ જાણે છે, પરંતુ મધમાખીઓનો હુમલો માનવી માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ગુજરાતમાં તાજેતરમાં જ આવી ઘટના બની છે.

દાહોદ નજીકના અભલોડ ગામમાં ગત 15 માર્ચે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મધમાખીઓએ લોકો પર અચાનક હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે તેમાં એક વ્યક્તિનું હૉસ્પિટલે પહોંચતા પહેલાં જ મોત થયું અને લગભગ 29 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ગયા મહિને જ આવો એક બનાવ મધ્ય પ્રદેશના નીમચ જિલ્લાના રાનપુર ગામે પણ બનેલો હતો, જેમાં એક આંગણવાડીમાં બાળકોને મધમાખીના હુમલાથી બચાવવા જતા 55 વર્ષીય મહિલા સહાયક કંચનબાઈ મેઘવાળનું મૃત્યુ થયું હતું.

ગુજરાતમાં દાહોદની ઘટનામાં બાબુભાઈ માળી નામની વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આ ઘટનાના કેટલાક પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ડીજેના ઘોંઘાટથી મધમાખીઓ છંછેડાઈ અને હુમલો કર્યો હતો, તો કેટલાકનું કહેવું છે કે, હવનના ધુમાડાને કારણે મધમાખીઓ ઊડી અને હુમલો કર્યો.

આ હુમલામાં ઘાયલોને દાહોદની ઝાયડસ હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. પણ દર્દીઓમાંના એક બાબુભાઈનું હૉસ્પિટલે પહોંચતા પહેલાં જ ગણતરીની મિનિટોમાં મોત નીપજ્યું હતું.

મધમાખીએ લોકો પર હુમલો કેમ કર્યો?

અભલોડ ગામમાં મધમાખીના હુમલાની ઘટનાથી લોકો સ્તબ્ધ છે.

આ ઘટનાના સાક્ષી અને મૃતકના નાના ભાઈ દિનેશભાઈ માળીએ બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "દાહોદથી 10 કિમીના અંતરે આવેલ અભલોડ ગામે ધાર્મિક કાર્યક્રમ પછી જમવાની તૈયારી થઈ રહી હતી, તેવામાં ઉપરથી અચાનક મધમાખીઓનું ઝૂંડ ઊડ્યું અને નીચે ઉપસ્થિત માણસો પર હુમલો કર્યો હતો."

તેમનું કહેવું છે કે, ડીજેના ઘોંઘાટ અને કંપનથી મધમાખીઓ ઊડી હતી.

બીજી તરફ મૃતકના અન્ય એક પરિવારજન હરીશભાઈ માળીનું માનવું છે કે, બપોરે હવનના ધુમાડાના કારણે મધમાખીઓઓ ઊડી હતી.

મૃતકના પરિવારની એક વ્યક્તિ મોહનભાઈ માળી કહે છે, "અહીં ઘણા સમયથી આઠથી દસ મધપૂડા હતા, પણ ક્યારેય આવી કોઈ અનિચ્છનીય ઘટના બની નથી."

તેઓ પણ મધમાખી હુમલા પાછળ ડીજેના અવાજને કારણભૂત ગણે છે.

તેમણે કહ્યું કે મૃતક બાબુભાઈ 63 વર્ષના હતા અને મુવાલીયા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા. તેમનાં પત્ની આંગણવાડીમાં નોકરી કરે છે, જ્યારે તેમના પુત્ર કાર વૉશિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

'મધમાખીઓએ 100થી વધુ ડંખ માર્યા'

બીબીસી ગુજરાતીએ દાહોદની ઝાયડસ હૉસ્પિટલ સાથે આ ઘટના વિશે વાત કરી.

હૉસ્પિટલના ઍડમીન વિભાગના જનરલ મૅનેજર પ્રકાશભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "મધમાખીના હુમલાનો ભોગ બનેલા 30 લોકો હૉસ્પિટલમાં નોંધાયા હતા, તેમાંથી એક દર્દી હૉસ્પિટલ પહોંચ્યા પહેલાં જ મૃત્યુ પામ્યા હતા."

બે દર્દીઓને દાખલ કરવા પડ્યા હતા પણ રાત સુધીમાં તબિયત સ્વસ્થ થતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

તેઓ કહે છે, ઘણીવાર આવા દર્દીઓ હૉસ્પિટલમાં આવે છે.

ઝાયડસ હૉસ્પિટલના આરએમઓ ડૉ. રાજીવ ડામોરે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "સારવાર મેળવનારા 28 દર્દીઓ હાલમાં સ્વસ્થ છે. બે દર્દીઓને દાખલ કરવા પડ્યા હતા અને તબિયત સારી થતાં તેમને પણ ઘરે મોકલવામાં આવેલા છે."

ડૉ. ડામોર કહે છે, મધમાખી વધારે પ્રમાણમાં કરડે ત્યારે રિએક્શનના પરિણામે શરીરમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જતું હોય છે, તેના કારણે હૃદય પર અસર થતાં મૃત્યુ થઈ શકે.

તેઓ કહે છે કે, "દર્દીઓનાં શરીર રતાશ પડતાં થઈ ગયાં હતાં અને તેમણે સતત ખંજવાળ આવતી હતી. મૃતકનું શરીર પણ રાતાશ પડતા રંગનું થઈ ગયું હતું, અને તેમના માથા અને મોઢા પર સોજો હતો."

"મૃતકને મધમાખીઓએ 100થી વધુ ડંખ માર્યા હતા. ત્યારે, બાકીના બધા દર્દીઓને 20થી 25 જેટલા ડંખ માર્યા હતા."

મધમાખીના હુમલા કેટલા ગંભીર?

બીબીસી ગુજરાતીએ મધમાખીના ડંખથી માનવશરીર પર થતી ગંભીર અસરો વિશે નિષ્ણાતો સાથે વાત કરી.

અમદાવાદસ્થિત જનરલ મેડિકલ કન્સલ્ટન્ટ ડૉ. પ્રશાંત પનારાએ જણાવ્યું કે, "મધમાખીના વેનમ (ઝેર)ને એપિટોક્સિન કહેવામાં આવે છે, તે એક ચોક્કસ પ્રકારનું પ્રોટીન હોય છે જેના લીધે શરીરમાં ઇન્ફ્લેમેશન થતું હોય છે."

તેઓ કહે છે, "તેનાં લક્ષણોમાં શરીરમાં દુખાવો, સોજો, ખંજવાળ આવે છે. પણ મૃત્યુ થઈ જવા જેવા કિસ્સામાં ભાગ્યે જ જોવા મળે છે. 100માંથી એક આ પ્રકારનો કિસ્સો સામે આવતો હોય છે. આવા કિસ્સામાં દર્દીને 10થી 15 મિનિટમાં જ હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે."

મધમાખીના ડંખના ઝેર વિશે તેમણે કહ્યું કે, "આમાં મોતનું કારણ છે એનાફાયલેક્ટિક શોક, જેમાં માણસને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ગાળાના ભાગ અને હોઠ સોજાને કારણે ફૂલી જાય છે."

"જેમને આ થયું હોય, તેમના માટે બ્લડ પ્રેશર ઘટી જવું એ પણ એક કારણ થઈ શકે છે."

જોકે, ડૉ. પનારા કહે છે કે, "બધા લોકો માટે આ જોખમી નથી, પણ જે લોકોને એનાફાયલેક્ટિક શોક આવતો હોય, તેમના માટે વધુ જોખમી છે."

બાબુભાઈ માળી જેવા જ એક કેસનો ઉલ્લેખ ઇન્ટરનેશનલ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ પેપરમાં થયો છે, જેમાં 49 વર્ષની એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે તેના શરીરની તપાસ કરવામાં આવી ત્યારે તેના શરીર પર 50થી વધુ ડંખ જોવા મળ્યા. પોસ્ટમૉર્ટમમાં મૃત્યુનું કારણ મધમાખીના ડંખને કારણે એનાફિલેક્ટિક શોક આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

મધમાખી કરડે ત્યારે શું કરવું?

મધમાખી કરડ્યા પછી વ્યક્તિ શું કરે છે તે પણ ઘણું મહત્ત્વનું છે.

ડૉ. પ્રશાંત પનારા કહે છે કે, "મધમાખી શરીરના જે ભાગે કરડી હોય ત્યાંથી સૌથી પહેલા તેનો કાંટો કાઢી નાખવાનો હોય છે. પછી તે જગ્યા ધોઈને ત્યાં ઠંડી બૉટલ કે બરફ ઘસવામાં આવે તો સોજો ઊતરી જતો હોય છે."

"પણ આવું કરતી વખતે ડંખ લાગ્યો હોય તે ઘાવને ખોંતર્યા વગર તેને છંછેડવાથી બચવું જોઈએ. પરિસ્થિતિ ગંભીર હોય તો ડૉકટરનો સંપર્ક કરવો જરૂરી છે."

ગાંધીનગરસ્થિત ઇન્દ્રોડા નેચર પાર્ક-ગીર ફાઉન્ડેશનના પશુચિકિત્સા અધિકારી ડૉ. અનિકેત પટેલ જણાવે છે કે," મધમાખીને જોખમ લાગે ત્યારે તે ઊડીને જોખમી લાગતી વ્યક્તિ પર હુમલો કરતી હોય છે."

તેઓ કહે છે, "એક સાથે મોટી સંખ્યામાં મધમાખીઓ કરડી હોય તો શરીર તેની સામે વધારે ઘાતક રિસ્પોન્સ આપતું હોય છે. આવા કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે. ડંખ બાદ તેના ડાઘ રહી જવા જેવાં લક્ષણો પણ જોવા મળતાં હોય છે."

ગુજરાતમાં જોવા મળતી મધમાખીઓ

મધમાખી અને તેમના ડંખ વિશે વધુ જાણકારી મેળવવા બીબીસીએ એન્ટોમોલોજી (કીટકશાસ્ત્ર)ના નિષ્ણાતો સાથે વાત કરી હતી.

હિંસક મધમાખીની પ્રજાતિ વિશે જાણતા પહેલાં તેમના ઝેર વિશે જાણવું આવશ્યક છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના એન્ટોમોલોજી (કીટકશાસ્ત્ર) વિભાગના વડા પ્રોફેસર ડૉ. ડી. બી. સિસોદિયા બીબીસીને જણાવે છે કે, "ઝેરની અંદર પ્રોટીન એન્જાઇમ હોય છે, પણ વેનમમાં મુખ્ય ફાળો મેલેટિનનો છે. જે 40થી 60 ટકા જેટલું હોય છે. આ ઉપરાંત 10થી 12 ટકા ફોસ્ફોલિપેઝ પણ હોય છે. આ મધમાખીના વેનમનાં મુખ્ય તત્ત્વો છે."

આણંદ કૃષિ યુનિવર્સિટીના એન્ટોમોલોજી (કીટકશાસ્ત્ર) વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. એચ. સી. પટેલ કહે છે કે મધમાખીનું ઝેર એ હકીકતમાં કોમ્પ્લેક્સ પ્રોટીન જ હોય છે.

તેમણે કહ્યું કે, હાઇમોનોટેરા ઑર્ડરમાં આવતી મધમાખીઓ (એપિસ)ના મુખ્ય ચાર પ્રકાર છે.

1. એપિસ મેલીફેરા (યુરોપિયન હનીબી) - આ પ્રજાતિ કોમર્શિયલ ઉપયોગમાં આવતી મધમાખીઓ છે, જેને મધઉત્પાદકો પાળતા હોય છે. તે એકંદરે શાંત પ્રજાતિ છે.

2. એપિસ સેરેના ઇન્ડિકા (ભારતીય મધમાખી) - ડૉ. સિસોદિયા અનુસાર, ભારતીય મધમાખી તરીકે ઓળખાતી એપિસ સેરેના ઇન્ડિકા પ્રજાતિ એકંદરે શાંત છે.

3. એપિસ ફ્લોરિયા - તેના મધપૂડા ઝાડી ઝંખરાંમાં જોવા મળે છે.

4. એપિસ ડોરસાટા (ભમરીયું મધ) - આ મધમાખીની સૌથી ખતરનાક જંગલી પ્રજાતિ છે.

ડૉ. એચ સી પટેલ અનુસાર, ગુજરાતની અંદર આ ચારેય પ્રકારની મધમાખીઓ જોવા મળે છે.

એકધારા જોવાથી પણ હુમલો કરી દેતી મધમાખી

નિષ્ણાતો કહે છે કે એપિસ ડોરસાટા (Apis Dorsata) એ મધમાખીઓની સૌથી આક્રમક પ્રજાતિ છે.

ડૉ. એચ. સી. પટેલ કહે છે, "દાહોદ તરફ એપિસ ડોરસાટા મધમાખીનો વસવાટ હોઈ શકે છે. તેના મધપૂડા વર્તુળાકાર આકારમાં હોય છે, જેને ભમરીયું મધ કહેવાય છે. તેનો સ્વભાવ અત્યંત ગુસ્સાવાળો હોય છે."

ડૉ. એચ. સી. પટેલના કહેવા મુજબ કેટલીક વાર તો એપિસ ડોરસાટા એટલી હદે આક્રમક હોય છે કે તમે તેને 15થી 20 મિનિટ સુધી સતત જુઓ, તો પણ હુમલો કરી દેતી હોય છે. એપિસ ડોરસાટા માનવ વસાહત વચ્ચે પણ રહી શકે છે."

ડૉ. ડી. બી. સિસોદિયા કહે છે, "સૌથી વધુ ગુસ્સાવાળી મધમાખી એપીસ ડોરસાટા મનુષ્ય માટે પણ ખતરારૂપ હોય છે. જોકે, એક કે બે મધમાખી કરડવાથી તો કઈં થતું નથી, પણ ડંખ વધારે હોય તો તે જોખમ નોતરી શકે છે. પરંતુ તે વ્યક્તિની રોગપ્રતિકારશક્તિ પર આધાર રાખે છે."

તેઓ કહે છે કે, "તે કોઈ પણ કારણોથી હેરાન થઈ હોય અને જો તેની નજીકમાં કોઈ મનુષ્ય આવે તો તે હુમલો કરી શકે છે. એક મધમાખીના ડંખની ગંધથી બીજી મધમાખીઓ પણ આવી જતી હોય છે. તેથી તે સૌથી ભયાનક મધમાખીઓમાં એક છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન