8,200 વર્ષ પહેલાં હજારો માઇલ દૂર એવું શું થયું જેને કારણે ભારતમાં દુકાળ પડ્યો?

    • લેેખક, કે. શુભગુણમ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

પૃથ્વીના એક ક્ષેત્રમાં આબોહવા પરિવર્તનનો પ્રભાવ તેનાથી હજારો કિલોમીટર દૂર આવેલા અન્ય પ્રદેશના ચોમાસાને બદલી શકે, એ વાત આશ્ચર્યજનક લાગે છે.

બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિયૉલૉજીના વિજ્ઞાનીઓએ તાજેતરમાં એક અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે લગભગ 8,200 વર્ષ પહેલાં આવું થયું હશે.

ઉત્તર ઍટલાન્ટિક અને ગ્રીનલૅન્ડ પ્રદેશ અચાનક ઠંડોગાર થઈ જવાને કારણે ભારતમાં ચોમાસું નબળું પડ્યું હશે, એવું ભારતીય વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ બાબત દર્શાવે છે કે પૃથ્વીની આબોહવા વ્યવસ્થા પ્રદેશ પ્રમાણે બદલાતી નથી, પરંતુ એક સમાન જ છે.

હવામાનમાં અચાનક ફેરફાર

પૃથ્વીના વાતાવરણમાં લગભગ 8,200 વર્ષ પહેલાં એક મોટો ફેરફાર થયો હતો. વિજ્ઞાનીઓ તેને "8.2-kiloyear cooling event" કહે છે. તેને હોલોસીન યુગની સૌથી મહત્ત્વપૂર્ણ અચાનક ઠંડકની ઘટનાઓ પૈકીની એક માનવામાં આવે છે.

એ સમય દરમિયાન ગ્રીનલૅન્ડના તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો અને વાતાવરણમાં મિથેનનું પ્રમાણ પણ ઘટ્યું હતું.

બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશનોગ્રાફીના ડિરેક્ટર ડૉ. મહેશ ઠક્કરે બીબીસીને જણાવ્યું હતું કે આ બધું વૈશ્વિક જળ ચક્ર અને આબોહવા પ્રણાલીમાં મોટાં પરિવર્તનનો સંકેત આપે છે.

આબોહવામાં આવા અચાનક ફેરફારનાં કારણો શોધવાનો પ્રયાસ સંશોધકોએ કર્યો હતો. તેમને જાણવા મળ્યું હતું કે તે સામાન્ય આબોહવા પરિવર્તન નથી.

ઉત્તર અમેરિકાની સૌથી મોટી હિમનદી લેક અગાસીઝના અચાનક પ્રવાહથી હડસન ખાડી મારફતે ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરમાં પાણીનો વિશાળ જથ્થો વહેતો થયો હતો.

સમુદ્રમાં મીઠા પાણીનો જંગી પ્રવાહ આવવાને કારણે દરિયાના પાણીની ખારાશ બદલાઈ ગઈ હતી. તેનાથી સમુદ્રી પ્રવાહોનું સ્વરૂપ બદલાઈ ગયું હતું.

ડૉ. મહેશ ઠક્કરના કહેવા મુજબ, "સમુદ્રી પ્રવાહોમાં ફેરફારની સાથે વિશ્વભરમાં પવનની પૅટર્ન પણ બદલાઈ ગઈ છે. આ ફેરફારોને કારણે વિશ્વના ઘણા ભાગોમાં આબોહવામાં પરિવર્તન થયું છે."

આ અભ્યાસનાં તારણો 'ક્વાર્ટરનરી ઇન્ટરનૅશનલ' નામના જર્નલમાં પ્રકાશિત થયાં હતાં.

ભારતમાં ચોમાસામાં ફેરફાર

તાજેતરના એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે ઉત્તર ઍટલાન્ટિકમાંની આ ઘટનાને કારણે વૈશ્વિક વાતાવરણમાં થયેલા ફેરફારોની અસર ભારત પર પણ પડી છે.

એ સમયે ભારતીય પ્રદેશમાં ચોમાસું નબળું પડ્યું હતું. તેના પરિણામે ઓછો વરસાદ પડ્યો હતો અને દુષ્કાળ પડ્યો હતો.

તાજેતરના અભ્યાસ અનુસાર, ભારતમાં વરસાદ ફક્ત સ્થાનિક પરિસ્થિતિ પર જ આધારિત નથી. વિશ્વના દૂરના ભાગોમાં આબોહવા પરિવર્તન પણ ભારતના વાતાવરણને અસર કરે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઈઆઈએસઈઆર) ખાતે પ્રોફેસર તરીકે કાર્યરત ડૉ. ટી. વી. વેંકટેશ્વરને કહ્યું હતું, "ગ્રીનલૅન્ડમાં આબોહવા પરિવર્તન ભારતમાં વરસાદમાં ઘટાડાનું કારણ બન્યું છે, એવું આ અભ્યાસ સૂચવતો નથી, પરંતુ એવું સ્પષ્ટપણે દર્શાવે છે કે બંને ઘટનાઓ વૈશ્વિક વાતાવરણમાં પરિવર્તનને કારણે થાય છે."

ડૉ. મહેશ ઠક્કરે કહ્યું હતું, "વૈશ્વિક પ્રભાવકારી વ્યાપક ઠંડકની ઘટના બને ત્યારે તે સમુદ્રી પ્રવાહોથી માંડીને પૃથ્વીના વાતાવરણ અને ભેજ સુધીની દરેક બાબતને અસર કરે છે. આવી અસરો ઉષ્ણકટિબંધીય આબોહવા જોવા મળે તેવી શક્યતા સૌથી વધુ હોય છે.

માટીમાં છુપાયેલો આબોહવાનો ઇતિહાસ

છત્તીસગઢના પ્રાચીન તુમાન સરોવરમાંથી અશ્મિભૂત માટીના નમૂના એકત્રિત કરીને વિજ્ઞાનીઓએ આ સંશોધન કર્યું હતું.

હજારો વર્ષોથી જમીનમાં દટાયેલા પરાગ કણોએ વિજ્ઞાનીઓને તે સમયની આબોહવા વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડી છે.

દરેક છોડ એક અનન્ય પરાગ કણ ઉત્પન્ન કરતો હોય છે. તેનું વિશ્લેષણ કરીને આપણે એ નક્કી કરી શકીએ કે ક્યા પ્રકારના છોડ પુષ્કળ પ્રમાણમાં છે. વરસાદ વધારે પડશે કે ઓછો, તેનું અનુમાન પણ તેના આધારે કરી શકાય છે.

ડૉ. ટી. વી. વેંકટેશ્વરને કહ્યું હતું, "છોડમાં વધુ પરાગ કણ જોવા મળે તો તેનો અર્થ એ છે કે તે સમયગાળા દરમિયાન પુષ્કળ વરસાદ થયો હતો. ઓછા અથવા અનિયમિત વરસાદના સમયગાળામાં પાંગરતા છોડ ઓછા પરાગ કણ ઉત્પન્ન કરતા હોય છે."

અભ્યાસમાં પ્રચૂર પ્રમાણમાં પરાગ કણ જોવા મળ્યા હતા, જે 8,200 વર્ષ પહેલાંના શુષ્ક વાતાવરણ તથા નબળા ચોમાસાનો સંકેત આપે છે. આ પરિણામની વિગત 'ક્વાર્ટનરી ઇન્ટરનૅશનલ જર્નલ'માં પ્રકાશિત એક અહેવાલમાં આપવામાં આવી હતી.

ગ્રીનલૅન્ડ અને ભારત વચ્ચેનો દીર્ઘકાલીન સંબંધ

આ અભ્યાસ 'ટેલિકનેક્શન' પર કેન્દ્રિત છે, જે હવામાન અને આબોહવા વિજ્ઞાનમાં વિશ્વમાંના દૂરના બે પ્રદેશો વચ્ચેના સંબંધનું વર્ણન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તેનો અર્થ એ છે કે વિશ્વના એક ભાગમાં થતા ફેરફારની અસર બીજાને થાય છે.

ડૉ. મહેશ ઠક્કરના જણાવ્યા અનુસાર, તે સૂચવે છે કે વૈશ્વિક આબોહવા પ્રણાલી એકમેકની સાથે જોડાયેલા નેટવર્ક તરીકે કાર્ય કરે છે.

નવીનતમ શોધ જેવાં પરિણામ અગાઉના કેટલાક અભ્યાસોએ પણ દર્શાવ્યા હતા.

કૅમ્બ્રિજ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી યામા દીક્ષિતના વડપણ હેઠળની ટીમે 2014માં કરેલા અભ્યાસ મુજબ, ઉત્તરપશ્ચિમ ભારતમાં પ્રાચીન તળાવના કાંપમાંથી એકત્રિત કરવામાં આવેલો ઑક્સિજન આઇસોટૉપ ડેટા સૂચવે છે કે 8,200 વર્ષ પૂર્વેની ઘટના દરમિયાન વરસાદ ઓછો પડ્યો હતો.

ભૂસ્તરશાસ્ત્રી શ્રદ્ધા બૉન્ડની ટીમે 2018માં છત્તીસગઢની ગોદુમસર ગુફામાંથી એકત્રિત કરવામાં આવેલા સ્પીલોથેમ્સ (ગુફામાં જોવા મળતા ઘન પદાર્થો)નો અભ્યાસ કર્યો હતો. 8,200 વર્ષ પહેલાં વરસાદમાં ઘટાડો થયો હોવાની હકીકતને તે અભ્યાસનાં તારણોએ પણ પુષ્ટિ આપી હતી.

આ બધા અભ્યાસો મજબુત પુરાવા આપે છે કે એ ચોક્કસ સમયગાળા દરમિયાન ચોમાસું નબળું રહ્યું હતું. એ પણ સ્પષ્ટ છે કે લગભગ 8,200 વર્ષ પહેલાં હજારો માઇલ દૂર આબોહવામાં થયેલા પરિવર્તનની અસર ભારતમાં વરસાદ પર થઈ હતી.

આ તારણોને ભવિષ્ય માટે ચેતવણી ગણવા જોઈએ?

ડૉ. મહેશ ઠક્કરના કહેવા મુજબ, આ અભ્યાસ ભલે ભૂતકાળનો હોય, પરંતુ તે હજુ પણ મહત્ત્વપૂર્ણ છે અને તેનું મહત્ત્વ આજે પણ ખૂબ જ સુસંગત છે.

ગ્લોબલ વૉર્મિંગના વર્તમાન યુગમાં સમુદ્રી પ્રવાહોની પ્રણાલીઓમાં સમાન ફેરફારો થવાનું જોખમ છે.

વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે સમાન ફેરફારો ફરીથી થશે તો તેનો પ્રભાવ ઉષ્ણકટિબંધીય દેશોમાં આબોહવાની પરિસ્થિતિ પર પડી શકે છે.

નિષ્ણાતો જણાવે છે કે ભારત જેવા દેશોમાં આવા અભ્યાસોને ભવિષ્યની ચેતવણી ગણવા જોઈએ, કારણ કે ભારતમાં ચોમાસાનો વરસાદ ખેતી, પીવાના પાણી અને અર્થતંત્ર માટે બહુ મહત્ત્વપૂર્ણ છે.

ગ્રીનલૅન્ડમાં ઠંડક અને ભારતમાં વરસાદમાં ઘટાડો – આ બન્ને ઘટના દર્શાવે છે કે વૈશ્વિક આબોહવા પ્રણાલી એકમેકની સાથે કેટલી જટિલ રીતે જોડાયેલી છે.

ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે આ ઘટના 8,200 વર્ષ પહેલાં બની હોવા છતાં તેને એક મહત્ત્વપૂર્ણ પુરાવો માનવામાં આવે છે, જે આપણને આજના આબોહવા પરિવર્તનને સમજવામાં મદદરૂપ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન