હોર્મુઝ સામુદ્રધુનીથી લઈને મલક્કા સુધીઃ એ જળમાર્ગો જેના રસ્તે ચાલે છે દુનિયાનો મોટાભાગનો વેપાર

    • લેેખક, ઍબ્રુ સુરુકુ-બાલ્સી તથા ગોક્કે બાલ્સી
    • પદ, ધ કન્વર્ઝેશન*
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષથી ઊર્જા તથા કૉમોડિટી બજારો ખોરવાઈ ગયાં છે. ઈરાને ઑઇલના પરિવહન માટે મહત્ત્વનો જળમાર્ગ એવી હોર્મુઝની સામુદ્રધુની જડબેસલાક બંધ કરી દીધી છે અને આ જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કરનારાં ડઝનબંધ જહાજોને નિશાન બનાવ્યાં છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ખાડીને સુરક્ષિત કરવા માટે યુરોપનાં સાથી રાષ્ટ્રો ઉપર દબાણ કરી રહ્યા છે અને હોર્મુઝની સામુદ્રધુની ખોલાવવામાં તેઓ અમેરિકાની પડખે નહીં ઊભા રહે, તો "નાટોએ ભવિષ્યમાં વરવાં પરિણામો ભોગવવાં પડશે," એવી ચીમકી પણ આપી ચૂક્યા છે. આ તરફ ઈરાન પણ જળમાર્ગ બંધ રાખવાના પોતાના નિર્ણય ઉપર અડીખમ છે.

ખાડીમાં જહાજોની અવર-જવર ખોરવાઈ જતાં બ્રૅન્ટ ક્રૂડના ભાવો આસમાનને આંબી રહ્યા છે. યુદ્ધ પહેલાં 70 ડૉલર પ્રતિ બૅરલના ભાવે વેચાતું બ્રૅન્ટ ક્રૂડ 100 ડૉલર પ્રતિ બૅરલની સપાટી પાર કરી ગયું છે.

તેની સાથે-સાથે ગ્રાહક ઉત્પાદનોથી માંડીને ખાતર જેવા કૃષિ માટેના કાચા માલ સુધીની અન્ય ઘણી ચીજવસ્તુઓના વૈશ્વિક વેપારને પણ ફટકો પડ્યો છે.

પરંતુ, આ કટોકટીએ એક મોટી મુસીબત તરફ પણ દુનિયાનું ધ્યાન દોર્યું છેઃ સમગ્ર વિશ્વનો વ્યાપાર આંગળીના વેઢે ગણાય, એટલા સાંકડા જળમાર્ગો (જેમનો ઉલ્લેખ ઘણી વખત "મૅરિટાઇમ ચૉકપૉઇન્ટ્સ" તરીકે કરવામાં આવે છે) ઉપર નભે છે.

હોર્મુઝની સામુદ્રધુની

હોર્મુઝની સામુદ્રધુની વિશ્વનું સૌથી મહત્ત્વનું વ્યૂહાત્મક ઊર્જા કેન્દ્ર છે. તે પર્શિયન (ઈરાનની) ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે અને વિશ્વમાં દરિયાઈ માર્ગે પરિવહન થતું કુલ પૈકીનું લગભગ 39 ટકા જેટલું ક્રૂડ ઑઇલ અને 19 ટકા કુદરતી ગૅસ આ સામુદ્રધુનીમાંથી જ પસાર થાય છે.

મોટાભાગનાં વ્યૂહાત્મક વ્યાપાર કેન્દ્રોથી અલગ, ખાડીના દેશો માટે, તેમની ઊર્જાની નિકાસ કરવા માટે હોર્મુઝ સિવાય બીજો કોઈ વ્યવહારુ વિકલ્પ મોજૂદ નથી.

આમ તો, ઈરાન 1980ના દાયકાથી સમયાંતરે હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દેવાની ધમકીઓ આપતું આવ્યું છે. પણ, ગયા ફેબ્રુઆરીમાં જ્યારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન ઉપર પ્રથમ ઍરસ્ટ્રાઇક કરી, ત્યારથી જહાજોની આવ-જામાં ઊભો થયેલો વિક્ષેપ દાયકાઓના સૌથી ગંભીર તણાવનો સંકેત આપે છે.

તેના કારણે ઑઇલની સપ્લાય આડે ઇતિહાસનું સૌથી મોટું વિઘ્ન સર્જાયું છે અને વૈશ્વિક ક્રૂડ ઑઇલના ભાવોમાં અભૂતપૂર્વ ઊછાળો આવ્યો છે.

ખાડીમાં જહાજોની અવર-જવર ખોરવાઈ જવાનાં પરિણામો ઊર્જા ક્ષેત્ર કરતાં ઘણાં વધુ વ્યાપક છે. ખાડી પ્રદેશમાં દર વર્ષે 2.6 કરોડ કરતાં વધુ કન્ટૅનર્સનું પરિવહન થાય છે તથા ખાતરની નોંધપાત્ર નિકાસો અહીંથી જ પસાર થાય છે.

આથી, લાંબા સમયના આ વિક્ષેપની વૈશ્વિક ખાદ્ય ઉત્પાદન ખર્ચ ઉપર સીધી અસર વર્તાશે.

સુએઝ કેનાલ

સુએઝ કેનાલ રાતા સમુદ્રને ભૂમધ્ય સમુદ્ર સાથે જોડે છે. કેનાલના કારણે એશિયા તથા યુરોપ વચ્ચેનો પ્રવાસનો સમય દસ દિવસ જેટલો ઘટી જતો હોય છે.

દરિયાઈ માર્ગે થતો વિશ્વનો કુલ પૈકીનો 10 ટકા વેપાર આ જળમાર્ગ મારફત થાય છે, જેમાં કન્ટૅનર ટ્રાફિકના 22 ટકા, ઑટોમોબાઇલ શિપમેન્ટના 20 ટકા તથા ક્રૂડ ઑઇલના 10 ટકા હિસ્સાનો સમાવેશ થાય છે.

આ જળમાર્ગ ઇજિપ્તના નિયંત્રણમાં હોવાથી તેના પર કોઈ સીધો ખતરો નથી. જોકે, 2021માં કન્ટૅનર જહાજ 'ઍવર ગ્રીન' ફસાઈ ગયું, તે પછી સ્પષ્ટ થઈ ગયું કે, આ જળમાર્ગ અકસ્માતોથી મુક્ત નથી. આ જહાજે છ દિવસ સુધી કેનાલ બ્લોક કરી દેતાં લગભગ 10 અબજ ડૉલરનો વેપાર અટવાઈ ગયો હતો.

આ વ્યૂહાત્મક કેન્દ્રની સૌથી મોટી નબળાઈ રાતા સમુદ્રના દક્ષિણ છેડે આવેલી બાબ-અલ-માંડબની સામુદ્રધુની છે.

ગાઝામાં હમાસ સામેના ઇઝરાયલના યુદ્ધની પ્રતિક્રિયાસ્વરૂપે ઈરાનનું પીઠબળ ધરાવતા હુતી જૂથ દ્વારા 2023 અને 2025ની વચ્ચેના ગાળામાં યમનમાં લશ્કરી જહાજો ઉપર કરવામાં આવેલા હુમલાના કારણે ઘણાં ઑપરેટરોને તેમનાં જહાજો આફ્રિકા સિવાયના રૂટ તરફ વાળવાની ફરજ પડી હતી.

2023માં સુએઝ કેનાલના માર્ગે પસાર થનારાં જહાજોની સંખ્યા 23,000 હતી, તે 2024માં ઘટીને 13,000 થઈ ગઈ હતી.

ઇઝરાયલ-અમેરિકાના ઈરાન ઉપરના હુમલાના વળતા પ્રતિકારરૂપે હુતી નેતાઓએ તાજેતરમાં જ વેપારી જહાજો ઉપર ફરી હુમલા શરૂ કરવાની ધમકી આપી છે અને સત્તાવાર સંવાદમાં ચેતવણી ઉચ્ચારી છે કે, "તેમની આંગળીઓ ટ્રિગર ઉપર જ છે".

પનામા કેનાલ

પ્રશાંત મહાસાગરને ઍટલાન્ટિક મહાસાગર સાથે જોડતી પનામા નહેરના માર્ગે વિશ્વનો 2.5 ટકા દરિયાઈ વેપાર થાય છે. આ પ્રમાણ મામૂલી લાગતું હશે, પણ તેમાં કન્ટૅનરાઇઝ્ડ ગુડ્ઝ, ઑટોમોબાઇલ્સ તથા અનાજ જેવાં વ્યૂહાત્મક તથા ઊંચું મૂલ્ય ધરાવતા કાર્ગૉનો સમાવેશ થાય છે.

આ નહેર અમેરિકાના કુલ કન્ટૅનર શિપમેન્ટના લગભગ 40 ટકા હિસ્સાનું વહન કરે છે, જેનું વાર્ષિક મૂલ્ય 270 અબજ ડૉલર છે.

વિષમ આબોહવા અને ભૂ-રાજકીય પરિબળો તેની મુખ્ય નબળાઈ છે. 2023 અને 2024માં ભીષણ દુકાળને કારણે કેનાલનાં તાજાં પાણીનાં જળાશયોનું જળ સ્તર ભારે ઘટી ગયું હતું, જેના કારણે જહાજોની સંખ્યા અને કદ ઉપર પ્રતિબંધો લાદવા પડ્યા હતા.

પછીથી, 2025ના પ્રારંભમાં, ટ્રમ્પે કેનાલ ઉપર કબ્જો જમાવવાની ધમકી આપી હતી. તેમણે હૉંગકૉંગસ્થિત કંપની હચિસન દ્વારા તેનાં કેટલાંક બંદરોના વ્યવસ્થાપનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

મલક્કાની સામુદ્રધુની

મલક્કાની ખાડી પૃથ્વીનો સૌથી વ્યસ્ત દરિયાઈ પરિવહન માર્ગ છે. તે વિશ્વના 24 ટકા દરિયાઈ વેપારનું સંચાલન કરે છે, જેમાં દરિયાઈ માર્ગે થતા ક્રૂડ ઑઇલના 45 ટકા તથા ઑટોમોબાઇલના 26 ટકા ભાગનો સમાવેશ થાય છે. વિશ્વનું બીજું અતિ વ્યસ્ત કન્ટૅનર બંદર એવું સિંગાપુર પણ આ જ જળમાર્ગ પર આવેલું છે.

ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા માટે તેમની ઊર્જાની આયાતો મેળવવા માટે મલક્કા મુખ્ય પ્રવેશદ્વાર છે. ચીનની આશરે 80 ટકા ઑઇલની આયાતો આ માર્ગે પસાર થાય છે. આ અવલંબનને ચીન "મલક્કા દ્વિધા" ગણાવે છે.

મલક્કાની ખાડીમાં ચાંચિયાગીરીનો ખતરો સતત તોળાતો રહે છે. 2025માં અહીં ચાંચિયાગીરીના 130 કરતાં વધુ બનાવો નોંધાયા હતા. પણ તેથીયે મોટું જોખમ ભૂ-રાજકીય છે.

આ પ્રદેશમાં સમુદ્ર પર વર્ચસ્વને લઈને ચીન અને અમેરિકા કે ભારત વચ્ચે કોઈ તંગદિલી સર્જાય, તો ખાડીનો રૂટ ગંભીરપણે ખોરવાઈ જઈ શકે છે.

આ ઉપરાંત, મલક્કાએ સુનામી અને જ્વાળામુખીની હિલચાલ જેવી કુદરતી આફતોનો માર પણ સહન કરવો પડે છે. જેમ કે, 26મી ડિસેમ્બર, 2004માં આવેલી વિનાશક સુનામીને કારણે ખાડીના દક્ષિણ પ્રવેશદ્વારના દરિયાકાંઠાની સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું હતું.

તુર્કીની સામુદ્રધુનીઓ

તુર્કીની બૉસ્ફોરસ તથા ડાર્ડાનેલ્સની ખાડીઓ કાળા સમુદ્ર તથા ભૂમધ્ય સમુદ્ર વચ્ચેનો એકમાત્ર દરિયાઈ માર્ગ છે. આ માર્ગે વિશ્વનો ત્રણ ટકા દરિયાઈ વેપાર થાય છે. આ પ્રમાણ ભલે નજીવું લાગતું હોય, પણ યુક્રેન, રશિયા તથા રોમાનિયામાંથી થતી વિશ્વની 20 ટકા ઘઉંની નિકાસો ત્યાંથી રવાના થાય છે.

સૌથી સાંકડી જગ્યાએ માત્ર 700 મીટરની પહોળાઈ ધરાવતી અને તુર્કીના શહેર ઇસ્તાંબુલની વચ્ચોવચ પસાર થતી આ ખાડીમાં નૌકાવહન જટિલ છે અને અહીં નાની-મોટી અથડામણો થતી રહે છે. મોન્ટ્રે કન્વેન્શન હેઠળ, તુર્કી આ ખાડીમાં સૈન્યની પહોંચ પર નિયંત્રણ ધરાવે છે.

રશિયાએ 2022માં યુક્રેન ઉપર હુમલો કર્યો, ત્યારથી તુર્કી યુદ્ધ જહાજોની અવર-જવર પ્રતિબંધિત કરવા માટે અને વ્યાવસાયિક ટ્રાફિક ખુલ્લો રાખવા માટે તેના આ નિયંત્રણનો ઉપયોગ કરી રહ્યું છે.

કાળા સમુદ્રમાં તણાવ વધતાં આ સંતુલન ખોરવાઈ શકે છે અને વૈશ્વિક અનાજ બજારમાં ઊથલ-પાથલ સર્જાઈ શકે છે. આ પ્રદેશની ભૂકંપની ઊંચી ગતિવિધિ પણ વધુ એક જોખમ ઊભું કરે છે.

હોર્મુઝની સામુદ્રધુનીમાં ઊભી થયેલી વર્તમાન કટોકટીએ ગણતરીના સાંકડા જળમાર્ગો પરની વૈશ્વિક વેપારની નિર્ભરતાને કારણે વિક્ષેપ ઊભો થવાના સંકટ ઉપર પ્રકાશ પાડ્યો છે. પરંતુ, ઉપર જણાવેલા પાંચ જળમાર્ગો જ વેપારનાં મુખ્ય વ્યાપારી કેન્દ્રો નથી.

વિશ્વમાં તાઇવાન, ડોવર અને બેરિંગની ખાડી સહિતના અન્ય 24 જેટલા મહત્ત્વના તથા વ્યૂહાત્મક જળમાર્ગો પણ સામેલ છે.

આ પૈકીનો દરેક જળમાર્ગ ભૂરાજકીય તણાવો, આબોહવાના ફેરફારો, ચાંચિયાગીરી, અકસ્માતો કે કુદરતી હોનારતોનાં જોખમો ધરાવે છે.

*આ લેખ મૂળ ધ કન્વર્ઝેશનમાં પ્રકાશિત થયો હતો અને ક્રિએટિવ કોમન્સ લાઇસન્સ હેઠળ અહીં પુનઃ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. મૂળ આવૃત્તિ વાંચવા માટે અહીં ક્લિક કરો.

*એબ્રુ સુરુકુ-બાલ્સી બ્રૅડફૉર્ડ યુનિવર્સિટીમાં સર્ક્યુલર સપ્લાય ચૅઇન્સનાં સહાયક પ્રાધ્યાપિકા છે.

*ગોક્કે બાલ્સી લીડ્ઝ યુનિવર્સિટીમાં સાતત્યૂપૂર્ણ માલ પરિવહનના પ્રોફેસર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન