ચંદ્રસિંહ ગઢવાલી : એ સિપાઈ જેણે અંગ્રેજોના હુકમ છતાં ભારતીયો પર ગોળી ચલાવવાનો ઇન્કાર કરી દીધો

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી
  • વાંચવાનો સમય: 9 મિનિટ

1930માં મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહની સૌથી વધુ અસર ઉત્તર-પશ્ચિમી સરહદી પ્રાંતમાં જોવા મળી હતી.

'સરહદના ગાંધી' (ફ્રન્ટિયર ગાંધી) તરીકે પ્રસિદ્ધ ખાન અબ્દુલ ગફાર ખાનના વધી રહેલા પ્રભાવને જોતાં અંગ્રેજ સરકારે તેમની અને તેમના કેટલાક સાથીઓની 23મી એપ્રિલની સવારે ધરપકડ કરી લીધી હતી.

તે સમયે ખાન ઉત્મનઝઈથી પેશાવર જઈ રહ્યા હતા. તેમની ધરપકડના સમાચાર મળતાં જ હજ્જારો લોકો તેમને જ્યાં રખાયા હતા, તે ચરસદ્દા જેલને ઘેરી વળ્યા. પેશાવર શહેરમાં લોકોનાં ટોળે-ટોળાં એકઠાં થવા માંડ્યાં. ત્યાંના પઠાણો કિસ્સાખ્વાની બજારમાં "ઇન્કિલાબ ઝિન્દાબાદ "ના નારા લગાવી રહ્યા હતા.

આ દરમિયાન એક બ્રિટિશ અફસર મોટરસાઇકલ પર પૂરઝડપે ત્યાંથી પસાર થયો. ગતિ વધારે હોવાના કારણે ઘણા લોકો તેની ઝપેટમાં આવીને કચડાઈ ગયા અને ત્યાં ભારે નાસભાગ મચી ગઈ.

રોષે ભરાયેલાં ટોળાંએ મોટરસાઇકલને આગ ચાંપી દીધી. અંગ્રેજ અફસર સળગીને મોતને ભેટ્યો. હથિયારબંધ પોલીસ હાજર હોવા છતાં વહીવટી તંત્રએ સૈન્યને બોલાવવાનો આદેશ આપ્યો. થોડી જ વારમાં સૈન્યની ચાર બટાલિયન ત્યાં જઈ પહોંચી અને સશસ્ત્ર સિપાઈઓ શહેરની ચારેકોર ફેલાઈ ગયા.

ગઢવાલી 'સીઝફાયર'

હજ્જારો પઠાણો કાબુલ ગેટની સામે ખડા રહ્યા હતા.

રોયલ ગઢવાલી રાઇફલ્સની એક કંપની બરાબર તેમની સામે ઊભી હતી. ટોળાંનો આવેશ જોઈને કંપનીના કમાન્ડરે આદેશ આપ્યો, "સરઘસની ડાબી અને જમણી બાજુ કવર લો." દરેક સૈનિકની રાઇફલમાં પાંચ કારતૂસ ભરેલાં હતાં.

રમેશ પોખરિયાલ 'નિશંક' તેમના પુસ્તક 'હીરો ઑફ પેશાવર, વીર ચંદ્રસિંહ ગઢવાલી'માં લખે છે, "તેમની રાઇફલો પર સંગીન (બેયોનેટ) લગાવેલી હતી. કૅપ્ટન રિકેટે જોરથી કહ્યું, 'ભાગો નહિંતર માર્યા જશો.' પણ પઠાણો પોતાની જગ્યાએથી ડગ્યા નહીં. તે સમયે રિકેટે હુકમ કર્યો, 'ગઢવાલી, ત્રણ રાઉન્ડ ફાયર કરો.' તે ક્ષણે, હવાલદાર મેજર ચંદ્રસિંહ ગઢવાલી કૅપ્ટન રિકેટની ડાબી બાજુ ઊભા હતા.

કૅપ્ટન જોરથી ચિલ્લાયા, 'ગઢવાલી, સીઝ ફાયર.' આદેશ સાંભળીને ગઢવાલી કંપનીએ તેમની બંદૂકો નીચે જમીન તરફ નમાવી દીધી. આ જોઈને કૅપ્ટનનો રોષ ભભૂકી ઊઠ્યો. આગ ઝરતી આંખોએ ચંદ્રસિંહ સામે જોઈને તેમણે સવાલ કર્યો, 'શું થયું?'

ચંદ્રસિંહ ગઢવાલીએ જવાબ આપ્યો, 'આ તમામ લોકો શસ્ત્રવિહોણા છે. અમે તેમના પર ગોળીબાર શી રીતે કરી શકીએ?'"

અંગ્રેજોએ ગોળીબાર કર્યો

જવાબ સાંભળીને ધૂંઆપૂંઆ થયેલા કૅપ્ટન રિકેટે તરત જ તેમના સેવક મારફત કાબુલી ગેટ પર તહેનાત અધિકારીઓને એક ચિઠ્ઠી મોકલી. થોડી જ વારમાં 300 અંગ્રેજ સૈનિકોની એક ટુકડી ત્યાં આવી પહોંચી. તેમણે ગોળીબાર શરૂ કર્યો. ટોળાંમાં નાસભાગ મચી ગઈ અને સેંકડો લોકો માર્યા ગયા.

તે પછી લોકો તેમનાં ઘરોની છતો પર ચઢી ગયા અને બંને તરફથી પથ્થરો, બાટલા, કુહાડી, જે હાથ લાગ્યું, તે સૈનિકો પર ફેંકવા લાગ્યા. ઘણા પોલીસકર્મીઓ તથા સૈનિકોને ઈજા થઈ. ચંદ્રસિંહ ગઢવાલી અને તેમના ઘણા સાથીઓ પણ ઘાયલ થયા. આખા શહેરમાં માર્શલ લૉ લાગુ કરી દેવાયો.

રાજમોહન ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનના જીવનચરિત્ર 'ગફાર ખાન, નોન-વાયોલન્ટ કિંગ ઑફ ધ પશ્તૂન્સ'માં લખે છે, "આ ગોળીબારમાં સત્તાવાર રીતે માત્ર 20 લોકોનાં મોત નીપજ્યાં હતાં, પણ દેખાવકારોના જણાવ્યા પ્રમાણે, તે દિવસે પેશાવર તથા સરહદીય પ્રાંતનાં અન્ય સ્થળોએ અંગ્રેજોએ કરેલા ગોળીબારમાં 200થી 300 લોકોએ જાન ગુમાવ્યા હતા. અંતમાં, બ્રિટિશ સૈન્યએ ફાઇટર પ્લેનની મદદથી પેશાવરને ફરી અંકુશમાં લઈ લીધું. પછીથી, સરકારી આદેશોની અવજ્ઞા કરનાર ગઢવાલ રાઇફલ્સના જવાનોનું કોર્ટ માર્શલ કરવામાં આવ્યું અને તેમને લાંબા જેલવાસની સજા ફટકારાઈ."

ગઢવાલીની સૈનિક તરીકેની કારકિર્દી

1891માં ગઢવાલના રૌણીસેરા માસોમાં જન્મેલા ચંદ્રસિંહ ગઢવાલી ત્રીજી સપ્ટેમ્બર, 1914ના રોજ ભારતીય સેનામાં જોડાયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સ મોકલાયેલા તેઓ સૌપ્રથમ સૈનિક હતા.

તે પછી તેઓ મેસોપોટેમિયાના યુદ્ધમાં અંગ્રેજો તરફથી લડ્યા હતા અને આ યુદ્ધ જીત્યા હતા. ત્યાર બાદ તેમને 1918માં બગદાદનું યુદ્ધ લડવા મોકલવામાં આવ્યા હતા. વિશ્વયુદ્ધમાંથી પરત ફર્યા બાદ તેમને 1920માં વિઝિરીસ્તાન મોકલવામાં આવ્યા હતા. બ્રિટિશ સરકાર વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું હોવાના સમાચારો પેશાવરમાં મળતાં તેમને ત્યાં મોકલવામાં આવ્યા હતા.

આ લશ્કરી બળવાના સમાચાર દેશભરમાં આગની માફક ફેલાઈ ગયા. 24મી એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે, ગઢવાલી સૈનિકોને ફરી વખત શહેરમાં જવાનો આદેશ અપાયો, પણ તેમણે આદેશ માનવાનો ઇન્કાર કરી દીધો.

કંપનીના કૅપ્ટન ચૅપલે રોષે ભરાઈને કહ્યું, "તમે જાણો છો કે, તાલીમ દરમિયાન તમે દરેક આદેશ માનવાના શપથ લીધા હતા." ત્યારે ચંદ્રસિંહ ગઢવાલીએ જવાબ આપ્યો હતો, "જો તે લડાઈ દુશ્મન સેના સામે હોત, તો અમે અમારા જીવનની આહૂતિ આપી દીધી હોત, પણ અમે અમારા નિઃશસ્ત્ર દેશવાસીઓ પર ગોળી નહીં ચલાવીએ."

ચંદ્રસિંહ અને તેમના સાથીઓ 12 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને સ્ટેશન પહોંચ્યા. ત્યાંથી તમામ બળવાખોર સૈનિકોને ટ્રેન મારફત એબટાબાદ લઈ જવાયા હતા.

ચંદ્રસિંહ ગઢવાલીની ધરપકડ થઈ

26મી એપ્રિલની સાંજે એક સેવકે આવીને ચંદ્રસિંહને કહ્યું કે, કર્નલ સાહેબે તેમને બોલાવ્યા હતા.

રાહુલ સાંકૃત્યાયન તેમના પુસ્તક 'વીર ચંદ્રસિંહ ગઢવાલી'માં લખે છે, "ચંદ્રસિંહે સેવકને પૂછ્યું હતું કે, કર્નલ સાહેબ એકલા હતા કે પછી તેમની સાથે બીજું કોઈ પણ હાજર હતું? ત્યારે સેવકે જવાબ આપ્યો કે, ત્યાં ઘણા લોકો મોજૂદ હતા, જેમકે, જનરલ સાહેબ, એબટાબાદના ડેપ્યુટી કમિશનર અને સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ."

"આ સાંભળીને ચંદ્રસિંહ સમજી ગયા કે, તેઓ ત્યાં ગયા પછી પરત નહીં ફરે. તેમણે તરત તેમનો સામાન બાંધ્યો, બૂટ, ઓવરકોટ ચઢાવ્યા, ગોરખા ટોપી પહેરી અને પલટનના તમામ સિપાઈઓને મળવા નીકળ્યા. તેમણે સૌને કહ્યું, 'ભાઈઓ, તમારી સાથેની આ મારી છેલ્લી મુલાકાત છે'."

જ્યારે ચંદ્રસિંહ અધિકારીઓને મળવા માટે ગયા, ત્યારે મેજર બ્રોન્સ્કિલે કહ્યું, "ચંદ્રસિંહ, હવે તમને કેદ કરી લેવાયા છે." તે સમયે કૅમેરાથી ચંદ્રસિંહનો ફોટો પાડવામાં આવ્યો. તેમને કારમાં બેસાડવામાં આવ્યા. કાર મેજર બ્રોન્સ્કિલ સ્વયં હંકારીને તેમને કાકુલ લઈ ગયા, જ્યાં તેમને એક કોટડીમાં રાખવામાં આવ્યા અને ડબલ ગાર્ડને પહેરો ભરવા ગોઠવી દેવાયા.

આજીવન કારાવાસની સજા

ગઢવાલી સૈનિકોનો મુકદ્દમો બીજી જૂન, 1930ના રોજ લશ્કરી કોર્ટમાં શરૂ થયો.

અટકમાં લેવાયેલા સૈનિકોને ચુસ્ત સુરક્ષા હેઠળ રખાયા હતા. તેમાંથી ચંદ્રસિંહ પર ખાસ જાપ્તો રાખવામાં આવ્યો હતો. હાથમાં બેડીઓ સાથે કોર્ટમાં લઈ જવાયેલા તેઓ એકમાત્ર વ્યક્તિ હતા.

રમેશ પોખરિયાલ લખે છે, "તેમણે બેન્ચના હેડને પણ સવાલ કર્યો હતો, 'જનરલ સાહેબ, હું 60 ગુનેગારો પૈકીનો એક છું, તો ફક્ત મારા પર જ આટલી કડકાઈ શા માટે?' ત્યારે જનરલનો ઉત્તર હતો, 'તમે જોખમી માણસ છો. તમારા વિરુદ્ધ એવો ગુપ્તચર પોલીસ અહેવાલ છે કે, તમે જ બળવો કરાવ્યો છે, આથી તમને પ્રથમ ક્રમના આરોપી બનાવવામાં આવ્યા છે.'"

બૅરિસ્ટર મુકુંદીલાલે ચંદ્ર સિંહ વતી દલીલો કરી હતી. તેમની દલીલો સાંભળ્યા પછી બેન્ચે રૉયલ ગઢવાલ રાઇફલ્સ વિખેરી નાખવાનો સરકારનો નિર્ણય ઉથલાવી દીધો. સાથે જ બેન્ચે ચંદ્રસિંહને મૃત્યુદંડ ફટકારવાની સરકારની માગણી પણ ફગાવી દીધી. તેમને આજીવન કેદની સજા થઈ.

તેમના અન્ય સાથીઓને એક વર્ષથી લઈને પંદર વર્ષ માટે કેદવાસની સજા થઈ.

પગમાં બેડીઓ

ચંદ્રસિંહની તમામ મિલકત જપ્ત કરવામાં આવી અને તેમને લશ્કરમાંથી બરતરફ કરી દેવાયા.

રમેશ પોખરિયાલ કહે છે, "અદાલતનો આદેશ આવ્યો, તે સાથે જ સમગ્ર બટાલિયનની સામે ચંદ્રસિંહનું અપમાન કરવામાં આવ્યું. તેમના બેજ, બિલ્લા, બધું આંચકી લેવાયું. તેમનો યુનિફૉર્મ કાતર વડે કાપી દેવામાં આવ્યો. હાજર લોકો તમાશો જોતા રહ્યા."

ચંદ્રસિંહને છ વર્ષ માટે એબટાબાદ રાખવામાં આવ્યા.

રાહુલ સાંકૃત્યાયન લખે છે, "ચંદ્રસિંહને સાડા છ ફૂટ લાંબા અને દોઢ ફૂટ પહોળા પ્લૅટફૉર્મવાળી કોટડીમાં લઈ જવાયા. તેની નજીક અનાજ દળવાની એક ઘંટી રાખવામાં આવી હતી. ત્યાં એક માટલું, બે ફાટેલા કામળા, ઢીંચણસમા અંતઃવસ્ત્ર, અડધી બાંયના બે શર્ટ, એક લાલ ટોપી, લોઢાની એક થાળી, એક વાટકો અને એક લંગોટ રાખેલાં હતાં. ચંદ્રસિંહે શરીર પર ચટકતો કામળો ઓઢીને લંબાવ્યું, તે સાથે જ માંકડ, મચ્છર અને કીડીઓ જેવા જંતુઓએ તેમના પર હુમલો કર્યો. તે પછી તેમના પગ પર બેડીઓ પહેરાવાઈ."

અગિયાર વર્ષ પછી છૂટકારો

આ બેડી છ વર્ષ સુધી તેમના પગમાં રહી. 20મી એપ્રિલ, 1936માં તેમને બરેલી જેલમાં મોકલી દેવાયા, ત્યારે જ તેમના પગમાંથી બેડીઓ નીકાળવામાં આવી.

અહીં જ તેઓ કમ્યુનિસ્ટ ક્રાંતિકારીઓ યશપાલ, શિવ વર્મા અને વિજયકુમાર સિંહના સંપર્કમાં આવ્યા.

દેવેન્દ્રસિંહ અસવાલ તેમના લેખ 'વીર ચંદ્રસિંહ ગઢવાલીઃ ધ સોલ્ચર હૂ રિફ્યૂઝ્ડ ટુ ફાયર ઑન અનઆર્મ્ડ સિવિલિયન્સ'માં લખે છે, "બરેલી જેલના કેદીઓ તેમને 'હવાલદાર' કે 'ગઢવાલી' કહીને સંબોધતા હતા, જે ચંદ્રસિંહને પસંદ નહોતું.

પછીથી યશપાલ તેમને "મોટાભાઈ" કહેવા માંડ્યા. ત્યાર બાદ નેહરુ, સુભાષચંદ્ર બોઝ અને ગોવિંદ વલ્લભ પંત, એ સૌ પણ તેમને "મોટાભાઈ" કહેતા. પંડિત નેહરુ આ જ જેલમાં તેમને પ્રથમ વખત મળ્યા હતા.

તે પછી સરકારનું ફરમાન આવ્યું કે, ચંદ્રસિંહ સિવાય પેશાવર બળવાના બાકી તમામ કેદીઓની સજા અડધી કરી દેવાઈ છે. ચંદ્રસિંહને લખનઉની જેલમાં ખસેડાયા.

સુભાષચંદ્ર બોઝ ત્યાં તેમને મળવા ગયા. જવાહરલાલ નેહરુને પણ ધરપકડ પછી ત્યાં મોકલી દેવાયા હતા. બંનેએ જેલમાં 42 દિવસ સાથે પસાર કર્યા. ઘણી જેલોમાં 11 વર્ષ, ત્રણ મહિના અને 18 દિવસનો કેદવાસ ભોગવ્યા પછી આખરે 20મી સપ્ટેમ્બર, 1941ના રોજ ચંદ્રસિંહ ગઢવાલીને મુક્ત કરવામાં આવ્યા.

સપ્ટેમ્બર, 1942માં રૉયલ ગઢવાલ રાઇફલ્સની બે બટાલિયન સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં જોડાઈ ગઈ. બ્રિટિશ સંરક્ષણ પ્રધાન ફિલિપ મેસને સ્વીકાર્યું હતું કે, ગઢવાલી સૈનિકોમાં રાષ્ટ્રવાદની ભાવના છલકાતી હતી. આ સૈનિકો ભારતની સ્વતંત્રતા માટે બોઝ સાથે મળીને લડ્યા.

ગાંધીજીના વર્ધા આશ્રમમાં ચંદ્રસિંહનું આગમન

ચંદ્રસિંહ મુક્ત થયા, પણ તેમના ગઢવાલ જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો. લખનઉથી ચંદ્રસિંહ અલાહાબાદ ગયા અને ત્યાંથી 1942માં તેઓ વર્ધામાં આવેલા મહાત્મા ગાંધીના સેવાગ્રામ આશ્રમ ગયા. ત્યાં ગાંધીજીનાં મૂલ્યો, સિદ્ધાંતો અને ધાર્મિક માન્યતાઓથી તેઓ એટલા પ્રભાવિત થયા કે, તેમણે ત્યાં રહીને કામ કરવાનો નિર્ધાર કર્યો.

સેવાગ્રામમાં તેમના રોકાણ દરમિયાન, મહાત્મા ગાંધીના જીવનચરિત્રકાર તથા અમેરિકન પત્રકાર લુઇ ફિશરે આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યારે ગાંધીજીએ તેમને ચંદ્રસિંહ વિશે વાત કરી, ત્યારે ફિશર તેમને મળવા ગયા.

આ મુલાકાત વિશે રાહુલ સાંકૃત્યાયન લખે છે, "ફિશરે ચંદ્રસિંહને પૂછ્યું કે, શું દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભારતીય સેના અંગ્રેજો તરફથી લડશે? ત્યારે ચંદ્રસિંહે ઉત્તર આપ્યો, 'લશ્કર શિસ્તને વરેલું હોય છે, તે ચોક્કસપણે યુદ્ધમાં ભાગ લેશે, પણ તે સાથે જ તેને તેના દેશની પણ પરવા છે. તે મનથી યુદ્ધમાં નહીં જોડાય.'"

તે પછી ફિશરે પૂછ્યું, "ધારો કે સેનાને રાષ્ટ્રીય ચળવળને કચડી નાખવાની સૂચના અપાય તો?"

ત્યારે ચંદ્રસિંહે કહ્યું, "તે કદી પોતાના ભાઈઓ પર ગોળી નહીં ચલાવે. અંગ્રેજો કદી અમારી સામે તેમનો ઉપયોગ નહીં કરી શકે."

ફિશરે તેમની વચ્ચે થયેલી આ વાતચીત અમેરિકન અખબારોમાં પ્રકાશિત કરી હતી. અંગ્રેજોએ લશ્કર પર નકારાત્મક અસર પડવાની બીકે તે અખબારોની નકલો ભારત સુધી પહોંચતી અટકાવી હતી.

ચૂંટણીમાં સફળતા ન મળી

ભારત છોડો ચળવળમાં ભાગ લેવા બદલ ચંદ્રસિંહ ગઢવાલીની ફરી એક વખત અટકાયત કરવામાં આવી. ત્રણ વર્ષ વિવિધ જેલોમાં કારાવાસ ભોગવ્યા પછી 1945માં તેઓ જેલમુક્ત થયા.

તે વખતે પણ ગઢવાલમાં પ્રવેશવા પરનો પ્રતિબંધ યથાવત્ રહ્યો હતો. ઘણી સમજાવટ પછી તેમને 22મી ડિસેમ્બર, 1946ના રોજ ગઢવાલ પ્રવેશવાની પરવાનગી મળી.

1950માં તેઓ તેમના પરિવાર સાથે કોટદ્વારના ધ્રુવપુરમાં જઈને વસ્યા. 1952, 1957 અને 1962માં તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા, પણ એકપણ ચૂંટણીમાં જીતી ન શક્યા.

સ્વતંત્ર ભારતમાં પણ જેલે પીછો ન છોડ્યો

દેશ આઝાદ થયા પછી પણ ચંદ્રસિંહ ગઢવાલીનો જેલ સાથેનો નાતો અકબંધ રહ્યો. આઝાદી પછી તેમણે વધુ બે વર્ષ જેલમાં વીતાવવા પડ્યા. પહેલાં 1948માં ખોટા વૉરંટના આધારે તેમની ધરપકડ થઈ હતી.

ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંતની દરમિયાનગીરી પછી તેઓ જેલમુક્ત થયા. તે પછી 1962માં ચીનના હુમલા વખતે પણ તેમની અટકાયત કરાઈ હતી.

રમેશ પોખરિયાલ લખે છે, "તે સમયે દેશના કમ્યુનિસ્ટ્સ ચીન સાથે મળેલા હોવાની સરકારને શંકા હતી. કમ્યુનિસ્ટ પાર્ટીનું વિભાજન થયું અને બે કમ્યુનિસ્ટ પક્ષો રચાયાઃ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા અને માર્ક્સિસ્ટ કમ્યુનિસ્ટ પાર્ટી. સરકાર માર્ક્સિસ્ટ કમ્યુનિસ્ટ પાર્ટીના આગેવાનોને પકડવા માંડી. ચંદ્રસિંહ સ્વયંને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય માનતા હોવાથી તેમની ધરપકડ કરાઈ હતી."

પછીથી, તેમનાં પત્નીની સારવાર માટે સરકારને પાઠવવામાં આવેલી યાચિકાના આધારે, તેમને પેરોલ પર છોડી મૂકવામાં આવ્યા હતા.

આ સ્વાતંત્ર્ય સેનાનીનું લાંબી માંદગી બાદ પહેલી ઑક્ટોબર, 1979ના રોજ નિધન થયું હતું. તેમના અવસાનના થોડા દિવસો બાદ તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે કોટદ્વાર સ્થિત તેમના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.

1994માં કેન્દ્ર સરકારે તેમની યાદમાં એક પોસ્ટેજ સ્ટેમ્પ જારી કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન