વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ફરી હવામાન બદલાશે, વરસાદની શક્યતા કેટલી?

વાંચવાનો સમય: 2 મિનિટ

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાત મુખ્યત્વે સૂકું રહ્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. બાકીના ભાગોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી.

કિનારાવર્તી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય કરતા વધારે વધ્યું છે. સમગ્ર ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં પણ વધારો થયો છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા વધારે છે જ્યારે બીજા ભાગોમાં સામાન્ય કરતા બહુ થોડું વધ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચના

હાલમાં જમ્મુ અને પડોશના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચના થઈ છે જેનાથી અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.

મધ્ય પાકિસ્તાન અને તેના પડોશના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવા અહેવાલ નથી.

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે આકાશ આંશિક રીતે વાદળછાયું રહેવાની આગાહી છે.

અમદાવાદ શહેર અને નજીકના ભાગોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની અને લઘુતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે.

ગુજરાતમાં ફરી ક્યારે વરસાદ પડશે?

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના અહેવાલ પ્રમાણે આગામી સાત દિવસ સુધી દેશનાં ઘણાં રાજ્યોમાં થોડા-વધારે પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 25 માર્ચથી ગુજરાતથી ઉપરના ભાગોમાં ધૂળની આંધી સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાનનો વિસ્તાર આવરી લેવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળો જોવા મળી રહ્યાં છે. હજુ એક દિવસ સુધી આવી પરિસ્થિતિ રહેવાની શક્યતા છે જેના કારણે છૂટોછવાયો વરસાદ પડી શકે.

29 અને 30 માર્ચે ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. એપ્રિલમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં શરૂઆતમાં વાદળો જોવા મળશે.

દેશના અનેક ભાગમાં હવામાન બદલાશે

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાયું છે જેના કારણે જમ્મુ અને કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં 24થી 26 માર્ચ દરમિયાન છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જે દરમિયાન પવનની ઝડપ 30થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

24 માર્ચે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં દેશભરમાં ઘણી જગ્યાએ હવામાન બદલાવાનું છે. તેના કારણે અત્યંત ગરમીનો અનુભવ કરતા ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતનાં રાજ્યોમાં તાપમાન ઘટી જશે. ઉત્તર ભારત, પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે જેના કારણે એપ્રિલના શરૂઆતમાં પણ ગરમીમાં રાહત મળશે.

નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ વરસાદની સંભાવના છે.

પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં હળવો વરસાડ પડી શકે છે. સાઉથમાં કોંકણ-ગોવા અને કેરળમાં ભેજવાળું હવામાન રહેશે.

26 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધારે અસર જોવા મળશે અને પછી 28-29 માર્ચે આ સિસ્ટમ ઉત્તર ભારતને અસર કરશે. અલગ અલગ જગ્યાએ બનેલી સિસ્ટમ અને ટ્રફ લાઇન પણ હવામાનને અસર કરી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન