You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન યુદ્ધ: ક્રૂડઑઇલ, ખાતર સિવાય રોજિંદી જરૂરિયાતની કઈ વસ્તુઓ મોંઘી થઈ શકે?
- લેેખક, એન્જેલ બર્મ્યુડેઝ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- વાંચવાનો સમય: 6 મિનિટ
અમેરિકા અને ઇઝરાયલ તરફથી ઈરાન વિરુદ્ધ યુદ્ધ શરૂ થયાને 20 કરતાં વધુ દિવસ થઈ ચૂક્યા છે.
આ સંઘર્ષની અસર હવે વિશ્વના અર્થતંત્ર પર સ્પષ્ટ દેખાવા લાગી છે.
ગત 9 માર્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઇલના સ્ટાન્ડર્ડ મનાતા બ્રેન્ટ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડની કિંમતો પહેલી વાર 2022 બાદ 100 ડૉલર પ્રતિ બેરલથી વધી ગઈ છે.
જોકે, એ જ દિવસે આ કિંમત ઘટીને 95 ડૉલરની નીચે આવી ગઈ હતી. પરંતુ પાછલા અમુક દિવસોમાં ઑઇલ ટૅન્કરો પર કરાયેલા નવા હુમલા બાદ ક્રૂડઑઇલની કિંમતો ફરી એક વાર 100 ડૉલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહી છે.
27 ફેબ્રુઆરીના રોજ, એટલે કે સંઘર્ષ શરૂ થવાના એક દિવસ પહેલાં, બ્રેન્ટ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડની કિંમતો લગભગ 70 ડૉલર પ્રતિ બેરલની આસપાસ હતી.
ઈંધણની કિંમતોમાં આવેલી આ તેજીનું સૌથી મોટું કારણ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સમુદ્રી વાહનવ્યવહાર લગભગ ઠપ થઈ જવું છે.
ઈરાન સરકારે એ જહાજોને ચેતવણી આપી છે જે એ સમુદ્રી રસ્તાથી પસાર થવાનો પ્રયાસ કરશે. આ એ જ રસ્તો છે, જ્યાંથી વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડઑઇલ અને ગૅસની સપ્લાય થાય છે.
ઈરાન અને હોર્મુઝની સામુદ્રધુનીનો નિકટનો સંબંધ હોવાને કારણ ઑઇલ અને ગૅસની કિંમતો વધવાનું અનુમાન લગાવાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આની અસર માત્ર આટલે સુધી જ મર્યાદિત નહીં રહે.
આવનારા સમયમાં આના ફટકા અર્થતંત્રનાં બીજાં ક્ષેત્રોમાં પણ અનુભવાશે અને તેની અસર આખા વિશ્વમાં થશે.
1. ભોજનસામગ્રી મોંઘી થશે
ચાલુ સંઘર્ષની અસર એ દેશો પર પણ પડી રહી છે, જે વિશ્વના મોટા ખાતર નિકાસકાર છે.
ઇકૉનૉમિક કૉમ્પ્લેક્સિટી ઑબ્ઝર્વેટરીના આંકડા પ્રમાણે, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત નાઇટ્રોજન આધારિત ખાતરના વિશ્વના ચાર મોટા નિકાસકાર છે.
આ ખાતર પ્રાકૃતિક ગૅસમાંથી બને છે અને એ પાકમાં ઉપયોગમાં લેવા છે, જેનાથી વિશ્વની લગભગ અડધી ખાદ્ય પેદાશો પેદા થાય છે.
જોકે, યુદ્ધ છતાં આ ક્ષેત્રની મોટા ભાગની ખાતર કંપનીઓ અત્યાર સુધી કામ કરતી રહી છે, પરંતુ કતાર ઍનર્જીએ પોતાનું ઉત્પાદન રોકવું પડ્યું હતું. એ યુરિયા બનાવનારી પ્રમુખ કંપનીઓ પૈકી એક છે.
નોંધનીય છે કે ઈરાનના ડ્રોન અને મિસાઇલ હુમલાને કારણે ગૅસની સપ્લાયમાં અવરોધ પેદા થયો હતો.
બીજી તરફ ભલે અમુક કંપનીઓએ ઉત્પાદન ચાલુ રાખેલું છે, પરંતુ તેનો તેમને પૂરો ફાયદો નથી મળી શકી રહ્યો.
હોર્મુઝની સામુદ્રધુની લગભગ બંધ થવાને કારણે તે ફર્ટિલાઇઝરની નિકાસ નથી કરી શકી રહી.
કારણ એ છે કે હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાને કારણે તેઓ ખાતર નિકાસ નથી કરી શકી રહ્યા.
બ્લૂમબર્ગ પ્રમાણે, વિશ્વની કુલ ખાતર સપ્લાયનો લગભગ એક તૃતિયાંશ ભાગ આ જ રસ્તેથી પસાર થાય છે.
આ સ્થિતિને એ હકીકત વધુ ગંભીર બનાવે છે કે ઈરાન પોતે પણ ખાતરનો નિકાસકાર દેશ છે.
આ તમામ કારણોને લીધે ખાતરની કિંમતમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે.
અમેરિકામાં ખાતરના સૌથી મોટા પ્રવેશદ્વાર મનાતા ન્યૂ ઑરલિયન્સ બંદરે યુદ્ધના પ્રથમ અઠવાડિયામાં જ ખાતરની કિંમત 516 ડૉલર પ્રતિ ટનથી વધીને 683 ડૉલર પ્રતિ ટન સુધી પહોંચી ગઈ હતી.
આ સ્થિતિ એવા સમયે આવી છે જ્યારે ઉત્તર ગોળાર્ધવાળા દેશોમાં ખેડૂત વાવણીની તૈયારી કરી રહ્યા હોય છે. જેથી સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે.
અમેરિકન ફાર્મ બ્યૂરો ફેડરેશનના આંકડા પ્રમાણે, અમેરિકામાં દર વર્ષે માર્ચ અને એપ્રિલના મહિનામાં જ કુલ વપરાશ પૈકી 25 ટકા ખાતરની આયાત કરાય છે.
સાઉથ કૈરોલિનામાં કપાસ, મકાઈ અને સોયાબીનની ખેતી કરતા ખેડૂત હૈરી ઓટે બીબીસને જણાવ્યું, "આ આનાથી બદતર સમયે નહોતું થઈ શકતું."
વિશ્લેષકો પ્રમાણે જો આ સંઘર્ષ લાંબો ખેંચાશે, તો એકથી ત્રણ મહિનાની અંદર ઉપભોક્તાઓની ખાણીપીણીની વસ્તુઓ પર આની અસર અનુભવાવા લાગશે.
ખાદ્ય પદાર્થ માત્ર મોંઘા જ નહીં, બલકે તેની કમી પણ સર્જાઈ શકે છે, કારણ કે જરૂરી પ્રમાણમાં ખાતર ન મળવાથી પાકમાં ઘટાડો થશે.
આની સૌથી ગંભીર અસર ગરીબ દેશો અને સમાજના સૌથી નબળા વર્ગના લોકો પર પડી શકે છે, જ્યાં આ સ્થિતિ ભૂખમરામાં ફેરવાઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમે એક નિવેદનમાં ચેતવણી આપી છે, "મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષને કારણે ભોજનસામગ્રી અને ઈંધણની કિંમતોમાં આવેલી અચાનક તેજી એક એવી ડૉમિનો ઇફેક્ટ પેદા કરી શકે છે, જે આ ક્ષેત્ર અને વિશ્વના અન્ય ભાગોમાં રહેતી કમજોર વસતી માટે ભૂખની સમસ્યાને વધુ ગંભીર બનાવી દેશે."
2. દવાઓની સપ્લાય પર અસર થશે
મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે દવાઓ અને ફાર્માસ્યુટિકલ પેદાશોના વૈશ્વિક પુરવઠા તંત્રને પણ અસર કરવા લાગ્યું છે.
આનું સૌથી મોટું કારણ દુબઈ પર થઈ રહેલા હુમલા છે. દુબઈ વિશ્વના ફાર્મા સેક્ટરનું એક મહત્ત્વપૂર્ણ લૉજિસ્ટિક કેન્દ્ર મનાય છે.
સંયુક્ત આરબ અમીરાતના સૌથી મોટી વસતી ધરાવતા શહેરમાં વિશ્વનું સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે, જ્યાં 2025માં લગભગ 9.5 કરોડ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી.
આ હવાઈ મથક ભારતની ફાર્માસ્યુટિક્લ ઇન્ડસ્ટ્રી માટે ખાસ મહત્ત્વપૂર્ણ છે.
ભારત વિશ્વમાં જેનરિક દવાઓનું સૌથી મોટું સપ્લાયર અને દેશના વાણિજ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, વિશ્વમાં ઉપયોગમાં લેવાતી લગભગ 60 ટકા રસી ભારતમાં જ બને છે.
ખરેખર, એમિરેટ્સ ઍરલાઇનની એક વિશેષ કાર્ગો સુવિધા છે - એમિરેટ્સ સ્કાઈફાર્મા. તેને ખાસ તાપમાન પ્રત્યે સંવેદનશીલ દવાઓની શિપમેન્ટ સંભાળવા માટે બનાવાઈ છે.
દુબઈમાં ઝેબેલ અલી પૉર્ટ પણ છે, જેને વિશ્વનું નવમું સૌથી વ્યસ્ત કાર્ગો પૉર્ટ અને મધ્ય પૂર્વનું સૌથી મોટું બંદર માનવામાં આવે છે.
જેબેલ અલી ફ્રી ઝોન ઑથૉરિટી (જાફ્ઝા) અનુસાર, આ પૉર્ટમાં 60 દેશોની લગભગ 400 કંપનીઓ કામ કરી રહી છે, જે ફાર્માસ્યુટિક્કલ અને હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલી છે.
અધિકારીઓનું કહેવું છે કે વર્ષ 2020માં દુબઈની કુલ દવા અને મેડિકલ પેદાશોનો લગભગ 50 ટકા ભાગ આ જ રસ્તે થઈને પસાર થયો હતો, જેની કુલ કિંમત લગભગ 21.8 અબજ અમેરિકન ડૉલર હતી.
ભારતથી થતી દવાની નિકા,નો એક મોટો ભાગ દુબઈ પૉટર્થી થઈને પસાર થાય છે.
અહીંથી આ દવાઓ પર્શિયન અખાતના બીજા દેશો, આફ્રિકા, યુરોપ અને અન્ય ક્ષેત્રોમાં મોકલવામાં આવે છે.
પરંતુ ઈરાન દ્વારા કરાયેલા સૈન્ય હુમલાના કારણે દુબઈનાં બંદર અને હવાઈ મથક, બંનેને નુકસાન થયું છે. સંઘર્ષને પગલે તેની સામાન્ય પ્રવૃત્તિઓમાં પડકાર સર્જાયો છે.
હવાઈ માર્ગથી કાર્ગો ટ્રાન્સપૉર્ટ દવા ઉદ્યોગ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે.
ખાસ કરીને એ શિપમેન્ટ્સ માટે જેની કિંમત વધુ હોય છે અને જેને તરત મોકલવા આવશ્યક હોય છે કે પછી જેને નિયંત્રિત તાપમાન એટલે કે કોલ્ડ ચેઇનમાં રાખવા પડે છે.
જોકે, દુબઈના અમુક વૈકલ્પિક રસ્તા મોજૂદ છે, પરંતુ એ પૈકી મોટા ભાગનાની ક્ષમતા ઓછી છે.
આ રસ્તે માલ પહોંચાડવામાં વધુ સમય લાગે છે અને ખર્ચ પણ ઓછો લાગે છે.
પરિણામ એવું આવી શકે કે આગળ ચાલીને દવાઓની કિંમતમાં વધારો થાય અને તેની ઉપલબ્ધતા પર પણ અસર પડે.
ભારતના વાણિજ્ય મંત્રાલય પ્રમાણે, ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી વિશ્વના લગભગ 200 દેશોને દવાઓની નિકાસ કરે છે.
તેના પ્રમુખ બજારોમાં અમેરિકા, બ્રિટન, બ્રાઝીલ, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.
દુબઈ હવાઈ મથક અને પૉર્ટ માત્ર ટ્રાન્ઝિટ પૉઇન્ટ નથી, બલકે એ દવાઓના સ્ટોરેજ અને ફરી વાર નિકાસ માટેનું પણ એક મોટું કેન્દ્ર છે.
આ કારણે જ વર્લ્ડ ફાર્માસ્યુટિકલ્સ કારોબારમાં દુબઈની ભૂમિકા મહત્ત્વપૂર્ણ અને કેન્દ્રીય મનાય છે.
3. ધાતુ, રસાયણ અને ઇલેક્ટ્રૉનિક ઉપકરણોની સપ્લાય પર અસર
યુદ્ધની અસર હવે એ રસાયણો અને કાચા માલના પુરવઠા પર પડવા લાગી છે, જે ઔદ્યોગિક ઉત્પાદન માટે અત્યંત જરૂરી હોય છે.
તેમાં સલ્ફર જેવાં રસાયણિક તત્ત્વો અને ઍલ્યુમિનિયમ જેવા કાચા પદાર્થ સામેલ છે.
સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર, કુવૈત અને ઈરાન એ પ્રમુખ દેશોમાં સામેલ છે, જે સલ્ફરની નિકાસ કરે છે.
સલ્ફર ક્રૂડઑઇલ અને ગૅસની રિફાઇનિંગ દરમિયાન નીકળતી એક આડપેદાશ હોય છે.
અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વે અનુસાર, વિશ્વમાં બનતા કુલ સલ્ફરનો લગભગ 24 ટકા ભાગ મધ્ય પૂર્વમાંથી આવે છે.
આનો એક મોટો ભાગ ખાતરના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે, પરંતુ સલ્ફરની ભૂમિકા અહીં સુધી જ સીમિત નથી.
તેનો ઉપયોગ તાંબા અને નિકલ જેવી ધાતુઓને કાઢવામાં પણ થાય છે, જે આગળ ચાલીને ઉપકરણો, ગાડીઓ, વીજળીની ગ્રિડ, સેમિકન્ડક્ટર, બૅટરીઓ અને સ્ટેનલેસ સ્ટીલ જેવાં મહત્ત્વપૂર્ણ ઉત્પાદનોના નિર્માણમાં કામ લાગે છે.
આ સેક્ટરમાં યુદ્ધની અસર હાલ સ્પષ્ટ દેખાવા લાગી છે. સંઘર્ષના પ્રથમ અઠવાડિયામાં ઇન્ડોનેશિયાની નિકલ ઉત્પાદક કંપનીઓએ ઉત્પાદનમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી.
ઇન્ડોનેશિયા વિશ્વના કુલ નિકલના 50 ટકા કરતાં વધુ ભાગનું ઉત્પાદન કરે છે.
આ કંપનીઓએ જણાવ્યું કે ખાડી દેશોમાંથી આવતા પુરવઠા ઘટવાને કારણે તેમણે આ નિર્ણય લેવો પડ્યો.
નોંધનીય છે કે કંપનીઓ જે સલ્ફરનો ઉપયોગ કરે છે, તેનો લગભગ 75 ટકા ભાગ આ જ ખાડી દેશોમાંથી આવે છે.
સમાચાર એજન્સી રૉયટર્સ એજન્સીએ ચેતવણી આપી છે કે આફ્રિકામાં તાંબાના કેટલાક ઉત્પાદક પણ આ જ પ્રકારની મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યા હોય એવું બની શકે.
રૉયટર્સ પ્રમાણે, "પુરવઠા અંગે થનારી ખેંચતાણમાં ઇન્ડોનેશિયાની નિકલ રિફાઇનરીઓ એક તરફ હશે, આફ્રિકાની તાંબાની ખાણો બીજી તરફ અને બંનેની સામે સમગ્ર વિશ્વના ખાતર ઉત્પાદક હશે, જે મધ્ય પૂર્વથી આવતા સલ્ફરનો વિકલ્પ શોધી રહ્યા છે."
સલ્ફરથી બનતું સલ્ફ્યુરિક ઍસિડ સેમિકન્ડક્ટર અને ચિપ્સના નિર્માણમાં ઉપયોગમાં લેવાતાં મહત્ત્વપૂર્ણ રસાયણો પૈકી એક છે.
આવી સ્થિતિમાં જો રસાયણોના પુરવઠા પર અસર પડશે, તો તેની અસર એ અગણિત ઉત્પાદનો પર પણ પડી શકે છે જે આજના આધુનિક જીવન માટે જરૂરી મનાય છે.
તેમાં સ્માર્ટફોન, કમ્પ્યૂટર, મેમરી કાર્ડ, વાહન અને ઘરો, ઑફિસ અને ફૅક્ટરીઓમાં ઉપયોગમાં લેવાતાં તમામ ઇલેક્ટ્રૉનિક ઉપકરણ સામેલ છે.
આ પહેલી વખત નથી કે જ્યારે વિશ્વ આ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. કોવિડ 19 મહામારી દરમિયાન પણ ચિપ્સની ભારે કમી જોવા મળી હતી, જેની અસર માત્ર તેના ઉત્પાદન પર જ નહી, પરંતુ ઉપભોક્તાઓએ તેના માટે વધુ કિંમત પણ ચૂકવવી પડી હતી.
આ વખત સ્થિતિને વધુ જટિલ બનાવનારું વધુ એક કારણ પણ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા મૉડલ વિકસિત કરવાં અને તેને લાગુ કરનારી કંપનીઓ થકી ચિપ્સની ખૂબ વધુ માગ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન