You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'બુમરાહ ન હોત તો હું અહીંયા ન હોત', સેમિફાઇનલ મૅચમાં ભારતની જીત બાદ સંજુ સેમસન આવું કેમ બોલ્યા?
- લેેખક, પ્રવીણ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
"આ ઍવૉર્ડ જસપ્રીત બુમરાહને મળવો જોઈએ. જો તે ન હોત, તો હું અહીં ન હોત."
ઇંગ્લૅન્ડ સામેની સેમિફાઇનલ મૅચમાં સંજુ સેમસનને 'મૅન ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.
પરંતુ સંજુએ ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પહોંચાડવાનો શ્રેય જસપ્રીત બુમરાહની બૉલિંગને આપ્યો હતો.
આ એક એવી મૅચ હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 253 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો, પરંતુ છેલ્લી ઓવર સુધી આ મૅચ કોણ જીતશે, તે નક્કી નહોતું થતું.
જોકે, કોઈ પણ રીતે ભારતે આ મૅચ સાત રનથી જીતી લીધી.
પરંતુ આ મૅચ, જેમાં બંને ટીમોએ કુલ 499 રન બનાવી દીધા, તેમાં ફક્ત એક બૉલર ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે મોટો તફાવત સાબિત થયો.
આ બૉલર જસપ્રીત બુમરાહ રહ્યા, જેમણે ઇંગ્લૅન્ડની ઇનિંગની 18મી ઓવરમાં 6 રન આપીને ભારતને મૅચમાં પાછું લાવી દીધું.
જોકે, મૅચ હારવા છતાં, ઇંગ્લૅન્ડની ટીમે ફાઇનલ પહેલાં ભારતને ઘણું શીખવાડી દીધું છે, જે 8 માર્ચે ન્યૂઝીલૅન્ડ સામે રમાનારી ફાઇનલ મૅચમાં ભારત માટે ઉપયોગી થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'જસપ્રીત બુમરાહ જેવું કોઈ નથી'
ઇંગ્લૅન્ડને છેલ્લી ત્રણ ઓવરમાં જીતવા માટે 45 રનની જરૂર હતી. જેકબ બેથેલ 42 બૉલમાં 94 રન બનાવીને બૅટિંગ કરી રહ્યા હતા અને સેમ કરન ક્રીઝ પર હતા.
તે સમયે, એવું લાગતું હતું કે, જેકબ બેથેલ ભારતને ફાઇનલમાં પહોંચવા દેશે નહીં. પરંતુ જસપ્રીત બુમરાહે ફરી એકવાર તેવું જ કર્યું જેના માટે તેઓ જાણીતા છે.
બુમરાહે 18મી ઓવરમાં ફક્ત છ રન આપ્યા, જેનાથી ઇંગ્લૅન્ડ દબાણમાં આવી ગયું. છેલ્લી બે ઓવરમાં 39 રન બનાવવા કોઈ પણ ટીમ માટે સરળ નથી, ખાસ કરીને જ્યારે તેના પાંચ બૅટ્સમૅન પહેલાંથી જ આઉટ થઈ ગયા હોય.
તે પછીની ઓવરમાં હાર્દિક પંડ્યાએ તેની ઓવર ફક્ત 9 રન આપીને બાકીનું કામ પણ પૂર્ણ કરી દીધું હતું. 19મી ઓવરમાં જ હાર્દિક પંડ્યાએ ફાઇનલમાં ભારતનું સ્થાન નિશ્ચિત કરાવી દીધું હતું.
પરંતુ, આ જીતના અસલી હકદાર જસપ્રીત બુમરાહ રહ્યા હતા, જેમણે ચાર ઓવરમાં માત્ર 33 રન આપ્યા અને હૅરી બ્રૂકની વિકેટ પણ લીધી.
બુમરાહના પ્રદર્શન પર સંજુ સેમસને કહ્યું, "બુમરાહ એક વર્લ્ડ ક્લાસ બૉલર છે, તે એક એવાબૉલર છે, જે એક જનરેશનમાં એક જ હોય છે, અને તેમણે ફરી એકવાર આ સાબિત કરી બતાવ્યું છે."
કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પણ સ્વીકાર્યું કે આ મૅચમાં જસપ્રીત બુમરાહ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે સૌથી મોટો પડકાર સાબિત થયા છે.
સૂર્યકુમારે કહ્યું, "અમે સૌ જાણીએ છીએ કે બુમરાહ શું કરી શકે છે અને વર્ષોથી ભારત માટે તેમણે શું કર્યું છે."
"આ મૅચમાં પણ તેમણે તેવું જ કર્યું. તેમણે ઇંગ્લૅન્ડ પાસેથી મૅચ છીનવી લીધી. અને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું."
ગ્રાઉન્ડ ફિલ્ડિંગમાં સુધારો કરવાની જરૂર છે
ફાઇનલમાં પહોંચવા છતાં, આ મૅચમાં ટીમ ઇન્ડિયાની ઘણી કચાશ સામે આવી હતી. છેલ્લી મૅચોની સરખામણીમાં, ભારતે પોતાની ફિલ્ડિંગમાં નોંધપાત્ર સુધારો કરતાં તેનું પરિણામ પણ સ્પષ્ટ દેખાયું.
પાંચમી ઓવરના પહેલા બૉલ પર, અક્ષર પટેલે બૅકવર્ડ પૉઇન્ટ પર દોડતી વખતે હૅરી બ્રૂકનો શાનદાર કેચ પકડ્યો અને ભારતને ફરીથી મૅચમાં લાવી દીધું હતું.
આ મૅચ પહેલાં, ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં 13 કૅચ છોડ્યા હતા.
કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, "ફિલ્ડિંગમાં સુધારાનો શ્રેય ફિલ્ડિંગ કોચ દિલીપને જવો જોઈએ. અમે પ્રેક્ટિસ સેશન સારી રીતે કરી રહ્યા છીએ, હવે તેના પરિણામો મૅચમાં દેખાઈ રહ્યા છે."
પરંતુ ટીમ ઇન્ડિયાએ ફાઇનલ મૅચ પહેલાં પોતાની ગ્રાઉન્ડ ફિલ્ડિંગ પર કામ કરવાની જરૂર છે.
જો ભારતની ગ્રાઉન્ડ ફિલ્ડિંગ સારી હોત, તો તેઓ ઇંગ્લૅન્ડને 230 રન સુધીમાં જ રોકી લીધું હોત.
ફિલ્ડિંગ ઉપરાંત, વરુણ ચક્રવર્તી ભારત માટે સૌથી મોટી ચિંતાના વિષય સાબિત થયા છે. તેમણે આ મૅચમાં ચાર ઓવરમાં 64 રન આપ્યા હતા, એમની ઓવરોમાં જ ઇંગ્લૅન્ડે સૌથી વધુ રન ફટકાર્યા છે.
જેકબ બેથેલે વરુણની પહેલી ઓવરમાં જ ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
સેમિફાઇનલ પહેલાંની બે મૅચમાં વરુણ ચક્રવર્તીએ આઠ ઓવરમાં 87 રન આપ્યા હતા.
આવી સ્થિતિમાં, ફાઇનલ માટે પ્લેઇંગ ઇલેવનમાં વરુણ ચક્રવર્તીને જાળવી રાખવા ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ મુશ્કેલ નિર્ણય હોઈ શકે છે.
છઠ્ઠો બૉલર અને અભિષેક શર્મા
ફિલ્ડિંગ અને વરુણ ચક્રવર્તી ઉપરાંત, ટીમ ઇન્ડિયા માટે હજુ બે અન્ય ચિંતાના વિષયો છે, જે છે અભિષેક શર્માનું ખરાબ ફૉર્મ અને છઠ્ઠા બૉલરનો અભાવ.
20મી ઓવરમાં, જ્યારે ઇંગ્લૅન્ડને જીતવા માટે 30 રનની જરૂર હતી, ત્યારે કૅપ્ટન માટે સૌથી મોટો પડકાર એ હતો કે બૉલ કોને સોંપવો તે નક્કી કરવું. અર્શદીપ, બુમરાહ અને હાર્દિકે પોતાની ઓવરનો ક્વોટા પહેલાં જ પૂર્ણ કરી દીધો હતો.
આવી સ્થિતિમાં, અક્ષર પટેલ કે શિવમ દુબે સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. શિવમ દુબેએ છેલ્લી ઓવરના પહેલા બૉલ પર બેથેલને આઉટ કર્યો. જોકે, આર્ચરે આવીને અંતે ત્રણ બૉલમાં ત્રણ છગ્ગા ફટકારીને જીતનું અંતર ફક્ત 7 રન કરી દીધું હતું.
શિવમ દુબેની ઓવરમાં 22 રન ગયા. અગાઉ, ઝિમ્બાબ્વે સામે, તેમણે બે ઓવરમાં 46 રન આપ્યા હતા. દક્ષિણ આફ્રિકા સામે, તેમની બે ઓવરમાં 32 રન ગયા હતા.
આ બધા પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે કે હવે ફાઇનલ જેવી મહત્ત્વપૂર્ણ મૅચમાં, ભારત ઓછામાં ઓછા છઠ્ઠા બૉલર તરીકે શિવમ દુબે પર આધાર રાખી શકે નહીં.
ત્યારે, અભિષેક શર્માની નિષ્ફળતા સેમિફાઇનલમાં પણ ચાલુ રહી, તેમણે ઇંગ્લૅન્ડ સામે ફક્ત 9 રન બનાવ્યા.
અત્યાર સુધીમાં, અભિષેક શર્માએ આ ટુર્નામૅન્ટની સાત ઇનિંગ્સમાં ફક્ત 89 રન બનાવ્યા છે, જેમાં ઝિમ્બાબ્વે સામેની 55 રનની ઇનિંગનો પણ સમાવેશ થાય છે.
અભિષેક ફૉર્મમાં ન હોવાને કારણે, ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં એક પણ વખત 50 રનની ઓપનિંગ ભાગીદારી હાંસલ કરી શકી નથી.
ફાઇનલ મૅચના મહત્ત્વને ધ્યાનમાં રાખીને, ટીમ મેનેજમેન્ટ, જે અત્યાર સુધી અભિષેક શર્માને સમર્થન આપતું આવ્યું છે, તે તેમને લઈને પણ મોટો નિર્ણય લઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન