બીબીસીનાં સર્વપ્રિયા સાંગવાનને ફરી મળ્યો 'રામનાથ ગોયનકા ઍવૉર્ડ'– ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 6 મિનિટ

બીબીસીનાં પત્રકાર સર્વપ્રિયા સાંગવાનને પ્રતિષ્ઠિત રામનાથ ગોયનકા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં તેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં.

સર્વપ્રિયાને આ ઍવૉર્ડ હિન્દી (બ્રૉડકાસ્ટ) કૅટેગરીમાં તેમની હિન્દી સિરીઝ 'ધ લાસ્ટ મૅન' માટે મળ્યો છે.

તેમને આ સિરીઝ માટે 'દાનિશ સિદ્દિકી જર્નલિઝ્મ ઍવૉર્ડ' પણ મળ્યો છે.

આ સિરીઝમાં આઠ એપિસોડ હતા, જે આ લિંક પર ક્લિક કરીને જોઈ શકાય છે.

તેમને અગાઉ પણ રામનાથ ગોયનકા ઍવૉર્ડથી સન્માનિત કરાયાં છે.

તેમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન તરફથી 2025નો 'જર્નલિસ્ટ ઑફ ધ યર' ઍવૉર્ડ મળ્યો હતો.

નેપાળમાં બાલેન શાહે વડા પ્રધાનપદના શપથ લીધા

રૅપરથી રાજનેતા બનનારા બાલેન શાહે નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. ગત સાલ યુવાઓના નેતૃત્વમાં થયેલાં વિરોધપ્રદર્શનો બાદ દેશમાં થયેલી પહેલી ચૂંટણીમાં તેમને વિશાળ જીત હાંસલ થઈ હતી.

35 વર્ષના શાહની રાજનીતિમાં આવવું નેપાળી રાજનીતિમાં મહત્ત્વનો પડાવ અને બદલાવ મનાય છે. ચૂંટણી પ્રચારમાં બદલાવનું તેમણે આપેલું વચન એ મતદાતાઓને પસંદ આવ્યું જે ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ અને રસૂખદારોના શાસનથી નારાજ હતા.

શુક્રવારે પદને સંભાળનારા શાહ, જેમને લોકો બાલેનના નામથી જાણે છે. તેમણે નેપાળના ભવિષ્યને લઈને આશાભર્યું એક ગીત રિલીઝ કર્યું.

"અનડિવાઇડેડ નેપાલી, ધિસ ટાઇમ હિસ્ટ્રી ઇઝ બીઇંગ મેડ" નામના આ ગીતને કલાકોમાં જ તેની રિલીઝ પછી 20 લાખથી વધુ વ્યૂ મળી ગયા હતા.

બાલેન શાહે માત્ર ત્રણ વર્ષ કાઠમંડુના મેયર તરીકે સત્તા સંભાળી છે. ત્યાર પછી તેઓ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી તરફથી વડા પ્રધાન પદનો ચહેરો જાહેર થયા હતા અને આ મહિને જ યોજાયેલી ચૂંટણીમાં તેમને ભવ્ય જીત મળી હતી.

'ટ્રમ્પ મધ્યપૂર્વમાં 10 હજાર વધારાના સૈનિકો મોકલવા વિચાર કરે છે' : રિપોર્ટ

અંગ્રેજી અખબાર 'વૉલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યપૂર્વમાં 10 હજાર વધારાના સૈનિકો મોકલવા પર વિચાર કરી રહ્યા છે.

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે, "સંભવિત તહેનાતીનો ઉદ્દેશ વધુ સૈન્ય વિકલ્પોને તૈયાર રાખવાનો છે. આ આવા સમયે થઈ રહ્યું છે જ્યારે ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ માટે વાતચીત કરી રહ્યા છે."

રિપોર્ટ પ્રમાણે, આ સૈન્ય ટુકડીમાં સંભવત: પાયદળ તથા બખ્તરબંધ વાહનો સામેલ થશે તથા એ પાંચ હજાર મરીન સૈનિકો પણ હશે જેને પહેલાં આ ક્ષેત્રમાં તહેનાત કરી દેવાયા છે.

હાલ સ્પષ્ટ નથી કે આ સૈનિકોને ક્યાં તહેનાત કરવામાં આવશે. બીબીસીએ આ મામલે ટિપ્પણી માટે વ્હાઇટ હાઉસ અને પૅન્ટાગોન સાથે સંપર્ક કર્યો છે.

'ભારતમાં લૉકડાઉન'ની અફવાઓ પર સરકારે શું કહ્યું?

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ઈરાન યુદ્ધને કારણે હાલના સંકટ પર ટિપ્પણી કરી છે.

તેમણે સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટ કરીને લખ્યું, "વૈશ્વિક સ્થિતિ હજુ પણ અનિશ્ચિત બનેલી છે. અમે ઊર્જા, સપ્લાય ચેઇન તથા જરૂરી ચીજવસ્તુઓ સાથે જોડાયેલી હાલત પર નજર રાખી રહ્યા છે."

હરદીપ પુરીએ લખ્યું છે કે સરકાર હાલ સુનિશ્ચિત કરી રહી છે કે દેશમાં ઈંધણ, ઊર્જા અને અન્ય આવશ્યક વસ્તુઓની આપૂર્તિ વગર કોઈ પણ રોકટોક વગર ચાલુ રહે.

તેમણે લખ્યું, "હર સંભવ પડકારને પાર પાડવા માટે અમે તૈયાર છે. ભારતે પહેલાં પણ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પોતાની મજબૂતી દેખાડી છે. આગળ પણ અમે સક્રિય તથા સમન્વિત રીતે પગલાં ભરતાં રહીશું."

તેમણે લૉકડાઉનને લઈને ફેલાઈ રહેલી અફવાને ખોટી ગણાવી છે.

તેમણે લખ્યું, "હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે સરકારમાં આ પ્રકારનું કોઈ પગલું પ્રસ્તાવિત કે વિચારાધીન નથી. એવા સમયમાં જરૂર છે કે આપણે સૌ શાંત, જવાબદાર અને એકજૂટ થઈએ. આ સ્થિતિમાં અફવા ફેલાવવી અને ડરનો માહોલ બનાવવો એ નુકસાન પહોંચાડનારું છે."

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે? સરકારે એક્સાઇઝ ડ્યૂટી કેટલી ઘટાડી?

સરકારે કહ્યું છે પેટ્રોલ અને ડીઝલ બંને પરની એક્સાઇઝ ડ્યૂટીમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો આવશે તેવી સંભાવના છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, નાણા મંત્રાલયે જાહેર કરેલા એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે પેટ્રોલ પરની 13 રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યુટીને ઘટાડીને 3 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી રહી છે.

આ સિવાય ડીઝલ પરની ઍક્સાઇઝ ડ્યુટીને 10 રૂપિયા પ્રતિ લિટરમાંથી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે.

નાણાં મંત્રાલયે કહ્યું છે કે આ ઘટાડો તત્કાળ પ્રભાવથી લાગુ થશે.

અહીં ઉલ્લેખનીય છે ઇઝરાયલ-અમેરિકાના ઈરાન સામેના યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડઑઇલના ભાવમાં ઘણો વધારો થયો છે. તેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરતી કંપનીઓને અસર પડી રહી છે.

એવામાં ઍક્સાઇઝ ડ્યુટીમાં આ ઘટાડાથી ગ્રાહકોને તત્કાળ રાહત મળશે તેવી સંભાવના રાખવામાં આવી રહી છે પરંતુ તેવી શક્યતા ઓછી છે. આનો સીધો ફાયદો ઑઇલ માર્કેટિંગ કંપનીઓને મળશે.

ટ્રમ્પે ઈરાનનાં ઊર્જામથકો પર હુમલાને 10 દિવસ સુધી ટાળવાનો નિર્ણય કર્યો - ન્યૂઝ અપડેટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ 10 દિવસ સુધી ઈરાનનાં ઊર્જામથકો પર હુમલા નહીં કરે.

તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત શરૂ છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ પર આ અંગે જાણકારી આપી હતી.

ટ્રમ્પે લખ્યું હતું કે, "ઈરાની સરકારની વિનંતીને ધ્યાનમાં લેતાં હું ઈરાનનાં ઊર્જામથકો પર હુમલાને 10 દિવસ સુધી એટલે કે 6 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના આઠ (ઇસ્ટર્ન ટાઇમ) સુધી ટાળી રહ્યો છું. અમારી વાતચીત ચાલી રહી છે અને ફેક ન્યૂઝ મીડિયાના અહેવાલોથી દૂર અમારી વાતચીત ખૂબ સારી રીતે ચાલી રહી છે."

અહીં ઉલ્લેખનીય છે કે પહેલાં ટ્રમ્પે એવું કહ્યું હતું કે ઈરાનનાં ઊર્જામથકો પર હુમલાને તેઓ પાંચ દિવસ સુધી ટાળી રહ્યા છે.

બાલેન શાહ નેપાળના વડા પ્રધાન તરીકે આજે શપથ લેશે

રૅપરમાંથી રાજકારણી બનેલા 35 વર્ષીય બાલેન શાહ આજે નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.

નેપાળમાં 'જેન ઝી' વિરોધપ્રદર્શનો પછી યોજાયેલી પહેલી ચૂંટણીમાં તેમના પક્ષને ઝળહળતો વિજય મળ્યો છે.

શપથ લીધા અગાઉ તેમણે નેપાળના ભવિષ્ય અંગે આશાવાદ વ્યક્ત કરતું એક નવું ગીત રિલીઝ કર્યું હતું.

"અનડિવાઇડેડ નેપાલી, ધિસ ટાઇમ હિસ્ટ્રી ઇઝ બીઇંગ મેડ" નામના આ ગીતને કલાકોમાં જ તેની રિલીઝ પછી 20 લાખથી વધુ વ્યૂ મળી ગયા હતા.

બાલેન શાહે માત્ર ત્રણ વર્ષ કાઠમંડુના મેયર તરીકે સત્તા સંભાળી છે. ત્યાર પછી તેઓ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી તરફથી વડા પ્રધાન પદનો ચહેરો જાહેર થયા હતા અને આ મહિને જ યોજાયેલી ચૂંટણીમાં તેમને ભવ્ય જીત મળી હતી.

અરવિંદ કેજરીવાલે અમરેલી પછી જામનગરના લાલપુરમાં ચૂંટણીસભાને સંબોધી

ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઇકાલે જામનગરના લાલપુરમાં 'વિજય વિશ્વાસ રેલી'ને સંબોધિત કરી હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીની સભાઓ શરૂ થઈ ગઈ છે.

તેમની સાથે આ રેલીમાં પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, "ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં સરકારી દવાખાનાઓ બેહાલ છે. ગુજરાત એક સમયે દેશનું સમૃદ્ધ અને શ્રેષ્ઠ રાજ્ય હતું. પરંતુ ભાજપે બધું બરબાદ કરી દીધું."

પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું હતું કે, "ગુજરાતના યુવાનો પોતાના પરિવારની ગરીબી દૂર કરવા મહેનત કરીને પરીક્ષાની તૈયારીઓ કરે છે પણ પરીક્ષા પહેલાં જ પેપર લીક થઈ જાય છે. પંજાબમાં દર વર્ષે આ રીતે પરીક્ષાઓ થાય છે અને કોઈ પેપર લીક થતા નથી, હું પંજાબમાં 65,000 થી વધુ સરકારી નોકરીઓ આપી તમારી સામે ઊભો છું."

આજે બંને નેતાઓ દાહોદના લીમખેડામાં સભાને સંબોધિત કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન