'90 વર્ષની મા મૃત ભાઈના ફોટોને જ જોયા કરે છે,' ઉનાકાંડ બાદ જીવન ટૂંકાવનારા યુવકનો પરિવાર કેવી સ્થિતિમાં જીવે છે?

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 8 મિનિટ

(નોંધ: આ અહેવાલની કેટલીક વિગતો વાચકને વિચલિત કરી શકે છે.)

"2016ના વરસાદના સમયમાં હું મારા ભાઈને લઈને હૉસ્પિટલોમાં એકલો ફરતો રહ્યો, અંતે તેનો મૃતદેહ લઈને પાછો ફર્યો. મારી પાસે ખાવાના પૈસા પણ ખૂટી ગયા હતા. તે ભયાનક દૃશ્યો જ્યારે હું યાદ કરું છું ત્યારે રડ્યા વગર રહી નથી શકતો." આ શબ્દો યોગેશ સારીખડાના મોટા ભાઈ રમેશભાઈના છે.

વર્ષ 2016માં ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં સમઢિયાળા ખાતે કહેવાતા ગોરક્ષકોએ મૃત ગાયને લઈ જઈ રહેલા દલિત યુવાનોને ક્રૂર માર માર્યાનો મામલો સામે આવ્યો હતો.

આ ઘટના બાદ 20 જુલાઈના રોજ રાજકોટ ખાતે આયોજિત એક વિરોધપ્રદર્શનમાં યોગેશ સારીખડા નામના યુવાને ઝેરી દવા ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જે બાદમાં રાજ્યમાં ભારે ચર્ચાનો મુદ્દો બની હતી.

હવે જ્યારે ઉનાની આ ઘટનાના કેસમાં સ્થાનિક કોર્ટે ગુનેગારોને સજા સંભળાવી છે ત્યારે બીબીસી ગુજરાતીએ ગુજરાતના ઇતિહાસમાં 'કાળા અધ્યાય' સમાન નોંધાયેલા આ પ્રકરણની કડીમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામનાર યોગેશ સારીખડાના પરિવારજનો સાથે વાત કરી હતી.

મૃતક યોગેશભાઈનો પરિવાર બાંધકામ ક્ષેત્રમાં છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

નોંધનીય છે કે બનાવ સમયે યોગેશભાઈની ઉંમર 23 વર્ષ હતી. મોટી પરબડી ગામે તેઓ તેમનાં 80 વર્ષીય માતા સાથે રહેતા હતા, તેઓ પોતે પણ બાંધકામ ક્ષેત્રે એક શ્રમિક હતા.

યોગેશભાઈનું ઈંટોના ચણતરવાળું કાચું ઘર ગામમાં આવેલું છે.

તેમના ભાઈ રમેશભાઈ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એ ઘટના યાદ કરી રડી પડ્યા હતા.

રમેશભાઈ કહે છે, "અમારા ઘરની આર્થિક પરિસ્થિતિ એ હદ સુધી ખરાબ હતી કે, અમારે દાગીના, જૂનાં વાસણો પણ વેચવાં પડ્યાં."

"હવે 90 વર્ષીય માતા બીમાર પડી ગયાં છે અને હંમેશાં મારા ભાઈના ફોટા સામે બેસીને તેને જોયા કરે છે."

'મારા ભાઈએ છડેચોક ઝેર ગટગટાવી લીધું'

રમેશભાઈએ યોગેશભાઈના મૃત્યુના દિવસના ઘટનાક્રમ અંગે કહ્યું, "ઉનાકાંડના વિરોધમાં 2016માં રાજકોટના ધોરાજીથી રેલી નીકળી ત્યારે ગૅલેક્સી ચોકમાં આવેલા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ સામે દલિતો પર વધતા અત્યાચાર અંગે ભાવુક થઈને જાહેરમાં મારા ભાઈએ ઝેર પીધું હતું."

"હું ત્યારે ઘરે ન હતો, મને જાણ થતાં મેં યોગેશને જૂનાગઢની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યો, એ બાદ રાજકોટ સારવાર અર્થે લઈ ગયા અને બાદમાં અમદાવાદ સિવિલ લઈ ગયા, પણ એ બચી ન શક્યો"

તેઓ એ દિવસો યાદ કરતાં કહે છે કે પોસ્ટમૉર્ટમ બાદ તેમની પાસે પૈસા ખૂટી પડ્યા, ત્યારે અમદાવાદ સિવિલની આસપાસના સ્થાનિકોએ તેમની મદદ કરી હતી. એ વખતે તેમની પાસે ભોજન માટે પણ પૈસા નહોતા. ત્રણ-ચાર દિવસ સુધી તેઓ ભૂખ્યા હૉસ્પિટલ બહાર રહ્યા હતા.

'અંતિમ વિધિના પૈસા પણ નહોતા વધ્યા'

રમેશભાઈએ આગળ કહે છે કે તેઓ આ પહેલાં ક્યારેય અમદાવાદ ગયા નહોતા.

"હું એક મજૂર છું. તે શહેરમાં હું એકદમ અજાણ્યો હતો અને મારી સામે મારા ભાઈનો મૃતદેહ પડ્યો હતો."

તેઓ કહે છે કે, "હૉસ્પિટલની આસપાસના સ્થાનિક કર્મશીલોએ ઉઘરાણું કરીને મને આર્થિક સહાય કરી હતી. મારી પાસે અંતિમ વિધિના પૈસા પણ નહોતા બચ્યા. આખરે ત્રણ દિવસ બાદ અમદાવાદથી મૃતદેહ લઈને અમે ઘરે પહોંચ્યા હતા."

એ સમયે ગામમાં અત્યંત કરુણ માહોલ વચ્ચે યોગેશભાઈની અંતિમ યાત્રા નીકળી હતી.

અમદાવાદના કર્મશીલ સીકે પરમારે એ ભયાવહ દિવસો અંગે વાત કરતાં કહ્યું, "ઉના અત્યાચારનો બનાવ હૃદય દ્રવી ઊઠે તેવો બનાવ હતો. તેની યુવાનો પર એટલી ગંભીર અસર પડી હતી કે ન્યાય મેળવવા અને વિરોધ નોંધાવવા માટે આવી ભયાનક પ્રતિક્રિયા જોવા મળી હતી. યુવાને પોતાનો જીવ આપવો પડ્યો. આવું ન થવું જોઈએ."

માનવાધિકારોના રક્ષણ માટે કામ કરતા ઍડ્વોકેટ કૌશિક પરમાર જણાવે છે કે તેમણે અને તેમના સાથીઓએ ઉનાકાંડનો ફૅકટ ફાઇન્ડિંગ રિપોર્ટ તૈયાર કરીને તે વખતે સરકારમાં રજૂઆત કરી હતી.

તેઓ જણાવે છે, "ઉનાકાંડ પછી 23 લોકો આત્મહત્યાનો પ્રયાસ કરેલો અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ વાત તાજેતરમાં આ કેસ અંગેના અદાલત દ્વારા જાહેર કરાયેલ ચુકાદામાં પણ છે."

"ઉનાકાંડ પછી કાયદાનું યોગ્ય પાલન ન થવા અંગેનો, અને દલિતો સુરક્ષિત ન હોવા અંગેનો ભાવ યુવાનોમાં જોવા મળ્યો હતો."

"ત્યારે પ્રદર્શનોમાં યુવકો એ હદ સુધી ભાવનામાં તણાયા કે આક્રોશમાં આવીને ઘણા જિલ્લાઓમાં આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો અને આવી જ એક ઘટનામાં યોગેશભાઈનું મૃત્યુ થયું."

તેઓ કહે છે કે એ સમય દરમિયાન ગુજરાતમાં 23 વ્યક્તિએ આત્મહત્યાના પ્રયાસ કર્યા હતા.

રાજકોટ, ગોંડલ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં થયા હતા આત્મહત્યાના પ્રયાસ

બીબીસી ગુજરાતીએ ઉના અત્યાચારના મામલા બાદ આંદોલન દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કરનાર કેટલાક લોકો સાથે પણ વાતચીત કરવાના પ્રયાસ કર્યા હતા. અમે જાણવાનો પ્રયાસ કર્યો કે એ સમયે તેમણે આવું અંતિમ પગલું ભરવાનું કેમ સૂઝ્યું હતું?

ગાંધીનગરના કલોલમાં રહેતા મુકેશ શાહે 2016માં ઉનાકાંડના વિરોધમાં અમદાવાદમાં નીકળેલી 'ધિક્કાર રેલી'માં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

મુકેશ શાહ બીબીસીને જણાવે છે, "મારો ધ્યેય ઉના અત્યાચારમાં વિરોધનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો હતો. આઝાદીનાં આટલાં વર્ષ બાદ દલિતોને ન્યાય મેળવવા આવાં પગલાં ભરવાં પડે તે સમગ્ર માનવજાત માટે શરમની વાત છે."

તેઓ કહે છે કે, "અમદાવાદ સારંગપુરથી નીકળેલી રેલી પર પોલીસે લાઠીચાર્જ કરેલો. ત્યારે ત્યાં એક દુકાનમાંથી મેં ફિનાઇલ લઈને પી લીધું હતું ત્યાર બાદ મને સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જોકે, મારી સ્થિતિ સારી થતાં એ દિવસે જ મને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી."

તેઓ કહે છે, "આવી ઘટનાઓમાં ન્યાય માટે, તંત્ર સુધી અવાજ પહોંચાડવા આત્મહત્યા કરવા મજબૂર થવું પડે એ વાત વ્યવસ્થા પર સવાલ ઊભો કરે છે. મારો ઉદ્દેશ આત્મહત્યા કરવા કરતાં પણ મારો વિરોધ નોંધાવવાનો હતો."

રાજકોટના ધોરાજીની પાસે આવેલ પીપળિયા ગામના હિતેશ પીપળિયાએ પણ ઉના અત્યાચારના વિરોધમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમની સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

હિતેશભાઈનું કહેવું છે, "ઉનાકાંડની બાદની સ્થિતિએ તે વખતે અમારા મન પર પણ અસર કરી હતી. તેના પરિણામે મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અત્યાચારના વિરોધમાં નીકળેલી રેલીમાં આંબેડકર ચોક પાસે મેં અત્યાચારનો વિરોધ નોંધાવવા ફિનાઇલ પી લીધું હતું."

"અમે ત્રણ વ્યક્તિઓએ આ પ્રયાસ કર્યો હતો, જેમાં યોગેશભાઈનું મૃત્યુ થઈ ગયું હતું, અમારી સાથે ગુડ્ડુ નામની વધુ એક વ્યક્તિ હતી, તેમણે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેઓ બચી ગયા હતા."

ગોંડલમાં પણ ઉના દલિત અત્યાચારના વિરુદ્ધમાં આત્મહત્યાના પ્રયાસના કિસ્સા નોંધાયા હતા.

ગોંડલથી ભરત સોલંકી જણાવે છે, "ઉનાકાંડ બન્યો તેમાં ન્યાય મેળવવા માટે આ મેં આ પગલું ભર્યું હતું, મને એવું હતું કે, આ હદ સુધીની વિરોધ કરીશું તો તંત્ર અમારી વાત સાંભળશે."

"એ વખતે અમે પાંચ જણાએ એક સાથે ફિનાઇલ પીધું હતું. અમે ત્રણ દિવસ સુધી હૉસ્પિટલમાં દાખલ રહ્યા હતા. આ ઘટના ઉના અત્યાચારના બીજા જ દિવસે ગોંડલના પ્રદર્શન દરમિયાન બની હતી."

પીડિત પરિવારે પણ આવાં પગલાં ન ભરવા અપીલ કરી હતી

ઉના અત્યાચાર કેસના પીડિત વશરામભાઈ સાગઠિયા સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

વશરામભાઈનું કહેવું છે, "2016માં ઉનામાં અમારી પર થયેલ અત્યાચારના વિરોધમાં આત્મહત્યાના પ્રયાસો થયા અને તેમાં યોગેશભાઈનું અવસાન થયું હતું, તેમના ઘરે જઈને અમે તેમને શ્રદ્ધાજંલિ પણ આપી હતી."

નિરાધાર થયેલા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે કહ્યું, "અમે એ સમયે આત્મહત્યાનો પ્રયત્ન કરનાર લોકોને અમે સંદેશ આપેલો કે આવું પગલું ન ભરવું જોઈએ."

જૂનાગઢમાં દલિતોના માનવ અધિકાર માટે કામ કરતા દેવેન વાણવી સૌરાષ્ટ્ર દલિત સંગઠનના પ્રમુખ છે.

તેમણે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "તે સમયે માયાવતીએ સંસદમાં રજૂઆત પણ કરી હતી, જ્યારે સમગ્ર દેશમાંથી નેતાઓ ઉના આવ્યા હતા ત્યારે મુદ્દો વધુને વધુ તીવ્ર બનતો ગયો હતો. બધા સ્થાનિક સમાચારપત્રોમાં પણ તેનું રિપોર્ટિંગ થયું હતું."

"દલિતો પર અત્યાચારની નિર્મમતા જોઈને યુવાનો લાગણીમાં આવી ગયેલા, અને તેમણે આ પ્રકારનાં પગલાં ભર્યાં. અમે આવાં પગલાંની વિરોધમાં છીએ, અને આવું ન બનવું જોઈએ."

વાણવી કહે છે કે, "અતિ ખૂબ સંવેદનશીલ લોકો ન્યાય મેળવવાની લડતમાં ઝેર પીતા હોય છે તે દુઃખદ અને નિરાશાજનક છે."

"આ સ્થિતિની સૌથી વધુ અસર મેંદરડા, ધોરાજી, ઉપલેટા અને વેરાવળ જેવા વિસ્તારોમાં થઈ હતી."

દલિત નેતા જિજ્ઞેશ મેવાણીનું શું કહેવું છે?

બીબીસી ગુજરાતીએ એ વખતે ઉના દલિત અત્યાચાર લડત સમિતિનું નેતૃત્વ કરનાર જિજ્ઞેશ મેવાણીને દલિત આંદોલનમાં આત્મહત્યા કરનારા યોગેશભાઈ અને આત્મહત્યાનો પ્રયાસ કરનાર અન્ય યુવકો વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, "દલિતો અત્યંત સંવેદનશીલ છે. દરરોજ દલિતો આવી યાતનાઓમાંથી પસાર થાય છે, અને જ્યારે ઉના જેવી ગંભીર ઘટના બને ત્યારે દલિતો માટે આ ભાવનાત્મક ટ્રિગર પૉઇન્ટ બનતું હોય છે."

જિજ્ઞેશ આગળ કહે છે, "આ આત્મહત્યાના પ્રયાસો દલિત વેદનાની એક ચીસ હતી. તેઓ નાછૂટકે એવો સંદેશ આપવા મજબૂર બન્યા હતા કે જાતિવાદી લોકો હવે દલિતો માટે અસહ્ય બની ગયા છે."

વરિષ્ઠ કર્મશીલ રાજુ સોલંકી જણાવે છે, "ઉનાકાંડના અત્યાચારનો વીડિયો સેંકડો લોકોએ જોયો, અને તેમને લાગ્યું કે આ અત્યાચાર તેમના પર થઈ રહ્યો છે. એ લોકોએ ઘટનાના પીડિતો પાસે તાદાત્મ્ય અનુભવ્યું અને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો."

તેમનું માનવું છે કે દલિત અત્યાચારના વીડિયોની પણ દલિતો પર 'સામૂહિક માનસિક અસર' થઈ હતી.

ઉનાકાંડમાં ચુકાદો

ઉનાકાંડમાં વેરાવળની ખાસ અદાલતે તાજેતરમાં 40માંથી પાંચ આરોપીઓને દોષિત જાહેર કરી, દરેકને પાંચ-પાંચ વર્ષની સખત કેદની સજા અને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને 35 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

પાંચેય દોષિતો એક રીતે સજા થવાની સાથે છૂટી પણ ગયા છે. તેમની ધરપકડ બાદ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન આ પાંચેય આરોપીઓ કાચા કામના કેદી તરીકે છ-છ વર્ષ કરતાં વધારે સમય સુધી જેલમાં રહ્યા હતા.

કોર્ટે એ સમયને પાંચ વર્ષની સજામાં મજરે આપવાનો હુકમ કર્યો છે. આથી દોષિત ઠર્યા બાદ પણ પાંચેય જેલમાં જવાથી બચી ગયા છે.

સરકારે 10 વર્ષની કેદ થઈ શકે તેવા ખૂનની કોશિશ સહિતના અન્ય ગંભીર ગુનાની કલમો આ કેસના આરોપીઓએ સામે લગાડી હતી, પરંતુ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે ફરિયાદ પક્ષ તે સાબિત કરી શક્યો નથી.

(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બીફ્રૅન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન