You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દુનિયાના સૌથી મોટા નૅચરલ ગૅસ ફિલ્ડ પર હુમલાના સમાચાર બાદ ઑઇલના ભાવ વધ્યા- ન્યૂઝ અપડેટ
ઈરાની મીડિયાએ હાલમાં દાવો કર્યો હતો કે દુનિયાના સૌથી મોટા નૅચરલ ગૅસ ફિલ્ડ પર હવાઈ હુમલો થયો ત્યાર બાદ ઑઇલના ભાવ 108 ડૉલર પ્રતિ બૅરલથી ઊપર જતા રહ્યા છે.
બ્રેન્ડ ક્રૂડ ઑઇલનો ભાવ 108.60 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચી ગયો છે. મંગળવારના ભાવની સરખામણીમાં પાંચ ટકાથી વધારે છે. યુકે ગૅસનો બૅન્ચમાર્ક ભાવ પણ ઝડપથી વધ્યો, લગભગ છ ટકા ઊછળીને 139 પેન્સ પ્રતિ થર્મ સુધી પહોંચી ગયો.
નોંધનીય છે કે ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કોર (આઈઆરજીસી) સાથે જોડાયેલી ન્યૂઝ એજન્સી 'તસ્નીમે' માહિતી આપી છે કે ઈરાનના સાઉથ પાર્સ ગૅસ ફિલ્ડ પર બનેલા પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સ પર હવાઈ હુમલો થયો છે.
સાઉથ પાર્સ દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક ગૅસ ફીલ્ડ છે, જેની પર ઈરાન અને કતર પોતાના પ્લાન્ટ ચલાવે છે.
પાકિસ્તાને ભારત પર લગાવ્યો 'આતંકવાદને પ્રોત્સાહન' આપવાનો આરોપ
પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે "ભારત અફઘાનિસ્તાનની જમીનથી પાકિસ્તાન સામે આતંકવાદને પ્રોત્સાહન આપતું આવ્યું છે."
ભારતે મંગળવારે અફઘાનિસ્તાનના કાબુલમાં "પાકિસ્તાન તરફથી હૉસ્પિટલમાં થયેલા હુમલાની" ટીકા કરી હતી. આને "કાયરતા" અને "જનસંહાર" ગણાવ્યો હતો.
હવે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ કહ્યું કે, "પાકિસ્તાન ભારતના વિદેશ મંત્રાલયના આ નિવેદનને ખારિજ કરે છે જેમાં અફઘાનિસ્તાનમાં આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે પાકિસ્તાનને કાર્યવાહી વિશે ખોટી અને પાયાવિહોણી વાતો કહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "ભારત લાંબા સમયથી અફઘાન જમીનથી પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને ભૂતકાળમાં પણ નુકસાન પહોંચાડનારું રહ્યું છે. એવામાં આ નિવેદન ભારતની બેવડી નીતિ અને જૂઠ દેખાડે છે."
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, "યાદ રાખવું જોઈએ કે આ નિવેદન એ દેશ પાસેથી આવ્યું છે, જેનું નેતૃત્વ એવા લોકો કરી રહ્યા છે જે ઇસ્લામવિરોધી વિચારધારાનો ચૂંટણીમાં લાભ માટે ઉપયોગ કરે છે. પોતાના જ મુસ્લિમ નાગરિકો સામે હિંસા કરતા રહે છે."
તાહિર અંદ્રાબીએ કહ્યું કે, "આ બહુ અજીબ છે કે એક એવો દેશે, જેણે હંમેશાં પાડોશી દેશોની આઝાદી અને સીમાનું ઉલ્લંઘન કર્યું છે. આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન કર્યું છે, તેઓ હવે સિદ્ધાંતો પર નિવેદન આપી રહ્યા છે."
નોંધનીય છે કે અફઘાનિસ્તાને આરોપ લગાવ્યો હતો કે સોમવારે પાકિસ્તાને કાબુલ પર હવાઈ હુમલા કર્યા જેમાં સેંકડો લોકોનાં મોત થયાં છે.
બીબીસી પશ્તોના રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક નશા મુક્તિ હૉસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં કેટલાક લોકોનાં મોત અને ઈજાગ્રસ્ત થવાની આશંકા છે. તાલિબાન શાસને આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું હતું.
અમદાવાદ : પાંચકૂવા પાસે સિંધી બજારમાં ફાટી નીકળેલી ભીષણ આગ કાબૂમાં લેવાઈ, કોઈ 'જાનહાનિ નહીં'
બુધવારે બપોરે અમદાવાદના સૌથી ગીચ અને વ્યસ્ત બજારો પૈકી એક પાંચકૂવા પાસેના સિંધી બજાર ખાતે ભીષણ આગ ફાટી નીકળી હતી.
ફાયર બ્રિગેડના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા.
મળી રહેલી માહિતી પ્રમાણે આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડને આ ઘટના વિશે લગભગ સવા એક વાગ્યે કૉલ દ્વારા માહિતી મળી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના એડિશનલ ચીફ ફાયર ઑફિસર જયેશ ખાડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ફાયર બ્રિગેડની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે પાંચથી સાત દુકાનોમાં આગ ફેલાઈ ચૂકી હતી."
તેમણે જણાવ્યું કે આગ કેવી રીતે લાગી હતી તે વિશે હજી સુધી કોઈ માહિતી નથી, પરંતુ દુકાનોમાં લાકડાનું ફર્નિચર હોવાથી, તેમજ અમુક હોલસેલનો સામાન હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
ખાડિયાએ કહ્યું કે, "આગ બુધવારે બપોરે બે વાગ્યે વાગ્યે લાગી હતી, જેના પર લગભગ પાંચ વાગ્યા સુધી કાબૂ મેળવી લેવાયું હતું. આ પ્રક્રિયામાં 32 ફાયરની ગાડીઓ કામે લાગી હતી, અને પાંચ વાગ્યા બાદ સુધી પણ તમામ વસ્તુઓને બહાર કાઢીને કૂલિંગની પ્રક્રિયા ચાલી રહી છે."
ગુજરાત વિધાનસભામાં બૉમ્બ મુકાયાની ધમકી, પરિસર ખાલી કરાવાયું
ગુજરાત વિધાનસભા સંકુલને આજે બૉમ્બથી ઉડાવી દેવાની ઇમેઈલ દ્વારા ધમકી મળ્યા પછી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી અને ગાંધીનગરસ્થિત વિધાનસભા પરિસરને ખાલી કરાવીને તપાસ કરવામાં આવી હતી.
જોકે, વિધાનસભામાં ક્યાંયથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ છે.
આ મામલે ગાંધીનગરના પોલીસવડા રવિ તેજા વાસમશેટ્ટીએ મીડિયાને જણાવ્યું કે "આજે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ વિધાનસભાના ઇમેઈલ આઈડી પર એક મેઈલ આવ્યો હતો જેમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ત્યાર પછી આખું વિધાનસભા પરિસર ચેક કરવામા આવ્યું હતું અને 10 વાગ્યે વિધાનસભા શરૂ કરવામાં આવી હતી."
તેમણે કહ્યું કે, "જે ઇમેઇલ આવ્યો છે તે અંગે ગુનો દાખલ કરીને આગળ તપાસ કરવામાં આવશે."
ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ પીયુષ વંડાએ જણાવ્યું હતું કે "બૉમ્બ મુકાયો હોવાનો ઈમેઈલ મળ્યા પછી તમામ ધારાસભ્યો અને સ્ટાફને પરિસર ખાલી કરવા માટે જણાવાયું હતું."
ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકન દૂતાવાસ પર નવા હુમલા
ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકન દૂતાવાસ પર ફરીથી હુમલા થયા છે. સમાચાર એજન્સી એએફપી અને રૉયટર્સે આની માહિતી આપી છે.
આ મુજબ સ્થાનિક સમય પ્રમાણે બુધવારે સવારે આ હુમલા થયા છે.
આ એજન્સીઓએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે શહેરમાં હાજર એએફપીના પત્રકારોએ દૂતાવાસ પાસે ધડાકાના અવાજ સાંભળ્યા હતા.
અમેરિકન દૂતાવાસ સૌથી વધુ સુરક્ષા ધરાવતા ગ્રીન ઝોનમાં આવેલું છે, જ્યાં અનેક રાજકીય મિશન અને આંતરરાષ્ટ્રીય સંગઠનોની ઓફિસ હાજર છે.
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી અમેરિકન ઠેકાણાં પર ઘણા હુમલા થઇ ચુક્યા છે.
ઇઝરાયલ પર ઈરાનના મિસાઇલ હુમલા, બે લોકોનાં મોત
મંગળવારે રાતે ઈરાને ઇઝરાયલની રાજધાની તેલ અવીવ અને તેની આસપાસ અનેક મિસાઇલ હુમલા કર્યા છે. સ્થાનિક પોલીસના કહેવા મુજબ એક ઈરાની મિસાઇલ હુમલામાં બે લોકોનાં મોત નીપજ્યાં છે.
ઇઝરાયલની ઍમ્બ્યુલન્સ સેવાના એક ઇમરજન્સી કર્મચારીએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે તેમણે એક ઇમારતમાંથી 'ધૂમાડો ઊઠતો' જોયો હતો. સાથે સાથે તેમણે 'ભારે નુકસાન અને તૂટેલા કાંચ' પણ જોયા હતા.
તેમણે કહ્યું કે અમે બે લોકોને જોયા જેમના ધબકારા બંધ હતા અને શ્વાસ લઈ શકતા ન હતા. તેમના શરીર પર ગંભીર ઈજા હતી.
ત્યાર પછી ડૉક્ટરોએ તેલ અવીવના પૂર્વ વિસ્તારમાં એક પુરુષ અને મહિલાના મોતની પુષ્ટિ કરી હતી, જેમને "મિસાઇલના ટુકડાથી ગંભીર ઇજાઓ" થઈ હતી.
ડોનાલ્ટ ટ્રમ્પે કહ્યું, અમને કોઈની મદદની જરૂર નથી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મોટા ભાગના નૅટો સહયોગીઓ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીમાં સામેલ થવા નથી માંગતા. ટ્રમ્પે કહ્યું કે અમને કોઈની મદદની જરૂર નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે "અમેરિકાના મોટા ભાગના નૅટો સહયોગીઓએ જણાવ્યું કે ઈરાનના આતંકવાદી શાસન સામે અમારી સૈન્ય કાર્યવાહીમાં સામેલ થવા નથી માંગતા. આવું ત્યારે બન્યું છે જ્યારે મોટા ભાગના દેશો માનતા હતા કે અમે જે કરીએ છીએ તે યોગ્ય છે અને ઈરાનને કોઈ પણ સ્થિતિમાં અણુ હથિયારો મળવા ન જોઈએ."
"મને તેમના નિર્ણયથી કોઈ આશ્ચર્ય નથી, કારણ કે મેં હંમેશાં નૅટોને એક તરફી રસ્તો માન્યો છે. આપણે આ દેશોની સુરક્ષા માટે દર વર્ષે સેંકડો અબજ ડૉલર ખર્ચ કરીએ છીએ, પરંતુ જરૂર પડે ત્યારે તેઓ આપણા માટે કંઈ નથી કરતા."
તેમણે કહ્યું કે, "સદનસીબે આપણે ઈરાની સેનાને તબાહ કરી નાખી છે. તેમની નેવી, ઍરફૉર્સ ખતમ થઈ ગઈ છે. તેમના એન્ટી-ઍરક્રાફ્ટ અને રડાર સિસ્ટમ ખતમ થઈ ગયાં. સૌથી મહત્ત્વની વાત, તેમના લગભગ દરેક સ્તરના નેતા ખતમ થઈ ગયા છે. તેઓ હવે મધ્ય-પૂર્વના સાથીઓ કે દુનિયાને ક્યારેય ધમકાવી નહીં શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન