You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત અને ઇલોન મસ્કની સ્ટારલિંક વચ્ચે શેના કરાર થયા, કોને ફાયદો થશે?
ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે તેણે અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક સાથે એક લેટર ઑફ ઇન્ટેન્ટ (ઇરાદાપત્ર) પર હસ્તાક્ષર કર્યા છે.
સ્ટારલિંક સેટેલાઈટ કૉમ્યુનિકેશન એ ઇલોન મસ્કની સ્પેસઍક્સ સાથે સંકળાયેલી પેટાકંપની છે અને હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ સાથે સંકળાયેલી છે. તેની સાથે કરારથી ગુજરાતનાં અંતરિયાળ ગામોમાં પણ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડી શકાશે.
ગુજરાતના મુખ્ય મંત્રી કાર્યાલયની વેબસાઈટ પ્રમાણે સોમવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગુજરાત સરકાર અને સ્ટારલિંક વચ્ચે લેટર ઑફ ઇન્ટેન્ટ પર સહી કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે તેને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં એક મોટી સિદ્ધિ તરીકે ગણાવી છે.
અગાઉ નવેમ્બર 2025માં સ્ટારલિંકે મહારાષ્ટ્ર સરકાર સાથે આવા જ કરાર કર્યા હતા જે ભારતમાં તેના પ્રથમ કરાર હતા. મહારાષ્ટ્રમાં પણ સ્ટારલિંક અંતરિયાળ વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે કામ કરશે.
શાળા-આરોગ્ય કેન્દ્રો પર ધ્યાન
મુખ્ય મંત્રી કાર્યાલયે આપેલી માહિતી પ્રમાણે આ સહકારથી ગુજરાતમાં ટેલિકૉમ નેટવર્કની સુવિધા ઓછી હોય તેવા રિમોટ અને આદિવાસી વિસ્તારોને ઇન્ટરનેટથી જોડી શકાશે. તેના કારણે ઇ-ગવર્નન્સ સુવિધાઓ આપવી અને કૉમન સર્વિસ સેન્ટર ચલાવવા સરળ બનશે અને લોકોને ઝડપથી સરકારી સુવિધાઓ મળી શકશે.
ગુજરાતનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શાળાઓ, રાજ્યભરનાં ટેલિ-મેડિસિન કેન્દ્રોને જોડવામાં આવશે જેથી આરોગ્ય અને શિક્ષણની સેવાઓ આપી શકાય.
આ ઉપરાંત સરકારી એજન્સીઓ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ટીમો માટે પણ સ્ટારલિંકની હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવા ઉપયોગી બનશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતનાં બંદરો, વન્યજીવન અભયારણ્યો, તથા તમામ જિલ્લાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ કન્ટ્રોલ રૂમને આ સુવિધા સાથે જોડવામાં આવશે.
કયા જિલ્લાઓને ફાયદો થશે
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે ગુજરાતના નર્મદા અને દાહોદ જેવા જિલ્લામાં આ સુવિધા બહુ ફાયદાકારક સાબિત થશે જે મુખ્યત્વે આદિવાસી વિસ્તાર છે અને ઍસ્પિરેશનલ જિલ્લાઓની કૅટેગરીમાં આવે છે.
અંતરિયાળ વિસ્તારોમાં પોલીસ ચોકીઓ અને કૃષિ સંશોધન કેન્દ્રોને પણ હાઈ-સ્પીડ ઇન્ટરનેટથી જોડવામાં આવશે.
ગુજરાત સરકાર અને સ્ટારલિંક વચ્ચેના લેટર ઑફ ઇન્ટેન્ટમાં રાજ્યનાં જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, હાઈવે સેફ્ટી સિસ્ટમ અને કૉસ્ટલ પોલીસને પણ આવરી લેવામાં આવી છે.
સ્ટારલિંકના યુઝર્સને સામાન્ય રીતે 45થી 280 એમબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડ મળતી હોવાનો દાવો કંપની દ્વારા કરવામાં આવ્યો છે. મોટા ભાગના યુઝર્સ 100 એમબીપીએસથી વધારે સ્પીડ મેળવે છે અને અપલોડની સ્પીડ 10થી 30 એમબીપીએસ વચ્ચે હોય છે. તેના કારણે તે લાઇવ સ્ટ્રીમિંગ, વીડિયો કૉલ, ઑનલાઇન ગેમિંગ વગેરે માટે ઉપયુક્ત ગણવામાં આવે છે.
ભારતમાં સ્ટારલિંક ક્યારે શરૂ થશે
ગુજરાત સરકાર અને સ્ટારલિંક વચ્ચેનું જોડાણ એ પાઇલટ પ્રોજેક્ટનો હિસ્સો છે.
સ્ટારલિંક ભારતમાં ઇન્ટરનેટ સેવા માટે લાઇસન્સ મળી ગયું છે અને ટેલિકૉમ વિભાગ તરફથી ટ્રાયલ સ્પેક્ટ્રમની મંજૂરી પણ મળી છે.
જોકે, ભારતમાં સ્ટારલિંકની સર્વિસ હજુ શરૂ નથી થઈ. તેના પ્લાન અને ઇન્ટરનેટની સ્પીડ વિશે પણ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
માર્ચ 2025ના બીબીસીના અહેવાલ પ્રમાણે ભારતની ટોચની ટેલિકૉમ કંપનીઓ રિલાયન્સ જિયો અને ભારતી ઍરટેલે ઇલોન મસ્કની સ્પેસઍક્સ સાથે અલગ અલગ કરાર કર્યા છે. તેના હેઠળ ભારતમાં સ્ટારલિંકની સેવાઓ શરૂ કરવામાં આવશે.
એક વર્ષ અગાઉ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની વાત ચાલતી હતી ત્યારે આ અહેવાલ આવ્યા હતા. હવે બંને દેશો ટ્રેડ ડીલ માટે સહમત થયા છે ત્યારે ગુજરાત સરકાર અને સ્ટારલિંક વચ્ચે સમજૂતી થઇ છે.
સ્ટારલિંકના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2024માં 46 લાખ કરતાં વધારે હતી જે હવે વધીને 60 લાખનો આંકડો પાર કરી ગઈ છે.
ઇલોન મસ્કની સ્પેસૅક્સ 2021થી ભારતમાં પોતાની સર્વિસ લૉન્ચ કરવા માટે પ્રયાસ કરે છે, પરંતુ હજુ સુધી તેને રેગ્યુલેટરી અવરોધ નડતા હોવાની જાણકારી મળી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન