કસ્તુરબાએ ગૌમાંસ ખાવા બાબતે ગાંધીજીને શું કહ્યું હતું?

    • લેેખક, સોપાન જોશી
    • પદ, લેખક, પત્રકાર
  • વાંચવાનો સમય: 3 મિનિટ

સાબરમતી આશ્રમમાં એક વખતે એક વાછડાનો પગ ભાંગી ગયો હતો. વાછડો પીડા સહન કરી શકતો ન હતો અને જોરજોરથી ભાંભરતો હતો.

પશુઓના ડૉક્ટરે હાથ ઉંચા કરી દીધા હતા અને જણાવ્યું હતું કે એ વાછડાને બચાવી શકાય તેમ નથી. વાછડાની પીડાથી ગાંધીજી બહુ પરેશાન હતા.

બીજો કોઈ વિકલ્પ ન રહ્યો, ત્યારે ગાંધીજીએ તે વાછડાને મારી નાખવાની મંજૂરી આપી હતી. ગાંધીજીએ પોતાની નજર સામે વાછડાને ઝેરનું ઈન્જેક્શન અપાવ્યું હતું.

મૃત્યુ પામેલા વાછડાને શરીર પર ચાદર ઢાંકી હતી અને શોકમાં પોતાની કુટિરમાં ચાલ્યા ગયા હતા.

કેટલાક હિન્દુઓએ આ કૃત્યને ગૌહત્યા ગણાવ્યું હતું. ગાંધીજીને આક્રોશભર્યા પત્રો લખ્યા હતા.

ગાંધીજીએ તેમને સમજાવ્યું હતું કે પારાવાર પીડામાં ફસાયેલા પ્રાણીને તેમાંથી મુક્તિ આપવી તે હિંસા નહીં, અહિંસા છે. જેમ કોઈ ડૉક્ટર ઓપરેશન કરે છે ત્યારે હિંસા નથી થતી એમ જ.

ગાંધીજી તેમના ધર્મના પાલનની બાબતમાં ચુસ્ત હતા. તેઓ પૂજાપાઠ કરતા ન હતા, મંદિરે, તીર્થયાત્રાએ જતા ન હતા, પણ રોજ સવાર-સાંત પ્રાર્થના જરૂર કરતા હતા.

બધા લોકોના ક્ષેમકુશળની માગણી ઈશ્વર પાસે કરતા હતા.

આપને આ પણ વાંચવું ગમશે

ગાંધીજીના આશ્રમમાં ગાયો રાખવામાં આવતી હતી. ગાંધીજી ગૌસેવાને તમામ હિન્દુઓનો ધર્મ ગણાવતા હતા.

કસ્તુરબા ગંભીર રીતે બીમાર હતાં ત્યારે ડૉક્ટરોએ તેમને ગૌમાંસનો સૂપ પીવડાવવાની સલાહ આપી હતી.

કસ્તુરબાએ તેનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે તેઓ મરવાનું પસંદ કરશે, પણ ગૌમાંસ નહીં ખાય.

ગાયને માતા કહેતા હતા ગાંધીજી

ગાંધીજીના સમયમાં ખેતીથી માંડીને વાહન ચલાવવા સુધીની બધી બાબતોમાં પશુઓનો ઉપયોગ થતો હતો.

જે લોકો ગાય-બળદને માર મારતા હોય કે ગાય-બળદને પૂરતો, યોગ્ય ખોરાક ન આપતા હોય તેમને ગાંધીજી ઠપકો આપતા હતા. તમામ જીવોને પ્રેમ કરવાનું કહેતા હતા.

માણસની જન્મ આપતી માતા જેટલો જ આદર ગાંધીજી ગાયને આપતા હતા. ગાય જ શું કામ, ગાંધીજી તો ભેંસ અને બકરીને પણ માતા જ કહેતા હતા.

ગાય અને ભેંસ સાથે દૂધ માટે કરવામાં આવતા ખરાબ વર્તનને જોઈને ગાંધીજીએ દૂધ પીવાનું બંધ કરી દીધું હતું. વાછરડાના ભાગનું દૂધ માણસો લઈ લેતા હોવાથી વાછરડાઓને તેમની માતાનું દૂધ મળતું ન હતું.

એ વખતે કેટલાક હિન્દુઓ ગૌમાંસ પર પ્રતિબંધ માટે કાયદાની માગણી કરી રહ્યા હતા. આ બાબતે કોંગ્રેસના નેતાઓને અનેક પત્રો મળતા હતા.

1947ની 25 જુલાઈએ નવી દિલ્હીની પ્રાર્થના સભામાં ગાંધીજીએ કહ્યું હતું, "હિન્દુસ્તાનમાં ગૌહત્યા રોકવા માટે કોઈ કાયદો બનાવી શકાય નહીં. હિન્દુઓને ગાયનો વધ કરવાની મનાઈ છે."

"તેમાં મને કોઈ શંકા નથી, પણ જે મારો ધર્મ છે તે જ હિન્દુસ્તાનમાં રહેતા તમામ લોકોનો હોય એવું કઈ રીતે બની શકે?"

ગાંધીજીએ એમ પણ કહ્યું હતું, "એ ઉપરાંત જે મોટા-મોટા હિન્દુઓ છે તેઓ પોતે ગૌહત્યા કરે છે. તેઓ પોતાના હાથે તો ગાયોને કાપતા નથી, પણ ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં અહીંથી જે ગાયો જાય છે તેને કોણ મોકલે છે?"

"એ ગાયોની ત્યાં હત્યા કરવામાં આવે છે અને તેમનાં ચામડામાંથી પગરખાં બનાવીને અહીં મોકલવામાં આવે તેને આપણે પહેરીએ છીએ."

"ધર્મ અસલમાં શું ચીજ છે એ તો લોકો સમજતા નથી અને કાયદા મારફત ગૌહત્યા બંધ કરાવવાની વાતો કરે છે."

રસપ્રદ વાત એ છે કે ગાંધીજી માત્ર ગૌરક્ષાનું રટણ કર્યા કરતા ન હતા. તેમણે પશુઓની સારસંભાળ માટે બે સપ્તાહનું પ્રશિક્ષણ પણ લીધું હતું.

(મહાત્મા ગાંધીના જીવન વિશે સ્કૂલના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સોપાન જોશીએ લખેલા પુસ્તક 'એક થા મોહન'માંથી સાભાર.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો