ગઢચિરૌલી : ગુજરાતના પાડોશી રાજ્યનું એ ગામ જ્યાં સરકારી અધિકારીઓ પણ જતા નથી

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા, ગઢચિરોલી (મહારાષ્ટ્ર)થી
  • વાંચવાનો સમય: 5 મિનિટ

આ સફર એટલી સહેલી નથી. ખોબરમેંઢા ગ્રામ પંચાયતથી નારેક્લ માટે 10 કિલોમિટર લાંબી પદયાત્રા કરવી પડે છે.

અહીંના મોટા ભાગના વિસ્તારોમાં આ જ રીતે જવું પડે છે. આ સફરમાં વચ્ચે નદી, નાળાં અને પહાડ આવે છે જે તમને નિર્ધારિત સ્થળ સુધી પહોંચતાં પહેલાં જ થકાવી દે છે.

નદીઓ પર પુલ ન હોવાથી લોકો કાં તો ભીંજાઈને નદી પાર કરે છે અથવા તો કપડાં ઉતારીને.

અમે જ્યારે સામે કિનારે પહોંચ્યા તો જાણે એક નવી દુનિયામાં આવી ગયા હતા.

અહીંના લોકોના જીવનમાં વિજ્ઞાનનું કોઈ જ યોગદાન નથી. લોકો માત્ર પ્રકૃતિના આધારે જ જીવે છે.

અહીં વીજળીના થાંભલા નંખાયા તેને વર્ષો વીતી ગયાં પણ હજુ સુધી વીજળી પહોંચી નથી.

એક ગ્રામવાસીએ નિઃરાશાજનક અવાજમાં કહ્યું, "હવે શું વીજળી આવવાની, અમે તો આશા જ છોડી દીધી છે."

આદિકાળમાં જીવે છે લોકો

ગઢચિરૌલી મહારાષ્ટ્રના સૌથી પછાત વિસ્તારોમાંનો એક છે અને ત્યાં ગાઢ જંગલો છે. સેંકડો ગામ એવાં છે, જ્યાં પહોંચવું જ બહુ મુશ્કેલ કામ છે.

અહીં રહેતા આદિવાસીઓનું જીવન બહુ મુશ્કેલ છે અને રસ્તાઓ દુર્ગમ છે.

કુરખેડા, કોરચીથી લઈને એટાપલ્લી, ભામ્રાગઢ તાલુકા સુધી અહીં દરેક છેડે તેમને જીવવા માટે દરરોજ સંઘર્ષ કરવો પડે છે.

આજે પણ અહીં એવું લાગે છે કે દૂર આ આદિવાસીઓ આદિકાળમાં જ જીવી રહ્યા છે.

સરકારી કચેરીઓ સુધી પહોંચવું મુશ્કેલ?

મને નારેક્લના આદિવાસીઓ રસ્તામાં મળ્યા જે પોતાનાં ભીંજાયેલાં કપડાં ઉતારીને બીજાં કપડાં પહેરી રહ્યા હતા.

તેમણે ગામ સુધી પહોંચતાં રસ્તામાં બે નદીઓ ચાલીને પાર કરી હતી.

વાતચીતમાં તેમણે કહ્યું કે આ વખતે ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય કરી લીધો છે.

તેમનું ગામ ખોબરમેંઢા પંચાયત હેઠળ આવે છે જે 12 કિલોમિટર દૂર છે. આ અંતર પગે ચાલીને જ કાપવું પડે છે.

તેમનો તાલુકો કોરચી છે જે 40 કિલોમિટર દૂર છે. પંચાયત સમિતિ પણ 40 કિલોમિટર દૂર કુરખેડામાં છે, જ્યારે તલાટી કોટગુલમાં બેસે છે, જે 35 કિલોમિટર દૂર છે.

તેનો અર્થ એ થયો કે જો કોઈ યોજના માટે તેમને અરજી કરવી હોય તો તેમણે આ બધી કચેરીઓમાં ધક્કા ખાવા પડે જે અલગ-અલગ દિશાઓમાં છે અને ઘણી દૂર છે.

ગામમાં રહેતાં નવનુ લચ્છુ પુનગાતી કહે છે, "અમારું ગામ એવું છે કે અમારી ગ્રામ પંચાયત ક્યાંય દૂર છે, તાલુકો બીજે ક્યાંક છે અને પંચાયત સમિતિ બીજી જ કોઈ જગ્યાએ છે."

"અમારે એક કાગળ લઈને 100 કિલોમિટરના ધક્કા ખાવા પડે છે. અહીં દૂર દૂર સુધી કોઈ ફોટો કૉપી મશીન નથી, ન મળે ક્યાંય જવા માટે સાધન."

"ઘણા દિવસ સુધી પગપળા ચાલતાં રહેવું પડે છે. શું અમે આ દેશના નાગરિક નથી? તો પછી અમને કેમ અલગ પાડી દેવામાં આવ્યા છે?"

સરકારી યોજનાઓનો લાભ નહીં?

ઉજ્જવલા યોજના હોય કે પૅન્શન યોજના, સરકારી કચેરીઓથી દૂર હોવાને અને સુવિધાઓને અભાવને કારણે ગામનાં લોકો યોજનાઓ માટે અરજી કરી શકતાં નથી.

અમારી મુલાકાત અન્ય ગામવાસી જગતપાલ ટોપ્પો સાથે થઈ.

તેમનું કહેવું હતું કે યોજનાઓ માત્ર શહેરી લોકો માટે છે. જે લોકો શહેરોથી નજીક હોય તેને જ લાભ મળે છે.

તેઓ કહે છે, "અમારી પાસે ન નેતા આવે છે ન અધિકારી. કારણ કે તેઓ અહીં સુધી આવી શકતાં જ નથી."

"જ્યાં સુધી ગાડી આવે છે ત્યાં સુધી જ તેઓ આવે છે, અમારા ગામનું અંતર તો પગપાળા કાપવું પડે અને એ પણ 15 કિલોમિટર. કોણ આવે?"

આ જ કારણ છે કે આ વિસ્તારોમાં સરકારી યોજનાઓ પહોંચી શકતી નથી. સુદૂર જંગલોનાં રહેવાસીઓ બેહાલ છે. આખરે કેમ ?

મેં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા ધર્મરાવ બાબા આત્રામને આ પ્રશ્ન પૂછ્યો.

ધર્મરાવ બાબા આત્રામ દાવો કરે છે કે તેમની પાર્ટીના શાસનકાળમાં બધું બરાબર હતું. હવે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.

આત્રામ ગઢચિરોલીના રાજવી પરિવારમાંથી આવે છે.

એમના પરિવારજનોએ ત્રીસ વર્ષોથી આ વિસ્તારમાંથી લોકસભા અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે, તેઓ દરેક રાજકીય પક્ષમાં છે.

તેમ છતાં ગઢચિરોલીના જંગલ વિસ્તારો 30 વર્ષ પહેલાં હતા એ જ હાલતમાં છે.

ધર્મરાવ બાબા આત્રામ પોતે સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે છતાં ચૂંટણીના ભાષણની જેમ અમારી સાથે વાત કરતા હતા.

તેઓ કહે છે કે માત્ર તેમના પક્ષના શાસનકાળ એટલે કે એનસીપી અને કૉંગ્રેસના શાસનકાળમાં જ વિકાસ થયો જે હવે ઠપ થઈ ચૂક્યો છે.

આત્રામ કહે છે, "આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગરીબોને જમીન આપવાની હતી. જેઓ અહીં સુથારી કામ કરતાં હતાં. તેમને 30 વર્ષથી જમીન મળી નથી."

"આદિવાસીઓ માટે જે યોજનાઓ શરૂ થઈ હતી જેમ કે હૉર્ટિકલ્ચર એ હવે બંધ થઈ ગઈ છે."

"લોકોનાં લગ્નમાં મદદ કરવામાં આવતી હતી તે બંધ થઈ ગઈ છે. ડૉક્ટર છે તો દવા નથી. દવા છે તો ગાડી નથી, ગાડી છે તો ડ્રાઇવર નથી, ડૉક્ટર અને ગાડી બંને હોય તો ડીઝલ ન હોય."

સ્થિતિ ક્યારેય બદલાઈ નહીં

ગ્રામીણ આદિવાસીઓનું કહેવું છે કે તેમની સ્થિતિ ક્યારેય સારી હતી જ નહીં. તેઓ 40 વર્ષ પહેલાં જેવા હતા એવા જ આજે છે.

જોકે, મહારાષ્ટ્રના શાસક ગઠબંધનના નેતા એક-એક કરીને યોજનાઓ ગણાવે છે અને દાવો કરે છે તેનો લાભ મળી રહ્યો છે.

તેઓ કહે છે કે સામાજિક સુરક્ષા યોજનાથી લઈને મરઘા ઉછેર અને દૂધાળા પશુઓની યોજનાઓ સુદૂર જંગલોમાં પહોંચી રહી છે.

ભારતીય જનતા પાર્ટીના નેતા કૃષ્ણ ગજભે વરસાદને કારણ ગણાવતાં કહે છે કે આ વર્ષે યોજનાઓમાં વિલંબ થયો છે કારણ કે જરૂરતથી વધારે વરસાદ થયો છે. જેણે ઘણા વિસ્તારોનો શહેરો સાથેનો સંપર્ક તોડી નાંખ્યો છે.

તેઓ દાવો કરે છે કે તેમની સરકાર યોજનાઓ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે.

તેમનું કહેવું હતું કે, "એવું નથી કે યોજનાઓ નથી પહોંચતી. આ વર્ષે એટલો વરસાદ થયો છે કે તેને કારણે કામ થોડું મોડું શરૂ થયું છે."

આદિવાસી વિસ્તારો માટે સરકારે ઘણી યોજનાઓ બનાવી છે, જેનાથી અહીંના જનજાતિના લોકોનું જીવન સુધરી શકે, પરંતુ સરકારી અધિકારીઓ માટે અહીં કામ કરવું એ એક સજા છે.

આ જ કારણ છે કે યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા આદિવાસી સમુદાયના લોકો સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ-ખાઈને થાકી જાય છે, પરંતુ અધિકારીઓ તેમના સુધી પહોંચી શકતા નથી.

નસીમ હાશ્મી ગઢચિરોલીના એક વરિષ્ઠ પત્રકાર છે. તેઓ કહે છે, "જ્યારે પણ ગઢચિરોલીમાં કોઈ સરકારી કર્મચારીનું પોસ્ટિંગ થાય છે, તો તેઓ તેને સજા તરીકે લે છે."

"હવે તમે જ કહો કે જ્યારે કોઈ સજા ભોગવી રહ્યું હોય તો લોકો માટે શું કરશે અને તેને અંતરિયાળ વિસ્તારો સુધી યોજનાઓ પહોંચાડવામાં કેટલો રસ હશે?"

અભાવ અને ઉદાસીનતા સામે ઝઝૂમતા આદિવાસીઓની મુશ્કેલી એ છે કે તેમને પોતાની જાતને બચાવવા માટે રોજ નવો સંઘર્ષ કરવો પડે છે, એવો સંઘર્ષ જે એમના પૂર્વજો પણ કરતાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો