You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોલ્ડ : કોરોના વાઇરસની મહામારી અને સોનાની વધતી કિંમત વચ્ચે શું સંબંધ છે?
- લેેખક, મોહમ્મદ શાહિદ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
કોરોના વાઇરસ મહામારીના સમયમાં એક તરફ જ્યાં સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે અને નોકરી ઉપર જોખમ તોળાઈ રહ્યું છે ત્યાં જ બીજી તરફ સોના અને ચાંદીની કિંમતો રોજેરોજ વધતી જાય છે.
મહામારીને કારણે અગાઉથી જ બગડી રહેલી ભારતની અર્થવ્યવસ્થા વધુ ખરાબ સ્થિતિમાં પહોંચી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) તરફથી આ વર્ષે ભારતનો વિકાસદર 4.5 ટકા થઈ જવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
ભારત જ નહીં આઈએમએફએ વિશ્વની અર્થવ્યવસ્થા માટે વિકાસ દરનું અનુમાન 4.9 % કર્યું છે.
આ બધા વચ્ચે જે એક સમાચાર ચોક્કસ જ સૌનું ધ્યાન ખેંચે છે તે છે સોનાની કિંમતો.
સોનાની કિંમત ભારતમાં જૂન મહિનાની શરૂઆતમાં 46,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતી જે હવે 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ચૂકી છે.
જૂન મહિનામાં દુનિયામાં સોનાની કિંમતમાં પાછલા આઠ વર્ષોમાં સૌથી મોટો વધારો નોંધાયો હતો.
શુક્રવારે સોનાની કિંમતોમાં ઘટાડો ચોક્કસ નોંધાયો પરંતુ તે ફક્ત 400 રૂપિયાની આસપાસ હતો. જાણકારોનું માનવું છે કે સોનાની કિંમતોમાં હજુ વધુ તેજી જોવા મળશે.
એક તરફ કોરોના વાઇરસની મહામારી દુનિયાભરમાં ફેલાઈ રહી છે અને વેપારના મોટાભાગના ક્ષેત્રોમાં મંદી છે એવામાં સોનાની કિંમતમાં ઉછાળો કેમ આવી રહ્યો છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિશે અમે આઈ.આઈ.એમ. અમદાવાદમાં પ્રોફેસર અને ઇન્ડિયા ગોલ્ડ પૉલિસી સેન્ટરના ચૅરપર્સન ડૉ. અરવિંદ સહાય સાથે વાત કરી.
સોનામાં રોકાણ સુરક્ષિત?
રોકાણકારો અથવા લોકો ફાયદાની પાછળ ભાગે છે અને આ ફાયદો તેમને સ્ટૉક માર્કેટ, ફિક્સ ડિપોઝિટ, અનેક પ્રકારના બૉન્ડ અથવા સોનામાં નાણાં રોકવાથી મળે છે. પરિસ્થિતિ જ્યારે સામાન્ય હોય છે ત્યારે આ લાભ સ્ટૉક માર્કેટ, બૉન્ડ વગેરેમાંથી મળે છે.
પરંતુ જ્યારે વિશ્વની અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાની સ્થિતિ બની જાય છે તો રોકાણકારો સોના તરફ દોટ મૂકે છે. એમને લાગે છે કે સોનાથી તેમને નાણાંકીય સુરક્ષા મળશે અને એની કિંમત નહીં ઘટે. આને કારણે રોકાણકારોમાં સોનાની માગ વધી ગઈ છે. આ માગ પાછલા દોઢ વર્ષથી વધી રહી છે.
નવેમ્બર 2018માં સોનાની કિંમત 30,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતી. પરંતુ આજે એ જ સોનાની કિંમત 50,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચવા જઈ રહી છે. પાછલા ચાર મહિના પહેલા જોઈએ તો એની કિંમત 40-42 હજારની આસપાસ હતી.
એવું નથી કે આ અનિશ્ચિતતા માત્ર કોરોના વાઇરસને કારણે ઊભી થઈ છે. આ પહેલા ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રૅડ વૉરે પણ અનિશ્ચિતતાને વધારી હતી અને સોનાની કિંમતો વધી હતી. કોરોના વાઇરસે આની કિંમતોને વધુ તેજી આપી છે.
કોરોના વાઇરસે કેવી રીતે અસર કરી?
કોરોના મહામારીને કારણે લોકોની નોકરીઓ જતી રહી છે. અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર વધુ ઘટી ગયો છે. અગાઉ વૃદ્ધિદરમાં 5 ટકાનું અનુમાન મુકાયું હતું. પરંતુ હવે એમાં 6 ટકાના ઘટાડાની વાત કહેવાઈ રહી છે.
લોકો પાસે ખર્ચ કરવા માટે નાણાં નથી. દુકાનો-રેસ્ટોરાં, ઍરલાઇન્સ, રેલવે બંધ છે. જેમની પાસે નોકરીઓ જ નથી તેઓ એ મુશ્કેલીમાં છે કે તેમનું ઘર કેવી રીતે ચાલશે. આ બધાએ અનિશ્ચિતતા વધારી છે અને તે કોરોના વાઇરસ મહામારીને કારણે આવી છે.
આ અનિશ્ચિતતાએ લોકોમાં ડર ઉભો કર્યો છે જેને કારણે તેઓ ખર્ચ કરવા માટે તૈયાર નથી. પરંતુ તેઓ નાણાકીય સુરક્ષા ઇચ્છે છે. આ સુરક્ષા તેઓ સોનાનાં રોકાણમાં શોધી રહ્યા છે. આને કારણે રોકાણ વધ્યું છે.
ઉપરાંત સમગ્ર વિશ્વની મોટી-મોટી કેન્દ્રીય બૅન્કોએ સોનાની ખરીદદારી વધારી દીધી છે. એમાં ભારતની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, પીપલ્સ બૅન્ક ઑફ ચીન, ફૅડરલ રિઝર્વ જેવી બૅન્કો સામેલ છે.
5000 વર્ષ પહેલાં પણ સોનાને કિંમતી માનવામાં આવતું હતું. કારણ કે એવું મનાતું હતું કે સોનાનું મૂલ્ય હંમેશા વધે છે ઘટતું નથી. પરંતુ એની કિંમતમાં વધઘટ થતી રહે છે.
આઈ.આઈ.એમ. અમદાવાદના ઇન્ડિયા ગોલ્ડ પૉલિસી સેન્ટરનું અનુમાન છે કે આવનારા પાંચ છ મહિનાઓમાં સોનાની કિંમતો હજુ વધશે.
ભારતમાં સોનાની ખપત
ભારતમાં સોનાની માગ ત્રણ રીતે રહે છે. એક તો ઘરેણાં માટે, બીજું રોકાણ માટે અને ત્રીજું રિઝર્વ બૅન્ક પોતાની પાસે અનામત રાખવા માટે સોનું ખરીદે છે. દેશની રિઝર્વ બૅન્કમાં જેટલું સોનું હશે એને આધારે એ દેશનું ક્રૅડિટ રેટિંગ એટલું સારું રહેશે.
ભારતમાં સોનાની કિંમતો વધવાનું અન્ય એક કારણ રિઝર્વ બૅન્કે 2018-19માં 600 ટન સોનાની કરેલી ખરીદી પણ છે, એને કારણે માગ વધી અને સોનાની કિંમતો ઉપર ગઈ.
હાલ ભારતમાં ઘરેણાં માટે સોનાની જથ્થાબંધ માગમાં વધુ ઘટાડો છે પરંતુ રોકાણની માગ વધી ગઈ છે. ભારતમાં દર વર્ષે સોનાની ખપત 700થી 800 ટન છે. જેમાંથી એક ટન ઉત્પાદન ભારતમાં જ થાય છે જ્યારે બાકી આયાત કરવામાં આવે છે. એમાંથી પણ 60 ટકા ઘરેણાં માટે ઉપયોગમાં લેવાય છે, 30% સોનાનો બાર અથવા સિક્કાનાં રૂપમાં ઉપયોગ થાય છે. જ્યારે બાકીનો ઉદ્યોગ અથવા મંદિરમાં જાય છે.
ભારતીય અર્થવ્યવસ્થા પર શું અસર?
સોનાની કિંમતોમાં ઉતાર-ચઢાવથી ભારતની અર્થવ્યવસ્થા પર વધુ અસર નહીં પડે. આપણે સોનાની આયાત વધારે કરીએ છીએ જેને કારણે આ ફક્ત ટ્રેડ ડૅફિસિટ હેઠળ આવે છે. એનાથી વધારે સોનાનો અર્થવ્યવસ્થા પર વધુ પ્રભાવ નથી પડતો.
મહામારીને કારણે આપણે જે સ્થિતિમાં છીએ એનાથી સોનાને કારણે અર્થવ્યવસ્થા પર વધુ અસર થવાની નથી. પરંતુ સરકાર જો કેટલીક નીતિઓ બનાવે તો એને કારણે સોનાનો ઉપયોગ આપણે અર્થવ્યવસ્થા માટે કરી શકીએ છીએ.
આપણા દેશમાં લગભગ 25,000 ટન સોનું લોકો પાસે પડેલું છે. આમાંથી 10થી 12 હજાર ટન સોનુ શ્રીમંત લોકો પાસે છે. આ સોનું બૅન્કના લૉકરો અથવા ઘરની તિજોરીઓમાં પડ્યું છે. આ સોનાનો ઉપયોગ દેશની અર્થવ્યવસ્થામાં થઈ શકતો નથી.
સરકાર નીતિ બનાવીને આ સોનાને ઉપયોગમાં લાવી શકે છે. અને એનાથી નાણાં અર્થવ્યવસ્થામાં પહોંચાડી શકે છે. કારણ કે લૉકર અથવા તિજોરીમાં પડેલું સોનું ઉપયોગમાં નહીં લેવાયેલા નાણાં જેવું છે.
ઉદાહરણ તરીકે માની લો કે તમારી પાસે એક કિલો સોનું છે જેની કિંમત લગભગ 48 લાખ રૂપિયા થશે. એને ગીરવી મૂકવાથી લગભગ 80 ટકા સુધી રકમ મળશે. જેને કોઈ કારોબારમાં રોકી શકાય છે અથવા કર્મચારીઓને પગાર આપી શકાય છે. એટલે કે લૉકરમાં ઉપયોગ થયા વિના મુકાયેલું સોનું નાણાંમાં તબદીલ થઈ ગયું અને તે લોકોના હાથમાં પહોંચી ગયું. જેને કારણે આર્થિક ગતિવિધિમાં વધારો થયો.
આ બેકાર પડેલા સોનાના ઉપયોગનો સમય છે. કારણ કે તેનાથી આર્થિક ગતિવિધિમાં તેજી આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો