You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિલકીસ બાનો: નરેન્દ્ર મોદીની સાથે TIME મૅગેઝિનની યાદીમાં સામેલ 'શાહીનબાગનાં દાદી' કોણ છે?
TIME મૅગેઝિને 100 પ્રભાવશાળી લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે, આ લિસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથેસાથે એક એવો ચહેરો પણ સામેલ છે, જે મોદી સરકાર સામેના વિરોધપ્રદર્શનમાં સામેલ હતો, અને એ છે બિલકીસ બાનો.
નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) સામે દિલ્હીના શાહીનબાગમાં વિરોધપ્રદર્શન ચાલ્યું હતું અને આ પ્રદર્શનમાં 82 વર્ષીય મહિલા બિલકીસ બાનો પણ સામેલ હતાં.
બિલકીસ બાનોને પણ ટાઇમ મૅગેઝિને વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ કર્યાં છે.
નરેન્દ્ર મોદી, બિલકીસ બાનો સહિત ગૂગલના સીઈઓ સુંદર પીચાઈ, બોલીવૂડ અભિનેતા આયુષ્યમાન ખુરાના, એચઆઈવી શોધકર્તા પ્રોફેસર રવીન્દ્ર ગુપ્તા પણ સામેલ છે.
કોણ છે બિલકીસ બાનો?
નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએ સામે દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં થયેલા આંદોલનથી બિલકીસ બાનો ચર્ચામાં આવ્યાં હતાં.
બિલકીસ બાનોને 'શાહીનબાગનાં દાદી' નામે પણ ઓળખવામાં આવે છે.
તેઓ શાહીનબાગમાં સીએએ કાયદાને પરત લેવાની માગ સાથે અંદાજે 100 દિવસ ચાલેલા વિરોધપ્રદર્શનમાં સામેલ થયાં હતાં.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિલકીસ બાનો ઉત્તરપ્રદેશના બુલંદશહર જિલ્લાનાં રહેવાસી છે. તેમના પતિ અંદાજે 10 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા, જે ખેતમજૂરી કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં બિલકીસ બાનો દિલ્હીમાં પોતાનાં દીકરા-વહુ સાથે રહે છે.
ટાઇમ મૅગેઝિને બિલકીસ બાનો માટે લખ્યું છે કે "તેઓ ભારતમાં વંચિતોનાં અવાજ બન્યાં. તેઓ ઘણી વાર પ્રદર્શનસ્થળ પર સવારે આઠ વાગ્યાથી રાતે બાર વાગ્યા સુધી રહેતાં હતાં. તેમની સાથે અન્ય હજારો મહિલાઓ પણ હાજર રહેતાં હતાં અને મહિલાઓના આ પ્રદર્શનને 'પ્રતિરોધનું પ્રતીક' માનવામાં આવ્યું હતું."
મૅગેઝિને લખ્યું છે કે બિલકીસ બાનોએ સામાજિક કાર્યકરો, ખાસ કરીને વિદ્યાર્થીનેતાઓ, જેમને જેલમાં નાખી દીધા, તેમને સતત આશા બંધાવી અને એ સંદેશ આપ્યો કે 'લોકતંત્રને બચાવી રાખવું કેટલું જરૂર છે.'
શાહીનબાગ પ્રદર્શન દરમિયાન એક વાર ભારતના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે 'સીએએ પર અમે (મોદી સરકાર) એક ઈંચ પણ પાછળ નહીં હઠીએ.' તેના જવાબમાં બિલકીસ બાનોએ કહ્યું હતું, "જો ગૃહમંત્રી કહે છે કે તેઓ એક ઈંચ પણ પાછળ નહીં હઠે, તો હું કહું છું કે અમે એક વાળ બરાબર પણ પાછળ નહીં હઠીએ."
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદર્શનોએ હિંસકસ્વરુપ ધારણ કર્યું હતું અને બસ તથા વાહનોને આગ ચાંપવામાં આવી હતી. તેમજ રસ્તાઓ બ્લૉક કરવામાં આવ્યા હતા.
શું હતું શાહીનબાગનું પ્રદર્શન?
બહુચર્ચિત સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ 2019 વિરુદ્ધ દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
નવા કાયદા મુજબ, ત્રણ પડોશી રાષ્ટ્રમાં ઉત્પીડિત બિન-મુસ્લિમ સમુદાયના નાગરિકો ભારતમાં આશરો માગી શકશે.
બિલની જોગવાઈ મુજબ પાકિસ્તાન, અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર રીતે પ્રવેશેલા બિન-મુસ્લિમ સમુદાયના લોકો ભારતનું નાગરિકત્વ મેળવી શકશે.
ઍક્ટની જોગવાઈઓ મુજબ, પાડોશી રાષ્ટ્રના હિંદુ, બૌદ્ધ, શીખ, પારસી, જૈન અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતમાં આશરો લઈ શકશે, પરંતુ મુસ્લિમોને આશરો નહીં મળે.
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદર્શનોએ હિંસકસ્વરુપ ધારણ કર્યું હતું અને બસ તથા વાહનોને આગ ચાંપવામાં આવી હતી. તેમજ રસ્તાઓ બ્લૉક કરવામાં આવ્યા હતા.
ખાસ કરીને શાહીનબાગના વિરોધપ્રદર્શને દેશદુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.
શાહીનબાગમાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ થયાં હતાં અને મોટી ઉંમરનાં મહિલાઓએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો