You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#dragonfruit : ડ્રેગન ફ્રૂટ કમલમ બન્યું અને સોશિયલ મીડિયામાં છવાયો #SanskariFruitSabzi ટ્રૅન્ડ
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ગુજરાત સરકારે ડ્રૅગન ફ્રૂટનું નામ બદલીને કમલમ્ રાખવાનો નિર્ણય કર્યો છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે વિજય રૂપાણીએ કહ્યું કે ડ્રૅગન ફ્રૂટનો દેખાવ કમળ જેવો છે, એટલા માટે અમે તેને સંસ્કૃત નામ કમલમ્ આપીએ છીએ.
ગુજરાત સરકારે આ નામને પેટન્ટ કરાવવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ કાર્યાલયને પણ કમલમ્ નામથી ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં કચ્છ, નવસારી સહિત ઘણા જિલ્લામાં ડ્રૅગન ફ્રૂટની ખેતી થઈ રહી છે અને ખેડૂતો સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં શું છે પ્રતિક્રિયા?
તો ગુજરાત સરકારના આ નિર્ણય સામે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
લોકો સોશિયલ મીડિયામાં કેટલાંક મિમ બનાવીને શૅર પણ કરી રહ્યા છે. #SanskariFruitSabzi અને #dragonfruit #kamlam ટ્રૅન્ડ થઈ રહ્યું છે.
શેફ કુનાલ કપૂરે લખ્યું કે, ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ કર્યું. દેશની પ્રાથમિકતા હવે નક્કી થઈ ગઈ એવું લાગે છે. આપણે શહેરોના નામ બદલીને પણ સંતુષ્ટ નથી, આપણે ફળો અને શાકભાજીઓનાં નામ પણ બદલીશું. બાય ધ વે, ખાલી વાત કરું છું કે કોવિડ હજી છે, અર્થતંત્ર ડામાડોળ છે અને મહામારીની મધ્યમાં છીએ.
ન્યૂઝ ઍન્કર ચૈતીએ લખ્યું કે હું પપીતા (પપૈયું)નો બહિષ્કાર કરું છું કેમ કે એ પપી જેવું નથી લાગતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રકાર દીપલ ત્રિવેદીએ લખ્યું કે તમને જો આમાં કમળ ન દેખાતું હોય તો તમે એન્ટિ નેશનલ છો.
રાધાક્રિશ્નને લખ્યું કે હું એપલનું નામ બદલવાનું વિચારી રહ્યો છું.
ધવલ ઓડેદરાએ લખ્યું કે વિજય રૂપાણીજીને સુગર યાને કે ચીનીનું નામ સ્વાદિસ્ટમ કરવા ખાસ વિનંતી છે. ચીની ચીનથી આવેલું હોય એવું નામ લાગે છે.
ટ્વિટર પર યૂઝરે લખ્યું કે "ચીન (જેણે અરુણાચલ પ્રદેશમાં એક ગામનું નિર્માણ કર્યું)ની પ્રતિક્રિયામાં ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ્ રાખ્યું છે."
તો અન્ય એક યૂઝરે લખ્યું કે "તો હવે ડ્રેગન ફ્રૂટ લેવા માટે ફ્રૂટવાળા પાસે જવું પડશે કે ફૂલવાળા પાસે. એ જરા જણાવજો."
સોશિયલ મીડિયામાં લોકો અન્ય ભારતીય ફૂલ અને શાકભાજીનાં મિમ બનાવીને તેને પણ કંઈક નામ આપવા માટે કહી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો