You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મમતા બેનરજીની આદિત્ય ઠાકરે અને સંજય રાઉત સાથે મુલાકાત, વિપક્ષનો ચહેરો બનવાની તૈયારી?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી
- વાંચવાનો સમય: 4 મિનિટ
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી મંગળવારે શિવસેનાના નેતા સંજય રાઉત અને પર્યાવરણમંત્રી આદિત્ય ઠાકરેને મળ્યાં હતાં, આજે તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ એટલે કે એનસીપીના અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લેશે.
મમતા બેનરજીની આ બે મુલાકાતો સંદર્ભે રાજકીય સમીકરણોની ચર્ચા થઈ રહી છે; અત્યારે રાજકીય વર્તુળોમાં એક પ્રશ્ર ચર્ચાસ્પદ બન્યો છે કે શું દેશના રાજકારણમાં સૌથી મોટા વિપક્ષનું સ્થાન 'તૃણમૂલ કૉંગ્રેસ' લઈ લેશે?
એનું ઊડીને આંખે વળગે એવું કારણ છે - છેલ્લા થોડા સમયથી કૉંગ્રેસના ઘણા નેતાઓ, ખાસ કરીને પૂર્વોતર ભારતના નેતાઓ તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે.
એટલું જ નહીં ભાજપ છોડીને કૉંગ્રેસમાં આશાઓ સાથે જોડાયેલા કીર્તિ આઝાદ હોય કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કમલાપતિ ત્રિપાઠીના પૌત્ર રાજેશ ત્રિપાઠી પણ તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સંતોષ મોહન દેવનાં પુત્રી સુસ્મિતા દેવ અને અશોક તંવરે સૌપ્રથમ તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાઈ ગયાં છે.
જોકે તૃણમૂલ કૉંગ્રેસમાં કૉંગ્રેસ સિવાય અન્ય પક્ષના નેતાઓ પણ સામેલ થઈ રહ્યા છે. જનતા દળ (યુ)ના પવન વર્માએ પણ મમતાનો હાથ પકડી લીધો છે. પણ એકમાત્ર કૉંગ્રેસ જ એવો પક્ષ છે, જેણે ટીએમસી અને મમતા બેનરજીને સીધા નિશાન બનાવ્યાં છે.
નરેન્દ્ર મોદીના રસ્તે મમતા બેનરજી?
કોલકાતાના વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક નિર્માલ્ય મુખરજીનું માનવું છે કે, "અત્યારે મમતા બેનરજી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પગલે ચાલી રહ્યાં છે. વડા પ્રધાન મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી રહીને જે વ્યૂહરચના અપનાવી હતી એવી જ વ્યૂહરચના મમતાએ અપનાવી છે."
તેમનું કહેવું છે કે સતત ત્રણ વાર મુખ્ય મંત્રી બન્યાં પછી મોદીની મહત્ત્વાકાંક્ષાઓ વધી હતી અને તેમણે હવે પ્રાદેશિક રાજકારણ પરથી રાષ્ટ્રીય રાજકારણ પર નજર કરી છે.
નિર્માલ્ય મુખરજી કહે છે કે, "મમતા બેનરજીનો પણ બંગાળમાં પ્રચંડ વિજય થયો છે. હવે તેઓ પોતાને પશ્ચિમ બંગાળની રાજનીતિ સુધી મર્યાદિત રહેવા ઇચ્છતાં નથી. પશ્ચિમ બંગાળમાં તેમને જે હાંસલ કરવું હતું એ કરી લીધું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્લેષકોનું એવું પણ માનવું છે કે વિપક્ષ એકજૂથ નથી એટલે કૉંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકા ભજવી શકતી નથી. પક્ષમાં આંતરિક કલહ છે અને એના ઘણા વરિષ્ઠ નેતાઓ હજુ પણ બળવો કરવાના મૂડમાં જ છે.
મમતા - બનારસથી ચૂંટણી લડવાની ઇચ્છા
અત્યારે કૉંગ્રેસ દુવિધામાં છે. વરિષ્ઠ પત્રકાર જયશંકર ગુપ્ત કહે છે કે, મમતા બેનરજીએ અગાઉ પણ રાષ્ટ્રીય રાજનીતિમાં આવવાના ઘણા સંકેત આપ્યા છે. તેમણે બનારસમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
જયશંકર ગુપ્તનું કહેવું છે કે, "અગાઉ ટીએમસીએ બીજાં રાજ્યોમાં પગપેસારો કરીને સંગઠનને વધારવાનો વિચાર કર્યો નહોતો અને તેમનું સંપૂર્ણ ધ્યાન પશ્ચિમ બંગાળની રાજનીતિ પર કેન્દ્રિત હતું. હવે બંગાળમાં ડાબેરીઓ અને કૉંગ્રેસ બંને રાજકીય રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા છે."
ગુપ્ત માને છે કે રાજકીય વર્તુળો માને છે કે એકલા કૉંગ્રેસમાં ભાજપને પડકાર આપવાની ક્ષમતા નથી અથવા મુખ્ય વિપક્ષ તરીકે નેતૃત્વ કરવાની ક્ષમતા રહી નથી.
તેમનું કહેવું છે કે, "કૉંગ્રેસના સંગઠન કે એની વ્યૂહરચનામાં આ જ ખામીનો લાભ લેવાનો પ્રયાસ મમતા બેનરજી કરી રહ્યાં છે. વળી મમતા બેનરજી કોઈ પણ રાજ્યસભાના સાંસદ બનાવવાની કે અન્ય કોઈ મહત્ત્વપૂર્ણ પદ આપવાની ક્ષમતા હોવાથી અસંતુષ્ટો તૃણમૂલ કૉંગ્રેસ તરફ આકર્ષિત થઈ રહ્યાં છે."
જાણકારોનું માનવું છે કે મમતા બેનરજી કૉંગ્રેસનો વિકલ્પ બનવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પણ થોડા સમયમાં ભાજપને પણ તેમનો સામનો કરવો પડે એવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
તેઓ કહે છે કે, "ભાજપમાં ઘણા અસંતુષ્ટ નેતાઓ માટે તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થવાનો વિકલ્પ વધારે લાભદાયક છે. જ્યારે યશવંતસિંહાએ અગાઉથી જ મમતાનો હાથ પકડી લીધો છે, ત્યારે તૃણમૂલ કૉંગ્રેસ ભાજપના કેટલાક અસંતુષ્ટ નેતાઓનો સંપર્ક કરી રહી છે.
ભાજપ માટે મોટો પડકાર
દેશની રાજકીય હિલચાલ પર નજર રાખતાં લોકો માને છે કે મમતા અને ટીએમસીનો અન્ય રાજ્યોમાં પગપેસારો કૉંગ્રેસની સાથે ભાજપ માટે પણ મોટો પડકાર બની શકે છે. તેમણે આ માટે 13 રાજ્યોમાં તાજેતરમાં થયેલી પેટાચૂંટણીઓનાં પરિણામો ટાંક્યાં છે.
ગયા મહિને દેશમાં લોકસભાની ત્રણ અને વિધાનસભાની 29 બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ હતી. વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ફક્ત સાત બેઠકો ભાજપને મળી તો કૉંગ્રેસને આઠ.
બાકી તમામ બેઠકો પર પ્રાદેશિક રાજકીય પક્ષોનો દબદબો રહ્યો. લોકસભાની બેઠકોની પેટાચૂંટણીમાં પણ કૉંગ્રેસે હિમાચલ પ્રદેશની પ્રતિષ્ઠિત મંડી બેઠક પર ભાજપને આંચકાજનક પરાજય આપ્યો.
નિર્માલ્ય મુખરજી કહે છે કે, "તૃણમૂલ કૉંગ્રેસે પશ્ચિમ બંગાળની બહારના રાજકારણમાં પ્રવેશ કરવાનો પ્રયાસ અગાઉ પણ પણ કર્યો છે. તેઓ વર્ષ 2012માં ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીની ચર્ચા કરીને કહે છે કે એ સમયે મથુરા જિલ્લાની માંટ વિધાનસભા બેઠકથી તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર શ્યામસુંદર શર્માનો વિજય થયો હતો. જોકે પછી શર્મા પક્ષપલટો કરીને બહુજન સમાજ પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા."
તૃણમૂલ 10 રાજ્યોમાં ફેલાઈ જશે?
નિર્માલ્ય મુખરજીનું અનુમાન છે કે વર્ષ 2024માં આગામી લોકસભાની ચૂંટણી સુધી તૃણમૂલ કૉંગ્રેસ 10 રાજ્યોમાં ફેલાઈ જશે.
તેમનું કહેવું છે કે, ટીએમસી હાલ તો ભાજપ માટે પડકારજનક નથી, કારણ કે અત્યારે એનો ઉદ્દેશ મુખ્ય વિરોધ પક્ષ તરીકે સ્થાન મેળવવાનો છે. હાલ કૉંગ્રેસને મુખ્ય વિરોધ પક્ષ ગણવામાં આવે છે.
જોકે જયશંકર ગુપ્ત માને છે કે ફક્ત બે વર્ષમાં આવું શક્ય નથી, કારણ કે લોકસભાની તમામ બેઠકોમાંથી 50 ટકા બેઠકો પર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે.
અલબત્ત તેઓ કહે છે કે અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, એમકે સ્ટાલિન અને નવીન પટનાયક જેવા મજબૂત પ્રાદેશિક નેતાઓ અને પ્રાદેશિક પક્ષોની મદદ સાથે મમતા બેનરજીને મુખ્ય વિપક્ષ તરીકે પોતાને સ્થાપિત કરવામાં સફળતા મળી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો