You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : મધરાતે એક ભૂલ કરી અને ઝડપાઈ ગયા કૉલ કરીને અમેરિકનોને લૂંટનારા
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પોલીસને વાડજ વિસ્તારના સીમંધર ફ્લૅટ્સમાં દારૂની લે-વેચ થતી હોવાની બાતમી મળી
- પોલીસે સ્થળતપાસ કરતાં ફ્લૅટમાંથી એક દારૂની બૉટલ સાથે બે લોકો મળી આવ્યા
- પોલીસને શંકા જતાં ઍક્સપર્ટ બોલાવીને મોબાઇલ અને લૅપટોપની તપાસ કરાવડાવી
- લૅપટોપની તપાસ બાદ આગળ શું થયું તે જાણવા માટે વાંચો સમગ્ર અહેવાલ
અમદાવાદ પોલીસને બાતમી મળી હતી કે તેમની વાડજ વિસ્તારમાં આવેલા સીમંધર ફ્લૅટ્સમાં દારૂની લે-વેચ થાય છે. પોલીસે દરોડો પાડતાં એક દારૂની બૉટલ તો મળી આવી હતી પણ ઘરમાં રહેતા 27 વર્ષીય યુવાનના લૅપટોપ અને ફોનમાંથી એવા પુરાવા મળ્યા કે જેનાથી અમેરિકન નાગરિકોને છેતરવાનું આખું કૌભાંડ છતું થયું.
વાડજ પોલીસસ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રકાશ સિંઘે દરોડા વખતે બનેલી ઘટનાઓ અંગે વિગતવાર જણાવ્યું હતું. તેમના અનુસાર બાતમીવાળી જગ્યાએ જઈને તપાસ કરતાં ત્યાં 27 વર્ષીય હર્ષિલ શાહ નામનો યુવક રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
તે સમયે ઘરમાં હર્ષિલ 'સુડો' નામે અંગ્રેજીમાં વાત કરતા હતા. ઘરની તપાસ કરતાં તેમની પાસે મોંઘાદાટ ફોન, લૅપટોપ અને વિદેશી દારૂની એક બૉટલ મળી આવી હતી.
પોલીસ અનુસાર દારૂની બૉટલ મળતાં હર્ષિલે કહ્યું કે તે અમેરિકાની બૅન્કમાં કામ કરે છે અને વિદેશથી આવ્યા હોવાથી તેની પાસે પરમિટ છે. પરમિટ માગતાં તે રજૂ કરી શક્યા ન હતા.
જોકે, તેમનું વર્તન અને ફોન તેમજ લૅપટોપ શંકાસ્પદ લાગતાં પોલીસે તેની ચકાસણી માટે સાઇબર ઍક્સપર્ટને બોલાવ્યા હતા.
સાઇબર ઍક્સપર્ટે ફોન અને લૅપટોપની તપાસ કરતાં સીમંધર ફ્લૅટ્સના એ મકાનમાંથી ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કૉલ સેન્ટર ચાલતું હોવાનું સામે આવ્યું હતું.
'એની દારૂ પીવાની આદતના કારણે સંપર્કમાં રહેતો ન હતો'
27 વર્ષીય હર્ષિલ શાહ છેલ્લા ત્રણ મહિનાથી સીમંધર ફ્લૅટ્સમાં સાતમા માળે ઘર ભાડે રાખીને રહેતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, હર્ષિલ આ પહેલાં કોલકાતા રહેતા હતા. જ્યાં એક કૉલ સેન્ટરમાં કામ કર્યા બાદ તેમણે અમદાવાદ આવીને ઘરમાંથી ખુદનું કૉલ સેન્ટર ચલાવતા હતા.
હર્ષિલ શાહે અમદાવાદમાં જ એક ખાનગી કોચિંગ ક્લાસમાંથી કૉમ્પ્યૂટરને લગતા કોર્સ કર્યા હતા. તેમની સાથે અભ્યાસ કરનારા ભાવિક મહેતાએ બીબીસીને જણાવ્યું કે તેમણે સાથે કૉમ્પ્યૂટરની જાવા, પીએચપી અને સી પ્લસ જેવી લૅન્ગવેજ શીખી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાવિક આગળ કહે છે, "કોર્સ પૂરો થયા બાદ અમે સાથે નોકરી શોધતા હતા. મને અમદાવાદમાં નોકરી મળી ગઈ અને હર્ષિલને કોલકાતામાં."
કોલકાતામાં નોકરી કરીને અમદાવાદ પરત આવ્યા બાદ હર્ષિલ ભાવિકને મળ્યા હતા. આ મુલાકાત અંગે ભાવિક કહે છે, "મળ્યા ત્યારે એ મને ઝડપથી પૈસા કમાવવાની વાતો કરતો હતો. પણ એની દારૂ પીવાની આદતના કારણે હું તેના વધુ સંપર્કમાં રહેતો ન હતો અને મેં એની વાતને ગંભીરતાથી પણ ના લીધી."
કેવી રીતે કરાતી હતી છેતરપિંડી?
વાડજ પોલીસસ્ટેશનના પીઆઈ સી. જી. જોશી આ કેસની તપાસ કરી રહ્યા છે. તેમણે છેતરપિંડીની મૉડસ ઑપરેન્ડી વિશે વાત કરતાં કહ્યું કે હાલમાં હર્ષિલ સામે ગેરકાયદેસર કૉલ સેન્ટર ચલાવવાનો અને દારૂ રાખવાનો ગુનો દાખલ કર્યો છે.
તેઓ કહે છે, "હર્ષિલ પોતાના લૅપટોપને મોબાઇલના હૉટસ્પોટ સાથે કનેક્ટ કરીને અમેરિકન નાગરિકોને લૉન આપવાના બહાને સંપર્ક કરતો હતો. તે વિવિધ વેબસાઇટ હૅક કરીને અમેરિકન નાગરિકોનો ડેટા એકઠો કરતો હતો."
પોલીસને હર્ષિલ પાસેથી કેટલીક બૅન્કનાં ડૉક્યુમેન્ટ અને લૅટરપેડ મળી આવ્યાં છે. જેના પર લૉનની શરતો અને અન્ય માહિતી લખેલી છે.
પીઆઈ જોશી કહે છે, "હર્ષિલ બૅન્ક અધિકારી તરીકે ઓળખ આપીને અમેરિકનોને આકર્ષક વ્યાજ દરે લૉન આપવાનું કહેતો હતો. જે લોકો લૉન લેવા તૈયાર થઈ જતા હતા. તેમની પાસેથી વૉલમાર્ટ, ઍપલ અથવા તો ગૂગલ પ્લેના ગિફ્ટ કાર્ડ દ્વારા પ્રોસેસિંગ ફી પેટે પૈસા મંગાવતો હતો. બાદમાં આ ગિફ્ટ કાર્ડને ભારતીય ચલણમાં કન્વર્ટ કરાવીને તે રોકડા મેળવી લેતો હતો."
હર્ષિલ શાહે અત્યાર સુધી આ રીતે કેટલા લોકોને છેતર્યા છે અને કેટલા પૈસા એકઠા કર્યા છે તે જાણવા પોલીસે તેમના ફોન અને લૅપટોપને એફએસએલમાં મોકલ્યા છે.
અમદાવાદ પોલીસ માટે સાઇબર ઍક્સપર્ટ તરીકે કામ કરતા નેહલ દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ગિફ્ટ કાર્ડમાંથી પૈસા કન્વર્ટ કરવા સરળ હોય છે. આ જ કારણથી ઍપલે ઍડવાઇઝરી પણ જાહેર કરી છે કે ક્યારેય ઍપલ કે આઈટ્યુન્સના ગિફ્ટકાર્ડ દ્વારા કોઈ પણ અન્ય બિલની ચૂકવણી ન કરવી."
શું કહે છે પાડોશીઓ?
હર્ષિલ શાહે જ્યારથી સીમંધર ફ્લૅટ્સમાં ઘર ભાડે લીધું હતું. ત્યારથી તે કોઈની સાથે હળતામળતા ન હતા. તે મોડીરાત સુધી ઘરમાં બેસીને કામ કર્યા કરતા હતા. બપોરના સમયે જોરજોરથી મ્યુઝિક સાંભળવાની આદતના કારણે એકાદ વખત સોસાયટીના લોકો સાથે બોલાચાલી પણ થઈ હતી.
સીમંધર ફ્લૅટ્સમાં રહેતા પ્રજ્ઞેશ પટેલ કહે છે કે હર્ષિલના ફ્લૅટમાં લોકોની અવરજવર વધારે રહેતી હતી. એ ભાગ્યે જ બહાર નીકળતા હતા. આખો દિવસ ઘરમાં રહેવાની સાથે તેઓ વારંવાર મોડી રાત્રે ભોજન મંગાવતા રહેતા હતા.
પ્રજ્ઞેશ પટેલનું કહેવું છે કે નવરાત્રી દરમિયાન બનેલી એક ઘટનાને કારણે હર્ષિલ બધાની નજરમાં આવી ગયા હતા.
એ કિસ્સા વિશે તેઓ જણાવે છે, "સોસાયટીમાં બધાએ નક્કી કર્યું કે રાત્રે બહારના લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકીએ. નવરાત્રી ચાલી રહી હતી અને એ દિવસે હર્ષિલનું જમવાનું ડિલિવર કરવા એક વ્યક્તિ મોડી રાત્રે આવી."
"ડિલિવરી બૉયને સોસાયટીના ગેટ પર રોકવામાં આવ્યો અને હર્ષિલને ગેટ પર આવીને જમવાનું લઈ જવા કહેવાયું."
પ્રજ્ઞેશ પટેલના જણાવ્યા મુજબ, હર્ષિલ રાત્રે અઢી વાગ્યે દારૂ પીને નીચે ઊતર્યા હતા અને સોસાયટીના લોકો સાતે ઝઘડો કર્યો હતો. લોકોએ તેમને સમજાવ્યા પણ ખરા. તેમ છતાં તેઓ ન માન્યા. હર્ષિલના ઘરે દારૂ વેચનારા બૂટલેગરો પણ આવતા હતા. જેમને રોકવાનો પ્રયાસ કર્યો તો પાછા ઝઘડા શરૂ થઈ ગયા હતા.
જેથી કંટાળીને સોસાયટીના લોકોએ જ પોલીસને જાણ કરી હતી કે હર્ષિલનાં ઘરમાં દારૂની લે-વેચ થાય છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો